આગામી ચૂંટણીઃ આપણા હિત માટે આપણી ફરજ મતદાન

Tuesday 03rd February 2015 14:06 EST
 

વડીલો સહિત સહુ વાચકમિત્રો, લોકશાહી પરંપરાના જન્મદાતા બ્રિટનમાં સંસદીય ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જાહેર થયેલા સમયપત્રક અનુસાર, આગામી સાતમી મેના રોજ દેશભરમાં પાર્લામેન્ટરી ચૂંટણીઓ માટે મતદાન થશે. મતલબ કે આ અંકના પ્રકાશનથી બરાબર ૯૦ દિવસ બાદ. તમે એમ પણ કહી શકો કે ચૂંટણી દેશના આંગણે આવીને ઉભી છે. આ વખતે સામાન્ય ચૂંટણીઓ બરાબર પાંચ વર્ષના અંતરાલ પછી યોજાઇ રહી છે. ગત ચૂંટણી સુધી દેશના વડા પ્રધાનને વિશેષાધિકાર હતો કે તેઓ (પાંચ વર્ષની નિયત મુદત પૂરી થતાં પૂર્વે) કોઇ પણ સમયે સંસદનું વિસર્જન કરીને ચૂંટણીઓની જાહેરાત કરી શકતા હતા. જોકે વર્તમાન યુતિ સરકારે નવો બંધારણીય સુધારો લાગુ કરીને પાંચ વર્ષની મુદત પૂરી થયા પૂર્વે ચૂંટણીઓ જાહેર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ચૂંટણીમાં હાઉસ ઓફ કોમન્સ માટે કુલ ૬૫૦ સંસદ સભ્યો ચૂંટાય છે. જ્યારે ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડસ - જેને તમે ભારતની રાજ્યસભા ગણાવી શકો - માટે લોકપ્રતિનિધિઓની પસંદગી ઇલેક્શનથી નહીં, પણ સિલેક્શનથી થતી હોય છે. જેમાં વર્ષોજૂની પરંપરાના ભાગરૂપે અગાઉ બિશપ જેવા ખ્રિસ્તી ધર્મના અગ્રણીઓ કે તેમના પ્રતિનિધિઓ તેમજ મસમોટા જમીનદારોની નિમણૂક થતી હતી. સમય જતાં આ પરંપરાનું સ્વરૂપ ભલે બદલાયું હોય, પણ તે શિરસ્તો છે. હાઉસ ઓફ લોર્ડસમાં બિરાજતા પુરુષ સભ્ય લોર્ડ તરીકે ઓળખાય છે તો સ્ત્રી સભ્ય બેરોનેસ તરીકે સંબોધાય છે. સામાન્ય પરંપરા એવી રહી છે કે વડા પ્રધાન શાસક-વિપક્ષ સાથે વિચારવિનિમય કરે અને હાઉસ ઓફ લોર્ડસના સભ્યની વરણી કરવા મહારાણીને ભલામણ કરે. ઉદાહરણ તરીકે, હવે પાર્લામેન્ટના વિસર્જનનું કાઉન્ટડાઉન્ટ શરૂ થયું છે ત્યારે વડા પ્રધાને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષની પાટલીએ બેસતા સભ્યો સાથે ચર્ચા કરીને હાઉસ ઓફ લોર્ડસ માટે ૬૦ નવા નામો પસંદ કરી લીધા હોવાના અહેવાલ છે.
વાચક મિત્રો, આપ સહુ એ બાબતથી માહિતગાર હશો જ કે લોર્ડ કે બેરોનેસની નિમણૂક આજીવન હોય છે. આ નિમાયેલા સભ્યોમાં લેબર, લિબ-ડેમ, કન્ઝર્વેટિવના સભ્ય પણ હોય તો વળી કેટલાક ક્રોસ બેન્ચર્સ (સાદા શબ્દોમાં કહીએ તો અપક્ષ) પણ હોય. હાઉસ ઓફ લોર્ડસમાં હાજરી આપનાર લોર્ડ કે બેરોનેસને પ્રતિદિન હાજરી બદલ ૩૦૦ પાઉન્ડનું ભથ્થું ચૂકવાય છે. આ ઉપરાંત નિવાસસ્થાનથી હાઉસ ઓફ લોર્ડસ સુધી આવવા જવાનું ભાડું, ટેલિફોન, રહેઠાણ ભથ્થું સહિતના અન્ય આર્થિક લાભો અલગ.
હાઉસ ઓફ કોમન્સનું માળખું આનાથી તદ્દન અલગ છે. અહીં સભ્યની પસંદગી સિલેક્શનથી નહીં, ઇલેક્શનથી થાય છે. દરેક વિસ્તારમાંથી એક સંસદસભ્ય ચૂંટાય છે. દરેક મતવિસ્તારમાં સરેરાશ ૬૦ હજારથી ૭૦ હજાર મતદાર હોય. સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર વિજયી બને - પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં માત્ર એક જ મત વધુ મળ્યો હોય તો પણ. આથી જ તો ચૂંટણીમાં એક-એક મત મૂલ્યવાન ગણાય છે. દરેક સંસદસભ્યને વર્ષેદહાડે ૭૦થી ૭૫ હજાર પાઉન્ડનું વેતન મળે છે. આ ઉપરાંત અન્ય ભાડાં-ભથ્થાં અલગ. સેક્રેટરી સહિતનો પ્રાઇવેટ સ્ટાફ, ઓફિસ સુવિધા વગેરે માટે પણ એકાદ લાખ પાઉન્ડ સુધી ખર્ચી શકે.
આ લોકપ્રતિનિધિઓને રાજાના કુંવરની જેમ સાચવવામાં આવે છે તેનું કારણ શું? બ્રિટિશ પરંપરા ઇચ્છે છે કે હાઉસ ઓફ કોમન્સનો દરેક સભ્ય તેના મતદારોની જ નહીં, તે વિસ્તારના પ્રત્યેક નાગરિકની સુખસુવિધાના જતન માટે સમર્પિત હોવો જોઇએ. તેને એટલા વેતન-ભથ્થા મળવા જોઇએ કે જેથી તે પોતાના આર્થિક નિર્વાહની ચિંતા છોડીને સમાજકલ્યાણ પર ધ્યાન કેન્દ્રીત કરી શકે.
અલબત્ત, ઉદાર આર્થિક સવલતો છતાં, ભૂતકાળમાં કેટલાક સંસદસભ્યો અને લોર્ડસ તેમને મળતાં ભાડાં-ભથ્થાનો ગેરલાભ મેળવતાં ઝડપાયાં હતા અને તેમની સામે યોગ્ય કાનૂની કાર્યવાહી પણ થઇ હતી. જોકે આ તો છીંડે ચઢ્યો તે ચોર. કેટલાક એવા પણ હશે જ જેઓ ગેરરીતિ કરવા છતાં, વધુ કાબેલ હોવાથી કાયદા-કાનૂનની નજરમાંથી છટકી ગયા હશે. જોકે આમ છતાં એટલું તો કબૂલવું જ રહ્યું કે સરકારના વહીવટમાં સંકળાયેલા સંસદસભ્યો કે લોર્ડસમાંથી ગણ્યાંગાંઠ્યાને બાદ કરતાં બહુમતી વર્ગ પ્રામાણિક કે મતદાર સમર્પિત હોય છે.બહુ અલ્પ પ્રમાણમાં સંસદસભ્ય કે લોર્ડસ અઘટિત કાર્યમાં સામેલ થતા હોય છે. આથી જ તો આ દેશમાં જીવંત લોકશાહી ધબકે છે.
વાચક મિત્રો, આ અર્થમાં જોઇએ તો... આપણે સહુ મતદારો જ લાયક ઉમેદવાર ચૂંટવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોઇએ છીએ. આપણો એક-એક મત લાયક અને ના-લાયક ઉમેદવાર ચૂંટવામાં નિર્ણાયક સાબિત થતો હોય છે. આ જ વાતને જરાક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં નિહાળીએ તો, આપણે વિચારપૂર્વકના મતદાન, યોગ્ય ઉમેદવારની પસંદગી દ્વારા સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં અમૂલ્ય ફાળો આપીએ છીએ.
બ્રિટનમાં સંસદીય ચૂંટણીઓ ૭ મેના રોજ યોજાવાનું ભલે નિશ્ચિત હોય, પણ પરિણામ અનિશ્ચિત જણાય છે. લેબર, કન્ઝર્વેટિવ, લિબ-ડેમ કે UKIPમાંથી ક્યો પક્ષ ચૂંટણીમાં બાજી મારી જશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ જણાય છે. મે-૨૦૧૦ની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટી મુખ્ય પક્ષો તરીકે ઉભર્યા હતા. સૌથી વધુ બેઠકો કન્ઝર્વેટિવ પાર્ટી (૩૦૩), જ્યારે બીજા નંબરે લેબર (૨૫૭) અને ત્રીજા નંબરે લિબ-ડેમે (૫૬) બેઠક મેળવી હતી.
જોકે આ વખતે રાજકીય ક્ષિતિજ પર કંઇક અલગ જ ચિત્ર ઉપસી રહ્યું છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ લિબ-ડેમે ગત ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતી હતી, પણ આ વખતે તેનો રકાસ નક્કી જણાય છે. રાજકીય વિશ્લેષકોની વાત માનીએ તો, ગત ચૂંટણીમાં ૫૬ બેઠકો જીતનાર લિબ-ડેમ આ વખતે ૨૮ બેઠકો જીતે તો પણ ભયો ભયો. પક્ષ લોકનજરમાંથી ઉતરી ગયો છે તેનું મુખ્ય કારણ એ છે કે સંવેદનશીલ પક્ષ તરીકેની ઓળખ ધરાવતા લિબ-ડેમની નેતાગીરીએ મૂડીવાદી માનસ ધરાવતી કન્ઝર્વેટિવ પાર્ટી સાથે સત્તામાં ભાગીદારી કરી છે. સરકારમાં ભાગીદારી હોવા છતાં બન્ને વચ્ચે અનેક મુદ્દે મતભેદ પ્રવર્તે છે. સરકારમાં આવા મતભેદોના પરિણામે કાં તો નીતિવિષયક નિર્ણયો ખોરંભે પડતા હોય છે, કાં તો આવા મુદ્દે નિર્ણયો લેવામાં બિનજરૂરી વિલંબ થતો હોય છે. સરવાળે લોકમાનસમાં એવી છાપ ઉપસી છે કે રાજકીય ખેંચતાણ આમ પ્રજાજન માટે કેટલાક અંશે નુકસાનકારક સાબિત થઇ છે. આમ જશ ભલે કોઇને ન મળ્યો, પણ અપજશ લિબ-ડેમને મળ્યો છે. લિબ-ડેમના સમર્થનમાં મતદાન કરનાર લોકોને વારેવારે એક જ પ્રશ્ન મૂંઝવે છેઃ જો લિબ-ડેમ સંવેદનશીલ હોય તો તે મૂડીવાદી (કન્ઝર્વેટિવ્સ) સાથે કેમ જઇ બેઠો છે? આતંકવાદ, કટ્ટરવાદી મુસ્લિમો વગેરે અંગેના તેના અભિગમથી પણ અમુક અંશે મતદારોને સંતોષ નથી.
આ ઉપરાંત છેલ્લા ત્રણેક વર્ષથી બ્રિટનના રાજકીય તખ્તે UKIPનો સિતારો પણ ચમકતો થયો છે. પાર્લામેન્ટમાં ભલે UKIPના સભ્યો એક આંગળીના વેઢે ગણાય તેટલા (બે) હોય, પણ તેમણે ઇમિગ્રેશન, યુરોપિયન યુનિયન (ઇયુ) વગેરે મુદ્દે અપનાવેલા અભિગમના કારણે અમુક મતદારોનો તેની તરફ ઝોક વધ્યો છે - ખાસ તો, સરકારની નીતિરીતિથી નારાજ મતદારોનો.
આ તો વાત થઇ ચાર મુખ્ય પક્ષોની - લેબર, કન્ઝર્વેટિવ, લિબ-ડેમ અને UKIPની. આગામી ચૂંટણીમાં કાઠું કાઢવા ગ્રીન પાર્ટીએ પણ કમર કસી છે. પર્યાવરણનું જતન, ગ્લોબલ વોર્મિંગ વગેરે મુદ્દે બ્રિટનવાસીઓમાં જાગ્રતિ વધી રહી હોવાનો પોતાને લાભ મળી શકે છે એવું ગ્રીન પાર્ટીનું માનવું છે. લોકો માંસાહાર છોડીને શાકાહાર ભલે અપનાવી રહ્યા હોય, પણ તેઓ ગ્રીન પાર્ટીને અપનાવે છે કે નહીં તે તો સમય જ કહેશે.
ચૂંટણીપૂર્વેના જનમતનું તારણ દર્શાવે છે કે ૭ મે, ૨૦૧૫ના રોજ યોજાનારી ચૂંટણીઓમાં કોઇ એક પક્ષને સ્પષ્ટ જનાદેશ મળવાની શક્યતા નથી. તો શું ફરી યુતિ સરકાર? હા, અત્યારે તો દેશ માટે મોરચા સરકાર વગર સિવાય કોઇ વિકલ્પ જણાતો નથી. આ તારણોને આધારે લિબ-ડેમના નેતૃત્વે છાતી ઠોકીને દાવો કર્યો છે કે દેશમાં આગામી સરકાર ભલે કોઇ પણ પક્ષની રચાય, તે સત્તામાં ભાગીદાર હશે જ. જો તે સત્તામાં સામેલ નહીં થાય તો વહીવટી તંત્રમાં કોઇ એક વિચારસરણી તરફ ઝોક વધી જશે. સામાન્ય સમજણ અનુસાર લેબર પાર્ટી ડાબેરી વલણ ધરાવે છે તો કન્ઝર્વેટિવ જમણેરી વલણ ધરાવે છે, જ્યારે લિબ-ડેમ મધ્યમમાર્ગી વિચારસરણી ધરાવે છે. આમ સત્તામાં તેની ભાગીદારી શાસન વ્યવસ્થાને કોઇ એક ચોક્કસ વિચારસરણી તરફ ઢળતાં અટકાવશે.
આ સંજોગોમાં આપણે ક્યા પરિમાણો ધ્યાનમાં રાખવા રહ્યાં? જરા ફ્લેશબેકમાં જઇએ. સાજીદ જાવિદ કલ્ચરલ બાબતોના પ્રધાન છે. પાકિસ્તાની પિતા અને અંગ્રેજ માતાના સંતાન સાજીદ સ્પષ્ટ કહે છે કે તેમના પિતા સાઠના દસકામાં જ્યારે પાકિસ્તાનથી બ્રિટન આવીને વસ્યા ત્યારે લેબર પાર્ટીને મત આપતા હતા કેમ કે તે સમયે વ્યાપક માન્યતા હતી કે લેબર પાર્ટી લઘુમતી સમુદાયના હિતો-અધિકારો માટે જાગૃત છે, સક્રિય છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી ઇમિગ્રેશનનો વિરોધ કરે છે. આ માન્યતા હવે સમય સાથે બદલાઇ રહી છે. જાવિદના મતે ગત ચૂંટણીમાં ૧૬ ટકા વર્ણીય લઘુમતીએ કન્ઝર્વેટિવ પાર્ટીની તરફેણમાં મત નાખ્યા હતા.
હવે આપણે લઘુમતિ સમુદાયની વાત કરીએ. ગત ચૂંટણીમાં ત્રણ મિલિયન મતદારોમાંથી ૪૭ ટકાએ જ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો લઘુમતિની બહુમતિએ મતદાન કરવાનું ટાળ્યું હતું. આ દેશમાં રાષ્ટ્રીય મતદાનની સરેરાશ ૫૫થી ૬૦ ટકા રહે છે, તેની સાથે આ આંકડો જરા સરખાવી જૂઓ. આપણી પ્રજા મતદાન જેવા મહામૂલા અધિકાર પ્રત્યે કેટલી ઉદાસ, સુસ્ત કે આળસુ છે એ તમને સમજાશે.
બ્રિટનમાં એક સંસદીય બેઠક દીઠ સરેરાશ ૬૦-૭૦ હજાર મતદાર હોય છે. જ્યારે ભારતમાં એક સંસદીય બેઠકમાં પાંચથી સાત લાખ મતદારો હોય છે. આ જ રીતે બન્ને દેશમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પણ ધરમૂળ તફાવત જોવા મળે છે. બ્રિટનમાં સંસદીય ચૂંટણીના ઉમેદવારોની પસંદગી એ સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક પક્ષે ચૂંટણીના સમય પહેલાં જ તેના ઉમેદવાર પસંદ કરી લીધા હોય છે. ઉમેદવારની પસંદગી સંપૂર્ણ લોકશાહી ઢબે થાય છે. ઉમેદવાર પસંદ કરવા માટે પક્ષમાં વોર્ડ સ્તરથી માંડીને મતવિસ્તારને આવરી લેતી આંતરિક ચૂંટણીઓ તબક્કાવાર યોજાય છે. ટૂંકમાં, ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નીચેથી શરૂ થઇને ઉપરના સ્તરે પહોંચે છે. જ્યારે ભારતમાં આથી ઉલ્ટું છે. ભારતમાં પક્ષનું હાઇ કમાન્ડ નક્કી કરે તે વ્યક્તિને ઉમેદવાર તરીકે થોપી દેવાય છે - પછી તે પક્ષના સ્થાનિક કાર્યકારને પસંદ હોય કે નહીં.
ભારતીય સમુદાયે સમજવું રહ્યું કે આપણે જ્યારે આ દેશમાં વસવાટ કરીએ છીએ ત્યારે રાજકારણથી અલિપ્ત રહી શકીએ નહીં. ૭મી મેના રોજ યોજાનારી ચૂંટણી દેશનું અને દરેક બ્રિટનવાસીનું ભવિષ્ય કમસે કમ પાંચ વર્ષ માટે તો નક્કી કરશે જ ને? અને આ કંઇ નાનોસૂનો સમયગાળો નથી. સહુકોઇએ પોતાના મતાધિકારનો ઉપયોગ અચૂક કરવો જ રહ્યો.
વાચક મિત્રો, આ માટે સૌથી પહેલું કામ તો એ કરો કે કાઉન્સિલ દ્વારા તૈયાર થતાં વોટર્સ લિસ્ટમાં તમારું નામ રજીસ્ટર થયેલું છે કે નહીં તે ચકાસી લો. જો તમારું નામ નોંધાયેલું હશે તો જ કાઉન્સિલ તમને વોટર્સ કાર્ડ મોકલશે. જો વોટર્સ લિસ્ટમાં નામ ન હોય તો સંબંધિત સત્તાધિશોનો સંપર્ક સાધો. તમે બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા હો કે પછી ભારતીય, પાકિસ્તાની કે પછી અન્ય કોઇ કોમનવેલ્થના દેશનો... જો તમે આ દેશમાં કાયદેસર વસવાટ કરતા હો તો તમે મતદાન કરવાનો અધિકાર ધરાવો છો. તમે પણ મતદાન કરો અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરો. જે મતદાર પોતાના અધિકારનો ઉપયોગ કરતો નથી, પોતાની પાયાની ફરજ બજાવવામાં ઉણો ઉતરે છે તેને સરકારની નીતિ-રીતિની ટીકા કરવાનો અધિકાર નથી - પછી ભલે તે પોતાને ગમેતેટલી નુકસાનકારક કેમ ન હોય.
આ તબક્કે મને યહૂદી સમુદાયનું ઉદાહરણ ટાંકવાનું યોગ્ય લાગે છે. બ્રિટનમાં આ સમુદાયની વસ્તી મુઠ્ઠીભર કહી તેટલી માત્ર ત્રણેક લાખ છે, પણ આ સમુદાયે સ્વબળે બોર્ડ ઓફ ડેપ્યુટીઝ ઓફ બ્રિટીશ જ્યુઅરી સંસ્થાના નેજામાં બ્રિટિશ રાજકારણમાં મજબૂત સ્થાન મેળવ્યું છે. દર વર્ષે એક વાર બ્રિટિશ વડા પ્રધાન આ સમુદાયના અગ્રણીઓને મળે છે અને તેમના પ્રશ્નો, મુદ્દાઓ વિશે જાણકારી મેળવે છે, તેના નિરાકરણ માટે પ્રયાસ કરે છે.
જોકે બ્રિટનમાં સૌથી સક્રિય લઘુમતી સમુદાય હોય તો તે છે મુસ્લિમ બિરાદરી. આ દેશમાં વસતાં તમામ મુસ્લિમ બિરાદરોને એકતાંતણે બાંધવાનું કામ કરે છે મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન. ન્યૂ યોર્કમાં ૨૦૦૧માં ૯/૧૧ના હુમલા બાદ બ્રિટન સરકાર સમુદાયના ઉદ્ધારાર્થે મુસ્લિમ કાઉન્સિલને દર વર્ષે લાખો પાઉન્ડનું ભંડોળ ફાળવે છે. આજે કાઉન્સિલ આરોગ્ય, વેલ્ફેર, વિદેશ નીતિ સહિત અનેક ક્ષેત્રે સરકાર સમક્ષ પોતાના વિચારો રજૂ કરે છે, અને સરકાર તેને ગંભીરતાથી ધ્યાને લે છે.
જ્યારે બ્રિટનવાસી ભારતીય લઘુમતી સમુદાયમાં શીખ બંધુઓ સૌથી સક્રિય છે. હિન્દુઓ અને જૈનોની વસ્તી આ દેશમાં સારી એવી હોવા છતાં રાજકારણમાં તેઓ ખાસ સક્રિય જોવા મળતા નથી. કદાચ તેઓ પારિવારિક સુખ-સમૃદ્ધિ અને આર્થિક ઉપાર્જનને જેટલું મહત્ત્વ આપે છે એટલું મહત્ત્વ રાજકારણને આપતાં નથી તેનું આ પરિણામ છે. પરંતુ તેઓ એ ભૂલી જાય છે તેમના સુખ-સમૃદ્ધિ-શાંતિ, આર્થિક ઉપાર્જન તમામ બાબતોના મૂળમાં રાજકારણ રહેલું છે. બધું ઠીકઠાક ચાલે છે ત્યાં સુધી વાંધો નહીં, પણ સરકારનો એક અયોગ્ય નિર્ણય તમારી સુખ-સમૃદ્ધિ હલાવી શકે છે તે ન ભૂલો. અને આવું ન થાય તે માટે રાજકારણમાં સક્રિયતા દાખવીને યોગ્ય ઉમેદવારની પસંદગી, ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો આવશ્યક જ નહીં, અનિવાર્ય બની રહે છે. બ્રિટિશ રાજકારણમાં હિન્દુ સમુદાય સાવ નિષ્ક્રિય છે એમ હું કહેવા માગતો નથી, પણ યથાયોગ્ય સક્રિય તો નથી જ એટલું આપણે સહુએ સ્વીકારવું રહ્યું.
હવે વાત કરીએ ચૂંટણીપ્રચારની. બ્રિટનમાં અને ભારતમાં, બન્ને દેશમાં લોકશાહી પદ્ધતિએ સરકાર ચૂંટાય છે, પણ ચૂંટણી વેળાના પ્રચાર-પ્રસારમાં આસમાન-જમીનનો ફરક જોવા મળે છે. અહીં ઉમેદવારો દરેક પોતીકા મતવિસ્તારમાંથી ઉભરી આવતા હોય છે. જ્યારે ભારતમાં મહદઅંશે ઉમેદવારોની પસંદગી પક્ષનું દિલ્હીમાં બેસતું હાઇ-કમાન્ડ નક્કી કરતું હોય છે. કોને ચૂંટણી લડાવવી તે જ નહીં, ચૂંટણીપ્રચાર વેળા કોને ક્યું કામ સોંપવું તે પણ હાઇ-કમાન્ડ નક્કી કરતું હોય છે. આ બધા નિર્ણયો લેવામાં અભિપ્રાય આપવાથી વિશેષ સ્થાનિક કક્ષાની કોઇ સામેલગીરી હોતી નથી. ગત લોકસભા ચૂંટણીસમયના અહેવાલો આપ સહુને યાદ હશે જ. નરેન્દ્ર મોદી ચૂંટણીસભાઓ ગજવવા ભારતભરમાં ફરી વળ્યા... ન.મો. રોજની ચાર-ચાર જાહેર સભાઓ સંબોધે છે... મોદીએ ચૂંટણી પ્રચાર માટે આટલા હજાર માઇલ પ્લેનમાં પ્રવાસ કર્યો... વગેરે વગેરે. જ્યારે બ્રિટનમાં આવું નથી.
ભારતમાં ચૂંટણીપ્રચાર દરમિયાન કેવા કેવા ખેલ થાય છે એ તો આપ સહુ આજકાલ ટીવી ચેનલો પર દેખાતા દિલ્હીના ચૂંટણીજંગના દૃશ્યોમાં જોતાં જ હશો. એકબીજા સામે બેફામ આક્ષેપો અને કાદવઉછાળની પ્રવૃત્તિ ભારતમાં સામાન્ય ગણાય છે, જ્યારે બ્રિટનમાં ચૂંટણીપ્રચારમાં આવું બધું અ-સામાન્ય ગણાય છે.
અલબત્ત, આ બધા માટે ભાષા, ઇતિહાસ, પરંપરામાં રહેલી ભિન્નતાને કારણભૂત ગણી શકાય. આપણે અગાઉ જોયું તેમ બ્રિટનમાં મતવિસ્તાર દીઠ ૬૦થી ૭૦ હજાર મતદાર હોય છે એટલે ઉમેદવારને પ્રચાર માટે બહુ મોટા વિસ્તારમાં ફરી વળવું પડતું નથી. વળી, પુખ્ત વયના સૌ નાગરિકો એકસો વર્ષથી મતાધિકાર ધરાવે છે. મતલબ કે રાજકીય દૃષ્ટિકોણથી તે વધુ પીઢ છે, સમજદાર છે. અખબારી માધ્યમો બહુ સજાગ છે, જે પ્રજાના આંખ-કાનની ફરજ બજાવે છે. દર ૧૦૦ મતદારે ૬૦થી ૭૦ મતદારો અખબારો કે સામયિકો ખરીદીને વાંચતા હોય છે કે રેડિયો-ટીવીના માધ્યમથી પોતાની આસપાસ બનતી ઘટનાઓથી સતત માહિતગાર રહેતા હોય છે. આ બધાના પરિણામે બ્રિટનનો સામાન્ય મતદાર વધુ સજ્જ હોય છે, તેને અધૂરી કે ઉપરછલ્લી માહિતીના આધારે ગેરમાર્ગે દોરી શકાતો નથી.

હા, એટલું અવશ્ય કહેવું રહ્યું કે ભારતમાં ચૂંટણીઓ ઇલેક્શન કમિશનની સીધી અને કડક નજર તળે યોજાય છે. ચૂંટણી પંચ કોઇ પણ પક્ષ કે નેતાની શેહમાં આવ્યા વગર કામગીરી બજાવતું હોવાથી ભારતમાં યોજાતી ચૂંટણીઓને તમે તટસ્થ અને ન્યાયી ગણાવી શકો. આમ છતાં બન્ને દેશમાં પોતપોતાની રીતે લોકશાહી ચેતનવંતી છે.
વાચક મિત્રો, આગામી અંકોમાં પણ બ્રિટનની પાર્લામેન્ટરી ચૂંટણીઓ સંબંધે હું કેટલીક વિશેષ ચર્ચા કરવા ઇચ્છું છું. આગામી ચૂંટણીમાં ક્યા ક્યા મુદ્દાઓ અગત્યનાં છે? અર્થતંત્ર, વેપાર-ઉદ્યોગ, કરવેરાનું માળખું, કામદારોનું વેલ્ફેર, પેન્શન, નિવૃત્તોના પ્રશ્નો, એલ્ડરલી કેર, બાળઉછેર તેમજ ઈમિગ્રેશન, કાયદો-વ્યવસ્થા સહિતના વિષયો પર મારે કંઇક વિશેષ છણાવટ કરવી છે. આપના ધ્યાનમાં પણ આવા કોઇ મુદ્દાઓ હોય તો લખી જણાવવા કૃપા કરશો. આપણી વચ્ચેનો સંવાદ જરૂરી છે. કોઇએ આ દેશમાં સંકોચ કે મૌન રાખવાની જરૂર નથી. બોલે તેના બોર વેચાય. વાચક મિત્રો, આપના વિચારો મને જણાવવાનું ભૂલતાં નહીં. અને હા, અગાઉ કહ્યું એ તો યાદ છેને?!
મત આપવો તે આપણો અધિકાર જ નહીં, ફરજ છે. દર ૧૦૦ ભારતીય વંશજોમાંથી ૯૦ કેમ મતદાન ન કરી શકે? કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં ઉમેદવારની હાર-જીતનો ફેંસલો આપણા સહુના મતદાન પર નિર્ભર છે. આથી જ અંતે (સ્વામી વિવેકાનંદજીની ક્ષમાયાચના સાથે) ફરી કહું છુંઃ ઉઠો, જાગો અને (રાજકીય અસ્તિત્વ ઉજાગર કરવાનું) ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દોડતા રહો. (ક્રમશઃ)

અહીંની અને ભારતની જીવનશૈલીમાં, શિક્ષણપ્રથામાં જોવા મળતો ફરક, સાક્ષરતાનો સરેરાશ દર વગેરે સહિતના પાસાં પણ ચૂંટણીપ્રચારમાં અસરકારક સાબિત થતાં હોય છે. આથી જ અહીં, ચૂંટણીઓ દરમિયાન ભલે ભારત જેવો આક્રમક ચૂંટણીપ્રચાર ન જોવા મળતો હોય, પણ તેની અસર વ્યાપક હોય છે. ઉમેદવાર ઉડાઉ નિવેદનો કરી શકતો નથી કે પાયા વગરના વચનો આપી શકતો નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter