ફૂલ વિનાની સદાબહાર ફોરમ...

સી. બી. પટેલ Tuesday 07th August 2018 14:58 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, પ્રથમ તો મારે આપ સહુ સમક્ષ કબૂલાત કરવી છે - હું અત્યાર સુધી એક ભ્રમમાં રાચતો હતો તે વિશેની. આપણે સહુ ભારતવાસી, ઓછાવતા અંશે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અમર સંદેશથી જાણકાર હોઇએ જ છીએ. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અનેક બાબતો અંગે ઉપદેશ આપ્યા છે. ખાસ તો, બીજા અને પંદરમા અધ્યાયમાં જનસાધારણના જીવનના કેટલાય કોયડાના અકસીર ઉકેલસમાન જડીબુટ્ટી પણ પ્રદાન કરી છે. આપણા સહુના કાનમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો સૂર-નાદ ભલે ગૂંજતો હોય, પણ દિલ અને દિમાગ સુધી તેનું ઊંડાણ વ્યાપવું તે કદાચ અલગ વાત છે. મારો પણ આ જ વાતે પનો ટૂંકો પડ્યો છે એમ સ્વીકારવામાં આજે લગારેય હિચકિચાટ નથી.
સુખેદુખે સમેકૃત્વા,
લાભાલાભે જયાજયો.
આ શ્લોકનું પણ પઠન તો સેંકડો વાર કર્યું છે, પરંતુ કદાચ આ પોપટીયું પઠન હતું.
સ્વજનનું મૃત્યુ એક અનિવાર્ય, ટાળી ન શકાય તેવી ઘટના છે. તેનો શોક ન શોભે... વગેરે વગેરે વગેરે આપણા મગજમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યું છે. સમયાંતરે હું પણ માનવા લાગ્યો હતો કે આ બાબતે - જન્મ અને મૃત્યુ બાબતમાં તો કમસે કમ મારું વલણ વધુ સ્થિતપ્રજ્ઞ બન્યું જ છે. આજે જાહેરમાં કબૂલું છું કે આ મારો ભ્રમ હતો. નર્યો ભ્રમ - બસ, બીજું કશું જ નહીં.
ગયા રવિવાર (૨૯ જુલાઈએ) મધ્યાહને કોકિલાબહેને મને એક સંદેશ મોકલ્યો. શબ્દો હતાઃ ચંદુભાઇ મટાણી સ્વર્ગે સિધાવ્યા છે. પાંચ શબ્દોનો આ ટેક્સ્ટ મેસેજ મારા માટે ભારે સંતાપજનક બની રહ્યો. ચંદુભાઇ જેવા એક સજ્જનની વિદાય એ વસમી ઘટના તો કહેવાય જ, પણ મારું અંતરમન ગંભીર ગુનાહિત લાગણી અનુભવી રહ્યું હતું. હું સમાચાર સાંભળીને અવાક થઇ ગયો. મારા પરિવારજનોને આ ખબર આપ્યા. અમે સહુ મૃત્યુંજય મહાદેવનો મંત્ર બોલ્યા અને હું મારા બેઠક ખંડમાં જઇને સૂનમૂન થઇને બેસી ગયો.
જુલાઈની શરૂઆતમાં ચંદુભાઈનો ફોન આવ્યો. તેઓ હોસ્પિટલમાંથી ઘરે આવી ગયા હતા. મેં જણાવ્યું કે ભારત જાઉં છું અને આવીને તરત તમને મળવા આવીશ. ૨૦ જુલાઈએ પરત થયો. પણ... પણ... લેસ્ટર ના જઈ શક્યો.
સોમવારે અને મંગળવારે થોકબંધ સંદેશાઓમાં આ દુઃખદ સમાચાર મળતા રહ્યા. ચંદુભાઇ સાથેનો મારો નાતો જાણતા સાથીજનોએ પૂછ્યું પણ ખરુંઃ સી.બી. તમારે કંઇ લખવું નથી ચંદુભાઇ વિશે?
દિલોદિમાગમાં એવો તે ઝંઝાવાત ઉઠ્યો હતો કે મારા શબ્દો વેરણછેરણ થઇ ગયા હતા. આ શબ્દોને સમેટીને... લાગણીના વાક્યમાં પરોવીને રજૂ કરવાની ના તો મારી ક્ષમતા હતી, ના તો સજ્જતા હતી અને ના તો ત્રેવડ હતી. મારો ટૂંકો જવાબ હતોઃ મને ફાવશે નહીં... મારા આ જવાબમાં જ બધું વ્યક્ત થઇ જતું હતું.
વીતેલા સપ્તાહના ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં આ માઠા સમાચાર પ્રસિદ્ધ થયા હતા તે અન્ય સ્વજનની કૃપા થકી જ શક્ય બન્યું હતું. શુક્રવારે હું અંતિમક્રિયામાં હાજરી આપવા ટ્રેનમાં લેસ્ટર જઇ રહ્યો હતો. બાજુમાં જ કોકિલાબહેન બેઠા હતા. લગભગ દોઢ કલાકના પ્રવાસ દરમિયાન વાતાવરણ ચોખ્ખું હતું. ખુશનુમા કહેવાય તેવો માહોલ હતો. ટ્રેન પૂરપાટ ઝડપે આગળ વધી રહી હતી અને દૂર દૂર સુધી લીલાછમ કે ક્યાંક સુકાતા ખેતરો નજરે પડતા હતા, પણ કોણ જાણે મારી અંદર ખાલીપો વર્તાતો હતો. હમસફર કોકિલાબહેન પણ કદાચ નવાઇ અનુભવતા હતા કે હું કોઇ પ્રકારે વાતચીતમાં પરોવાતો નહોતો.
અઢળક સ્મૃતિઓ, થોકબંધ સંસ્મરણોનું મોજું મારા માનસપટ પર ફરી વળ્યું હતું. લેસ્ટર સ્ટેશને દીકરી જૈમિની અમને લેવા માટે આવી હતી. સૌપ્રથમ અમે જલારામ મંદિરે જઇ પહોંચ્યા અને મારા આરાધ્યદેવ શિવજી સમક્ષ નતમસ્તક થઇને ઉભો રહ્યો. થોડુંક અંતર ઠાલવ્યું. ગાલ પરથી બે ટીપાં સરી પડ્યાં... પાંપણ ખુલી ને દેવીદેવતાઓના ચરણોમાં સુંદર મજાના રંગબેરંગી ફૂલોના ઢગલાં જોયાં. દિવસ હજુ તો મધ્યાહને પણ પહોંચ્યો નહોતો. બાર વાગવાને પણ વાર હતી અને ખુશનુમા માહોલ છતાં પુષ્પો જરાતરા કરમાઇ રહ્યા હતા. સાંજ પડ્યે આ ફૂલો લગભગ કરમાઇ જવાના હતા, પરંતુ તેની ફોરમ રહી જવાની હતી. ફૂલ ભલે વિલાય જાય, પરંતુ તેની સુગંધ તે પળ, તે મિનિટ, કે તે દિવસ પૂરતી જ નહીં, પરંતુ કાયમ માટે આપણા દિલમાં અકબંધ રહી જાય છેને? કંઇક આવું જ મારી સાથે બની રહ્યું હતું. હું થોડોક સ્વસ્થ થયો.
ચંદુભાઇ મટાણી જેવા સ્વજન અને સજ્જનના પાર્થિવ દેહની અંતિમક્રિયા માટે અમે ક્રિમેટોરિયમ પહોંચ્યા. અમે નિયત સમય કરતાં થોડાક વહેલા જઇ પહોંચ્યા હતા. આમેય આત્મા તો અમર છે એ નિર્વિવાદ છે. અંતિમ સંસ્કાર તો પાર્થિવ દેહના જ થાય છે ને? બ્રિટનના ક્રિમેટોરિયમનું સૌથી નોંધનીય પાસું હોય તો તે છે તેની રચના. વિશાળ તેમજ લીલીછમ હરિયાળી, લેન્ડસ્કેપ ગાર્ડન અને એકદમ શાંત માહોલ - ગમેતેવા વ્યથિત હૃદયને પરમ શાંતિનો અનુભવ કરાવે છે. આવા પવિત્ર સ્થાનમાં સૌપ્રથમ મને ચંદુભાઇ પંચોલી મળી ગયા. વર્ષોબાદ અમે મળી રહ્યા હતા. બન્ને પાસે ઘણું કહેવાનું - સાંભળવાનું હતું.
આજથી ચાલીસેક વર્ષ પહેલાંની વાત છે. હું વારંવાર - અરે કેટલીક વાર તો દર સપ્તાહે - લેસ્ટરની મુલાકાતે જઇ પહોંચતો હતો. લેસ્ટર પ્રવાસ હોય એટલે મહેન્દ્રભાઇ (એમ.એમ. પટેલ), રમણભાઇ સામાણી, જયભાઇ પાબારી, ભીખુભાઇ હિંડોચા, ડો. ગૌતમભાઇ બોડીવાલા, વગેરે કંઇકેટલાય મિત્રોને નિયમિત મળવાનું બનતું હતું. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ જાતભાતના આયોજનો અંગે ચર્ચાવિચારણા કરીને કાર્યક્રમોને આખરી ઓપ આપવાનો હોય. આ બધી જૂની યાદો ચંદુભાઇ પંચોલી સાથે વાગોળવાનો અવસર મળ્યો.
ધીરે ધીરે ક્રિમેટોરિયમમાં માનવમહેરામણ ઉમટવા લાગ્યો. જેમ જેમ જાણ થતી ગઇ હતી તેમ તેમ લોકો સ્વેચ્છાએ પહોંચી રહ્યા હતા - આમાં લેસ્ટરના સ્થાનિક રહેવાસીઓ પણ ખરા, અને બહારના લોકો પણ ખરા. મટાણી પરિવારે સમજીવિચારીને અંતિમક્રિયાના સ્થળ, તારીખ અને સમય વિશે જાહેરાત કરી નહોતી, તેમ છતાં વિશાળ મેદની ઉમટી હતી. ચંદુભાઇએ તેમના જીવનકાળ દરમિયાન પ્રસરાવેલી ફોરમની જ આ કમાલ હતીને?
આવા સેંકડો સ્વજનોમાં ચંદુભાઇની ઝામ્બિયાની ભજનમંડળીના સાથીદારો અને તેમના પરિવારજનો પણ ખરા. સહુને મળ્યો અને આ મુલાકાત દરમિયાન થયેલી સંસ્મરણોની આપ-લે મને લઇ પહોંચી ઝામ્બિયા...
૧૯૭૩-૭૪માં ઝામ્બિયાના મુફુલીરા નગરમાં મારા વડીલ સાળા જનકભાઇ, તેમના પત્ની મધુબહેન અને સંતાનો સાથે વસવાટ કરતા હતા. પરિવારના મોભી આદરણીય સરોજબહેન મારા ચારેક વર્ષના પુત્રને લઇને ભાઇને મળવા માટે થોડાક સપ્તાહ ઝામ્બિયા ગયા હતા. લંડન પરત ફરતાં તેઓ સુંદર ભજનની એક ઓડિયો કેસેટ લેતા આવ્યા હતા. આ કેસેટમાં રેકોર્ડ થયેલ એક ભજન ધૂન આજે પણ અવારનવાર માણું છું.
ભજમન્ રાધે ગોવિંદા...
ભજમન્ રાધે... રાધે... રાધે... રાધે... ગોવિંદા
ભજમન્ સીતા રઘુનંદન્...
આ ભજનનો મુખ્ય સ્વર ચંદુભાઇનો હતો તે જાણવા મળ્યું. તેમની સાથે ગોવિંદભાઇ, દાસભાઇ, નરસિંહભાઇ તેમજ અન્ય સાથી ભજનિકોએ સૂર પૂરાવ્યો હતો. ચંદુભાઇ સાથેનો કહો તો તેમ અને તેમના અવાજ સાથેનો કહો તો તેમ... આ મારો પહેલો પરિચય. સમયાંતરે રૂબરૂ મળવાનું બન્યું. અને સંબંધ ગાઢ બનતો ગયો. ૧૯૭૪થી ૨૦૧૮... કેટલા વર્ષ થયા, જરા આંકડો તો માંડો...
સાચે જ વર્ષોના વહેવા સાથે ચંદુભાઇનો ચાહક બનતો ગયો. તેઓ આજે ભલે આપણી વચ્ચે સદેહે ન હોય, પરંતુ હું તો આજેય તેમનો ચાહક છું, અને ભવિષ્યમાં પણ તેમના પ્રત્યેની ચાહનામાં લગારેય ઘટાડો થવાનો નથી એ નક્કી છે. સાચું કહું તો ચંદુભાઇનું વ્યક્તિત્વ કમળ જેવું હતું - કમળનું પુષ્પ દિવસના ચઢવા સાથે જેમ ખીલતું જાય છે, પાંખડીઓ ખુલતી જાય છે ને તેની સુંદરતા નીખરતી જાય છે તે જ પ્રમાણે વર્ષોના વીતવા સાથે ચંદુભાઇના વ્યક્તિત્વનું એક એક પાસું ઉઘડી રહ્યું હતું. તેમની લોકપ્રિયતાની ફોરમ મહેકી રહી હતી, પરંતુ તેઓ હંમેશા જલકમલવત્ બની રહ્યા - દુન્યવી આશા-અપેક્ષાઓથી, લોભ-લાલચથી, પ્રસિદ્ધિની એષણાઓથી.
ચંદુભાઇની વિશેષતાઓ કઇ? એક નહીં... અનેક. સંક્ષિપ્તમાં કહું તો તેમને સંગીત માટે જેટલો પ્રેમ હતો એટલો જ સાહિત્ય માટે પ્રેમ હતો. સંસ્કૃતિ અને સંસ્કારના પ્રચાર-પ્રસાર માટે પણ એટલો જ લગાવ. તેમના વચન અને કર્મમાં પણ તાલમેળ દેખાય - જે વિચારમાં તે જ આચારમાં ને જે આચારમાં તે જ વિચારમાં. સિદ્ધાંતપરસ્ત અને હંમેશા મૂલ્યોને અનુસરતું વ્યક્તિત્વ. કર્તવ્ય પરાયણતા લગારેય ચૂકે નહીં. હૈયે હંમેશા સમાજનું હિત વસે. તદ્દન નિરુપદ્રવી વ્યક્તિત્વ. અને આ બધા ઉપરાંત છોગામાં પરિવારપ્રેમ, સંવેદનશીલતા અને સહુ પ્રત્યે સમભાવ. લતા મંગેશકરને જેટલો આદર આપે તેટલો જ આદર લાલજીભાઇ મંગુભાઇ પ્રત્યે પણ દાખવે - પછી ભલેને પહેલી જ મુલાકાત હોય. મૃદુભાષી અને એક કલાકાર જીવને શોભે તેવો નરમ સ્વભાવ.
ચંદુભાઇના જીવનસંગિની કુમુદબહેનને થોડાક વર્ષ પૂર્વે સ્ટ્રોક આવ્યો. આ પછી કુમુદભાભીની તબિયત સતત નરમગરમ રહે, પણ ચંદુભાઇ સહિતના પરિવારજનોએ એવી તે લાગણીસભર કાળજી રાખી કે તેમનો પરિવારપ્રેમ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી બની રહ્યો. મને ચંદુભાઇનું કદાચ આ જ પાસું સૌથી વધુ પસંદ હતું. તેમને સફળતાના આકાશમાં ઉડવા કરતાં સ્વજનોના સંગાથમાં ધૂળિયા ધરતી પર ચાલવાનું વધુ પસંદ હતું.
જ્યારે જ્યારે તક મળતી ત્યારે ત્યારે હું ચંદુભાઇ અને કુમુદભાભીને મળવા લેસ્ટર પહોંચી જતો હતો. અને તેમની યજમાનગતિ વિશે તો લખવું જ શું? મટાણી પરિવાર અને સવિશેષ તો ચંદુભાઇ આ માટે દેશ-દેશાવરમાં જાણીતા છે. લતા મંગેશકર, સુનિલ ગાવસ્કર, પુરુષોત્તમ ઉપાધ્યાય, સુરેશ દલાલ, આસિત - હેમા દેસાઇ તથા તેમનો પુત્ર આલાપ... તેમનું આતિથ્ય માણી ચૂકેલા સંગીતકારો, ગીતકારો, સાહિત્યકારો સહિતના મહેમાનોની યાદી લખવા બેસું તો આ પાન નાનું પડે. ખરેખર ચંદુભાઇ એક વિરલ વ્યક્તિત્વ હતા.
સ્વર્ગસ્થ ચંદુભાઇની અંતિમક્રિયા પણ સાચે જ અનોખી બની રહી. દેશ-દેશાવરમાં ચંદુભાઇ અને તેમના સાથી સંગીતકારોએ ૧૩ જેટલા ઓડિયો આલ્બમમાં અનેક ભજન, સ્તવન, ધૂન-કીર્તન, પ્રાર્થનાઓ મઢી લીધા છે. અમેરિકા, આફ્રિકા, બ્રિટન, ભારતમાં તો શું, વિશ્વના અનેક દેશોમાં અસંખ્ય અંતિમક્રિયાઓ વેળાએ ચંદુભાઇ અને તેમના સાથીદારોના અવાજમાં સ્વરબદ્ધ થયેલી ‘મંગલ મંદિર ખોલો દયામય...’ પ્રાર્થનાથી માંડીને અનેક ધૂન-ભજન રજૂ થતા રહ્યા છે.
ચંદુભાઇની અંતિમક્રિયાના આખરી ચરણમાં તેમણે જ સ્વરબદ્ધ કરેલી રચના ‘શ્યામ મને ત્યાં લઇ જા...’ રજૂ થઇ હતી. ચંદુભાઇએ જાણે આપણને સહુને સંભળાવવા માટે જ આ કૃતિને સ્વરબદ્ધ કરી હતી, અને આવી લાગણી માત્ર મેં જ અનુભવી હતી તેવું નથી, તેમને વિદાય આપવા ઉમટેલા સેંકડો સ્વજનોના આવા જ પ્રતિભાવ જોઈ શકાતા હતા. એક અજ્ઞાત કવિની આ રચનાને સ્વર અને સંગીત ચંદુભાઇ અને તેમના સાથીદારોએ જ આપ્યા છે. આ કૃતિ રજૂ કરતા તેમના અવાજમાં જે શ્રદ્ધા, જે તર્પણ, જે અરજ, જે કરુણા વ્યક્ત થયા છે તે આત્મસાત કરીને વ્યક્તિ પરમતત્વ પરમાત્માના સાંનિધ્યમાં ન પહોંચે તો જ નવાઇ... આ કૃતિની શબ્દરચના અને તેનો ભાવાર્થ - ચંદુભાઇના શબ્દોમાં જ - આ લેખ સાથે રજૂ કર્યા છે. (વાંચો બોક્સ)
ચંદુભાઇ, તમને અમારા સહુના ઝાઝેરા જયશ્રીકૃષ્ણ... તમારી સ્મૃતિની સોડમ, વ્યક્તિત્વની ફોરમ દીર્ઘકાળ પર્યંત માત્ર અમને જ નહીં, સમગ્ર સમાજને મહેકાવતી રહેશે તે નિઃશંક છે.
વેવાઇના રિસામણા, શાહી પરિવારના મનામણાં
પ્રિન્સેસ હેરીના સસરા થોડાક રિસાયા છે. મોટા ઘરમાં દીકરો કે દીકરી આપીને પરિવારજનો સામાન્યપણે સંતાપ અનુભવતા હોય છે. તેમની મોટા ભાગે એક જ ફરિયાદ હોય છે કે આપણો દીકરો (કે દીકરી) આપણી પાસેથી છીનવાઇ ગયો. મેક્સિકોનિવાસી મેગનના પિતા પણ કંઇક આવા જ ઉદ્ગારો કરીને અખબારોને સનસનાટીભર્યો મરીમસાલો પૂરો પાડતા રહે છે. મહારાણી એલિઝાબેથ શાહી પરિવારની પ્રતિષ્ઠાના મુદ્દે ખૂબ અગમચેતી કે જાગ્રતિ દાખવી રહ્યા છે. શાહી પરિવારે આવી (કૌટુંબિક) સમસ્યાની ઉપેક્ષા કરવાના બદલે વેવાઇને મનાવવા વિવિધ પ્રકારના પગલાંની પહેલ કરી છે. છેલ્લા સમાચાર પ્રમાણે આ મનામણાંથી વેવાઇ હવે થોડાક કૂણાં પડ્યાં હોય, થોડાક ઉર્મિશીલ બન્યા હોય તેવું લાગે છે. ઉપેક્ષા કરતાં પ્રેમભાવ દર્શાવવો સારો.
દોરી જરા ઢીલી રાખીએ તો...
ડેન્માર્ક એક નાનો અને અલ્પસંખ્યક દેશ છે. આર્થિક ઉન્નતિ અને સાંસ્કૃતિક વિરાસત આગવી ભાત ઉપસાવે છે. સહિષ્ણુતા અને અન્યોને મદદરૂપ થવાની ભાવના ડેનિશ પ્રજાના આગવા લક્ષણ છે. જોકે હવે આ વાત કદાચ ભૂતકાળ બની જાય તો નવાઇ નહીં. આ દેશમાં ઇસ્લામની અનુયાયી મહિલાઓ બુરખો પહેરે તો તેને ફોજદારી ગુનો (ક્રિમિનલ ઓફેન્સ) ગણવાનું શરૂ થયું છે. બુરખો પહેરનાર વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરાય છે. ઇસ્લામના અનુયાયીઓને (હવે) શંકાની નજરે જોવા લાગેલા પશ્ચિમના દેશોને આ પગલું કદાચ ‘રાષ્ટ્રીય સુરક્ષા’ માટે અનિવાર્ય જણાતું હશે, પરંતુ એક ભારતીય તરીકે મને આ સમાચાર જાણીને આશ્ચર્ય પણ થયું છે, અને આઘાત પણ લાગ્યો છે.
તાજેતરમાં લંડનમાં યોજાયેલા એક મેળાવડા દરમિયાન અનાયાસે જ એક ડેનિશ અધિકારી સાથે મને ચર્ચાનો અવસર મળી ગયો. અમે વિવિધ મુદ્દે વાતોએ વળગ્યા અને મેં ચર્ચામાં બુરખાનો મુદ્દો પણ વણી લીધો. મારો પ્રશ્ન હતોઃ એક ચોક્કસ ધર્મના અનુયાયીઓના પહેરવેશ સામે આવો પૂર્વગ્રહ શા માટે? મેં તેમને એક જ વાત સમજાવી કે ભારતમાં કેટલા બધા ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંપ્રદાયના લોકો વસવાટ કરે છે. તેમની રહેણીકરણી, ભાષા, બોલચાલ, વેશભૂષા બધેબધું એકબીજાથી નોખું છે, અને છતાં તેમની વચ્ચે એક અનોખી સમરસતા જોવા મળે છે. આ જ ભારતીય સંસ્કાર વારસો સમગ્ર દેશને એકતાંતણે બાંધે છે. લોકો એકમેકના ધર્મ-પરંપરા-પ્રણાલીનું આદર-સન્માન કરે છે. પાકિસ્તાન મુસ્લિમ બહુલ દેશ છે, અને ત્યાં વસતાં મુસ્લિમો કરતાં ભારતમાં વસતાં મુસ્લિમોની સંખ્યા વધુ છે. આમ છતાં ભારતમાં મુસ્લિમ મહિલાને બુરખો પહેરવા પર પ્રતિબંધ ફરમાવાયો નથી.
અલબત્ત, ભારતમાં પણ કેટલાક મુઠ્ઠીભર તત્વો અવશ્ય એવા છે, જેઓ સામાજિક સમરસતા ડહોળવા સદૈવ પ્રયત્નશીલ રહે છે. આથી કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયના લોકોને નિશાન બનાવીને તેમના પર અંકુશ લાદતા કાયદા-નિયંત્રણો લાદી દેવાયા નથી. ટૂંકમાં મારી વાતનો સાર એ હતો કે વિવિધતામાં એકતાનો સંદેશ આપતો બહુમતી ભારતીય સમુદાય શાંતિ-એકતા-સૌહાર્દ જ ઇચ્છે છે, અને તેને અનુરૂપ જ વાણી-વર્તન-વ્યવહાર કરે છે.
જોકે મેં ભારતીય પરંપરા વિશે ગૌરવગાન કર્યાને આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો માંડ વીત્યા છે ત્યાં ભારતથી એવા અહેવાલ આવ્યા છે જે એક ભારતીય તરીકે આપણને આંચકો આપે તેવા છે. આજે સોમવારે આ લખાઇ રહ્યું છે ત્યારે ટીવી પરદે એક સમાચાર ઝબકી રહ્યા છે તે અનુસાર એક મુસ્લિમ બિરાદરે દાવો કર્યો છે કે તેને (કેટલાક ધર્મચુસ્ત લોકો તત્વોએ) દાઢી કાઢી નાખવાની ધમકી આપતાં કહ્યું છે કે જો તે દાઢી નહીં કાઢે તો તેને જીવ ગુમાવવો પડશે. આવી ચીમકી સામે કટ્ટરવાદી વિચારસરણી ધરાવતા મુસ્લિમ નેતા ઓવૈસીએ ધમકી ઉચ્ચારી છે કે તેના મુસ્લિમ ભાઇ સામે કોઇ આંગળી પણ ઉઠાવશે તો પોતે બદલો અવશ્ય લેશે.
મુસ્લિમ બિરાદરને દાઢી કાઢી નાખવાની ધમકી આપનાર તત્વોને કે ઓવૈસી જેવા નેતાઓને એ ભાન નથી કે તેઓ આવો બકવાસ કરીને ભારતની એકતા-સૌહાર્દને કેવું અને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે. આવા લોકોને (અને ડેનિશ શાસકોને પણ) આપણે એટલું જ કહી શકીએઃ દોરી જરા ઢીલી રાખો... અન્ય પ્રત્યે સહિષ્ણુતા જાળવો. સહિષ્ણુતા - સદભાવ તો માનવસભ્યતાનું ઘરેણું છે. ભારતની પરંપરા છે - સર્વધર્મ સમભાવ. આથી જ તો આજે ભારત વિશ્વતખતે આગવી ઓળખ પામી શક્યું છે. ખરું કે નહીં?
પરિવારની પણ પરીક્ષા
આગામી દિવસોમાં એ લેવલ અને ઓ લેવલના પરિણામ બહાર પડશે. પરીક્ષા છે. એટલે કોઇ પાસ પણ થશે, અને કોઇ નાપાસ પણ થશે. કોઇ સારા માર્કસ મેળવશે તો કોઇ મધ્યમ કે ઓછા માર્કસ મેળવશે. જીવનમાં આવું બધું તો ચાલતું રહેવાનું છે... જીવનમાં ઉતાર-ચઢાવ ન આવે તો તેની મજા શું? સારા-નરસા સમાચાર સ્વીકારતા સહુએ શીખવું રહ્યું, આ માટેની પાકટતા સહુએ કેળવવી રહી. નબળા પરિણામથી સંતાન વ્યથિત ન બને તે જોવાની પરિવારજનોની પણ જવાબદારી તો ખરીને? આગામી દિવસો વિદ્યાર્થીઓ માટે ભલે પરિણામના હોય, પણ પરિવારજનો માટે તો આ દિવસો ‘કસોટી’ના જ બની રહેવાના છે... (ક્રમશઃ)

•••

હે શ્યામ, મને ત્યાં લઈ જા, જ્યાં મળે મને આરામ
મને ત્યાં લઈ જા, લઈ જા, લઈ જા રે...
હું અંતરમાં અકળાયો છું, ને મનમાં બહુ મુંઝાયો છું
આ જીવનમાં પથ્થર ઘાટે, હું પળેપળે પટકાયો છું,
જે મારું જીવન ધામ
મને ત્યાં લઈ જા, લઈ જા, લઈ જા રે...
- હે શ્યામ
આ જગના ઘેરા કોલાહલ, મચવે છે જીવનમાં હલચલ
આ ઘોંઘાટોની વચ્ચે હું, શોધું છું તારા સ્વરસ્નેહલ.
જ્યાં ગૂંજે તારું નામ
મને ત્યાં લઈ જા, લઈ જા, લઈ જા રે...
- હે શ્યામ
તૂટ્યા સઘળા જીવન સપનાં, ના મૂલ્ય રહ્યાં મોંઘા તપના
આ ભગ્ન હૃદયના ખંડેરો, મારે કે તારે શા ખપના
જે સ્થળ હો પૂરણ ધામ
મારે કરવો છે આરામ
મને ત્યાં લઈ જા, લઈ જા, લઈ જા રે...
- હે શ્યામ
કવિઃ અજ્ઞાત
(આખરે તો જીવને શાંતિ જોઈએ છે. એવું સુખ એવી શાંતિ જે કદી ભંગ ના થઈ શકે. એવું સુખ તો માત્ર પરમાત્મા જ આપી શકે, એવો આરામ તો માત્ર એની કૃપા થાય તો જ મળી શકે. જીવને એમ છે કે મારામાં શક્તિ છે, બુદ્ધિ છે પણ સમયની ઠોકરો એને જીવનમાં ખૂબ પછડાટો આપે છે. બધું ધાર્યું થતું નથી. આખરે મૂંઝાઈ જવાય છે અને સમજાય છે કે મારું પોતાનું ઘર તે આ નથી તે ધામ તો જૂદું જ છે. અને ત્યાં જવા માટેની વિનંતી જ આખરે ભજનનું રૂપ ધાણ કરે છે. ઘોંઘાટ ભરેલા જગતમાં શાંતિના ઘાટે બેસવું, અને દાઝેલા જીવનને ચંદનનો લેપ કરે તેવી સુરાવલિ કોઈ છેડે તો કામ થાય. આ મધુર સૂરોમાં જ એના નામ જાપ થાય તો કદાચ આ ઘોંઘાટથી થાકેલા કાનને છુટકારો મળે. થાકેલા જીવને આખરે સમજાય છે કે બધા સપનાં પુરા થતાં નથી. મોટાભાગના તૂટે છે એનો કાટમાળ પાંપણમાં ભેગો થાય છે અને પછી ખૂંચે છે. ક્યારેક સેવેલા સપનાંઓ એટલી હદે તૂટે છે કે જીવન જાણે ખંડેર જેવું ભાસે છે. આ ખંડેરોમાં પેલો આરામ ક્યાંથી મળે? મળે તો માત્ર એના પ્રગાઢ શાંતિ ભરેલા પરમધામમાં.)
• સ્વર-સંગીતઃ ચંદુ મટાણી


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter