જરુરિયાતના સમયમાં એકબીજાને મદદરુપ થવાની ભાવના

ઝાકી કૂપર Tuesday 07th November 2017 04:26 EST
 
 

મારી દીકરીઓ જ્યારે શાળાએ જાય ત્યારે તેમને સિક્યુરિટી ગાર્ડ્સની ચોકી હેઠળના ગેટમાં થઈને પસાર થવું પડે છે. ૨૧મી સદીના લંડનમાં એન્ટ-સેમિટિઝમના જોખમને ધ્યાનમાં લેતાં યહુદી જીવનની આ વરવી વાસ્તવિકતા છે. આ જ પ્રમાણે ફૂટબોલર ગેરી નેવિલે જ્યૂઈશ હોલિડે પર માન્ચેસ્ટરમાં ડ્રાઈવિંગ કરી પસાર થયા પછી તાજેતરમાં ટ્વીટ કર્યું હતું કે સિનેગોગ્સની બહાર આટલી મોટી સંખ્યામાં સુરક્ષા ચોકિયાતોને પેટ્રોલિંગ કરતા જોવાં કેટલું હતાશાજનક હતું. મારી આ લેખમાળાનો ત્રીજો મણકો પૂર્વગ્રહ વિશે છે. પોતાના ધર્મ અથવા જાતિના કારણે ભેદભાવનો સામનો કરવો અથવા અલગાવનો ભોગ બનવું એટલે શું તેની ભારતીય સમુદાયોને બરાબર જાણ છે. શેરીમાં નીચા મોંએ ચાલવું અને તેમની ઓળખના કારણે જ શોષણનો શિકાર બનવું એટલે શું તે પણ તેઓ જાણે છે. આ જ પ્રમાણે યહુદી કોમ્યુનિટી પણ દમન-અત્યાચાર અને એન્ટિ-સેમિટિઝમના શિકાર બનવાનો લાંબો ઈતિહાસ ધરાવે છે અને દુઃખની વાત એ છે કે આજે પણ તે યથાવત છે.

હું એન્ટિ-સેમિટિઝમના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ વિશે કશુંક કહેવા ઈચ્છું છું. હું માનું છું કે એન્ટિ-સેમિટિઝમ માત્ર યહુદીઓની સમસ્યા નથી પરંતુ, સમગ્ર સમાજની સમસ્યા છે. ઈતિહાસે આપણને દર્શાવ્યું છે કે મોટા ભાગે તે વ્યાપક વંશીય અને ધાર્મિક પૂર્વગ્રહનો ઘેટાંવાદ છે. એન્ટિ-સેમિટિઝમનો આરંભ કદાચ યહુદીઓ સાથે થયો હશે પરંતુ, તે સામાન્યપણે સમાજની મૂળભૂત વિકૃતિ કે કદરુપતાનું પ્રતિબિંબ છે. હું માનું છું કે આપણી દરેક કોમ્યુનિટીઓમાં ઘૃણાનો સામનો કરવાની જવાબદારી ધરાવતા લોકો માટે કેટલાક સહાયકારી બોધપાઠ અને જ્ઞાન હાજર છે.

સૌપ્રથમ, ભૂતકાળમાં નજર દોડાવીએ તો, યહુદી પ્રજાનો ઈતિહાસ સદીઓની ઘૃણા-તિરસ્કારથી હાનિકારક રહ્યો છે. એન્ટિ-સેમિટિઝમના પ્રાથમિક સ્વરુપો ખ્રિસ્તીઓ તરફથી ઉભા થયા જેમણે જિસસની હત્યાનું દોષારોપણ યહુદીઓ પર કર્યું. આ કોઈ લાંબા થીઓલોજિકલ પ્રતિપાદનનું સ્થળ નથી. આ વિષય પર અસંખ્ય પુસ્તકો લખાયાં છે. જિસસના ક્રુસિફિકેશન માટે યહુદીઓ જવાબદાર હોવાનું માનવાના ઘણા ઓછાં કારણ છે અને તેમ ન હોવાનું માનવાના અગણિત કારણ છે. પરંતુ, આ વિચારે જડમૂળ નાંખ્યા છે અને યુરોપ અને અન્યત્ર યહુદીઓ પર ભયાનક હુમલાઓ થતા રહ્યા. શરમજનક એ છે કે યુકે આ મામલે મોખરે રહ્યું હતું. ‘બ્લડ લાઈબલ’ એટલે કે યહુદીઓ તેમની ધાર્મિક વિધિઓમાં બિનયહુદીઓની હત્યા કરી તેમનું રક્તપાન કરે છે તેવા આક્ષેપનું મૂળ આ દેશમાં જ છે. સૌપ્રથમ ઘટના ૧૧૪૪માં નોરવિચમાં ક્રિશ્ચિયન છોકરો હ્યૂજની હત્યાની હતી, જેમાં યહુદીઓ પર આળ લગાવાયું અને તે પછી તેમના પર હુમલા થયા હતા. મધ્ય યુગમાં યહુદીઓ પ્રત્યે શત્રુતાનું વાતાવરણ એટલી હદે પ્રસરી ગયું હતું કે કિંગ એડવર્ડ પહેલાએ ૧૨૯૦માં યહુદીઓની હકાલપટ્ટી (અને ૧૭મી સદી સુધી તેઓ પુનઃસ્થાપિત થયા ન હતા) કરી હતી.

યહુદીવિરોધનો ઈતિહાસ દર્શાવે છે કે તે વિરોધાભાસી દાવાઓ માટે નોંધપાત્ર રહ્યો છે. યહુદીઓ ધનવાન અને ગરીબ, મૂડીવાદી અને સામ્યવાદી તેમજ કોસ્મોપોલિટન અને સ્થાનીય હોવાના કારણે પણ તિરસ્કારને પાત્ર બનતા રહ્યા છે. આ તિરસ્કારની સરખામણી વાઈરસ સાથે કરાય છે, જે વિકૃતપણે ફેલાતો રહે છે. કોઈક સમયે તે ધર્મ આધારિત હોય અને સમયાંતરે જાતિ-વંશ તેનું કેન્દ્ર બની રહે છે. નાઝીઓની માન્યતા હતી કે તેમની આર્યન જાતિ યહુદીઓ કરતાં ઊંચી-શ્રેષ્ઠ હતી, જે ૬૦ લાખ યહુદીઓની હત્યા, જાતિનિકંદન-હોલોકાસ્ટ કરુણાંતિકાનું માળખું બની રહી. વર્તમાનકાળમાં આધુનિક એન્ટિ-સેમિટિઝમ વિશ્વની દુર્દશા માટે ઈઝરાયેલને જવાબદાર ગણે છે.

આ મુદ્દો આપણને વર્તમાન એન્ટિ-સેમિટિઝમ તરફ લઈ આવે છે. કેટલાક વર્ષો અગાઉ તે માત્ર અતિ-જમણેરી સુધી સીમિત રહ્યો હતો, આજે તે ઈસ્લામિક કટ્ટરવાદમાં અને તથાકથિત ‘ન્યૂ લેફ્ટ’ (લેબર પાર્ટીમાં અસંખ્ય એન્ટિ-સેમિટિક ઘટનાઓની સમસ્યા તેના પરિણામરુપ છે)માં પણ જોવા મળે છે. એન્ટિ-સેમિટિક ઘટનાઓ વિશે ઓગસ્ટમાં પ્રસિદ્ધ તાજા સર્વેમાં દર્શાવ્યા અનુસાર વર્ષના પૂર્વાર્ધમાં યુકેમાં આવી ૭૬૭ ઘટના નોંધાયેલી હતી, જે વર્ષ ૨૦૧૬માં આ જ સમયગાળામાં નોંધાયેલી ૫૮૯ ઘટનાઓમાં ૩૦ ટકાનો ઉછાળો દર્શાવે છે. જ્યૂઈશ કોમ્યુનિટી હુમલાઓમાં વૃદ્ધિ અનુભવી રહી છે પરંતુ, તે નાસીપાસ નથી. પરિસ્થિતિ નિરાશાજનક છે પરંતુ, જે સંજોગોનો એટલે કે ૧૯૩૦ના દાયકામાં જર્મનીમાં યહુદીઓએ સામનો કર્યો છે તેની સાથે કોઈ પણ રીતે સરખામણી થઈ શકે તેમ નથી. યહુદીઓને આશ્વસ્ત કરનારા પરિબળોમાં એક એ છે કે કોમ્યુનિટીએ પોતાનું જ સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે. તેની પોતાની સંસ્થા કોમ્યુનિટી સિક્યુરિટી ટ્રસ્ટ (CST) શાળાઓ, સિનેગોગ્સ અને અન્ય કોમ્યુનિટી બિલ્ડિંગ્સની સુરક્ષા કરે છે. ઘણી વખત CSTએ હિન્દુ કોમ્યુનિટીને તેની આગવી સુરક્ષા વ્યવસ્થા સંબંધે સલાહ આપવા ગાઢપણે કાર્ય કર્યું છે અને નીસડન ટેમ્પલ તેનું ઉદાહરણ છે. આ પ્રકારે પારસ્પરિક કોમી સહકાર આપણી બે કોમ્યુનિટીઓ વચ્ચે ગાઢ વિશ્વાસના સેતુનું નિર્માણ કરે છે અને સરકાર પણ તેને આવકારે છે.

મેં ભૂતકાળ અને વર્તમાનની તો વાત કરી પરંતુ, ભવિષ્યનું શું? એન્ટિ-સેમિટિઝમનું પ્રમાણ ઘટે તે મુશ્કેલ બાબત છે. ઉદ્દામવાદી ઈસ્લામિક જોખમો વધે છે અને સોશિયલ મીડિયા મારફત ઘૃણાના પ્રસારની ચેનલ્સ વધી રહી છે ત્યારે આપણે સાવધ રહીએ તે આવશ્યક છે. એક સુપ્રસિદ્ધ સૂત્ર કહે છે કે,‘સતત સાવધાની જ શાંતિની કિંમત છે.’

સ્વાભાવિક રીતે જ તમામ આસ્થા અને વંશીય કોમ્યુનિટીઓ, ખાસ કરીને જેમની દેખીતી ઓળખ શક્ય છે તેઓ ભેદભાવનો શિકાર બને છે અને આપણે એકબીજા માટે ખબરદાર રહેવાની જરુર છે. હું એન્ટિ-સેમિટિઝમને વખોડતાં બિનયહુદી લોકોને આવકારું છું ત્યારે, આપણે શક્ય હોય ત્યાં એકબીજા સાથે રહેવું જોઈએ. આની સાથોસાથ આપણે પોતાને એ દેશમાં રહેવા માટે ભાગ્યશાળી ગણવા જોઈએ, જે સહિષ્ણુતા અને સહકારના મૂલ્યોને ઉત્તેજન આપે છે એટલું નહિ, આ મૂલ્યોને જીવે છે અને તેના અમલ માટે કાયદાનું શાસન ધરાવે છે.

(લેખક ઝાકી કૂપર ‘ઈન્ડિયન જ્યૂઈશ એસોસિયેશન’ની એડવાઈઝરી કાઉન્સિલમાં સભ્ય છે.)  


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter