નબળું મન શારીરિક બિમારીઓનું પ્રવેશદ્વાર છે

જીવંત પંથ-૨ (ક્રમાંક - 9)

સી.બી. પટેલ Sunday 14th August 2022 05:57 EDT
 
 

વડીલો સહિત સૌ વાચક મિત્રો, આજનો વિષય અનેકવિધ રીતે હિતકારી બની રહેશે તેવી શ્રદ્ધા છે. તાજેતરમાં તામિલનાડુના પાટનગર ચેન્નઇમાં ચેસ ઓલિમ્પિયાડ યોજાઇ ગયો. ભારતમાં આ પ્રકારે પહેલી વખત યોજવામાં આવી. મુખ્ય પ્રધાન સ્ટાલિને ઘોષણા કરી હતી તે અનુસાર વિજેતાઓને એક કરોડ રૂપિયાના ઇનામો એનાયત થયા. કેટલાક વિરોધ પક્ષોને તેમાં પણ વાંધાવચકા દેખાયા, પણ છોડો એ વાત. જેને આપણે ચેસ કહીએ છીએ તેની શરૂઆત ભારતથી થઇ. રાજા-રજવાડાં-શ્રીમંત બુદ્ધિજીવીઓ સૈકાઓથી શતરંજ રમતા આવ્યા છે. આપણા ‘મહાભારત’માં કૌરવ-પાંડવો ચોપાટ પર જે જૂગટું રમે છે તે પણ શતરંજનો એક પ્રકાર ગણી શકાય. ગત ચોથી ડિસેમ્બરે વર્લ્ડ ચેસ ચેમ્પ્યિનશિપ યોજાઇ હતી. બે ખેલાડીઓ વચ્ચેની મેરેથોન ફાઇનલ પૂરા 7 કલાક 45 મિનિટ ચાલી. કુટીઓ 136 વખત આઘીપાછી કરાઇ. ચેસવિશ્વની આ સૌથી લાંબી ફાઇનલના અંતે મેગ્નસ કાર્લસન વિજેતા જાહેર થયો. અને ખુરસી પરથી ઉભા થતાં જ કાર્લસન બે હાથ પહોળા કરીને મોટા અવાજે બોલ્યોઃ હા...શ. બહુ થાકી ગયો છું.
કેટલાક વધુ ‘જ્ઞાની’ તરત ટાપસી પુરાવશે કે લ્યા, બેઠા બેઠા રમવાનું એમાં શું વળી થાકી જવાનું?! આવા ‘જ્ઞાનીજનો’ને સમજાવવા આપણું કામ નહીં... પણ તાજેતરમાં ‘કરન્ટ બાયોલોજી’ નામના નામાંકિત મેગેઝિનમાં પ્રકાશિત લેખની વાત કરું. લેખનો સાર કંઇક એવો છેઃ એક વ્યક્તિ કે એકથી વધુ વ્યક્તિઓ ખૂબ મગજ કસવાની ક્રિયામાં પ્રવૃત્ત થાય ત્યારે તેમના મસ્તકમાં અને તેના પરિણામે સમગ્ર શરીરમાં ચોક્કસ પ્રકારના રસાયણોનો જથ્થો એકત્ર થાય છે. જેને એક પ્રકારે પ્રદૂષણ જ કહી શકાય. જો તેના પ્રત્યે નિષ્કાળજી દાખવાય તો શરીરમાં રોગ પેસી જાય છે. ખેર, ચાલો પાછા ‘મહાભારત’ તરફ...
કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં રણટંકારની મહત્ત્વની પળે જ અર્જુન સારથિ કૃષ્ણને કહે છેઃ હવે મારા ગાત્રો શિથિલ થવા લાગ્યા છે. હું - મારા પરિવારજનો સામે નહીં લડી શકું. આ કપરી પળે ભગવાન કૃષ્ણે આપેલો ઉપદેશ અને સંવાદ એટલે આપણો ધર્મગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા. આગળ વધતાં પૂર્વે એક પ્રસંગ ટાંકી લઉં. એક વખત લંડનમાં પાંચ હજારથી વધુ લોકોની મેદનીને સંબોધતા એક પ્રસિદ્ધ સ્વામીજીએ કહ્યું હતું કે આપણા ઘણા ભાઇઓ-બહેનો દરરોજ નિયમિતપણે ભગવદ્ ગીતાજીનો પાઠ કરે છે. તેઓ જે પાઠ વાંચે છે તેની ભાષા સંસ્કૃત હોય, પણ લિપિ ગુજરાતી હોય. આ લોકો નિયમિત ગીતાજીનો નિત્ય પાઠ કરે છે તે સાચું પણ તેઓ આમાંથી સમજ્યા કેટલું તે કોઇ વિચારતું નથી. જો તમને સંસ્કૃત ભાષાનું જ્ઞાન જ ન હોય અને કાવ્યમય શૈલીમાં લખાયેલા શ્લોકોનો ગૂઢાર્થ જ સમજાતો ન હોય તો છેવટે ભેંસ પાણીમાં જ જવાની. ગીતાજીનો અધ્યાય વાંચો કે આખા ગીતાજી વાંચો, સમજ્યા વિના તેને વાંચવાનો અર્થ શું?
વાતને જરા આગળ વધારીએ... બે’ક વર્ષ પૂર્વે લેસ્ટરમાં વસતાં ગુજરાત સમાચારના સંનિષ્ઠ વાચક શ્રીમાન .............. શાહ સાહેબે (માફ કરજો તેમનું નામ ભૂલી ગયો છું.) મને ફોન કર્યો. સવાલ હતોઃ તમે કોલમમાં કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાલાના ગુજરાતી પુસ્તક ‘ગીતાધ્વનિ’નો ઉલ્લેખ કર્યો છે તે ક્યાંથી મળે? વાચક મિત્રો, મારી પાસે 1952થી ‘ગીતાધ્વનિ’ છે. પુસ્તકની આ બીજી આવૃતિમાં ગાંધીજીની પ્રસ્તાવના પણ છે. જે મિત્રો કિશોરલાલ મશરુવાલાના નામ અને કામથી અપરિચિત છે, તેમને જણાવવાનું કે કિશોરલાલ મશરુવાલાએ મુંબઇ યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ ગુજરાતી ઉપરાંત ઇંગ્લીશ અને સંસ્કૃત ભાષા પર બહુ પ્રભુત્વ ધરાવતા હતા. ગાંધીવિચારથી બહુ જ પ્રભાવિત મશરુવાલા ગાંધીજીને મળવા સાબરમતી આશ્રમ 1920ની આસપાસ જઈ પહોંચ્યા, અને તેમની સાથે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇ ગયા. ગાંધીજી નામના લોહચુંબકનો પ્રભાવ જ કંઇક એવો હતો કે કિશોરલાલ મશરુવાલા જ નહીં, ઇન્દુલાલ યાજ્ઞિક, મહાદેવ દેસાઇ જેવા તરવરિયા અને પ્રતિભાશાળી લોકો તેમનાથી આકર્ષાઇને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇ રહ્યા હતા. કિશોરલાલભાઇએ તૈયાર કરેલા ભગવદ્ ગીતાના સમશ્લોકી ગુજરાતી અનુવાદ ‘ગીતાધ્વનિ’ની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યુંઃ મારી માહિતી પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું સૌથી શ્રેષ્ઠ ગુજરાતી ભાષાંતર ‘ગીતાધ્વનિ’માં રજૂ કરાયું છે. આપણા શ્રીમાન શાહે અમદાવાદસ્થિત નવજીવન પ્રકાશન સાથે પત્રવ્યવહાર કર્યો. ‘ગીતાધ્વનિ’ની નકલો મંગાવી, અને સ્વજનો સહિત મને પણ એક નકલ મોકલી.
ખેર, ચાલો પાછા ફરીએ ચેસની રમત તરફ. ચેસના ખેલાડીઓ તો પોતાની મનમરજીથી આ રમતમાં જોડાયા. મગજનું દહીં કરી નાંખ્યું, પણ આપણે બધાં?! આપણે સહુ અકારણ - સકારણ, બિનજરૂરી - નિરર્થક પ્રશ્નોની ચર્ચામાં ગળાડૂબ રહીએ છીએ એવું નથી લાગતું? આ ઓછું હોય તેમ, આપણા સહુના મનમાં કામ-ક્રોધ-લોભ-મોહ-ઇર્ષ્યા-લાલસા જેવા અનિષ્ટોનું પ્રદૂષણ પણ અઢળક ફેલાયેલું જોવા મળે છે. ઇશ્વર તો મનુષ્યમાત્રને દિલોદિમાગની કોરી પાટી સાથે આ ધરતી પર મોકલતો હોય છે, વયના વધવા સાથે આપણે જ તેને ‘પ્રદૂષિત’ કરતા રહીએ છીએ. અર્જુન જ્યારે રણભૂમિ મધ્યે પહોંચીને કહે છે કે હું નહીં લડું, અને કૃષ્ણ ભગવાન તેને જે ઉપદેશ આપે છે તેમાં જ આપણા મનમાંથી કચરો કાઢવાનો ઉપાય પણ રજૂ થયો છે. મિત્રો, આપની પાસે શ્રીમદ્ ભગવદ્ ગીતાજી હોય તો ધ્યાનથી વાંચજો, ભગવાન શ્રીકૃષ્ણે આપેલો ઉપદેશ વિચાર માંગી લે છે.
વર્ષોપૂર્વે મને બ્રિટન ખાતેના ભારતીય હાઇ કમિશનર સિંઘવી સાહેબ સાથે કેલિફોર્નિયાની પ્રતિષ્ઠિત સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં એક સપ્તાહ રહેવાનો અને સેમિનારમાં હાજરી આપવાનો સોનેરી અવસર સાંપડ્યો હતો. સ્ટેનફર્ડ યુનિવર્સિટી માત્ર મોટી જ નહીં, બહુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે. તેમાં બહુ ખ્યાતનામ લોકો ભણ્યા છે. સેમિનારના ઇન્ટરવલ દરમિયાન યુનિવર્સિટીની બિઝનેસ મેનેજમેન્ટ સ્કૂલના સિનિયર પ્રોફેસરને પણ મળવાનું બન્યું. એક આડ વાત જણાવું તો, અમદાવાદની આઇઆઇએમ કે લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવી જ આગવી પ્રતિષ્ઠા ધરાવતી સ્ટેનફર્ડ યુનિવર્સિટીના એમબીએ (માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન) ડિગ્રીધારકો (‘મને બધું આવડે ...’ વાળા નહીં હોં...) દુનિયાના ટોચના સંસ્થાનોમાં કામ કરતા હોય છે. આવી મોટા ગજાની શિક્ષણ સંસ્થાના પ્રોફેસરનું કહેવું હતું કે અમારા સ્ટુડન્ટ્સને ભણાવવા માટે તમારા પૌરાણિક ગ્રંથો ‘મહાભારત’ અને ખાસ તો ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’નો સવિશેષ ઉપયોગ કરીએ છીએ.
મારા ચહેરા પર ઉત્કંઠા જોઇને તેમણે કહ્યું કે ખરેખર તમારા આ ગ્રંથો અદભૂત છે. અર્જુનને શસ્ત્રો હેઠા મૂકી દીધા તો કૃષ્ણે તેને ધુત્કાર્યો નથી, આના બદલે તેને સમજાવ્યો કે લડવું એ તારી ફરજ છે. રણભૂમિ છોડીને ભાગવાની જરૂર નથી, પરંતુ તારી સામે જે સંજોગો સર્જાયા છે તેનો મુકાબલો કર. કૃષ્ણે કર્મના ફળની વાત કરી. લાભ-હાનિની વાત કરી. અસત્ય સામે - અનિષ્ટ સામે જંગ છેડવા હાકલ કરી. અને છેવટે સત્યનો વિજય થયો.
મિત્રો, માત્ર સ્ટેનફર્ડ જ નહીં, દુનિયાભરની બિઝનેસ સ્કૂલમાં સારાસારનો પાઠ ભણાવતા આ ગ્રંથોના આધારે અભ્યાસ કરાવવામાં આવે છે.
‘ગીતાધ્વનિ’ના બીજા અધ્યાયનું શિર્ષક છે ‘જ્ઞાન અને યોગનું તત્વ’. તેના ચાર શ્લોક જૈસે થે અહીં ટાંકી રહ્યો છું.
•••
અર્જુન બોલ્યા -
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ, કેશવ?
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુદ્ધિનો? 54
 
શ્રીભગવાન બોલ્યા -
મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે
રહે અંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો. 55

દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ;
ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુદ્ધિનો. 56

આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઈ શુભાશુભ;
ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઈ સ્થિર. 57
•••
નજર સામેના સંજોગો જોઇને અર્જુન નાસીપાસ થઇ ગયો છે. ગાંડીવ મૂકીને ઘૂંટણિયાભેર બેસી ભગવાન કૃષ્ણને પૂછે છેઃ સ્થિતપ્રજ્ઞ કેમ થવું? વાચક મિત્રો, મારા મતે તો આમાં સમગ્ર ગીતાજીનો અર્ક આવી જાય છે. કોરોનાકાળમાં કેટલાયને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો. પરિણામે મગજમાં જાતભાતના નકારાત્મક વિચારો ઘુમતા થઇ ગયા. જાણે કે મગજમાં પ્રદૂષિત વિચારનો વાવંટોળ ઉઠ્યો. મારા-તમારા-આપણા સહુના તન-મનના સ્વાસ્થ્યની કાળજી લેતી NHS ના નિષ્ણાતોએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. જરૂરી - બિનજરૂરી નિરર્થક વિચારોમાં અટવાતા દર્દીઓ પોતે તો દુઃખી થાય જ છે, સાથે સાથે પોતાના પરિવારજનોને પણ દુઃખી કરે છે. કોરોનાકાળના પગલે બ્રિટનવાસીઓમાં માનસિક પરિતાપ એટલી હદે વધ્યો છે કે NHSને મેન્ટલ ડિસીઝના ઉપચાર માટે ૪ બિલિયન પાઉન્ડનું વિશેષ ભંડોળ ફાળવવું પડ્યું છે.
યુવા વયના લોકોમાં જોબ અને કરિયરના મામલે ચિંતાનું પ્રમાણ વધી રહ્યું છે તો વડીલોને પરિવારના સભ્યોની, પોતાના સ્વાસ્થ્યની (વધુ પડતી) ચિંતા પરેશાન કરી રહી છે. હંમેશા યાદ રાખો કે નબળું મન એ શારીરિક બીમારીનું પ્રવેશદ્વાર છે. કોઇ પણ પ્રકારનો માનસિક તણાવ સિગારેટ સ્મોકિંગ જેટલો જ નુકસાનકારક સાબિત થઇ શકે છે. મન સ્વસ્થ તો તન સ્વસ્થ કંઇ અમસ્તું નથી કહ્યું. માનસિક બીમારી ધીમે ધીમે પંજો પ્રસારીને શરીરમાં અન્ય બીમારીના પ્રવેશનો રસ્તો ખોલી નાંખે છે. મનમાં બિનજરૂરી વિચારોનું પ્રદૂષણ પ્રવેશતું અટકાવવાનો એક જ ઉપાય છે જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ.
અર્જુને સ્થિતપ્રજ્ઞ રહેવાનો જે ઉપાય પૂછ્યછે છે અને તેને જે જવાબ મળ્યો છે તે આ સાથે પ્રકાશિત શ્લોકમાં રજૂ થયો છે. ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ અર્જુનને જેટલો લાગુ પડે છે એટલો જ આપણને સહુને પણ લાગુ પડે છે. કારણ કે અર્જુન અને આપણા સંજોગોમાં ઘણી સમાનતા છે. અર્જુન રણસંગ્રામમાં ઉભો છે તો આપણે જીવનસંગ્રામમાં ઉભા છીએ. જાત અનુભવથી કહું છું... દુઃખે-સુખે શક્ય તેટલો સમભાવ કેળવો, ખરેખર બહુ માનસિક શાંતિ અનુભવશો. (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter