ગુજરાત ગૌરવ દિન

સી. બી. પટેલ Wednesday 25th April 2018 05:57 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આગામી મંગળવારે પહેલી મેના રોજ ભારતીય સમવાય તંત્રમાં એક અલગ રાજ્ય તરીકે ગુજરાતનો સ્થાપના દિન દેશ-દેશાવરમાં ઉજવાશે. સિદ્ધરાજ જયસિંહના કાળમાં પણ ગુજરાત અલગ રાજ્ય તરીકે ભારે પ્રભાવ અને દબદબો ધરાવતું હતું. આ પછી અનેક રાજા-રજવાડાંનો ઉદભવ થયો. આ પછી સુલતાન યુગ આવ્યો. મોગલાઇ આવી. કેટલાક પ્રાંતોમાં પેશ્વાઇ આવી, અને તે પછી ગાયકવાડી શાસન આવ્યું. સમયાંતરે બ્રિટિશ સલ્તનતે ભારત પર પ્રભુત્વ મેળવ્યું અને ગુજરાત બ્રિટિશ ઇંડિયાનો ભાગ બન્યું.
પહેલી મે ૧૯૬૦ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ. સાબરમતી નદીના કિનારે યોજાયેલા સમારોહમાં રવિશંકર મહારાજે રાજ્યનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે મનનીય પ્રવચન કરતાં આદર્શ ગુજરાતના નિર્માણ કાજે રાજકીય પક્ષો અને તેના નેતાઓ માટે એક રૂપરેખા દોરી આપી હતી એ વાત જગજાહેર છે. ગુજરાત રાજ્ય રવિશંકર ચીંધ્યા માર્ગે આગળ વધ્યું છે કે કેમ તેના પિષ્ટપેષણમાં પડવા કરતાં આપણે આ મહાપુરુષના જીવનકવન પર એક સરસરતી નજર ફેરવીએ.
રવિશંકર મહારાજનું અસલ નામ રવિશંકર પંડ્યા. હાલના વડોદરા જિલ્લાના પાદરા પાસેના સાધીના તેઓ મૂળ વતની. સેવાકાર્યના દાયકાઓ સુધી નિવાસ બોચાસણ. ઊંચી કાઠીના સૂકલકડી કાયા ધરાવતા આ માણસે ગાંધીચીંધ્યા માર્ગે અનેક લોકોના જીવન અજવાળ્યા છે એમ કહીએ તો તેમાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. ભારત માતાની કૂખે કંઇકેટલાય માનવરત્નો પાક્યા, તેમાંનું એક મહામૂલું રત્ન એટલે રવિશંકર મહારાજ.
બાલ્યાવસ્થા દરમિયાન અનેક વખત તેમને નજરોનજર નિહાળવાનો મને અવસર મળ્યો છે. સવિશેષ તો માદરે વતન ભાદરણની વ્યાયામ શાળામાં, અને પ્રગતિ મંડળના કાર્યક્રમમાં. તે વેળા બાબર દેવા નામના બહારવટિયાનો ભારે જુલમ. ચરોતર વિસ્તારમાં તેની રાડ હતી. શાસકો સામે માથું ઊંચકનાર બાબર દેવાએ લોકોને રંજાડવામાં કોઇ કસર છોડી નહોતી. આવા સમયે રવિશંકર મહારાજ રોજના ૬૦-૬૦ કિલોમીટરની પદયાત્રા કરીને મહી કાંઠાના વિસ્તારોમાં જનજાગૃતિનું કામ કરતા હતા.
મહી કાંઠાનો વિસ્તાર એટલે અત્યારના આણંદ જિલ્લાનો દક્ષિણ છેવાડાનો ભાગ. મહી નદીની ચોમેર ઊંડી ઊંડી કોતરો. વસ્તી મોટા ભાગે પાટણવાડિયા સમુદાયની. જમીનવિહોણા ખેતમજૂરોમાં કમનસીબે ધાંધલધમાલ બહુ થતી. આવા વિસ્તારમાં રવિશંકર મહારાજ ગામેગામ ફરે અને વ્યસનમુક્તિની, વેરઝેર ભૂલીને શાંતિથી રહેવાની વાતો કરે. ખાદીના સફેદ ઝભ્ભો-ધોતિયું ને માથે ટોપી પહેર્યા હોય અને ખભ્ભે ટ્રેડમાર્ક સમાન બગલથેલો લટકતો હોય. ગાડાવાટે ચાલવાનું હોય, મારગમાં કાંટાળા ઝાડીઝાંખરા પણ આવે, પણ પગમાં ચપ્પલ ન હોય.
માણસ સાવ ઓલિયા જેવો, પણ પ્રભાવ સંત-મહાત્મા જેવો. લોકો તેમની વાતને કાન પણ આપે. અને હૈયે પણ ધરે. મને ૧૯૪૯નો એક પ્રસંગ આજે પણ બરાબર યાદ છે. ભાદરણમાં જનઆંદોલન શરૂ થયું હતું. ગાયકવાડી રાજ હતું ત્યારે ભાદરણ પેટા-મહાલનો દરજ્જો ધરાવતું હતું. પેટલાદ પ્રાંતનો એક હિસ્સો હતો. સ્વતંત્ર રજવાડાંના વિલીનીકરણ પછી ભારતીય સમવાય તંત્રમાં ગાયકવાડી રાજ્યનો સમાવેશ થયો અને સમગ્ર પ્રદેશ તે વેળાના બોમ્બે સ્ટેટનો હિસ્સો બન્યો. સરકારી તંત્રએ દરખાસ્ત મૂકી કે વહીવટી સુગમતા માટે ભાદરણ ગામનો પેટા-મહાલનો દરજ્જો રદ કરીને ગામને બોરસદ તાલુકાનો એક ભાગ બનાવવો.
ભાદરણના રહેવાસીઓએ વિરોધનો બૂંગિયો પીટ્યો. ગામને પેટા-મહાલનો દરજ્જો હોય એટલે અલગ વહીવટી કચેરી મળે, પોલીસ વિભાગ મળે અને ખાસ તો મેજિસ્ટ્રેટ કોર્ટ પણ મળે. ભાદરણવાસીઓ જાણતા હતા કે પેટા-મહલનો દરજ્જો જશે એટલે આ બધી સરકારી કચેરીઓ પણ અહીંથી જશે. ગામનો પ્રભાવ પણ ઘટશે ને બધા સરકારી કામ માટે બોરસદનો ધક્કો પાક્કો થઇ જશે. લોકોને આ મંજૂર નહોતું એટલે ગામની ચમારડા ભાગોળે આંદોલનના મંડાણ થયા હતા. વ્યાયામ શાળા અને બાજુમાં જ આવેલા ચોતરાની આસપાસ લોકોનો જમાવડો થયો હતો. ભાદરણના તે સમયના મોટા ગજાના આગેવાન શિવાભાઇ આશાભાઇ પટેલ ભાદરણનો પેટા-મહાલનો દરજ્જો જાળવી રાખવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેઠા હતા.
ભાદરણવાસીઓ કોઇ કાળે સમાધાન કરવાના મૂડમાં નહોતા. ત્યાં પૂજ્ય રવિશંકર મહારાજનું આગમન થયું. જો મારી યાદદાસ્ત સાચી હોય તો... શકુબહેન નામે જાણીતા શકુંતલાબહેન પણ આ સમયે હાજર હતા. મુંબઇ યુનિવર્સિટીમાં દાક્તરી શાખામાં અભ્યાસ કરતાં આ બહેને ગાંધીજીને પ્રિય એવું સુંદર મજાનું ગીત રજૂ કરીને માહોલ જમાવ્યો હતો. આખું ગીત તો મને યાદ નથી, પણ તેનું મુખડું આવું હતું...
સાચી વાણીમાં શ્રીરામ, સાચા વર્તનમાં શ્રીરામ,
જનસેવામાં પામીશું પ્યારા રામ રામ રામ...
ગીત પૂરું થયું અને રવિશંકર મહારાજે સભાનું સુકાન સંભાળ્યું. ગીતની પંક્તિઓ સાથે અનુસંધાન સાધતા તેમણે ગામલોકોને ભગવાન શ્રીરામની યાદ અપાવી. દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ચરોતરવાસીઓએ આપેલા બલિદાનની યાદ અપાવીને તેમની શહિદીને બિરદાવી. અને પછી સમજાવ્યું કે ભાદરણનો પેટા-મહાલનો દરજ્જો રદ કરવાનો વહીવટી નિર્ણય બહુ વિચારણાપૂર્વક લેવામાં આવ્યો છે. આની પાછળના કારણો સમજાવતા તેમણે કહ્યું કે નૂતન ભારતનું નિર્માણ કરવાના ઉમદા ઉદ્દેશ સાથે આ ફેરબદલ કરાઇ છે. અને મહારાજમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકોએ તે જ સભામાં ઠરાવ કરીને જનઆંદોલન સમેટવાની જાહેરાત કરી હતી. આવો હતો ઓલિયા જેવા રવિશંકર મહારાજનો પ્રભાવ...
વાચક મિત્રો, આ કોલમ સાથે કવિ નર્મદનું ગીત જય જય ગરવી ગુજરાત... રજૂ કર્યું છે. આ ગીત ગુજરાતની આગવી અસ્મિતાને આજે જેટલું ઉજાગર કરે છે એટલું જ તે સમયે પણ લોકહૈયે વસતું હતું. તેમાં ઉત્તરથી દક્ષિણ, અને પૂર્વથી પશ્ચિમ સરહદ અંકાઇ છે. આપનું ધ્યાન દોરવું રહ્યું કે આ ગીતની રચના કવિ નર્મદે લગભગ ૨૦૦ વર્ષ પૂર્વે કરી હતી.
૧૯૫૫માં આંધ્ર પ્રદેશમાં પોટ્ટુ રામુલુએ અલગ તેલુગુભાષી રાજ્ય માટે આમરણ ઉપવાસ કર્યા અને શહિદી વહોરી ત્યારે નેહરુ સરકારે ભાષાવાર રાજ્ય રચના પંચની રચના કરી હતી. તે વખતે મોરારજીભાઇ દેસાઇના આગ્રહથી મહારાષ્ટ્ર અને ગુજરાત ભાષાવાર રાજ્ય ન બની શક્યા. સમયાંતરે મોરારજીભાઇ દેસાઇ મુંબઇ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન વિરુદ્ધ ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં મહાગુજરાત આંદોલન શરૂ થયું. (ઇન્દુલાલ યાજ્ઞિકના જીવનકવન વિશે આપને જાણીતા ઇતિહાસકાર વિષ્ણુ પંડ્યાની તસવીરે-ગુજરાત કોલમમાં વાંચવા મળશે.)
ભાષાવાર રાજ્ય રચના પંચે ભારતના જે નકશાના આધારે ઓરિસા, તામિલનાડુ, કર્ણાટક સહિતના વિવિધ રાજ્યોની સરહદો આંકી તેમાંથી એકમાત્ર ગુજરાત રાજ્ય જ એવું છે જે નર્મદે તેના ગીતમાં વર્ણવ્યું છે તે જ પ્રકારની વાસ્તવિક ભૌગોલિક રચના તે સમયે પણ ધરાવતું હતું, અને આજે પણ ધરાવે છે. સવાયા ગુજરાતી એવા બ્રિટિશ અમલદાર રેવરન્ડ કિન્લોક ફાર્બસ, કવિ ન્હાનાલાલ, કવિ નર્મદ વગેરે મુઠ્ઠીઊંચેરા માનવી હતી.
આજે ગુજરાત રાજ્ય ભારતના કુલ વિસ્તારનો છ ટકા વિસ્તાર અને કુલ વસ્તીના પાંચ ટકા હિસ્સો ધરાવે છે. આજે શિક્ષણ-વેપાર-ઉદ્યોગ-રોજગાર દરેક ક્ષેત્રે ગુજરાતીઓ સિદ્ધિના શીખરે બિરાજે છે ત્યારે ગુજરાત ગૌરવ દિને એટલું જ કહેવું રહ્યુંઃ જય જય ગરવી ગુજરાત...

•••

જય જય ગરવી ગુજરાત !

- કવિ નર્મદ
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી,
પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નીજ સંતતી સઉને,
પ્રેમ ભક્તિની રીત -
ઉંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પુરવમાં કાળી માત,
છે દક્ષિણ દીશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્વારકેશ એ, પશ્ચિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોઈ,
મહી ને બીજી પણ જોઈ.
વળી જોય સુભટના જુદ્ધરમણ ને રત્નાકર સાગર;
પર્વત ઉપરથી વીર પૂર્વજો, દે આશીષ જયકર-
સંપે સોયે સહુ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહીલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસિંહ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત!
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે,
વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

•••


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter