નૂતન વર્ષના આવશ્યક સંકલ્પ ઇચ્છાશક્તિ, કાર્યશક્તિ, ક્રિયાશક્તિ

સી.બી. પટેલ Tuesday 30th October 2018 15:26 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, દીપોત્સવી પર્વનો શુભારંભ થઇ ચૂક્યો છે. નૂતન વર્ષના સંકલ્પ કંડારવાનો પણ આ યથાયોગ્ય સમય ગણી શકાય. જીવનમાં આગેકૂચ કરવી, નીતનવીન સફળતાના શીખરો સર કરવા એ માનવમાત્રની તૃષ્ણા હોય શકે છે. સુખની શોધમાં આપણે સહુ પરોવાયેલા હોવા છતાં કોઇ અગોચર કારણે કેટલીક વેળા આપણે અસુખનો અનુભવ કરીએ છીએ ત્યારે અપરંપાર દુઃખ કે ગ્લાની કે પીડા પણ પામીએ છીએ. શાસ્ત્રના એક સંદેશ મુજબ અસુખના મૂળમાં અસંતોષ, અભાવ રહેલો છે. નોકરી હોય, ધંધો હોય કે વ્યવસાય હોય, જો પસંદગીની પ્રાથમિક્તામાં બંધબેસતા ન હોય તો રોજબરોજની કાર્યવાહી બોજારૂબ બની જતી જોવા મળે છે. સાથે સાથે જ જે તે વ્યક્તિ નિષ્ફળ હોવાની કે નિષ્ફળતાના પંથે જઇ રહ્યા હોવાની એક ભાવના પણ ઉદ્ભવે છે. આ સીધીસાદી વાત સમજવા માટે ચાલો મારી સાથે...
હમણાં વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૯ના પ્રચારાર્થે માતૃભૂમિથી વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના ટોચના કહેવાય તેવા પંદરેક જેટલા સાહસિકો અને ગુજરાત સરકારના ચુનંદા અધિકારીઓ બ્રિટન આવ્યા હતા. તેમની કેટલીક બેઠકોમાં હાજરી આપવાનો મને પણ અવસર સાંપડ્યો હતો. ભારતના પત્રકારો હોય કે અહીંના, પ્રવાસી પ્રતિનિધિઓ સાથે ડીનર લેવાનો મોકો મળે છે હળવાશભર્યા માહોલમાં ઔપચારિક ચર્ચાનો દોર જામતો હોય છે, અલકમલકના મુદ્દા ઉખડતા હોય છે.
એક સમય હતો આવી ચર્ચામાં ભારતના રાજકારણથી માંડીને સમાજકારણ અને નેતાથી માંડીને અભિનેતાઓના મુદ્દા ચર્ચાતા હતા. જોકે છેલ્લા થોડાક વર્ષોથી સિલસિલો બદલાયો છે. આપણે એમ પણ કહી શકીએ કે નરેન્દ્ર મોદી લાઇમલાઇટમાં આવ્યા છે ત્યારથી ચર્ચાનો વિષય બદલાયો છે. હવે મોટા ભાગે ચર્ચામાં ન.મો. ન.મો. જ થતું હોય છે. વાઇબ્રન્ટ ગુજરાતનું આમંત્રણ આપવા આવેલા મહેમાનોના માનમાં યોજાયેલા ડીનરમાં પણ નરેન્દ્રભાઇ જ મુખ્ય વિષય હતા. તેમનું વ્યક્તિત્વ જ કંઇક એવું છે કે ગેરહાજરીમાં છતાં પણ તેમની ‘હાજરી’ વર્તાઇ આવે છે.
બધાનું એકસૂરે કહેવું હતું કે નરેન્દ્રભાઇ હંમેશા તરોતાજા દેખાય છે. સતત ઉર્જાસભર અને આત્મવિશ્વાસથી હર્યાભર્યા. તેમના દરેક ઉદ્બોધનમાં ભારતવર્ષના વિકાસ માટે કંઇક કરી દેખાડવાની તત્પરતા સાથેનું દૂરંદેશીભર્યું વલણ જોવા મળતું હોય છે. વાચક મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ? શું તેમને થાક નહીં લાગતો હોય? કંટાળો નહીં આવતો હોય? આખરે તો તેઓ પણ છે તો કાળા માથાના માનવી જને?!
આ ચર્ચા દરમિયાન કોઇ પત્રકારે યોગ્ય જ કહ્યું કે આપણા દેશના વડા પ્રધાન પદની ખુરશી ગુલાબની સેજ તો નથી જ. આ જવાબદારી એટલે જાણે કાંટાળો તાજ. આમાં ય પ્રવર્તમાન સંજોગોમાં તો આ બહુભાષી, બહુસાંસ્કૃતિક દેશનું સુકાન સંભાળવાનું ઘણું વિકટ છે. ઉપખંડ સમાન આ દેશના લોકોની વિવિધ પ્રકારની અપેક્ષાઓ, વિરોધાભાસો, જૂની અને નવી જાતભાતની સમસ્યાઓ... આ બધું હોવા છતાં અત્યારના વડા પ્રધાનના મોઢા પર કેમ કંઇ ભાર વર્તાતો નથી?! એક પત્રકાર મિત્રે વળી કહ્યું કે ગુજરાતની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોરે એવી વાત વહેતી કરી હતી કે નરેન્દ્રભાઇ રાતી રાયણ જેવી તંદુરસ્તી ધરાવે છે તેનું કારણ એ છે કે તેઓ રોજના ૩૫-૪૦ હજાર રૂપિયાના વિદેશી મશરૂમ ખાય છે. લો બોલો! આ અલ્પેશભ’ઇ વળી નવું ગતકડું લાવ્યા હતા.
વાચક મિત્રો, નરેન્દ્રભાઇ શું ખાય છે અને શું પીએ છે એ આપણે નથી જાણતા અને તે આપણો વિષય પણ નથી, પરંતુ એક વાત તો સોળ આની સાચી છે કે નરેન્દ્રભાઇનું જીવન અને કાર્ય હેતુલક્ષી છે. તેમની સક્રિયતામાં, પ્રવૃતિમાં, વિચારસરણીમાં કંઇક ઉદ્દાત ભાવના છે અને તેને સાકાર કરવા માટે સર્વ પ્રકારે પ્રયાસ કરવા કટિબદ્ધ છે.
આથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિરીતિથી ભારત વર્ષનો બહુજન સમાજ અને યુવા પેઢી અત્યંત પ્રભાવિત જણાય છે. સમગ્રતયા જોઇએ તો નરેન્દ્રભાઇની દાયકાઓની સાધના અને ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતા એ જ તેમના નિરામય આરોગ્ય અને તંદુરસ્ત જીવનશૈલીનું પાયાનું કારણ છે. તેમણે આજીવન મનમરજી અનુસાર માર્ગ પસંદ કરીને તેના પર પ્રયાણ કર્યું છે, અને અનેક અવરોધો વચ્ચે પણ એક પછી એક સફળતાના શીખરો હાંસલ કરી રહ્યા છે.
નરેન્દ્રભાઇ એ બાબતથી પૂરેપૂરા વાકેફ છે કે કેટલાક આતંકવાદી કે રાષ્ટ્રવિરોધી તત્વોથી તેમના જાન પર ખતરો છે, પણ નિશ્ચિત માર્ગથી ચલિત થાય તો તે ન.મો. નહીં. ગુજરાતમાં તેમણે ૧૨ વર્ષ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું અને સાડા ચાર વર્ષથી દેશનું સુકાન સંભાળી રહ્યા છે. જો કોઇ વ્યક્તિ - પૂર્વગ્રહને કોરાણે મૂકીને - તટસ્થતાથી નિરીક્ષણ કરશે તો અવશ્ય ખ્યાલ આવશે કે ભારત કરવટ બદલી રહ્યું છે. એક પત્રકારે નરેન્દ્રભાઇ માટે બહુ સરસ વાત કરી - Either you love him or hate him, but you can't ignore him. તમે કાં તો તેમને પ્રેમ કરી શકો કાં તો તેને ધિક્કારી શકો, પરંતુ તમે તેમની ઉપેક્ષા તો ન જ કરી શકો. નરેન્દ્રભાઇનો કરિશ્મા જ કંઇક એવો છે કે તેમને નજરઅંદાજ કરવાનું શક્ય જ નથી. આથી જ મને તેમના ચુસ્ત પ્રશંસકો માટે પણ નવાઇ નથી લાગતી અને કટ્ટર વિરોધ સંદર્ભે પણ કંઇ આશ્ચર્ય થતું નથી.
અમારી અલકમલકની આ ચર્ચા દરમિયાન મોરારજીભાઇ દેસાઇના નામનો પણ ઉલ્લેખ થયો અને ઇન્દિરા-પતિ ફિરોઝ ગાંધી સહિતના વ્યક્તિવિશેષ પણ ચર્ચાયા. મોરારજીભાઇ દેસાઇ દેશનું વડા પ્રધાન પદ સંભાળનારા પ્રથમ ગુજરાતી. વહીવટી કાબેલિયત ધરાવતા આ નેતાની તંત્ર પર જબરી પકડ હતી. સ્વચ્છ અને સુચારુ વહીવટ તેમની આગવી ઓળખ હતી, પણ પક્ષના આંતરિક રાજકારણે તેમની ખુરશીનો ભોગ લીધો. આયુષ્યની સદી ફટકારવાના આરે હતા અને ૯૯ વર્ષની વયે વિદાય લીધી. મોરારજીભાઇએ આખું આયખું ટનાટન તંદુરસ્તી જાળવી હતી એમ કહી શકાય. આ આખાબોલા અનાવિલ દેસાઇ કર્મના સિદ્ધાંતમાં અખૂટ આસ્થા ધરાવતા હતા. શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપદેશ અનુસાર તેઓ માનતા કે બીજી કોઇ વાતની ચિંતા કર્યા વગર આપણે બસ આપણી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવાની. બસ, એક જ જીવનમંત્રઃ કર્મણ્યે વાધિકારસ્તે...
બિઝનેસ ટાયકુન રતન ટાટા, કાનૂનવિદ્ રામ જેઠમલાણી, કોકિલકંઠી લતા મંગેશકર વગેરેના નામો પણ ચર્ચામાં ચમક્યા હતા.
નામ અલગ અલગ હતા, પરંતુ વાતનું વિષયવસ્તુ એકસમાન હતું. સહુનું એક અવાજે કહેવું હતું કે આ બધા મહાનુભાવો વધતી વયે પણ એટલા જ સક્રિય છે. અત્યંત પ્રભાવશાળી કારકિર્દી ધરાવતા મહાનુભાવો યુવા વયથી જ પોતપોતાના ક્ષેત્રે ઝળકવા લાગ્યા હતા તે આજે દસકાઓ વીતી ગયા પછી પણ તેમનો પ્રભાવ ઝાંખો પડ્યો નથી. તેમની પહેલાં પણ ઘણા આવ્યા ને તેમના પછી ઘણા આવ્યા અને ગયા, પરંતુ આ મહાનુભાવો આજે ય પોતપોતાના ક્ષેત્રે ટોચ પર બિરાજે છે. આ તમામ લોકોના જીવનકવન પર નજર ફેરવશો તો જણાશે કે તેઓ સતત કાર્યશીલ રહ્યા છે.
આ જ મહાનુભાવોના કાર્યક્ષેત્રમાં સક્રિય કેટલાય સમવયસ્ક એવા પણ છે જેઓ આજે પથારીમાંથી બેઠાં પણ થઇ શકવાની સ્થિતિમાં નથી. આ બધું શું દર્શાવે છે? પોતાના જીવનમાં આરોગ્ય, આયુષ્ય અને કાર્યકારણનું સમતોલ સમીકરણ લાગુ કરવાની બાબત દરેક વ્યક્તિની મનમરજી પર નિર્ભર કરે છે. આપણે જીવન પ્રત્યે, જીવનશૈલી પ્રત્યે કેવો અભિગમ ધરાવીએ છીએ તેના પર તન-મનની સક્રિયતા નિર્ભર હોય છે.
કોઇના દોરવાયા દોરવાઇએ નહીં, અને પોતે પસંદ કરેલા મૂલ્ય આધારિત આગવા માર્ગ પર આગેકૂચ કરવાનું પસંદ કરીએ ત્યારે સ્વાભાવિક છે કે તેમાં વિપદા તો આવવાની જ. પોતાનો આગવો માર્ગ કંડારનાર વ્યક્તિ સંપૂર્ણ સાનુકૂળતાની અપેક્ષા રાખે તો તે નર્યો ભ્રમ જ ગણી શકાય - પછી તે નોકરી હોય, ધંધો હોય કે જાહેરજીવન હોય. પોતાની પસંદગીના માર્ગે આગળ વધવામાં અડચણ આવવાની જ. જો માર્ગ મુશ્કેલ ન હોય, સ્પર્ધા ન હોય કે અવરોધ ન હોય તેવો માર્ગ શા ખપનો? તેનું મહત્ત્વ શું? પ્રવૃત્તિના દરેક મહત્ત્વના કાર્યક્ષેત્રમાં પડકાર હોવા જ જોઇએ. અને આવા પડકાર, સ્પર્ધા જ વ્યક્તિને સતત ચેતનવંતી, ધબકતી રાખતી હોય છે.
આ અને આવા વાર્તાલાપમાંથી મને શું પ્રાપ્ત થાય છે? મારા વ્હાલા વાચક મિત્રો, હું આપને શું સાદર કરી શકું તે વિશે સતત વિચારતો રહું છું. આવા મોટા ગજાના લોકો સાથેના સંપર્ક, ચર્ચા, વાર્તાલાપ, ચર્ચા થકી મને જીવનભાથું મળે છે, અને આમાંથી ગમતાનો ગુલાલ કરીને આપ સહુ મિત્રો પર તેની છોળ ઉડાડતો રહું છું.
નૂતન વર્ષના સંકલ્પનો વિચાર આવે ત્યારે રોટી, કપડાં ઔર મકાન જેવા ભૌતિક લક્ષ્યાંક ઉપરાંત કંઇક અવનવું, એક ચોકઠામાંથી બહાર નીકળીને વિચારવાનું આ શુભ દિવસોમાં વધુ આવશ્યક અને ઉપયોગી ગણી શકાય. ઇચ્છાશક્તિ, કાર્યશક્તિ અને ક્રિયાશક્તિ - એ ત્રણ વ્યક્તિ-આધારિત ગુણ છે. જેટલા માથા તેટલા માપદંડ. દરેક વ્યક્તિ પોતપોતાની સમજશક્તિ અનુસાર તેને મહત્ત્વ આપતી હોય છે, પોતાના જીવનમાં લાગુ કરતી હોય છે. આ ગુણને ધારણ કરવા માટે કોઇ મોટું નથી, કોઇ નાનું નથી. નાનામાં નાનું કામ કરનાર પણ પોતાની પ્રવૃત્તિ દ્વારા કોઇકની કંઇક સેવા કરી શકતા હોય તો ભયો ભયો... કોઇને ત્રાસ આપવો, દુઃખી કરવાથી, દૂર રહી શકો તો તેને પણ ઇશ્વરની કૃપા જ ગણવી રહી.
નવા વર્ષમાં આપ સહુ વાચકો, સર્વ પ્રકારે - સર્વ ક્ષેત્રે સુખશાંતિ અને સંતોષ પ્રાપ્ત કરો તેવી પ્રભુ પ્રાર્થના... આખરે તો આપણા જીવનના દરેક સુખ કે દુઃખના મૂળમાં તો મન જ છે ને... ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આ જ કહ્યું હતું ને... નિરર્થક વિચાર કરવાનું છોડી દે, તું બસ તારી ફરજ નિભાવ. તારું કર્તવ્ય જ તારો ધર્મ છે.
આપ સહુ વાચક મિત્રોને ફરી એક વાર દીપોત્સવી પર્વની અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું તેમજ આપ સહુના મારા ઉપરના અને આપણી પ્રકાશન સંસ્થા પરના ઋણનો સ્વીકાર કરું છું. આપ સહુ મારા - અમારા પ્રેરક બળ છો. આપ સહુ રાજી રહેશો, અને અમારા સહુ પર આપની આશીર્વાદ સહ કૃપા સદૈવ વરસાવતા રહેશો તેવી અભ્યર્થના સહ... ૐ નમઃ શિવાય (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter