બુદ્ધં શરણં ગચ્છામિ... સહુ માટે આત્મનિરીક્ષણનો અવસર

સી. બી. પટેલ Tuesday 01st May 2018 15:38 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સૌરાષ્ટ્રનો ગીર પંથક તેના ડાલામથ્થા સાવજ અને મધમીઠી કેસર માટે ભલે આખી દુનિયામાં જાણીતો હોય, પરંતુ આજકાલ આ વિસ્તાર જુદા જ કારણસર જગબત્રીસીએ ચઢ્યો છે. ગીર પંથકમાં આવેલા ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામના ૫૭ દલિતોએ બૌદ્ધપૂર્ણિમાની પૂર્વસંધ્યાએ સામૂહિક રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. ધર્માંતરણ કરતાં પરિવારોનો આ અહેવાલ રવિવારે આખો દિવસ ભારતીય ટીવી ચેનલો પર ચમકતો રહ્યો હતો. સંભવ છે કે આ અહેવાલ નિહાળીને બ્રિટનનિવાસી ગુજરાતીઓના મનમાં પણ કંઇકેટલાય પ્રશ્નો ઉદભવ્યા હશે.
• શું ધર્મપરિવર્તનનું આ પગલું વાજબી છે?
• આ પ્રકારે આત્યંતિક પગલું ભરવાનું કારણ શું?
• શું આ પગલું હિન્દુ ધર્મપરંપરા સામે સવાલ નથી ઉઠાવતું?
• શું આ નિર્ણય હિન્દુ વર્ણવ્યવસ્થાનું પાપ નથી જણાતું?
અને હા... વાચક મિત્રો, આ અને આવા બધા પ્રશ્નો વિશે તમે વ્યક્તિગત રીતે શું માનો છો?
પ્રશ્નો ઘણા છે, પણ દરેકનો જવાબ એક જ મૂળ સુધી પહોંચે છે - સમાજમાં આજે પણ પ્રવર્તતા ઊંચનીચના ભેદભાવ.
સંભવ છે કે આપનામાંથી કેટલાક માનતા હશે કે હિન્દુ ધર્મથી વિમુખ થઇને આ સમાજ બુદ્ધં શરણં ગચ્છામિ થઇ રહ્યો છે તે કંઇક અંશે અજૂગતું કે અઘટિત છે. કેટલાક વળી એવું પણ માનતા હશે કે ધર્મપરિવર્તનથી તેમને શું ફાયદો થવાનો? ધર્મ બદલી નાંખવાથી દલિત સમુદાય પર સૈકાઓથી જે વીતક વીતી રહી છે તેમાંથી શું છુટકારો મળી જવાનો છે? આવું જ ચાલતું રહ્યું તો ભારતમાં વસતી હિન્દુ જનસંખ્યાનું શું થશે?
ચાલો, આપણે સહુ આ સવાલોના જવાબ શોધવા મથામણ કરીએ.
હિન્દુ પુરાણ અનુસાર દેવોના દસમા અવતાર તરીકે ભગવાન બુદ્ધ ગણાય છે. બીજી પણ એક હકીકત એ છે કે બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ ભારતમાં થયો છે. તેનું ગોત્ર સનાતની હિન્દુ ધર્મ ગણી શકાય. તેની ઉપાસના-આરાધનાની અનેક પદ્ધતિઓ એવી છે જે હિન્દુ ધર્મની પ્રણાલિ સાથે સામ્યતા ધરાવે છે. અને વાત રહી ધર્મપરિવર્તનથી હિન્દુધર્મીઓની સંખ્યામાં ઘટાડાની... તો આ માટે એટલું જ કહી શકાય કે કોઇને પરાણે પ્રીત ન થઇ શકે. પોતાના સંતાનો કે પરિવારજનોને માત્રને માત્ર કાબૂમાં રાખીને આપણું પારિવારિક જીવન શાંતિ કે પ્રગતિના પંથે જઇ શકે નહીં. આ પ્રકારના ધર્મ પરિવર્તનને હિન્દુ ધર્મ વ્યવસ્થા, અને તેમાં પણ સવિશેષ તો વર્ણવ્યવસ્થાની ગંભીર ક્ષતિ કે નબળાઇ તરીકે ધ્યાનમાં લેવું રહ્યું. ૮૦૦-૧૦૦૦ વર્ષથી સમાજનો આવો કચડાયેલો વર્ગ અત્યાચાર સહેતો રહ્યો છે ત્યારે આવું ન બને તો જ નવાઇ. હિન્દુધર્મીની સંખ્યામાં થઇ રહેલા ઘટાડાનું આ મુખ્ય કારણ છે.
વસ્તી ગણતરીના ૨૦૧૧ના આંકડાઓ પર નજર ફેરવશો તો જણાશે કે ભારતમાં હિન્દુઓની સંખ્યા વર્ષ - પ્રતિ વર્ષ ઘટી રહી છે, અને મુસ્લિમો તથા ખ્રિસ્તી સમુદાયની વસ્તી વધી રહી છે. હિન્દુ સમાજે આનું કારણ સમજવા માટે નિષ્પક્ષતાથી આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. જ્યાં ખેતરની વાડ બરાબર ન હોય ત્યાં ભેલાણ થવાનું, થવાનું ને થવાનું જ. આપણો ધર્મ સનાતન મૂલ્યો ધરાવે છે, તે પ્રભાવશાળી છે, તે માનવજીવન માટે ઉપકારક છે અને અન્ય ધર્મોની તુલનાએ પ્રાણવાન છે, તેમાં માનવતા, માણસાઇ જેવા પરિબળો ઉભરી આવે છે. વસુધૈવ કુટુંબકમ્ પણ ભારતીય સંસ્કૃતિનું જ સૂત્ર છે ને?! આ બધી વાતો લખવામાં અને બોલવામાં ભલે સારી લાગતી હોય, પરંતુ હકીકત શું છે? સહુ કોઇ જાણે છે. સમાજનો નીચલો વર્ગ ગણાતા દલિતો ભાઇભાંડુઓ પ્રત્યે આપણું - હિન્દુઓનું વલણ કેવું ઉપેક્ષાભર્યું વલણ રહ્યું છે તે બધા જાણીએ છીએ.
છેલ્લા ૭૦ વર્ષના સ્વતંત્ર ભારતમાં બંધારણ અને કાયદા-કાનૂન થકી કંઇકેટલાય હકો ભલે દલિતોને આપવામાં આવ્યા હોય, પરંતુ તે કેટલી હદે અસરકારક સાબિત થયા છે તે કહેવાની જરૂરત ખરી?! અનામત પ્રથાનું જ ઉદાહરણ લો ને... તેનો મૂળભૂત હેતુ હકારાત્મક હતો, પણ કેટલા લોકો સુધી તેનો સાચો લાભ પહોંચ્યો છે તે વિચારણીય છે. અરે, દલિતોને સામાન્ય અધિકાર મેળવતાં પણ ફાંફા પડી જાય છે.
ભારત આજે આધુનિક ટેક્નોલોજીના સહારે વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે તે હકીકત હોવા છતાં સચ્ચાઇ એ છે અડધું ભારત નાના નગરો, ગ્રામ વિસ્તારોમાં વસે છે. સાચું ભારત ગામડાંઓમાં જ વસતું હોવાના ગાઇવગાડીને દાવા પણ થાય છે, આ ‘ભારત’ પર નજર ફેરવશો તો જણાશે કે આજે પણ ગામમાં ઢેઢવાડો, ભંગીવાડો, ચમારવાડો, વણકરવાડો જેવા નામ-જોગ જ નહીં, જાતિ-જોગ વિસ્તારો જોવા મળશે. આ વિસ્તારો ગામના મુખ્ય વિસ્તારથી થોડેક દૂર, છેવાડાના વિસ્તારમાં હોય છે. આ જાતિ-જોગ વિસ્તારો સવર્ણ સમુદાયની આભડછેટની - નિમ્ન સ્તરની - માનસિકતા દર્શાવે છે. સુશિક્ષિત અને ઉચ્ચ હોદ્દો ધરાવતા દલિતને પણ કહેવાતો ઉચ્ચ વર્ગ સમોવડિયો ગણે છે ખરો?
ડો. ભીમરાવ રામજી આંબેડકરને ભારતીય બંધારણના ઘડવૈયા ગણવામાં આવે છે. તેમને યુવાનીમાં કેવા તિરસ્કારનો સામનો કરવો પડ્યો હતો? તેમને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશિપ આપીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલ્યા હતા. તેઓ શિક્ષણ લઇને સ્વદેશ પરત ફર્યા એટલે આ તેજતર્રાર યુવાનને ઉચ્ચ હોદ્દા પર નોકરી પણ આપી. એક મહારાજાએ આ યુવાનની પ્રતિભા પારખીને તેને શિક્ષણસહાયથી માંડીને તેજસ્વી કારકિર્દી સુદ્ધાં આપી, પણ આ જ યુવાનને વડોદરામાં કોઇએ ભાડે મકાન ન આપ્યું. કારણ બતાવવાની જરૂર ખરી? આ વાત વર્ષોજૂની છે તે સાચું, પણ તે દિવસની અને આજની - છૂતાછતની પરિસ્થિતિમાં ખાસ કંઇ ફરક પડ્યો જણાતો નથી. શહેરી વિસ્તારોમાં આજે પણ કેટલા લોકો પોતાના એપાર્ટમેન્ટ-બ્લોકમાં હરિજનનો વસવાટ સ્વીકારે છે તે લાખ રૂપિયાનો સવાલ છે.
બ્રિટનમાં આપણે સહુ એક યા બીજા સમયે ઇમિગ્રન્ટ તરીકે આવ્યા છીએ. દેશમાં વર્ષોથી ઠરીઠામ થયા છીએ. આ દેશમાં પણ રંગભેદની સમસ્યા પ્રવર્તે છે, પણ બહુમતી પ્રજાએ આપણને સ્વીકૃતિ, સન્માન આપ્યા છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. બ્રિટનવાસી ભારતીય સમુદાયે તેમના યોગ્યતા, લાયકાતના આધારે સ્થાનિક પ્રજાનો વિશ્વાસ, આદર-સન્માન મેળવ્યા છે. આપણે આપણી લાયકાતના જોરે આ પારકી ધરતી પર જેવા આદર - માનપાન પામ્યા છીએ તેવા જ આદર - માનપાન દલિતોને તેમની પોતાની ભૂમિ પર મળવા જોઇએ. આપણને પરદેશમાં જે હકો-તકો-અધિકારો સાંપડે છે તે કે તેના જેવા હકો-તકો-અધિકારો આજના ભારતમાં, ગુજરાતમાં વસતાં દલિતોને સાંપડતા હોય તેવું જણાતું નથી. જો આવું જ હોત તો ઉના પંથકના દલિત પરિવારોએ સામૂહિક ધર્માંતરણ ન કર્યું હોત.
આજના જમાનામાં આંતરજ્ઞાતીય લગ્નની વાત દરેકની અંગત પસંદ-નાપસંદનો સવાલ છે છતાંય છૂતાછૂતની વાત ચાલે જ છે તો મુદ્દો ચર્ચી જ લઉં. આજે બહુમતી સવર્ણ હિન્દુ પરિવારો નાતજાતના બંધનની પરવા કર્યા વગર લગ્ન કરે છે, પરંતુ આપણો પુત્ર કે પુત્રી તેના જીવનસાથી તરીકે દલિતની પસંદગી કરે છે ત્યારે આ જ સમાજ માટે વાત પચાવવી અઘરી થઇ પડે છે. આ બધી વાતો કરીને હું કોઇ એક સમાજનો વિરોધ કે તરફેણ કરવા નથી માગતો, પરંતુ આપણા સમાજનું સાચું ચિત્ર રજૂ કરવા માંગું છું.
સમરસ સમાજના અભાવે આપણે દલિત સમુદાયને સતત અસ્વીકૃત કે તેમને તરછોડાયેલો નથી ગણતા? આ અને આવા ઘણા બધા પ્રશ્નો આપણે સહુએ આપણી જાતને પૂછવા જોઇએ. સમાજ એટલે કોણ એ સવાલ પૂછવાનો સમય પાકી ગયો છે. જ્યારે જ્યારે ભારતમાં દલિતોને અન્યાય કે તેમના પર અત્યાચારનો કિસ્સા અખબારોમાં ચમકે છે ત્યારે ત્યારે કેટલાક વાતડાહ્યા લોકો સૂફિયાણી વાતો કરવા લાગે છે કે દલિતોએ સમાજમાં એકરૂપ થવા માટે આમ કરવું જોઇએ અને દલિતોએ તેમ કરવું જોઇએ. આવા લોકોને હું એટલું જ કહેવા માંગુ છું કે સામાજિક સમરસતા માટે કચડાયેલા ભાઇભાંડુઓએ શું કરવું જોઇએ તે પૂછતા પહેલા તમે શું કરી શકો છો એ જણાવો... આપણે દલિતો પ્રત્યે કેવો અભિગમ અપનાવીએ છીએ તે પ્રશ્ન આપણી જાતને પૂછીએ. આપણે ખુદ તો તેમની સાથે વિચાર-વાણી કે વર્તનથી અઘટિત, અમાનવીય, યાતનાપૂર્ણ વર્તન નથી દાખવતાંને? માત્ર આટલો જ પ્રશ્ન અંતરમનને પૂછશું તો જવાબ મળી જશે.
ઉનાના દલિત પરિવારોના સામૂહિક બુદ્ધં શરણમ્ ગચ્છામિથી કેટલાક લોકો ‘રાહત અનુભવતા’ હોય તો પણ નવાઇ નહીં! કદાચ તેઓ વિચારતા હશે કે ધારો કે આ લોકોએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હોત તો કેવો કોમી તણાવ પ્રસર્યો હોત? ચોમેર કત્લેઆમ ચાલી હોત...
વાચક મિત્રો, સર્વધર્મ સમભાવની વાતો માત્ર પોથીમાંના રિંગણા નથી. વાવશો તેવું લણશો. તમે જેવું સન્માન આપશો તેવું સન્માન પામશો. તમે કોઇના પ્રત્યે દ્વેષ કે ભેદભાવ દાખવશો તો સામેની વ્યક્તિ (કે વર્ગ) પણ તમારા પ્રત્યે એવું જ વર્તન દાખવશે. સૈકાઓથી કચડાયેલા, તિરસ્કારનો ભોગ બનતા રહેલા દલિતો રાતોરાત સમોવડિયા બની જાય તેવી આશા કે અપેક્ષા રાખવી વ્યર્થ છે, પરંતુ આ દિશામાં નક્કર પ્રયાસો તો અવશ્ય થવા જ જોઇએ. આજે સમરસતાનું બીજ વાવશું તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે તેમાં સમાનતાની કૂંપણ અચૂકપણે ફૂટશે જ તેમાં બેમત નથી.
અહીં પણ ગોરા સમુદાયના કેટલાકમાં રંગભેદના નામે ઊંચ-નીચની સમસ્યા પ્રવર્તે છે તે સાચું, પરંતુ આપણે સહુએ સ્વીકારવું જ રહ્યું કે આમ ગોરા સમાજે આપણને - ઘઉંવર્ણા કે શ્યામવર્ણના લોકોને - વ્યાપક સ્વીકૃતિ આપી છે.
ભારતીય સમાજમાં, આપણી વર્ણવ્યવસ્થામાં જડ ઘાલી ગયેલી આ સમસ્યાનો કાયમી ઉકેલ શું? ભારતની વૈવિધ્યતાસભર સંસ્કૃતિને સૈકાઓથી નબળી પાડી રહેલા આ ઝેરી ઝાડના મૂળિયા કાઢશે કોણ? વાચક મિત્રો, મને લાગે છે કે આ વિરાટ કાર્ય સહિયારા પ્રયાસ વગર શક્ય નથી. સમગ્ર સમાજથી માંડીને ધર્મનો ઝંડો લઇને ફરતા પ્રવર્તકો આ માટે સહિયારા પ્રયાસ આદરે તે આજના સમયની તાતી જરૂર છે.
સમાજ પર ધર્મગુરુઓનો, કથાકારોનો ખાસ્સો પ્રભાવ છે. કેટલાક કથાકારો અલગ અલગ રીતે પછાત સમુદાયના વિવિધ વર્ગોના લાભાર્થે કથા કે સપ્તાહ કે પરાયણ યોજી ચૂક્યા છે. વ્યંડળ, દેવીપૂજક, માછીમાર, આદીવાસી વગેરે સહિતના કચડાયેલા વર્ગો માટે કંઇકને કંઇક ધાર્મિક આયોજનો થઇ ચૂક્યા છે, પરંતુ આ પ્રયાસો એકધારા, સાતત્યપૂર્ણ રહે તે જરૂરી છે. તેમાં ઔપચારકિતા નહીં, સંવેદનશીલતા હોવી જોઇએ.
સંતો - ધર્મપ્રવર્તકોએ આપણા સમાજને યાદ અપાવવું પડશે કે સંપ ત્યાં જંપ. બાંધી મુઠ્ઠી લાખની ખુલી ગઇ તો ખાકની. સમાજ હોય કે ધર્મ - તમારે ટકવું હોય, તમારા સંસ્કાર-વારસાને ટકાવવો હોય, ધર્મ-પ્રણાલીનું જતન કરવું હોય તો એકમેકના ખભાને ટેકો આપવો જ રહ્યો - પછી ભલે આ ખભો નાની વ્યક્તિનો હોય કે મોટી વ્યક્તિનો.

•••

ઇમિગ્રેશનનો આત્મઘાતી હાઉ

વડા પ્રધાન થેરેસા મેના પ્રધાનમંડળના વરિષ્ઠ સભ્ય અને ગૃહ પ્રધાન એમ્બર રડે રાજીનામું આપ્યું. સક્ષમ અને કાર્યકુશળ નેતા હોવા ઉપરાંત નિષ્કલંક કારકિર્દી ધરાવતા રડના રાજીનામાથી રાજકીય વર્તુળોમાં એક છાપ એવી ઉપસી છે કે ઇમિગ્રેશનના હાઉએ એક પ્રતિભાશાળી સબળાનો ભોગ લીધો.
ઇમિગ્રેશન... ઇમિગ્રેશન... ઇમિગ્રન્ટ્સ... ઇમિગ્રન્ટ્સ... આપણા લોકો રોજગારી ગુમાવી રહ્યા છે... જેવા હો-ગોકીરાએ બ્રિટિશ રાજકારણમાં - આપણી બહુ જ જાણીતી - વાઘ આવ્યો રે વાઘ વાર્તા જેવો તાલ સર્જ્યો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
પહેલાં તો ચૂંટણી આવતી ત્યારે જ આ મુદ્દો ઉછળતો હતો, પરંતુ હવે આ મુદ્દો છાશવારે રાજકીય ચર્ચામાં ચમકતો રહે છે. જોકે આ દેશના છેલ્લા ૭૦ વર્ષના ઇતિહાસ પર નજર ફેરવતા જણાય છે કે ઇમિગ્રેશનના મુદ્દે દેકારા માટે બ્રિટનના સામાન્ય નાગરિકો કરતાં રાજકીય પક્ષો અને તેના નેતાઓ વધુ જવાબદાર છે. ચાલો, જરા ભૂતકાળમાં ડોકિયું કરીએ...
૧૯૪૫માં બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો. યુરોપના જર્મની, હોલેન્ડ, પોલેન્ડની જેમ ઓછાવત્તા અંશે બ્રિટનને પણ મોટો ફટકો પડ્યો હતો.
સવિશેષ તો વેપાર-ઉદ્યોગો-રહેઠાણ વિનાશનો સામનો કરી રહ્યા હતા. કોઇ પણ વ્યાવસાયિક પ્રવૃત્તિ હોય, તેનું ઇંધણ હોય છે રોકડપ્રવાહ. અશાંતિના માહોલે આર્થિક પ્રવાહ ખોરવ્યો હતો તેની વિપરિત અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી હતી. રોજગારી ઘટી હતી, મોંઘવારી વધી હતી, ઉત્પાદન ઘટ્યું હતું... ચોમેર હતાશાનો માહોલ ફરી વળ્યો હતો.
બીજા વિશ્વ યુદ્ધના કારણે કારમો ફટકો સહન કરનારા દેશોની મદદ માટે અમેરિકાએ માર્શલ પ્લાન રચ્યો અને આ બધા દેશોને બેઠાં કરવા માટે અબજો ડોલર્સની સહાય મોકલી આપી. આર્થિક સહાયે વૈશ્વિક અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કર્યો.
૧૯૪૭ના અરસાની વાત છે. નાણાંપ્રવાહ ચાલુ થતાં જ બ્રિટનના વેપાર-ઉદ્યોગો, ફેક્ટરીઓ, ખાણ-ખનીજ ક્ષેત્ર કાર્યરત થવા લાગ્યા હતા. પરંતુ ખાટલે મોટી ખોડ હતી કામદારોની અછત.
બીજા વિશ્વ યુદ્ધમાં જોડાયેલા લાખો સૈનિકો શસ્ત્રો છોડીને સામાન્ય નોકરી માટે બજારમાં આવ્યા તો પણ અનુભવી કર્મચારીઓ અને કામદારોની એટલી અછત હતી કે ન પૂછો વાત. તેમાંય વળી અમુક ઉદ્યોગોમાં ગોરા કામદારો કામ કરવા માટે તૈયાર નહોતા થતા. આવી ફેક્ટરી કે ઔદ્યોગિક એકમોમાં શું કરવું?
૧૯૪૬માં સાઉથોલના એક વિસ્તારમાં લશ્કરના પૂર્વ અધિકારીએ એક રબર ફેક્ટરી શરૂ કરી. આર્થિક બેકગ્રાઉન્ડ મજબૂત હોવાથી યુનિટના વિકાસની ભરપૂર તક હતી, સુરક્ષિત કારકિર્દી હતી છતાં ગોરા કામદારો તેમાં કામ કરવા તૈયાર નહોતા. કારણ શું? તો કહે રબરની ગંધ. ફેક્ટરીમાં રબર પ્રોસેસીંગ દરમિયાન તીવ્ર ગંધ આવતી હોવાથી બહુમતી સ્થાનિક પ્રજાજનો તેમાં કામ કરવા તૈયાર નહોતા. વળી કેમિકલ પ્રોસેસની ત્વચા પર વિપરિત અસર થવાનો પણ ખતરો મંડરાતો હતો.
બ્રિટિશ-ઇંડિયન આર્મીમાં એક અમલદાર ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી ચૂકેલા હતા. તેઓ આ કંપનીના મોટેરા હતા. તેમની રેજિમેન્ટમાં પંજાબી, શીખ, મુસ્લિમ જવાનોની સંખ્યા વિશેષ હતી. આમાંથી કેટલાકને કામે રાખવા માટે વર્ક પરમિટ પર બોલાવ્યા. ભારત આજે વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું હોવા છતાં લોકો વધુ ઉજળા અને મજબૂત આર્થિક ભવિષ્યની આશાએ પરદેશભણી મીટ માંડે છે તો તે સમયે તો કેવા વિકટ સંજોગો હશે?
સાઉથોલમાં ઇમિગ્રન્ટ્સનું આગમન શરૂ થયું. આજના પાકિસ્તાન પ્રાંતના મુસ્લિમોથી માંડીને પંજાબના શીખ કામદારોનો પ્રવાહ શરૂ થયો. જોતજોતામાં બ્રિટનની ખાણો, નાનીમોટી ફેક્ટરીઓથી માંડીને વિરાટકાય ઔદ્યોગિક એકમો, લેન્કેશાયરની કાપડની તથા બ્રેડફર્ડની વુલન મીલોમાં, સ્કોટલેન્ડની જ્યુટ મિલોમાં કામદારો તરીકે હજારો બ્રિટિશ-ઇંડિયન જવાનો જોડાયા.
આ વાત છે ૧૯૪૬-૪૭ના અરસાની. તે વેળા બ્રિટિશ કોમનવેલ્થનો કાયદો હતો કે સંગઠનના સભ્ય દેશોનું નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ ગમેત્યારે બ્રિટનમાં આવી શકે અને નિવાસ કરી શકે. કામ કરી શકે અને રોજીરોટી રળી શકે. પરિણામે ૧૯૬૦ સુધીમાં તો દેશમાં લગભગ દોઢ-બે લાખ એશિયન કામદારો પરિવારો સાથે આવીને વસી ગયા હતા. આ આંકડો બ્રિટનની તે સમયની વસ્તીનો લગભગ બે ટકા જેટલો ગણી શકાય.
ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઝડપભેર વધી રહી હતી એટલે રાજકીય તકસાધુઓ કૂદી પડ્યા. ઇનોક પોવેલ જેવા નેતાઓએ ઇમિગ્રેશન અને ઇમિગ્રન્ટ્સના નામે ભરપૂર હાઉ ઉભો કર્યો. તેમણે કાળોતરી આગાહી પણ ઉચ્ચારી દીધી કે ઇમિગ્રન્ટ્સના કારણે એક દિવસ એવો આવશે કે બ્રિટનની આગવી ઓળખ-સંસ્કૃતિ લુપ્ત થઇ જશે, અને વંશીય સંઘર્ષના કારણે દેશના રસ્તાઓ પર લોહીની નદીઓ વહેતી હશે. વાચક મિત્રો, પોવેલની આ ઝેરીલી આગાહીનો તાજેતરમાં આ જ કોલમમાં ઉલ્લેખ કરી ચૂક્યો છું એટલે વિશેષ ઉલ્લેખ ટાળી રહ્યો છું, પરંતુ આજે આપણે સહુ સાક્ષી છીએ કે પોવેલની આગાહીના દસકાઓ પછી પણ તેઓ જેવું કહેતા હતા તેવું કંઇ કરતાં કંઇ થયું નથી. તેમની આશંકાનો એક અંશ પણ સાચો પડ્યો નથી.
જોકે પોવેલની આશંકા ભલે બેબૂનિયાદ સાબિત થઇ, પરંતુ તે સમયે તો તેના આવા હોબાળાથી જે નુકસાન થવાનું હતું તે થઇ ગયું હતું. ચોમેરથી રાજકીય દબાણના પગલે સરકારને કોમનવેલ્થ ઇમિગ્રેશન એક્ટ - ૧૯૬૨ ઘડવાની ફરજ પડી. અગાઉ કોમનવેલ્થ દેશના નાગરિકને બ્રિટનમાં જવા-આવવા સામે કોઇ પાબંદી નહોતી, પણ નવા કાયદામાં અંકુશ આવી ગયા. મુક્ત એન્ટ્રી-એક્ઝિટની જોગવાઇ રદ થઇ ગઇ અને જે તે ક્ષેત્રે કામની જરૂર હોય તેવા જ લોકોને જ પ્રવેશની નીતિ અમલી બની.
ઉલ્લેખનીય છે કે ૧૯૫૦ના અરસામાં એશિયન ઇમિગ્રન્ટ્સનું અહીં આગમન શરૂ થયું હતું. તેમાં હાલના પાક.કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં આવેલા મિરપુરથી આવનારાઓની સંખ્યા સવિશેષ જોવા મળતી હતી. આમ થવા પાછળનું કારણ સમજવા જેવું છે. બ્રિટનમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યાને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકાર બ્રિટિશ શાસકોના ઇશારે કામ કરતી હતી. પંડિત નેહરુના નેતૃત્વ હેઠળની ભારત સરકાર નવા પાસપોર્ટ ઇસ્યુ કરવામાં ભારે અંકુશ રાખતી હતી. બીજી તરફ, પાકિસ્તાન સરકાર ખુલ્લા હાથે પાસપોર્ટ ઇસ્યુ કરતી હતી. આનું પરિણામ થોડાક જ વર્ષોમાં દેખાવા લાગ્યું હતું.
પરિણામે ૧૯૬૨ સુધીમાં દેશમાં કોમનવેલ્થ ઇમિગ્રેશન એક્ટ હેઠળ બ્રિટનમાં પ્રવેશ માટે ભારે ધસારો થયો. પ્રારંભે કામની તલાશમાં પુરુષો આવ્યા, તેમના પરિવારની સ્ત્રીઓ આવી અને પછી સમયાંતરે પરિવાર સાથે ઘરસંસાર વસાવ્યો.
૧૯૬૮ સુધીમાં તો બ્રિટનના કેટલાક શહેરોમાં એશિયાઇ કે બ્લેક માઇગ્રન્ટ્સની હાજરી નજરે ચઢવા લાગી હતી. આ દરમિયાન પોવેલ જેવા નેતાઓએ દેકારો કરવાનું શરૂ કર્યું હતું. આ પછી બ્રિટિશ સરકારે ઇમિગ્રન્ટ્સ પર અંકુશ લાદવાનું શરૂ કર્યું. જે તે ક્ષેત્રમાં નોકરી હોય તો જ વ્યક્તિ આવી શકે તેવી જોગવાઇ લાગુ કરી. આ પછી વાઉચર સિસ્ટમ આવી, જેમાં એવી જોગવાઇ હતી કે પુરુષ ઇમિગ્રન્ટ આવી શકે, પણ તેનો પરિવાર ન આવી શકે. જાત-જાતના અવરોધો ઉભા કર્યા. સેંકડો, હજારો પ્રોટેક્ટેડ પાસપોર્ટ રદ કરવામાં આવ્યા. શટલકોકની હાડમારી હજારોએ અનુભવી.
વાચક મિત્રો, સંક્ષિપ્તમાં કહું તો અત્યારે બ્રિટનની સાડા છ કરોડની વસ્તીમાં બિનગૌરની વસ્તી ૮ ટકા ગણી શકાય. ઇનોક પોવેલ જ્યારે હેલ્થ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી હતા ત્યારે ૧૯૫૫માં કેરબિયન કન્ટ્રીમાં જાહેરખબર મૂકી કે આ દેશને તમારી જરૂર છે. આ દેશ તમારો જ છે, વગેરે વગેરે. ૧૯૫૮માં બ્રિટનના બંદરે વિનડરસ શીપ લાંગર્યું અને... તાજેતરના વિવાદે હોમ સેક્રેટરી એમ્બર રડનો ભોગ લીધો.
આજે પણ હું વ્યક્તિગત રીતે માનું છું કે બ્રિટિશિ નાગરિક સહિષ્ણુ છે, સમજદાર છે. માનવતાપૂર્ણ અભિગમ ધરાવે છે, પણ રાજકારણ રમીને સ્વાર્થનો રોટલો શેકવા નીકળેલા નેતાઓ જ ઇમિગ્રેશન મુદ્દે હાઉ ઉભો કરીને માહોલ બગાડે છે. એકમાત્ર લિબ-ડેમ જ એવી સાતત્યપૂર્ણ વિચારસરણી ધરાવતો પક્ષ છે કે સહુ કોઇને સમાન તકમાં માને છે.
તો પછી આ સંજોગોમાં રસ્તો શું?
રાજકારણીઓ ઇમિગ્રેશન અને ઇમિગ્રન્ટ્સનો મુદ્દો ચગાવે છે ત્યારે એ ભૂલી જાય છે કે જ્યારે આ દેશને જરૂર હતી એટલે તમે એમને બોલાવ્યા છે. તે સમયે અનસ્કીલ્ડની જરૂર હતી એટલે તેમને બોલાવ્યા. આજે ડોક્ટરો, સાયન્ટીસ્ટો, ઓપ્ટીશ્યન, નર્સ વગેરેની જરૂર હોવાથી તેને સ્કીલ્ડને બોલાવવાની જરૂર છે. કાણા દીઠા ગમે નહીં, અને કાણા વગર ચાલે પણ નહીં... (વાચક મિત્રો માફ કરજો... ગુજરાતી ભાષાની વધુ એક કઢંગી કહેવત ટાંકી રહ્યો છું, પરંતુ આમાં કોઇ ચક્ષુહીન દિવ્યાંગનું અપમાન કરવાનો લેશમાત્ર ઇરાદો નથી) બ્રિટિશ રાજકારણ આવી હલ્કી માનસિક્તાથી પીડાઇ રહ્યું છે. નેતાઓની મેલી રમત બ્રિટનના બહુવર્ણીય સમાજ માટે ખતરો ઉભો કરી રહી છે તેથી આપણે સહુએ (સવિશેષ તો રાજકારણમાં જેઓ અસર પાડવા સક્ષમ છે તેમણે) ઘોષણા કરવી પડશે કે જીવનમાં ક્યારેય બેવડા મૂલ્યો ન ચાલે. આપણા દેશને જરૂર છે એટલે બોલાવવામાં આવે છે. આ દેશના રક્ષણ કાજે અમારા ૬૦ લાખથી પણ વધુ સૈનિકો લડ્યા છે. તેમણે આ દેશની ધરતી માટે લોહી વહાવ્યું છે, અને દોઢથી બે લાખ લોકોએ તો પોતાના જાન ન્યોછાવર કર્યા છે. એશિયાઇ હોય કે બ્લેક હોય, અહીં રહેતા તેનો અહીં અધિકાર છે.
બધા રાજકીય પક્ષો દેશમાં આવી રહેલા ઇમિગ્રન્ટ્સને નાથવાની વાતો કરે છે, પરંતુ આ દેશમાં જે મિશ્ર પ્રજા ઉદભવી રહી છે તેનું શું? આ એવો સવાલ છે જેનો જવાબ ક્યારેય મળવાનો નથી. બ્રિટિશ રાજકારણમાંથી ઇમિગ્રેશન અને ઇમિગ્રન્ટ્સ મુદ્દે ગેરમાન્યતા દૂર નહીં થાય ત્યાં સુધી ઉકળતો ચરુ નાહકનો પીડા આપશે. હું સાર્વત્રિક ઇમિગ્રેશનની ભલામણ નથી કરતો, પરંતુ તેમની ઉપેક્ષા થઇ શકે તેમ નથી..... (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter