જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના...

સી. બી. પટેલ Wednesday 13th July 2016 06:13 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ત્રણ સપ્તાહ પૂર્વે - ૨૫ જૂનના અંકમાં મેં આ જ કોલમમાં એક ગીત ટાંક્યું હતુંઃ ઝાંખો ઝાંખો દીવો મારો જોજે ઓલવાય ના... આ લેખના મથાળામાં આ ગીતની જ એક પંક્તિ ટાંકી છે. જીવમાત્ર પ્રગતિના પંથે સતત આગેકૂચ કરવા માટે આતુર હોય છે. કીડીમંકોડાથી માંડીને મસમોટા પ્રાણીઓ આવી લાગણી કે ભાવના ધરાવતા હોય છે. ઢેલ સમક્ષ મોર નૃત્ય કેમ કરે છે? કે પછી પોતાની સત્તા, સંપત્તિ, પરિવાર, અનુયાયીની સંખ્યા કે આવા પરિવારો પ્રત્યે નાનામોટા દરેકનો લગાવ હોય છે. ગરીબ-તવંગર હોય કે સંત-મહાત્મા આવી મોહમાયામાંથી સાવ વિમુક્તિ ક્યારેય મળ તા નથી.

ઝેર એક અર્થમાં વૈચારિક હોય છે, તે વાણીમાં પણ હોય શકે છે અને વર્તનમાં પણ હોય શકે. ૧૩ જૂને યુરોપિયન યુનિયન (ઇયુ) માટે રેફરન્ડમ યોજાયું. જાન્યુઆરી ૨૦૧૬માં યુરોપિયન યુનિયનના ૨૭ દેશોમાંથી અગત્યના દેશના નેતાઓ સાથે બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરને બેઠક યોજીને વાટાઘાટ કરી હતી. તેઓ માનતા હતા કે ઇયુ રેફરન્ડમમાં જે પ્રકારે પ્રશ્ન પૂછાય રહ્યો છેઃ અંદર કે બહાર? એમાં તેમને બ્રિટિશ મતદારોનો ટેકો મળી જ રહેશે.

યુરોપિયન યુનિયનના સભ્ય તરીકે આર્થિક, ઇમિગ્રેશન, સરહદ વિના અવરજવર સહિતના પ્રશ્નો અંગે જે પ્રકારે સમાધાન સાધવામાં આવ્યું હતું તેનાથી કેમરનની કેબિનેટના જ કેટલાક સાથીઓ નારાજ હતા. આમેય યુરોપિયન યુનિયનની સ્થાપના અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ યુરોપની આકૃતિ દોરવામાં આવી હતી. જેમાં યુરોપના બધા જ દેશો એક છત્ર તળે એકત્ર થાય અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની જેમ એક દેશ બને. જેથી આર્થિક, વિદેશ નીતિ અને સંરક્ષણ નીતિમાં એકસૂત્રતા આવે. પરાપૂર્વથી બ્રિટિશ માનસને આવું એકીકરણ સ્વીકાર્ય નથી. જે ૨૩ જૂને ઇયુ રેફરન્ડમમાં પુરવાર થયું.

જોકે સૌથી પહેલું ખોટું પગલું કોઇએ ભર્યું હોય તો તે વડા પ્રધાન ડેવિડ કેમરને. ટોરી પાર્ટીના લગભગ સવા ત્રણસો જેટલા સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં બેસે છે. આમાંથી ૫૫થી ૬૫ જેટલા સાંસદો એવા છે કે જેઓ યુરોપિયન યુનિયનના એકીકરણ બાબત અસંમત છે. સંભવ છે કે તેમના વિસ્તારના મતદારોની પણ આવી જ લાગણી હોય શકે.

કેમરન અગાઉ જ્હોન મેજરને અને મિસિસ માર્ગરેટ થેચરને આ યુરોસેક્પ્ટીપ સાંસદો વારંવાર ખૂબ ત્રાસ આપતા રહ્યા છે. ૨૦૧૫ની ચૂંટણી બાદ હાઉસ ઓફ કોમન્સમાં ટોરી પાર્ટીની બહુમતી પાતળી હતી. આ વિપ્લવાદી યુરોસેક્પ્ટીપ ડેવિડ કેમરન માટે ભયસ્થાન કે ખતરો અવશ્ય લાવી શકે તેવી સંભાવના નકારી શકાય નહીં. આથી જ કેમરને ચૂંટણી પૂર્વે જાહેર કર્યું હતું કે યુરોપિયન યુનિયનમાં રહેવું કે નહીં તે મુદ્દે નવી સરકાર બે વર્ષમાં રેફરન્ડમ યોજશે. આ ગંભીર ભૂલ હવે તેમને જ ભારે પડી છે. તારીખ નક્કી થઇ ગઇ, ઘોષણા પણ થઇ ગઇ. તરત જ ડેવિડ કેમરનની કેબિનેટના ખાસ સાથીદારો અને મિત્રો - માઇકલ ગોવ, બોરીસ જ્હોન્સન, ઇયાન ડંકન સ્મિથ, પ્રીતિ પટેલ વગેરેએ રેફરન્ડમ મુદ્દે ખુલ્લો પ્રચાર શરૂ કરી દીધો કે બ્રિટને ઇયુ સાથે છેડો ફાડવો જ જોઇએ.

ખેર, આ મતદાનની પ્રચારઝૂંબેશ દરમિયાન અરસપરસ, મિત્રો-મિત્રોમાં આપસઆપસમાં ગંભીર આક્ષેપ થયા. દોસ્ત દોસ્ત ના રહા... રેફરન્ડમનું પરિણામ જાહેર થયા બાદ ૨૪ જૂને કેમરને જાહેર કર્યું કે તેઓ પક્ષના નેતા પદેથી અને દેશના વડા પ્રધાન પદેથી રાજીનામું આપી રહ્યા છે. તેથી હવે પક્ષ દ્વારા નવા નેતાની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પક્ષના નવા નેતા અને વડા પ્રધાન ૩ સપ્ટેમ્બર પૂર્વે પદગ્રહણ કરશે.

તેમની આ જાહેરાત સાથે જ પક્ષનું નેતૃત્વ અને દેશનું સર્વોચ્ચ સ્થાન સંભાળવા માટે વરિષ્ઠ નેતાઓએ કમર કસી હતી. ગયા અંકમાં લખ્યું હતું તે પ્રમાણે બોરીસ જ્હોન્સનની તો શાળાજીવનથી જ વડા પ્રધાન પદે બેસવાની ઝંખના રહી હતી. તેમને પક્ષનો સંભવિત ટેકો ચોક્કસ જણાતો હતો. જોકે તેમના અંગત જીવનની કેટલીક કઠણાઇ અને કેટલાક વિવાદાસ્પદ વિધાનો જોતાં માઇકલ ગોવને લાગ્યું કે જ્હોન્સન પક્ષના નેતા તરીકે સફળ નીવડે તેવી સંભાવના નથી.

આથી અચાનક જ માઇકલ ગોવે જાહેર કર્યું કે તેઓ પક્ષના નેતાપદ અને વડા પ્રધાન પદ માટે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. મહત્ત્વાકાંક્ષી જ્હોન્સને પણ સમય વર્ત્યે સાવધાનની નીતિ અપનાવીને વડા પ્રધાન પદે બેસવાની પોતાની દસકાઓ જૂની મુરાદને મનમાં જ ઢબૂરી દીધી.

આ દરમિાયન યુરોપિયન યુનિયન સામે સૌથી વધુ ઝેર ઓક્યું હોય તો તે હતા Ukipના વરિષ્ઠ નેતા નાઇજેલ ફરાજે. તેમણે તો ૧૭ વર્ષ પૂર્વે જ યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટને સંબોધતા ઘોષણા કરી હતી કે અમારે કોઇ પણ સંજોગોમાં ઇયુમાંથી બ્રિટનને બહાર કાઢવું છે. તેઓ આટલેથી નહોતા અટક્યા. તેમણે કહ્યું હતું કે યુરોપિયન યુનિયનને જે પ્રકારે આકાર આપવામાં આવી રહ્યો છે તેની વિરુદ્ધમાં હું મેદાનમાં ઉતર્યો છું. રેફરન્ડમનું પરિણામ બ્રેક્ઝિટની તરફેણમાં આવતાં જ તેમણે ગળું ફાડીને જાહેરાત કરી હતીઃ હવે આપણે આઝાદ છીએ... તેમનાથી આમ બોલતાં તો બોલાઇ ગયું હતું, પરંતુ પછી પોતાની જ હાલત કફોડી થઇ ગઇ. ફરાજને Ukipના નેતા પદેથી રાજીનામું આપવાની ફરજ પડી છે.

આ બાજુ ડેવિડ કેમરને હોદ્દા પરથી રાજીનામું આપતાં ટોરી પાર્ટીએ પણ તેના બંધારણ અનુસાર પક્ષના નવા નેતા અને વડા પ્રધાન પદના ઉમેદવાર શોધવા કવાયત શરૂ કરી હતી. પક્ષ અને દેશના સર્વોચ્ચ સ્થાન માટે પાંચ નેતાઓ સ્પર્ધામાં હતાઃ માઇકલ ગોવ, એન્ડ્રીયા લીડસોમ, સ્ટીફન ક્રેબ, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન લીઆમ ફોક્સ અને થેરેસા મે.

ગયા મંગળવારે, ત્રીજી જુલાઇએ મતદાનનું પ્રથમ રાઉન્ડ યોજાયું તો પાંચેય ઉમેદવારોમાં થેરેસા મે ૧૬૫ મત સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા. માત્ર ૧૬ મત મેળવનાર ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન ફોક્સે તો તરત જ જાહેર કરી દીધું કે હવે હું નેતાપદની સ્પર્ધામાં નથી. આ પછી માઇકલ ગોવ, એન્ડ્રીયા લીડસોમ, થેરેસા મે અને સ્ટીફન ક્રેબ સ્પર્ધામાં રહ્યા હતા. ગોવ અને ક્રેબે પણ સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરતાં, ટોચના સ્થાન માટે બે જ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા - થેરેસા મે અને એન્ડ્રીઆ લીડસોમ.

લીડસોમ કેમરન સરકારમાં જુનિયર પ્રધાન હતા. નાની વયે બહુ મહત્ત્વાકાંક્ષી, પરંતુ એકથી વધુ ગંભીર ભૂલો કરી અને તેના માઠાં પરિણામો પણ ભોગવ્યા. તેમણે ઉમેદવારી માટે પોતાનો જે બાયોડેટા તૈયાર કર્યો હતો તેમાં બેન્કીંગ કામકાજના ઉલ્લેખમાં બારે અતિશ્યોક્તિ કરી હતી. પક્ષની નેતાગીરીને પ્રભાવિત કરવા એવું પણ લખ્યું કે સુખી દાંપત્યજીવન ધરાવે છે અને ચાર સંતાનોના માતા છે.

આ બધું તો ઠીક છે, પરંતુ સાથોસાથ તેમણે એવું પણ બાફ્યું કે હું એક માતા છું તેથી પક્ષના નેતૃત્વથી માંડીને વડા પ્રધાન પદ માટે વધુ લાયક છું. પરિવાર ધરાવું છું અને એક માતા તરીકે સંતાનોની જરૂરતને સારી રીતે સમજી શકું છું. લીડસોમના આ નિવેદનથી વિવાદનો વંટોળ ઉઠ્યો. તેમણે આવું કહીને આડકતરી રીતે થેરેસા મેને નિશાન બનાવ્યા હતા. થેરેસા માતૃત્વ ધારણ કરી શક્યા નથી તે વાતે સહુ કોઇ વાકેફ છે.

સોમવારે સાંજે એક અફવા એવી પણ ઉડે છે કે થેરેસા મેના મિત્રવર્તુળ કે જેમણે મેની ઉમેદવારી માટે સારાનરસા પ્રયાસો કે પ્રપંચો આદરેલા તેમણે ફેલાવેલી જાળમાં લીડસોમ ફસાઇ ગયા છે. એન્ડ્રીયા લીડસોમ ચાર સંતાનોનાં માતા છે જ્યારે થેરેસા મે નિઃસંતાન છે એ વિકૃત સરખામણીને મેના મિત્રોએ જ ચગાવી હતી. ૨૪ જ કલાકમાં એક બાજુ એન્ડ્રીયા લીડસોમને સમાજનો જાકારો મળ્યો તો થેરેસા મેના સમર્થનમાં વધુ સાંસદો આગળ આવી રહ્યા હતા. આ બધાના પરિણામે સોમવારે નાટ્યાત્મક ઘટનાએ આકાર લીધો.

સોમવારે પક્ષ અને દેશનું નેતૃત્વ સંભાળવા માટે ઇચ્છુક બે ઉમેદવારો વિધિવત્ પ્રચાર ઝૂંબેશ શરૂ કરવાના હતા. થેરેસા મે બર્મિંગહામ જઇ પહોંચ્યા હતા. સવારે તેમણે પ્રવચન કરીને તેમના પ્રચાર અભિયાનનો આરંભ કર્યો હતો. તેમણે પ્રવચન કરતાં બ્રિટન, યુરોપિયન યુનિયન સાથેના સંબંધો, અર્થતંત્ર, આંતરરાષ્ટ્રીય સંબંધો, ઇમિગ્રેશન જેવા વિષયો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા.

બીજી તરફ, એ જ સમયે લંડનમાં કંઇક અલગ જ ઘટના આકાર લઇ રહી હતી. લંડનમાં એન્ડ્રીયા લીડસોમે ઘોષણા કરી હતી કે પક્ષના હિતમાં, દેશના હિતમાં જોઇએ તો કન્ઝર્વેટિવ પાર્ટીનો નેતા મજબૂત હોય તે જરૂરી છે. દેશનું વડા પ્રધાન પદ સક્ષમ નેતા સંભાળે, સરકારની રચના કરે તે આવકાર્ય છે. થેરેસા મે આ તમામ લાયકાત ધરાવે છે તેથી હું મારી ઉમેદવારી પાછી ખેંચી રહી છું.

લીડસોમે આવું નિવેદન કરીને લોકોની પ્રશંસા મેળવવા પ્રયાસ તો કર્યો, પરંતુ હકીકત તો એ છે કે તેમની હાલત મા મને કોઠીમાંથી બહાર કાઢ જેવી હતી. આથી તેમણે પવન જોઇને જહાજનો મોરો ફેરવ્યો હતો.

છેલ્લા થોડાક કલાકોમાં દેશમાં બનેલી રાજકીય ઘટનાઓ પર નજર ફેરવશો તો સમજાઇ જશે કે બ્રિટનના ઇતિહાસમાં આવું ભાગ્યે જ બન્યું છે. થેરેસા મે બર્મિંગહામથી લંડન આવી રહ્યા હતા ત્યારે વિદાય લઇ રહેલા વડા પ્રધાન ડેવિડ કેમરનની ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં કેબિનેટના સાથીદારો, સેક્રેટરીઓ વગેરે સાથે ગૂફતેગુ ચાલી રહી હતી.

દેશમાં આકાર લઇ રહેલા રાજકીય માહોલ અંગે બકિંગહામ પેલેસનો સંપર્ક સાધવામાં આવ્યો. સાથોસાથ થેરેસા મેને પણ નવી જવાબદારી સંભાળવા માટે વિશ્વાસમાં લેવામાં આવ્યા. ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના પ્રાંગણમાં ડેવિડ કેમરને જાહેર કર્યું કે ટોરી પાર્ટીના નેતા પદ માટેની ચૂંટણીમાં હવે એકમાત્ર ઉમેદવાર થેરેસા મે રહ્યા છે. પક્ષનું નેતૃત્વ નક્કી કરતી ૧૯૨૨ કમિટીના અગ્રણીઓએ જણાવ્યું છે કે અમે પક્ષના નેતા પદ માટે થેરેસા મેનું નામ જાહેર કરીએ છીએ.

કેમરને એમ પણ કહ્યું કે નવા વડા પ્રધાનના નેતૃત્વમાં નવી સરકાર રચાઇ રહી છે ત્યારે દેશમાં પ્રવર્તતો રાજકીય અનિશ્ચિતતાનો માહોલ દૂર થશે. સાથોસાથ યુરોપિયન યુનિયન સાથે મંત્રણા શરૂ થઇ શકશે. મંગળવારે સવારે હું કેબિનેટની છેલ્લી બેઠક યોજીશ. બુધવારે હું નામદાર મહારાણીને મળીને મારા હોદ્દા પરથી રાજીનામું સાદર કરીશ.

કેમરન બુધવારે બપોરે રાબેતા મુજબ હાઉસ ઓફ કોમન્સમાં પીએમ્’સ ક્વેશ્ચન્સ અવરમાં હાજરી આપ્યા બાદ નામદાર મહારાણીને મળવા માટે બકિંગહામ પેલેસ પહોંચશે. સંભવતઃ સાંજ સુધીમાં થેરેસા મે વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે.

સત્તાના સૂત્રોની સોંપણીનો શિરસ્તો

મહારાણી એલિઝાબેથના દીર્ઘ શાસનકાળમાં થેરેસા મે બ્રિટનના ૧૩મા વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. તેઓ દેશના બીજા મહિલા વડા પ્રધાન બનશે. આજથી ૨૬ વર્ષ પૂર્વે મિસિસ માર્ગરેટ થેચરે દેશનું વડા પ્રધાન પદ સંભાળનાર પ્રથમ મહિલા હતા. શિરસ્તા મુજબ વિદાય લઇ રહેલા વડા પ્રધાન બુધવારે મહારાણીને મળવા માટે જશે. આ સમયે તેઓ મહારાણીને પોતાના અનુગામીની જાણકારી આપશે તેવો અંદેશો છે. આમ તો મહારાણી પણ દેશમાં પ્રવર્તમાન રાજકીય માહોલની પૂર્વભૂમિકાથી વાકેફ છે જ. આથી આ મુલાકાત ઔપચારિક બની રહેશે. આ પછી કેમરન પાછા ફરશે.
થોડાક કલાકો પછી થેરેસા મે મહારાણીને મળવા જશે. ચા-પાણી કરાવીને મહારાણી તેમને વડા પ્રધાન પદનો કાર્યભાર સોંપશે.

•••

મહારાણી અને વૈશ્વિક નારીશક્તિ

દેશમાં પ્રવર્તતા રાજકીય અનિશ્ચિતતાના માહોલમાં અચાનક જ પલટો આવી ગયો છે. મહારાણીને સોમવારે સવારે ખબર પણ નહીં હોય કે તેઓને બુધવારે લંડન પરત ફરવું પડશે. ત્યારે દેશમાં સત્તાપલ્ટાનો તખતો તૈયાર થઇ ગયો હશે. મહારાણી બાલમોરલ કેસલમાં રજા ગાળવા ગયા હતા. રવિવારે નોર્ફોક કન્ટ્રી કોટેજમાં પહોંચ્યા હતા. બુધવારે સવારે બર્મિંગહામ એરપોર્ટ નજીક રોયલ એરફોર્સનું નવું યુનિટ આકાર લઇ રહ્યું છે. આ યુનિટના એર એમ્બ્યુલન્સ વિભાગમાં પૌત્ર ડ્યુક ઓફ કેમ્બ્રિજ ફરજ બજાવે છે. આથી સવારે ૧૦ વાગ્યે ત્યાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. આ કાર્યક્રમ સંપન્ન થયે મહારાણી બપોરે એક વાગ્યે બકિંગહામ પેલેસ પરત પહોંચશે. બીજી તરફ, વડા પ્રધાન કેમરન બપોરના ૧૨-૦૦ વાગ્યે છેલ્લા પીએમ્’સ ક્વેશ્ચન અવરમાં હાજરી આપશે, અને બાદમાં તેઓ નામદાર મહારાણીને મળવા પહોંચશે.

નામદાર મહારાણી કદાચ વિચારતા હશે કે વિશ્વભરના દેશોમાં સર્વોચ્ચ સત્તા સ્થાન પર મહિલાનું વર્ચસ વધી રહ્યું છે. જર્મનીમાં એન્જેલા મર્કેલ તો વર્ષોથી નોંધનીય સેવા આપી જ રહ્યા છે. યુરોપિયન યુનિયનના સૌથી મોટા અને સાધનસંપન્ન દેશ તરીકે જર્મનીનો ભારે પ્રભાવ છે. જર્મનીને આ સ્થાન અપાવવામાં મર્કેલનું મહત્ત્વનું યોગદાન છે. હવે બ્રિટનનું સુકાન પણ એક મહિલા સંભાળશે. મહાસત્તા અમેરિકામાં પણ પ્રમુખ પદની આગામી ચૂંટણી બાદ એક મહિલા (હિલેરી ક્લિન્ટન) દેશનું નેતૃત્વ સંભાળે તેવી પૂરી શક્યતા છે. સ્કોટલેન્ડમાં મહિલા નેતા છે. યુરોપના બીજા કેટલાક દેશોમાં પણ સર્વોચ્ચ સત્તાસ્થાને મહિલાઓ છે. બર્મામાં આંગ સાન સૂ કી દેશનું સુકાન સંભાળે છે તો આફ્રિકામાં પણ મહિલાના હાથમાં કેટલાક દેશોમાં સત્તાના સૂત્રો છે.

દુનિયાભરમાં મહિલા નેતાઓનો દબદબો જે પ્રકારે વધી રહ્યો છે જોતાં એટલું તો નક્કી છે પુરુષપ્રધાન સમાજ હવે એવું તો ક્યારેય નહીં જ બોલી શકે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય છે.

•••

ભલું થયું ભાંગી જંજાળ

વાચક મિત્રો, એક બીજી પણ રસપ્રદ ઘટનાએ આ સમયમાં આકાર લીધો છે. ગયા વર્ષે આ જ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના પ્રાંગણમાં સ્પષ્ટ બહુમત સાથે ડેવિડ કેમરને બીજી મુદત માટે વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે પ્રાસંગિક પ્રવચન કર્યું ત્યારે ખુશખુશાલ હતા કેમ કે કન્ઝર્વેટિવ પાર્ટીએ વર્ષોબાદ સંપૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી. તે વેળા તેમની બાજુમાં જ પત્ની સામન્થા પણ ખુશમિજાજમાં ઉભા હતા. સુંદર મજાનો ડ્રેસ પહેર્યો હતો.

ચહેરા પર અસુખ છવાયું હતું. સોમવારે કેમરને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના પ્રાંગણમાં ઉભા રહીને જાહેરાત કરી કે આગામી ૪૮ કલાકમાં સત્તાના સૂત્રો અનુગામીને સોંપી દેવાનો છું ત્યારે તેઓ એકલા જ ઉભા હતા. ટૂંકમાં એક વર્ષમાં જ માહોલ બદલાઇ ગયો હતો.

તેઓ આ વખતે જાહેરાત કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના માઇક્રોફોનની સ્વીચ ઓન રહી ગઇ હતી. આથી તેઓ જે જાહેરમાં બોલ્યા નહોતા તે પણ બ્રોડકાસ્ટ થઇ ગયું. તેઓ પ્રવેશદ્વારથી આઠ-દસ કદમ દૂર પહોંચ્યા હશે કે રાઇટ ઉચ્ચારી એક સૂરમાં કોઈક ગીત ગણગણ્યા હતા. કેટલાક લોકો માને છે કે આ કોઇ ફિલ્મની મ્યુઝિક ટ્યુન છે. કેમરનસાહેબ ગુજરાતી ભાષા જાણતા હોત તો કદાચ એવું ગણગણ્યા હોત કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું જય ગોપાળ... જો આ શબ્દો ન ગણગણ્યા હોત તો બોલ્યા હોતઃ જાગીને જોયું તો જગત દીસે નહીં...

•••

આનું નામ જ રાજકારણ છે

૧૯૬૦ના દાયકામાં બ્રિટનના વડા પ્રધાન પદે હેરોલ્ડ વિલ્સન હતા. તેમને પણ કેટલાક લેબર સાંસદો ખૂબ કનડગત કરતા હતા. રોજેરોજની આ પજવણીથી એક વખત તો તેઓ પિત્તો ગુમાવીને એવા શબ્દો ઉચ્ચારી બેઠા હતા કે Every dog has his day... યાદ રાખજો કે એક વખત હું તમને બધાને પણ પાઠ ભણાવીશ. તેમની સરકારને પણ સ્પષ્ટ બહુમતી નહોતી. તેઓ જાણતા હતા કે આ સંજોગોમાં માથા પર રાજકીય અનિશ્ચિતતાની તલવાર સતત કેવી લટકતી રહે છે.
તેઓ રાજકારણમાં સમયનું ‘મહત્ત્વ’ સમજતા હતા. એક વખત તેમણે કહ્યું હતું, A week is a long time in politics... લેબર સરકાર પાસે સ્પષ્ટ બહુમતી તો હતી નહીં. આ સંજોગોમાં સરકાર પર અનિશ્ચિતતના વાદળો સતત મંડરાયેલા રહેતા હતા. એક વખત કોઇ પત્રકારે તેમને પૂછ્યું કે રાજકીય માહોલ ડામાડોળ છે... તમને શું લાગે છે, આવતા સપ્તાહે શું થશે? ત્યારે જવાબમાં તેમણે અગાઉ લખેલું ઇંગ્લિશ વાક્ય ટાંક્યું હતું. રાજકારણમાં બીજી પળે શું થશે તે પણ કહી શકાતું નથી ત્યારે સાત દિવસ કે સાત કલાકની તો વાત જ ક્યાં કરવી?

આ જૂઓને ટોની બ્લેરે તેમના વડા પ્રધાન પદ દરમિયાન કેવો લોચો માર્યો હતો. અમેરિકાની સાથે મળીને ઇરાક સામે સશસ્ત્ર જંગ છેડતા તેમણે કહ્યું હતું કે ઇરાકના સરમુખત્યાર શાસક સદ્દામ હુસૈન પાસે સામૂહિક માનવસંહાર નોતરે તેવા શસ્ત્રોનો ભંડાર છે. તે ધારે તો એક બટન દાબીને માત્ર ૪૫ મિનિટમાં વિશ્વમાં તબાહી વેરી શકે તેમ છે...

આવી બધી વાતો કરીને તેણે બ્રિટિશ સેનાને યુદ્ધના મેદાનમાં ધકેલી દીધી. યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં ૨૦૦ જેટલા બ્રિટિશ સૈનિકો માર્યા ગયા. યુદ્ધભૂમિ બની ગયેલા ઇરાકમાં હજારો-લાખો લોકોએ જીવ ગુમાવ્યા. અબજો ડોલરની સંપતિને નુકસાન થયું. અને આ બધું થયા પછી પણ સામૂહિક માનવસંહાર નોતરે તેવા શસ્ત્રોના નામે તો કંઇ મળ્યું જ નહીં. આજે પણ ઇરાકમાં આતંકવાદમાં સપડાયેલું છે.

ચાલો, આ બ્લેરપુરાણ છોડીને ડેવિડ કેમરન તરફ પાછા ફરીએ... ૨૩ જૂને કોઇને ૧૦૦ ટકા ખબર નહોતી કે મતદારો બ્રેક્ઝિટની તરફેણમાં ચુકાદો આપશે. પરંતુ કેમરનને આ વાતનો આગોતરો સંકેત મળી ગયો હોય કે ગમેતેમ એમણે ઓક્સફર્ડશાયરમાં આવેલું પૈતૃક માલિકીની મકાન તો ભાડે આપી જ દીધું હતું. આ ઉપરાંત બેન્ક મોર્ગેજ લઇને એક બીજું મકાન ખરીદી લીધું હતું. અને સોમવારે પ્રસિદ્ધ થયેલા એક અન્ય અહેવાલ અનુસાર, ડેવિડ અને સામન્થા કેમરન દંપતીએ ૨૦૦૬માં પશ્ચિમ લંડનના નોટિંગહામ હીલ વિસ્તારમાં આશરે ૧.૨૫ મિલિયન પાઉન્ડની કિંમતે એક મકાન ખરીદ્યું હતું. આ મકાનની આજે બજારકિંમત આજે ૩.૫ મિલિયન અંકાય છે. આ મકાન પર રેફરન્ડમ્ પૂર્વે પાંચ દિવસ અગાઉ કેમરન દંપતીએ આઠ લાખ પાઉન્ડની લોન લીધી હતી.

એન્ડ્રીયા લીડસોમે વડા પ્રધાન પદની સ્પર્ધામાં ઉમેદવારી પાછી ખેંચી અને થેરેસા મેનું નામ નક્કી થયું તેની સીધી અસર પાઉન્ડના મૂલ્ય પર જોવા મળી છે. રાજકીય અનિશ્ચિતતા દૂર થઇ રહ્યાના અહેવાલ બાદ પાઉન્ડનું મૂલ્ય સ્થિર થયું છે. મંગળવારે કરન્સી માર્કેટમાં એક પાઉન્ડનું મૂલ્ય ૧ ડોલર ૧૩ પેન્સ અંકાતું હતું. શેરબજાર પર સ્થિર બની રહ્યું છે.

•••

હીમાલય સા પ્રાણપ્રશ્નો

થેરેસા મેએ વડા પ્રધાન પદ સંભાળ્યું પણ નથી ત્યાં તેમની સામે પ્રશ્નોની પરંપરા ખડી ગઇ છે. તાજેતરના દસકાઓમાં બ્રિટનના કોઇ વડા પ્રધાનને એક સાથે આટલા બધા પ્રશ્નોનો સામનો નથી કરવો પડ્યો. એક તો પક્ષમાં આંતરિક ફાટફૂટ, દેશમાં યુરોપિયન યુનિયનના મુદ્દે પ્રવર્તતા મતમતાંતર, આર્થિક અચોક્કસતાના કારણસર પાઉન્ડની કિંમતમાં ભારે કડાકો, અને યુરોપિયન યુનિયન સાથે કેવી રીતે સંબંધોનું અનુસંધાન સાધવું તેવા કેટલાય મહાવિકટ પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિટનને પોતાનું સ્થાન વધુ સંગીન કરવું પડે અને આવી કેટલીય રાજકીય રંગછટામાંથી આ દેશ માટે વિકાસનું મેધઘનુષ રચવાનું નવી સરકાર માટે આસાન નથી.
પરંતુ આ બધી વાતો નીકળી છે ત્યારે થેરેસા મેની ક્ષમતાની વાતો પણ કરી લઇએ. અહીં પ્રશ્ન નવો રાજા, નવી પ્રજાનો નથી. પ્રશ્ન નેતૃત્વની શક્તિનો, ક્ષમતાનો, સજ્જતાનો છે.

નવા વડા પ્રધાન તરીકે બુધવારે કાર્યભાર સંભાળી રહેલા થેરેસા મેને મળવાનો મને ચાર-પાંચ વખત અવસર મળ્યો છે. આપણા કાર્યક્રમમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એબીપીએલ ગ્રૂપ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમની પ્રતિભા, પૂર્વભૂમિકા, અનુભવને દેશ માટે ખૂબ આશાવાદી લેખી શકાય.
એક પાદરીના દીકરીએ સામાન્ય ગ્રામર સ્કૂલમાંથી પ્રાથમિક અભ્યાસ કરીને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું. તેમણે બેન્કીંગ ક્ષેત્રે કામ કર્યું છે. લાંબા સમયથી સંસદ સભ્ય છે. બુદ્ધિચાતુર્ય, નિર્ણયશક્તિ, દૃઢ નિશ્ચયતા, વિશ્વસનિયતા માટે આગવી નામના ધરાવે છે. આચારસંહિતાને સમર્પિત છે. કાર્યદક્ષ પણ છે. મિત્રવર્તુળમાં પણ એક અર્થમાં હકારાત્મક વલણ ધરાવતા લોકો છે.

નવી સરકારનું સુકાન સંભાળતાની સાથે જ તેમણે સૌથી પહેલું કામ તો પ્રધાનમંડળની રચના કરવાનું હશે. ખાસ તો તેઓ ગૃહ, વિદેશ, સંરક્ષણ, નાણા, વ્યાપાર જેવા મહત્ત્વના મંત્રાલયો ઉપરાંત પક્ષનું ચેરમેન પદ અને પાર્લામેન્ટરી અફેર્સના વડા
તરીકે કોની વરણી કરે છે, કોને ક્યો કાર્યભાર સોંપે છે તે મુદ્દે જેટલા મોંઢા એટલી વાતો અને અટકળો ચાલી રહી છે. (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter