માય પ્લાન્સ, નો પ્લાન્સ... સહજ સક્રિયતા જ યથાવત્ રહેશે

Tuesday 12th April 2016 13:46 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, કોઇ પણ વ્યક્તિએ એવું સહેજ પણ માનવાની (કે તેનો અમલ કરવાની) જરૂર નથી કે આયુષ્યના ૮૦મા પગથિયે પગલું માંડ્યું એટલે નિવૃત્તિના બાંકડે બેસી જ જવું જોઇએ. થોડોક પો’રો ખાવ તે વાત અલગ છે, બાકી તો (જીવનને ચેતનવતું રાખવા) સતત સક્રિયતા સિવાય આરો નથી. બ્રિટનમાં બેડમિન્ટ્નની રમતમાં મોખરાનું સ્થાન ધરાવતા ભારતવંશી રાજીવ યોસેફનો હમણાં એક લેખ વાંચ્યો. તેઓ કહે છે કે The secret is to keep your core mussel switched on. બેડમિન્ટન ચેમ્પિયનના આ વાક્યનો હું અર્થ કરું છુંઃ શરીરના દરેક અંગ-ઉપાંગોને હંમેશા કાર્યરત રાખો. જીવનમાં હકારાત્મક વલણ અપનાવો. બસ, બધું આપોઆપ ગોઠવાઇ જશે. નામી-અનામી જે કોઇ બહેનો કે ભાઇઓએ વર્ષગાંઠ નિમિત્તે આશીર્વાદ સમાન સંદેશા પાઠવ્યા છે તે સહુનો આભારી છું. મને તો ક્યારેય એ સમજાયું જ નથી કે કેટલાક લોકો સાચી ઉંમર જણાવવામાં કોણ જાણે શા માટે સંકોચ રાખતા હશે.
વર્ષોપૂર્વે મેં પણ જ્યારે એક લેખમાં મારી ઉંમરનો (સાચી ઉંમરની હોં...) ઉલ્લેખ કર્યો હતો ત્યારે અમારા અંબાલાલ કાકાએ આક્રોશ ઠાલવ્યો હતો. સીધો જ ફોન કરીને મને ખંખેર્યો હતોઃ અલ્યા, આવડો મોટો તંતરી થ્યો, પણ અટલી ભાન નથી કે સાચી ઉંમર લખીએ તો નજર લાગી જાય... તબિયત નબળી પડે... વગેરે વગેરે...
એક જમાનામાં ચરોતરના, ખાસ કરીને મહી કાંઠાના ગામોમાં, વડીલોનો પ્રેમ કંઇક ‘ઓર’ રીતે પ્રગટ થતો હતો. ટપોરિયાઓને તેઓ ‘અલ્યા ડોબા...’ કે ‘એ...ય ગધેડા અહીં આવ...’ કે એવા સંબોધન સાથે બોલાવતા. સંબોધનમાં જેટલો તુચ્છકાર તીવ્ર એટલો જ લગાવ વધુ એવો આનો અર્થ થતો. નાનું ટેણિયું પણ જાણે કે શબ્દનું શબ્દશઃ પૂંછડું નહીં પકડવાનું, તેમાં છુપાયેલી પ્રેમભાવનાને મૂલવવાની.
ઘરડાં ગાડાં વાળે એ કહેવત સાચી, પણ સાચી ઉંમર કહેવાથી ‘કોની નજર’ લાગી જાય તે આજ સુધી મને તો સમજાયું નથી. ખેર, આ અંબાલાલ કાકા તો દસેક વર્ષ પૂર્વે જ પ્રભુના પ્યારા થઇ ગયા છે, પણ તેમની યાદોનો વારસો દિલના પટારામાં આજે પણ અકબંધ સંઘરાયેલો છે. તેમાંથી યાદોનું એક ઘરેણું કાઢીને અહીં ટાંક્યું છે!
અંબાલાલ કાકા ‘ગુજરાત સમાચાર’ના ભારે બંધાણી હતા. કોઇ પણ મુદ્દો હોય, સમસ્યા હોય, વાદવિવાદ હોય - કોઇની પણ સાડીબારી રાખ્યા વગર સીધી ને સટ વાત કરવાની. તે પોતાનો અભિપ્રાય આપીને હળવા થઇ જાય, સામે વાળાનું જે થવાનું હોય તે થાય. તેમના અભિપ્રાયો પહેલી નજરે આકરા, કડવા વખ જેવા લાગે, પણ પછી સમય વીતતા સમજાય કે તેમની વાતમાં દમ તો છે. આજે અંબાલાલ કાકાની ગેરહાજરીમાં એટલું જ કહી શકું કે મારો આયુષ્યના ૮૦મા વર્ષમાં પ્રવેશ થયો છે, પણ પરમ કૃપાળુ પરમાત્માની અપાર કૃપા અને પરિવારજનો, સાથીમંડળ તથા આપના જેવા વાચકો-શુભેચ્છકોના ઉષ્માભર્યા સાથ-સહકાર વગર આટલી લાંબી મજલ કાપવી શક્ય નહોતી. હજુ પણ ઘણુંક ઘણુંક ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભૂજા...
આવતા વર્ષે મે મહિનામાં આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકને ૪૫ વર્ષ પૂરા થઇ રહ્યા છે. આ જ વર્ષે ભારત દેશ તેના સ્વાતંત્ર્યના ૭૦ વર્ષ પૂરા કરશે. આવા સિમાચિહનરૂપ ઐતિહાસિક અવસરની અનોખી ઉજવણી કરવાનો નિર્ણય અમારા તંત્રીમંડળે કર્યો છે. શુક્રવાર, ૮ એપ્રિલે મળેલી અમારી બેઠકમાં બ્રિટિશ ભારતીય સમાજની તવારીખ દર્શાવતું એક પુસ્તક યરબુક ૨૦૧૬ પ્રકાશિત કરવાનું અમે નક્કી કર્યું છે.
મિત્રો, આયુષ્યની વાત કરી તો ચાલોને હવે થોડીક વાત આરોગ્યની પણ કરી લઇએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ એક ચોંકાવનારા અહેવાલમાં બહાર પાડ્યું છે કે વિશ્વભરમાં, ૭૩૦ કરોડની વસ્તીમાંથી, ૫૦ કરોડથી વધુ લોકો ડાયાબિટીસના ઉકળતા ચરુ પર બેઠેલા છે. આમાં પણ ભારતને તો આગામી વર્ષોમાં આ રોગ અજગરભરડો લેશે. બ્રિટનમાં, ખાસ કરીને એશિયન સમાજમાં આ રોગે માઝા મૂકી છે. સવિશેષ ઉત્તર અને પશ્ચિમ યુરોપના દેશોમાં બ્રિટનમાં પુરુષોમાં ડાયાબિટીસનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. જેમને આ રોગનું નિદાન થઇ ચૂક્યું તેમાંથી મોટા ભાગના લોકો આયુષ્યના જતન માટે આવશ્યક પગલાં લઇ રહ્યા છે, પણ જે લોકો પોતે ડાયાબિટીસની ‘બોર્ડર લાઇન’ પર હોવાના ભ્રમમાં રાચે છે કે પોતાને ડાયાબિટીસ થયો હોવાની વાતથી અજાણ છે તે બાબત વધુ ચિંતાજનક છે. જોકે ડાયાબિટીસ અંગે વધુ વાત કરવાના બદલે ચાલો, આપણે સમાજ સામે મોં ફાડીને ઉભી થઇ રહેલી સ્ટ્રોક (પક્ષાઘાત)ની બીમારીની વાત કરીએ.
આ બીમારી વિશે મેં સારું એવું વાચન કર્યું છે. ડાયાબિટીસ તો મારો વર્ષોજૂનો ‘કાયમી મિત્ર’ છે, જ્યારે સ્ટ્રોકને આવકારવા હું જરા પણ ઉત્સુક નથી. હાથ, પગ, ડાબું કે જમણું અંગ, જડબું જકડી જાય તેવા પક્ષાઘાત થવાના અડધોઅડધ કિસ્સામાં મુખ્ય કારણ હાયપર ટેન્શન. ઊંચું બ્લડ પ્રેશર હોવાનું જણાયું છે. નેશનલ હેલ્થ સર્વીસ (એનએચએસ)ના અભિપ્રાય પ્રમાણે કોઇ વ્યક્તિનું બ્લડ પ્રેશર ૧૨૦ ઓવર ૮૦ હોય તો તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ ગણી શકાય. પરંતુ જો આ જ આંકડો વધીને ૧૪૦ ઓવર ૯૦ થાય તો તે હાયપર ટેન્શન ગણાય. સ્વાસ્થ્ય માટે આ સ્થિતિ ચિંતાજનક ગણી શકાય. ઊંચા બ્લડ પ્રેશરના કારણે રક્તવાહિની પર દબાણ વધે છે. દબાણ જેટલું વધુ તેટલો સ્ટ્રોકનો ખતરો પણ વધુ. ગંભીર સ્ટ્રોક એટલે બધું જ બધું પથારીમાં. પરવશતાની પરાકાષ્ટા.
આ અંગે યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના પ્રોફેસર ગેરેથ ડાવર્સે એક ઊંડું સંશોધન કરીને ચેતવણીના કેટલાક લક્ષણો જાહેર કર્યા છે. તેમણે ૩ લાખ ૭૦ હજાર વ્યક્તિઓના બ્લડ પ્રેશર અને ૧૪ ક્લિનિકલ ટ્રાયલ્સ ધરાવતા હેલ્થ ચાર્ટનો ઝીણવટભર્યો કરીને એક અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં તેમણે તારણ રજૂ કર્યું છે કે ઓબેસિટી (સ્થૂળતા), ડાયાબિટીસ, હાઇ બ્લડ કોલેસ્ટરોલ, એક્સરસાઇઝનો અભાવ, ધુમ્રપાન, અતિશય દારૂનું સેવન વગેરે બાબતો સ્ટ્રોકની સમસ્યાને નોતરું આપવાનું કામ કરે છે. પ્રોફેસર ગેરેથે અહેવાલમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતીય ઉપખંડના કે આફ્રો-કેરેબિયન સમાજના લોકોનું શારીરિક બંધારણ જ કંઇક એવું છે કે
આ લોકો સ્ટ્રોકની બીમારીનો આસાનીથી ભોગ બની રહ્યા છે. આ સમુદાયના લોકો માટે સ્ટ્રોક એક ગંભીર સમસ્યા છે.
પ્રોફેસર ગેરેથે અહેવાલમાં સ્ટ્રોક કોને કોને અને ક્યા ક્યા કારણસર થઇ શકે તેના માત્ર તારણો જ નથી આપ્યા. આ સમસ્યાને કઇ રીતે ટાળી શકાય કે નિયંત્રણમાં લઈ શકાય તેના સૂચનો પણ તેમણે આપ્યા છે. જેમ કે, હાઇ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની બીમારી હોય તો ડોક્ટરની સારવાર લો, આવશ્યક દવા લો, જરૂરી પરેજી પાળો અને સર્વાંગી આરોગ્યની પૂરતી સંભાળ લો. આ ઉપરાંત ભોજનમાંથી ‘બે સફેદ ઝેર’ને તિલાંજલિ આપો. એક તો, મીઠું અને બીજું, ખાંડ.
ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતી વ્યક્તિએ ભોજનમાંથી આ બન્ને વસ્તુ બાકાત કરવી જોઇએ કહીને પ્રોફેસર ગેરેથ ઉમેરે છે કે આપણા શરીર માટે જરૂરી આ બન્ને પદાર્થો ભોજનની અન્ય સામગ્રીમાંથી કુદરતી રીતે જ આપણા શરીરને મળી રહે છે. તેથી ભોજનમાં તેને ઉપરથી ઉમેરવાની કુટેવ ટાળવી જોઇએ. નમક અને ખાંડનો ઉપરનો ઉમેરો આરોગ્ય માટે ભયંકર નુકસાનકારક છે.
વાચક મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં - તનનું અને મનનું - આરોગ્ય સાંગોપાંગ જાળવવા માટે બે પરિબળો આવશ્યક છે. પહેલી વાત છે - જિજીવિષા. તમારી મનોવૃત્તિ. મારે લાંબુ જીવવું છે... મારે આરોગ્યપ્રદ જીવવું છે. આ જિજીવિષા તમારી રગેરગમાં, તમારા આચાર-વિચારમાં આત્મસાત થયેલી હોવી જોઇએ. બીજી બાબત છે - જીવનશૈલી. વ્યક્તિએ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો દૃઢ નિર્ધાર કરવો જોઇએ. મામા શકુનિની વૃત્તિ અહીં ન ચાલે. કોઇ ખાય ને કોઇ જાયની મનોવૃત્તિ આરોગ્યના જતનમાં ન ચાલે. આરોગ્યમાં તો એવું છે કે આપણું કર્યું-કારવ્યું આપણે જ ભોગવવાનું હોય. મને ડાયાબિટીસ હોય ને દવાથી માંડીને ખાણીપીણીમાં જરૂરી પરેજી પાળવાની ડોક્ટરની સુચનાનું પાલન ન કરું તો તેના પરિણામ પણ મારે જ ભોગવવા પડે. આમાં ભાઇભાંડુ, કાકા-બાપા, મામા-માસા કોઇ સંબંધ કામમાં ન આવે.
એક બીજો રિપોર્ટ દર્શાવે છે કે બ્રિટનમાં દર વર્ષે ગેંગરીનના કારણે (સડો થઇ જવાથી) આશરે ૭૦૦૦ દર્દીઓના પગ કાપવા પડે છે. આમાંના મોટા ભાગે ડાયાબિટીસના દર્દીઓ હોય છે. ડાયાબિટીક પેશન્ટને પગમાં ઇજા થાય ત્યારે જો પૂરતી કાળજી લેવામાં ન આવે તો તરત જ સડો વકરે છે. ડોક્ટરો હંમેશા ‘ડાયાબિટીક ફૂટ’ની બીમારીથી બચવાની ચેતવણી ઉચ્ચારતા રહે છે તેનું કારણ જ એ છે કે સડો પગમાં આગળ વધે એટલે પગને કાપ્યા વગર છૂટકો રહેતો નથી. ઘણી વખત પગમાં રક્તસંચાર કરતી રક્તવાહિનીઓમાં બ્લોકેજના કારણે પણ સમસ્યા સર્જાય છે ને ડોક્ટર પાસે દર્દીનો પગ કાપવા સિવાયનો કોઇ વિકલ્પ બચતો નથી.
આથી ડાયાબિટીસના દર્દીએ આરોગ્યની આવશ્યક કાળજી રાખવી જ જોઇએ. સેન્ટ થોમસ હોસ્પિટલના ડાયાબિટીક કન્સલ્ટન્ટ ડો. નતાશા પટેલ દર્દીઓને બહુ ટૂંકો પણ ચોટદાર સંદેશ આપતા કહે છેઃ ડાયાબિટીસ થયો છે તો આવશ્યક કાળજી અચૂક રાખો. રામભરોસે જીવન જીવવું અને રોગ જાતે દૂર થઇ થશે તેવી માન્યતામાં રાચવાને કોઇ કારણ નથી.

•••

બિનજરૂરી, નાહક પૂછપરછ એ પીડાજનક છે...

વાચક મિત્રો, હવે જે વાત કરી રહ્યો છું તે વાંચીને અંબાલાલ કાકાની જેમ ઠપકારતા નહીં હોં... વાત આપણા ભારતીય સમાજની આદત સાથે મુખ્યત્વે સંકળાયેલી છે. ભારતીય સમાજમાં સામેની વ્યક્તિને અમુક પ્રકારના પ્રશ્નો પૂછવા સ્વાભાવિક છે. પૂછનાર તો પ્રશ્ન પૂછી નાખે છે, પણ પ્રશ્નનો સામનો કરનાર વ્યક્તિને કેવી પીડા થાય છે તેનો કદી કોઇએ વિચાર કર્યો છે ખરો?
તાજેતરમાં ડેલા નામની એક યુવતીનો ઇન્ટરવ્યુ ટીવી અને અખબારોમાં બહુ ચમક્યો છે. ૩૭ વર્ષની આ યુવતી ઇન્ટરવ્યુમાં કહે છે કે ૧૯ વર્ષની વયથી માંડીને ૩૬ વર્ષની થતાં સુધી હું સિંગલ જ રહી છું. એકલા રહેવાનું મને સદી ગયું છે એમ કહું તો પણ ખોટું નથી. પરંતુ જ્યારે જ્યારે કોઇ મને મળે છે, અલપઝલપ પરિચય થાય છે કે તરત જ મને સવાલ પૂછવામાં આવે છેઃ ‘તમે અપરિણીત કેમ છો?’ આ પ્રશ્ન બહુ ત્રાસજનક છે. હું ખુલાસો કરું છું કે એક તબક્કે મારા લગ્ન થયા હતા. લગ્ન પહેલાં અને લગ્નવિચ્છેદ થયા પછી પણ મારે કેટલાક પુરુષો સાથે સંબંધ રહ્યા છે. જોકે અત્યારે આવા કોઇ સંબંધ નથી. આજે મારા જીવનમાં પ્રવર્તતી સ્થિતિથી સાચે જ હું સંતુષ્ટ છું.’
આ યુવતી જ સિંગલ જીવનથી ખુશ છે એવું નથી. યુવતીઓમાં સિંગલ રહેવાનું ચલણ વર્ષ - પ્રતિવર્ષ વધી રહ્યું છે. જેમ કે, આજે બ્રિટનમાં ૧૮થી ૪૯ વર્ષની સ્ત્રીઓમાંથી ૪૩ ટકા અપરિણીત હોય છે. ૩૫ વર્ષ પૂર્વે આ પ્રમાણ માત્ર ૧૮ ટકા હતું. એક અર્થમાં જોઇએ તો વ્યક્તિ લગ્ન કરીને ઘરસંસાર માંડે કે નહીં એ તેનો અંગત પ્રશ્ન છે. જોકે, એક સર્વેના તારણ અનુસાર, સૌથી વધુ પીડાજનક પ્રશ્ન તો એ છે કે ‘તમારે બાળકો કેટલાં?’
ભારતીય સમાજમાં પરણવું અને બાળકો હોવા એ સુખી પરિવારની હોવાની નિશાની છે. આથી જ મોટા ભાગના લોકો સામેની વ્યક્તિને તેમના પરિણીત જીવન કે સંતાન વિશે પૂછતાં ખચકાતા નથી. પરંતુ એક વર્ગ એવો પણ છે જે લગ્ન કરીને ઘરસંસાર માંડવાને કે સંતાનોને જન્મ આપવાની વાતને ‘ઝંઝટ’ માને છે. અને સમાજશાસ્ત્રીઓના મતે, આવા લોકોને વૈવાહિક દરજ્જા વિશે કે સંતાન સંબંધિત પ્રશ્ન પૂછવો પીડાદાયક છે. બિનજરૂરી છે.
એક જમાનો હતો જ્યારે ભારતમાં ચાર જ પ્રશ્નો પૂછવાથી સામેની વ્યક્તિની કરમકુંડળી (જન્મકુંડળી નહીં હોં...) તૈયાર થઇ જતી હતી.
• શું નામ? (વ્યક્તિ આખું નામ બોલે એટલે પિતાથી માંડીને અટકના આધારે જ્ઞાતિનો ખ્યાલ આવી જતો હતો.)
• રે’વાનું ક્યાં? (વ્યક્તિ સરનામું બોલે એટલે ગામ, વિસ્તાર વગેરેને આધારે તેનો આર્થિક દરજ્જો મપાય જાય.)
• શું (કામ) કરો છો? (વ્યક્તિ પોતીકા નોકરી-ધંધાની વાત કરે એટલે સામેવાળાને અંદાજ મળી જાય કે ભાઇએ (કે બહેને) ભણવામાં કેટલું ઉકાળ્યું છે, આપબળે કેવાક આર્થિક સદ્ધર છે વગેરે.)
• કેટલા સંતાન છે? (વ્યક્તિ જવાબ આપે એટલે તેના વૈવાહિક દરજ્જાનો તો ખ્યાલ મળી જ જાય, સાથોસાથ કૌટુંબિક જાણકારી પણ મળી જાય.)
આ દેશમાં જેમ બે અંગ્રેજ મળે એટલે વેધરના વર્તારાની વાત કરે એમ બે ભારતીય મળે એટલે ચર્ચામાં સામાજિક મુદ્દો પણ ભળે જ. લોકો પણ સમજે છે કે હવે જમાનો બદલાયો છે. પસંદ અપની અપની, ખ્યાલ અપના અપના. પરંતુ વ્યક્તિના સામાજિક દરજ્જાનો મુદ્દો ચર્ચામાંથી આઉટઓફ ડેટ થયો નથી. પરણવું કે ના પરણવું, સંતાનો હોવા કે નહીં તે વ્યક્તિગત પસંદગીના પ્રશ્નો છે એ સહુએ સમજવું રહ્યું. આ મુદ્દા સહુ કોઇની પોતિકી જીવનશૈલી સાથે સંકળાયેલા છે.
આ જીવનશૈલી જ સમાજને ઘડતી હોય છે. આખરે તો વ્યક્તિ - વ્યક્તિ જોડાઇને તો સમાજ બનતો હોય છે. બ્રિટનમાં ભારતીય સમાજના આગમનથી માંડીને આજે કર્મભૂમિ બ્રિટનના વિકાસમાં પાયાનું પ્રદાન કરી રહેલો ભારતીય સમાજ કેવા પરિવર્તનમાંથી પસાર થયો છે તેની બધી જ વાતો આપને યર બુક ૨૦૧૬માં જાણવા - વાંચવા મળે તેવા અમારા પ્રયાસ છે. ૪૫ વર્ષ અગાઉ બ્રિટનમાં આપણા સમાજનું આગમન, આપણે ખુદ ક્યારે આ દેશમાં આવ્યા, અસ્તિત્વ ટકાવવા આપણા ભાઇભાંડુઓએ કેવોક સંઘર્ષ કર્યો, અને દસકાઓની તનતોડ મહેનત પછી આજે આપણે પ્રગતિના પંથે કેવીક હરણફાળ ભરી છે તેની જીવનશૈલી વિષયક વાતો આ વિશેષાંકમાં આપ સહુને વાંચવા મળશે. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની સિદ્ધહસ્ત કલમના માધ્યમથી આ વિશેષાંકને ક્લેકટર્સ એડિશન બનાવવા અમે કૃતનિશ્ચયી છીએ. પરંતુ આ માટે આપ સહુના આશીર્વચન, શુભેચ્છા અને સાથસહયોગ અનિવાર્ય છે. અસ્તુ. (ક્રમશઃ)

•••

મુસ્લિમ બિરાદરોની સક્રિયતા
આશરે બે - અઢી માસ પહેલાં મને પોસ્ટમાં ગુજરાતીમાં લખાયેલું કેટલુંક ધાર્મિક સાહિત્ય ઇસ્લામના ઉપાસકો દ્વારા સાંપડ્યું. તેમાં ‘અંજુમન વોઇસ’ નામના માસિકના સામયિકના આઠેક અંકો હતા. આ ઉપરાંત સ્ટાર પબ્લિશર્સ-ભરૂચ દ્વારા પ્રકાશિત કેટલાક પુસ્તક-પુસ્તિકાઓનો પણ તેમાં સમાવેશ થતો હતો. આ પુસ્તિકાઓમાં ‘શ્રીકૃષ્ણનો કટ્ટર દુશ્મન - મહાભારત કાળના સમ્રાટ જરાસંઘનો ઉલ્લેખ ઇસ્લામી ઇતિહાસમાં’, ‘સ્ત્રીનો વારસા અધિકાર’, ‘દિવ્યપ્રકાશ - ઇસ્લામ ધર્મ ગુરુ નાનકની દૃષ્ટિએ’, ‘કુટુંબ નિયોજનઃ રાષ્ટ્ર અને ધર્મની દૃષ્ટિએ’, ‘મહિલા વિશેષાંકઃ ઇસ્લામની શીતળ છાયામાં’, ‘ગૌતમ કી કહાની, ગૌતમ કી જુવાનીઃ ઇસ્લામની શીતળ છાયામાં’ આવા વિવિધ વિષયો ઉપરના નાના-મોટા ૧૭ પ્રકાશનો હું ખૂબ કાળજીપૂર્વક વાંચી ગયો છું. સમય તો લાગ્યો, પરંતુ આ મુસ્લિમ બિરાદરોની સક્રિયતાથી સાચે જ હું ખૂબ પ્રભાવિત થયો. એક પણ પેની ચાર્જ કર્યા વગર આટલા બધા પુસ્તક-પુસ્તિકા મોકલનારે તેમના નામ-સરનામાનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ ભરૂચ સ્થિત અંજુમને ઇમ્દાદુલ મુસ્લીમીન અને તે જ પ્રમાણે સ્ટાર પબ્લિશર્સ વગેરેના નામ પ્રકાશક તરીકે જોવા મળે છે. આ પ્રકાશનો મોકલવા માટે હું ઇસ્લામના એ (અનામી) ઉપાસકનો ખૂબ આભારી છું.

•••


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter