મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે...

સી. બી. પટેલ Tuesday 21st July 2015 15:22 EDT
 
ઈંગ્લેન્ડનો બેટ્સમેન બેન સ્ટોક
 

- ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે
એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ધ્ય રહે

                                                       - મુનિશ્રી ચિત્રભાનુજી મહારાજ સાહેબ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ લેખના શિર્ષકમાં જ આપ મારી મનોસ્થિતિ સમજી શક્યા હશો. શનિવારે જૈન સમાજ-માંચેસ્ટરની યાત્રાનો અવસર સાંપડ્યો. તે સંસ્થાના સંગીન સહયોગથી વડીલ સન્માનનો મંગળ મહોત્સવ ઉજવાયો હતો. આ સુઘડ, સુવ્યવસ્થિત અને સર્વોત્તમ એવા સમાજ કેન્દ્રમાં અમે લગભગ સાતેક કલાક ગાળ્યા. સહુથી પ્રથમ અમે બધાએ પવિત્ર, સુંદર અને સ્વચ્છ દેરાસરમાં ઇશ્વર પ્રાર્થના કરી. કાર્યક્રમ દરમિયાન એક બહેને સૂરિલા અવાજમાં ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું...’ સાદર કર્યું. અંતરમન ભક્તિભાવથી ભીંજાઇ ગયું, અને મનમંદિરમાં પૂ. ચિત્રભાનુજી મહારાજ બિરાજમાન થઇ ગયા.
ત્રીસેક વર્ષ પૂર્વે પૂ. ચિત્રભાનુજી મહારાજ સાહેબ કર્મયોગ હાઉસમાં પધાર્યા હતા અને તેમણે, સભાખંડમાં ઉપસ્થિત સોએક મહેમાનોની ઉપસ્થિતિમાં, સ્વમુખે આ સ્તવન, પ્રાર્થના, ગીત કે પછી તમે જે કંઇ કહો તેવી આ અમર શબ્દરચના, ગાઇ સંભળાવી હતી. ભારતમાં, બ્રિટનમાં કે અમેરિકામાં - કેટલીય વેળાએ મને પૂ. ચિત્રભાનુજી મહારાજ સાહેબને મળવાનો સુભગ અવસર વારંવાર સાંપડ્યો છે. જૈન પરંપરા અને સનાતન સંસ્કૃતિનું સાંપ્રત જીવનને સાનુકૂળ અર્થઘટન અને એક અર્થમાં વૈચારિક ક્રાંતિકારનું દર્શન હું ચિત્રભાનુ મહારાજમાં કરતો રહ્યો છું.
જૈન સમાજ-માંચેસ્ટરમાં વડીલ સન્માન મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો. આપણી અન્ય સંસ્થાઓને, તેના હોદ્દેદારોને તેમ જ સમાજના અગ્રણીઓને જાણવામાં અવશ્ય રસ પડશે કે માંચેસ્ટર અને તેની આજુબાજુના ગ્રેટર માંચેસ્ટર સહિતના વિસ્તારમાં માંડ દોઢસો જેટલા જૈન પરિવારો નિવાસ કરે છે. સંખ્યાબળ નાનું. છતાં આ પ્રાણવાન સંસ્થા વર્ષોથી કેવી સરસ સેવા પ્રદાન કરી રહી છે. સદભાગ્યે સંસ્થાના હોદ્દેદારો, સમાજના અન્ય અગ્રણીઓને, સવિશેષ તેમના જીવનસાથીઓ સાથે, ખૂબ કર્તવ્યનિષ્ઠા સાથે કાર્યરત જોયા. સહુકોઇએ જે પ્રકારે આનંદપૂર્વક કાર્યક્રમ પાર પાડ્યો તે વર્ણવવા માટે તો શબ્દો પણ ઓછા પડે. સાંજે ટ્રેનમાં અમે લંડન પરત થયા.
આજે, સોમવારે, આ લખાઇ રહ્યું છે ત્યારે એક ઐતિહાસિક પ્રસંગની યાદ તાજી કરી લઇએ. ૨૦ જુલાઇ, ૧૯૬૯ના રોજ બે માનવીઓએ પહેલી વાર ચંદ્ર ઉપર ડગ માંડ્યા. ચંદ્રની ધરતી પર પહેલું પગલું પાડનાર નીલ આર્મસ્ટ્રોંગે ઉચ્ચારેલા શબ્દો યાદ છે? જરા યાદ કરી લો - That's one small step for man, one giant leap for mankind. અર્થાત્ માનવીનું આ એક ડગલું, માનવજાત માટે વિરાટ કદમ છે.
આ સિદ્ધિ પૂર્વે કવિઓ કે લેખકો, પ્રિયતમાને હથેળીમાં ચાંદ બતાવતા હતા કે તે લાવી દેવાની વાત કરતા હતા. અકલ્પ્ય હતું કે માનવ ચંદ્ર પર જઇ પહોંચશે. ગયા સપ્તાહે માનવે મોકલેલું એક અવકાશ યાન ‘ન્યૂ હોરાઇઝન’ નવ વર્ષ, પાંચ મહિના અને ૨૬ દિવસનો પ્રવાસ કરીને પૃથ્વીથી ત્રણ કરોડ માઇલના અંતરે આવેલા પ્લૂટો નામના ગ્રહની ‘નજીક’ જઇ પહોંચ્યું. ‘નજીક’ એટલે કેટલું? ૧૨,૫૦૦ કિલોમીટરના અંતરે! આ અવકાશ યાને ખેંચેલી પ્લુટોની અદભૂત તસવીરો આપ સહુએ ટીવી પરદે અને અખબારોમાં જોઇ જ હશે. કાળા માથાનો માનવી ક્યાંથી ક્યાં જઇ પહોંચ્યો છે!
થોડીક ઇતિહાસ તરફ વધુ નજર કરીએ. ૧૯૫૭ના એક દિવસે સોવિયેત યુનિયને (હાલના રશિયાએ) ‘સ્પુટનિક’ નામનું રોકેટ છોડ્યું હતું, જે અમુક ઊંચાઇ સુધી જઇને પૃથ્વી પર પાછું ફર્યું હતું. અમેરિકા આ જોઇને દંગ થઇ ગયું. તે વેળા બન્ને દેશો વચ્ચે કોલ્ડ વોર (શીત યુદ્ધ)નો પ્રભાવ હતો. એક બાજુ અમેરિકા તથા તેના મિત્ર દેશો અને બીજી તરફ સોવિયેત યુનિયન તથા તેમનું જૂથ.
૧૯૬૬ના જુલાઇમાં મેં દારે-સલામથી લંડન આવવા નક્કી કર્યું. ૧૫ જુલાઇએ લંડનના યુસ્ટન સ્ટેશન ઉપર રેલવે કર્મચારીઓમાં બિનગૌર ઉપરના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા હતા. આ સમાચાર મેં દારે-સલામમાં બ્રિટિશ કાઉન્સિલ સંચાલિત લાઇબ્રેરીમાં વાંચ્યા હતા.
લગભગ આ જ ગાળામાં બનેલી ઘટનાઓને પૂર્વ આફ્રિકાના સંદર્ભમાં પણ યાદ કરી લઇએ. પૂર્વ આફ્રિકામાં આમ તો હિન્દી વસાહત કંઇ સૈકાઓથી નાના પાયે સ્થપાઇ ચૂકી હતી. ૧૮મી સદીમાં મસ્કત-ઓમાનના સુલ્તાને પારિવારિક સમસ્યાના કારણે ઝાંઝીબાર ટાપુનો કબ્જો મેળવ્યો અને ત્યાં જોતજોતામાં ભાટિયા મહાજનો દિવાન, જકાત અધિકારી, પોલીસ અધિકારી વગેરે મહત્ત્વના હોદ્દા પર ગોઠવાયા. તે ગાળામાં ઇસ્માઇલી ખોજા, વ્હોરા અને, અમુક અંશે, લોહાણા જ્ઞાતિના સભ્યો સહિત કેટલાક હિન્દીઓ પણ જંગબાર, મલિંડી, લિંડી, ટાંગા વગેરે દરિયાતટના નગરોમાં વસ્યા. અને આ સાહસવીરોએ સાચા અર્થમાં પૂર્વ આફ્રિકાના આ દેશોમાં આધુનિક વેપાર-વ્યવસાયના મંડાણ કર્યા.
કાળક્રમે ચરોતરના પટેલો, ૧૯મી સદીના બીજા ઉતરાર્ધમાં રેલવે અને અન્ય વ્યવસાયોમાં આવ્યા. પંજાબીઓ પણ પહોંચ્યા. ૧૮૯૯ પૂર્વે ઓશવાળ જ્ઞાતિના એક પણ સંતાને વેપાર-ઉદ્યોગ માટે દરિયો ખેડ્યો નહોતો એવું કોઇને કહીએ તો આપણી વાતને કદાચ માને નહીં. પણ આજે? વિશ્વના અનેક દેશો... પૂર્વમાં સિંગાપોરથી માંઢીને પૂર્વ આફ્રિકા, મધ્યપૂર્વ, કેનેડા સહિતના અનેક દેશોમાં ઓશવાળ જઇ પહોંચ્યા છે નહીં, છવાઇ ગયા છે. કેન્યા જેવા દેશોમાં તો વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે સક્રિય ભારતીય વસાહતીઓમાં કેટલાય ઓશવાળ મોખરાનું સ્થાન ધરાવે છે. બે વર્ષ પૂર્વે નૈરોબીમાં અદ્યતન શોપિંગ મોલમાં એક ખૂનખરાબી થઇ હતી. યાદ છેને? આ શોપિંગ મોલનું હવે પુનરોત્થાન થઇ ગયું છે. ત્યાં હિન્દી ભાઇઓએ અગાઉની જેમ જ ભારે વર્ચસ જમાવ્યું છે, અને તેમાં પણ ઓશવાળ આગળ છે.
આ બધા ઉલ્લેખ સહેતુક છે. ૧૯૬૧માં નવમી ડિસેમ્બરે, ટાંગાનિકાને સ્વાતંત્ર્ય મળ્યું. તેના બે વર્ષ બાદ યુગાન્ડા અને પછી કેન્યા પણ સ્વતંત્ર થયા. તે વેળા સરકારના કાયદા, આર્થિક નિયંત્રણો આકરા હતા. આથી બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા આપણા ભાઇભાંડુઓમાંથી કેટલાકે બ્રિટન સ્થળાંતર શરૂ કર્યું. આ ઇતિહાસ છે. ૧૯૬૪માં ટાંગાનિકા અને ૧૯૬૬માં યુગાન્ડામાં લશ્કરે બળવો કર્યો. સત્તાપલ્ટો થયો. સ્થળાંતરે વેગ પકડ્યો. ભારતીય વસાહતીઓએ બ્રિટનમાં આશાનું કિરણ નિહાળ્યું હતું તો બીજી તરફ મોટી સંખ્યામાં ભારતમાંથી લોકો પૂર્વ આફ્રિકા પહોંચી રહ્યા હતા અને જાય છે. ટાંગાનિકા, યુગાન્ડા અને પૂર્વ આફ્રિકામાં વેપાર, ઉદ્યોગ વ્યવસાયમાં હિન્દી સમુદાયનો પ્રભાવ છે એમ અવશ્ય કરી શકાય. હા, મોમ્બાસાથી સોમાલિયા સરહદ સુધી, અને સવિશેષ, દરિયાતટના પ્રદેશનાં આતંકવાદ વકર્યો છે તેને આ દેશોની કમનસીબી ગણવી રહી.
આજે, સોમવારે, વડા પ્રધાન ડેવિડ કેમરન બર્મિંગહામમાં ઐતિહાસિક કહેવાય તેવા વક્તવ્યમાં મુસ્લિમ સમાજને બ્રિટનમાં કટ્ટરવાદ અને આતંકવાદના ભય સામે વધુ સક્રિય બનવા, કાર્યરત બનવા માટે આવાહન કર્યું છે. આ સંદર્ભમાં ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું...’ રચનાના દરેક શબ્દો વાગોળવા માટે ઉપયોગી બની શકે.
વાચક મિત્રો, સંભવ છે કે આપનામાંથી કદાચ કોઇના મનમાં સવાલ સળવળતો જ હશે કે ‘સી.બી., આ બધું તો ઠીક... પણ આખું અઠવાડિયું કર્યું શું?’ અરે... ભાઇ, જરા ધીરા પડો... બધી વાત કરું છું. આપનો વર્ષોજૂનો ચાકર છું, આ બંદો આપના વિચાર, સવાલ, સંકેત, લાગણી ન સમજે તેવું કદી બને ખરું? તમારા મનમાં સવાલ ન ઉઠ્યો હોત તો પણ મારી ડાયરીના પાન આપની સમક્ષ ખુલ્લા કરવાનો જ હતો.
ગયા રવિવાર, ૧૨ જુલાઇથી શનિવાર, ૧૮ જુલાઇમાં નાનીમોટી અનેક જવાબદારીઓ અદા કરી - મોટા ભાગની સામાજિક, અને થોડીક પારિવારિક. મહત્ત્વનો કાર્યક્રમ હતો - મંગળવાર, ૧૪ જુલાઇના રોજ બપોરે ‘ફિક્કી’ (ફેડરેશન ઓફ ઇંડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ - FICCI)ના ઉપક્રમે યોજાયેલો સેમિનાર. સેન્ટ્રલ લંડનમાં યોજાયેલા આ સુંદર કાર્યક્રમમાં ગુજરાતી, સવિશેષ તો અમદાવાદમાં વેપાર-ઉદ્યોગમાં પરોવાયેલા ૧૩ યુવા ઉદ્યોગસાહસિક ઉપસ્થિત હતા. આ યુવક-યુવતીઓ લક્ષ્મીજીની આરાધના કરવાની સાથોસાથ ઉચ્ચ શિક્ષણ દ્વારા માતા સરસ્વતીજીની આરાધના પણ કરી રહ્યા છે. લંડનપ્રવાસે આવેલું આ યુવાધન વેપાર-ઉદ્યોગમાં વધુ વિકાસની સંભાવના ચકાસવા ઉત્સુક હતું. મારે તેમને સંબોધવાના હતા અને ખાસ તો અત્રેની આપણી વિશાળ વસાહત સંદર્ભે તેમને માહિતગાર કરવાના હતા.
મારું સંબોધન તેમને કેટલું ઉપયોગી નીવડ્યું કે નીવડશે એ તો હું નથી જાણતો, પણ હા, મારી વાત કરું તો એટલું ખાતરીપૂર્વક કરી શકું કે બંદાને તો મજા પડી. મને હંમેશા યુવાશક્તિ સાથે વિચારોનું આદાનપ્રદાન કરવાનું ગમ્યું છે. આપણી ઉંમર ગમેતેટલી મોટી હોય, આપણે ભલે (તેમના કરતાં) ગમેતેટલી વધુ દિવાળી જોઇ હોય, ભલેને અનુભવોનું મસમોટું પોટલું માથે ઊંચક્યું હોય, પણ યુવાપેઢી પાસેથી આપણેય ઘણું શીખવા-જાણવા જેવું હોય છે. નવા સ્વપ્નો, નવા દૃષ્ટિકોણ, નવા વિચારો, નવી યોજનાઓ... કેટકેટલું જાણવા મળે. હું તો ભર્યોભર્યો ઘરે પાછો આવ્યો હતો. જોકે આ યુવાપેઢી સાથે વિચારોની આપલે કરવાની હોય ત્યારે મહેનત પણ બહુ કરવી પડતી હોય છે. દિમાગ યુવાન અને સ્ફૂર્તિલું હોય એટલે એટલે તમારી સમક્ષ જાતભાતના પ્રશ્નો પણ રજૂ કરે ને શંકા પણ ઉઠાવે. તેમને સંતોષકારક જવાબ, શંકાનું સમાધાન મળે તો તમને માથે બેસાડે, પણ જો એવું લાગે કે તમે તેને ગોળ ગોળ ફેરવો છો તો ફૂંક મારીને ખારી શિંગના ફોતરાની જેમ ઉડાવી દેતાં પણ ખચકાય નહીં. આથી જ રવિવાર અને સોમવાર જરૂરી માહિતી એકત્ર કરવામાં, વિચારમંથનમાં જ વીત્યા હતા.
બુધવારે, ૧૫ જુલાઇએ વહેલી સવારે હેરો ઓન ધ હિલમાં લોકલ કન્ઝર્વેટિવ એમપી બોબ બ્લેકમેનના સમર્થકોની બ્રેકફાસ્ટ મિટીંગમાં હાજરી આપવાની હતી. કાર્યક્રમના આયોજક હતાં કાઉન્સિલર મીના પરમાર. મારે આ પ્રસંગે મુખ્ય વક્તવ્ય આપવા ઉપરાંત પ્રશ્નોતરીમાં પણ ભાગ લેવાનો હતો. કાઉન્સિલર મિનાક્ષીબહેન પરમારના નામથી તો મોટા ભાગના વાચકો પરિચિત હશે જ, પણ ઝાંસીની રાણી જેવું શૌર્ય દાખવતા તેમના એક ઘટનાપ્રસંગથી બહુ ઓછા લોકો વાકેફ હશે.
પંદરેક વર્ષપૂર્વે દિવાળીના દિવસોમાં ઇલિંગ રોડ પર આવેલા સનાતન મંદિરમાં ભક્તિભાવ ભર્યો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. સત્સંગનો કાર્યક્રમ ચાલતો હતો બરાબર તે જ વેળા બે ભાનભૂલેલા ગોરા યુવાનોએ ખુલ્લેઆમ મર્યાદાપુરુષોત્તમ શ્રી રામની મૂર્તિ સાથે અટકચાળાંનો પ્રયાસ કર્યો ને મિનાક્ષીબહેન વીજળીવેગે ત્રાટક્યાં. પે’લાનો બદઇરાદો પાર પડે તે પહેલાં તો મિનાક્ષીબહેને તેમને ભોંય પર પાડી દીધા. પળભરમાં બધું બની ગયું. બીજા ભક્તજનો પણ મદદે પહોંચી ગયા અને બન્ને ડામીસને ઝબ્બે કરી લીધા. પછી તો પોલીસ પણ આવી અને કાયદેસરની કાર્યવાહી થઇ. મિનાક્ષીબહેને કટોકટીની પળે જે સૂઝબૂઝ અને હિંમત દાખવી તે કાબિલે દાદ હતી. વિરાંગના મિનાક્ષીબહેન જેવા વીરો પણ આપણા સમાજમાં અવશ્ય હશે જ, પરંતુ હું આવી વિરાંગનાઓની હિંમતને વિશેષ માન આપું છું.
રવિવારે ‘બેટરી ચાર્જ’ કરવાનું નક્કી કર્યું હતું. અને એવું જ કર્યું. હવે તમે પાછા એવું ન કહેતા કે સી.બી. તમે તે કંઇ મોબાઇલ ફોન કે લેપટોપ કે આઇપેડ કે હેરડ્રાયર થોડા છો તે વળી તમારે બેટરી ચાર્જ કરવાની જરૂર પડે?! પડે... મારા સાહેબો, મને પણ બેટરી ચાર્જ કરવાની જરૂર પડે. આપણે જાતભાતના ઇલેક્ટ્રિક-ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લાવીએ છીએ તેની બેટરી સમયસર ચાર્જ ન કરીએ તો શું થાય? અધવચ્ચે કામ રખડી પડેને... આવું જ મારું છે. સમયસર ‘બેટરી ચાર્જ’ ન થાય તો તન-મનનું એનર્જી લેવલ ડાઉન થઇ જાય.
મોબાઇલ ફોન, લેપટોપ કે આઇપેડ જેવા ભૌતિક સાધનોની બેટરી ઇલેક્ટ્રિસિટીથી ચાર્જ થાય છે, તો મારા જેવા માનવદેહની બેટરી નિજાનંદથી ચાર્જ થાય છે. વાંચવું, વિચારવું, જાત સાથે વાતો કરતાં કરતાં વોક લેવો અને એ...યને મનગમતી પ્રવૃત્તિઓ માણવી - પછી તેમાં ક્રિકેટ મેચ જોવાનું પણ આવી જાય ને મ્યુઝિક સાંભળવાનું પણ આવી જાય ને ગીત કે ભજનનો ગણગણાટ પણ આવી જાય. રવિવારે તો ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું...’ પણ ગાયું. આખો દિવસ બધું ય કર્યું. બેટરી ફુલ ચાર્જ કરીને સોમવારથી ફરી આપ સહુની સેવામાં હાજર થઇ ગયો છું.

-------------

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે
એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ધ્ય રહે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

દીન, ક્રૂર ને ધર્મવિહોણાં દેખી દિલમાં દર્દ વહે
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું
કરે ઉપેક્ષા એ મારગની તો ય સમતા ચિત્ત ધરું
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

ધર્મસ્થાનકની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે
વેરઝેરનાં પાપ તજીને મંગળ ગીતો એ ગાવે

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
- રચના: શ્રી ચિત્રભાનુ મહારાજ

•••

તમારો પ્લાન શું છે?

અમદાવાદના હાસ્ય કલાકાર દિનકર મહેતા એક જોક કાયમ કરતા હોય છે. પત્ની પતિને પૂછેઃ ‘જમવામાં શું બનાવું?’ આ પ્રશ્ન પૂછવા પાછળ પત્નીનો અભિગમ હકારાત્મક જ હોય, પણ પતિ ‘સમજદાર’ હોય તો તરત જ કહી દે કે તારે જે બનાવવું હોય તે બનાવ.. મને તો બધું ભાવે છે.
(આવો જવાબ ‘સમજદાર’ પતિ જ આપતો હોય છે કેમ કે તે જાણતો હોય છે કે કહેવતમાં ભલે કહેવાયું હોય કે ધાર્યું ધણીનું થાય, પણ જમવાનું બનાવવાની વાતમાં તો ધાર્યું ધણિયાણીનું જ થવાનું છે. તો પછી વધારે બોલીને શક્તિ શા માટે બગાડવી?!)
પરંતુ જો પતિ ‘નાસમજ’ હોય તો કેવો તાલ થાય? ચાલો, એક જોક લખી જ દઉં... પરંતુ જોક વાંચતા પહેલાં એક નોટિસ પણ આપી દઉં. જોક વાંચીને - પત્ની સાંભળી જાય તેમ - મોટેથી હસવાની મનાઇ છે, અને જો હસી પડ્યા ને ઘરમાં જમવાનું ન મળ્યું તો તે માટે આ કોલમના લેખક જવાબદાર નથી. શરત મંજૂર હોય તો વાંચો આગળ...
પત્નીઃ આજે જમવામાં શું બનાવું?
પતિઃ તને જે ફાવે તે...
‘પણ તમે કાં’ક ક્યો તો ખરા?’
‘દાળ-ભાત.’
‘ઇ તો બપોરે જ ખાધા.’
‘તો રોટલી-શાક...’
‘પણ બાબો કજિયા કરશે.’
‘તો છોલે-પુરી કરી નાખ.’
‘તેલવાળું હેવી પડશે.’
‘અચ્છા તો પરોઠા?’
‘રાત્રે ના ખવાય...’
‘સારું કઢી-ભાત... બનાવી નાખ.’
‘પહેલાં કહ્યું હોત તો? બનાવતાં વાર લાગશે.’
‘ઠીક. તો નુડલ્સ બનાવ.’
‘એમાં પેટ ના ભરાય.’
‘તો પાસ્તા..?’
‘એ તો પેટ બગાડે.’
‘બાફેલા વેજીટેબલ બનાવ.’
‘માઇક્રોવેવ ઓવન બગડી ગયું છે.’
‘તો એક કામ કર. ખીચડી જ બનાવી નાખ.’
‘હમણાં બનાવી નાખત, પણ કૂકર ધોવાનું
બાકી છે.’
‘હે ભગવાન... તો શું બનાવીશ?’
‘તમે ક્યો ઇ..!’
લ્યો બોલો... આમાં હવે કહેવા જેવું રહ્યું જ ક્યાં છે? છતાં ય પત્નીને એમ લાગે કે મેં પતિદેવને પૂછીને જમવાનું બનાવ્યું, અને પતિદેવને સંતોષ થાય કે જમવાનું બનાવતાં પહેલાં તેણે મને પૂછ્યું’તું ખરું હોં...
ખેર, હું ગયા શનિવારે માંચેસ્ટરથી લંડન આવવા ટ્રેનમાં બેઠો. પરંતુ આ પહેલાં ઘરે ફોન કરી દીધો. ઘરે આવવા રવાના થઇ રહ્યો છું... ક્વાયટ કોચમાં બેઠો છું એટલે ફોન પર પણ વાત થઇ શકશે નહીં. આ મારો નિયમ છે - લંડનમાં ક્યારેય ક્યાંય પણ ફરતો હોઉં, પરંતુ દર બે-ત્રણ કલાકે ફોન કરીને ‘હેડ ક્વાર્ટર’ને રિપોર્ટિંગ કરતો રહું. આપણી ક્ષેમકુશળતાના સમાચાર આપતા રહીએ તો તેમને બિનજરૂરી ઉચાટ ન રહે.
૨૨૦ માઇલનું અંતર હતું અને જર્ની ટાઇમ બે કલાક સાત મિનિટનો હતો. ફોન સાયલન્ટ મોડ પર મૂકી દીધો હતો. કોચમાં ટાંકણી પણ પડે તો અવાજ આવે તેવી શાંતિ હતી. બધાના મોં બંધ હતા. ધસમસતી ટ્રેન આગળ ધપતી હતી ત્યાં જ ફોનનો સ્ક્રીન બ્લીન્ક થયો. માણસ ભલે ગમેતેટલો મોટો થઇ જાય (વયમાં કે સામાજિક કદમાં), પરંતુ ઘરેથી આવેલો ફોન રિસિવ ન કરવાની હિંમત દાખવવા જેટલો મોટો તો ક્યારેય થઇ શકતો નથી! હું પણ આમાંથી બાકાત તો નહીં જ ને? આસપાસના પ્રવાસીઓની હાજરીમાં થોડાક સંકોચ સાથે ફોન રિસિવ કર્યો અને એકદમ ધીમા અવાજે હેલો કર્યું અને યાદ કરાવ્યું કે હું ક્વાયટ કોચમાં જર્ની કરું છું. તરત સામેથી જવાબ મળ્યોઃ કંઇ વાંધો નહીં... એટલું કહી દો જમવામાં શું લેશો? મારો જવાબ હતોઃ કંઇક હળવું બનાવી નાખજો... સામેથી બીજો પ્રશ્ન તૈયાર જ હતો, પણ મેં ફોન કાપ્યો. ઘરે પહોંચ્યો ત્યારે સુપ અને ટોસ્ટ તૈયાર હતા. દિનકર મહેતા ભલે કહે કે તમને દર વખતે ઘરે ઇચ્છિત ભોજન મળી રહે તે જરૂરી નથી. પણ મારો મેળ પડી ગયો હતો. ભાવતું ભોજન મળી ગયું હતું...
...પરંતુ દર વખતે જરૂરી નથી કે તમે ઇચ્છ્યું હોય તેવું જ બને. અને જ્યારે આવું ન થાય ત્યારે પ્લાન બી તૈયાર હોવો જોઇએ. પ્લાન બી એટલે? પૂર્વનિર્ધારિત આયોજનનો બીજો વિકલ્પ. રવિવારે બે-ત્રણ કલાક ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા બીજી એશિઝ ટેસ્ટ મેચ નિહાળવાની મજા માણી. અગાઉ કાર્ડિફની ટેસ્ટ મેચ જીતી લીધી હોવાથી ઇંગ્લેન્ડના ક્રિકેટરો જ નહીં, સમાચારમાધ્યમો પણ ભાવવિભોર થઇ ગયા હતા. ઇંગ્લેન્ડ પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ પણ આખરે તો મેચ રમવા, અને જીતવાના ઇરાદે જ આવી છેને? પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ઘૂંટણિયા ટેકવનાર ઓસ્ટ્રેલિયન ટીમે બીજી ટેસ્ટમાં આક્રમક વલણ અપનાવ્યું અને ઇંગ્લેન્ડના છોતરાં કાઢી નાંખ્યા. પાંચ દિવસની મેચ ચાર દિવસમાં સમેટાઇ ગઇ. ઇંગ્લેન્ડે બે ઇનિંગ્સમાં ૨૦ વિકેટ ગુમાવીને કુલ ૪૧૫ રન કર્યા તો ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટ ગુમાવીને કુલ ૮૨૦ રન કર્યા.
તમે પણ જો ક્રિકેટ મેચ નિહાળી હશે તો એક્સપર્ટ કોમેન્ટ્રેટરોના મુખે પ્લાન - એ અને પ્લાન - બી જેવા શબ્દો સાંભળ્યા હશે. બોલિંગ, બેટિંગ કે ફિલ્ડીંગની ટીમની વ્યૂહરચના પ્રમાણે પાસાં પોબાર ન પડે ત્યારે વૈકલ્પિક વ્યૂહનો અમલ થતો હોય છે. અને આમ મેચનું પલડું પોતાની તરફેણમાં ઝૂકાવવા પ્રયાસ થતો હોય છે. પરંતુ અફસોસ, ઇંગ્લેન્ડની રમત જોતાં લાગ્યું કે તેની પાસે એવો કોઇ વૈકલ્પિક પ્લાન હતો જ નહીં, જે તેને મુશ્કેલીમાંથી બહાર કાઢીને વિજયના પંથે દોરી જાય. ઇંગ્લેન્ડ હાર્યું અને ઓસ્ટ્રેલિયા જીત્યું એટલે એક રીતે અસુખ થાય, પણ હું એટલું તો અવશ્ય કહીશ કે કાર્ડિફ મેચ બાદ ઇંગ્લેન્ડની ટીમ વિજયના મદમાં છકી ગઇ હતી. ટીમના સભ્યો જે પ્રકારે મદમત્ત બનીને હાકલા-પડકારા કરી રહ્યા હતાં તે જોતાં તો એમ જ કહી શકાય કે અભિમાનના ફુગ્ગામાંથી હવા નીકળી ગઇ તે સારું જ થયું.
મેચ પૂરી થયા બાદ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈને (જેઓ મદ્રાસમાં જન્મ્યા હતા) એક પ્રશ્નના જવાબમાં એવી કોમેન્ટ કરી હતી કે લોર્ડસની પીચ હાર્ડ હતી તેથી ઇંગ્લેન્ડને બોલિંગ કરવાની મજા ન આવી.
તો પછી આ જ પીચ પર ઓસ્ટ્રેલિયન ટીમ - બેટિંગ અને બોલિંગમાં કેમ છવાઇ ગઇ? નાસીર હુસૈનનો જવાબ હતોઃ તેઓ આક્રમક બની ગયા હતા...
અરે, હુસૈનસા’બ મેચ જીતવા માટે આક્રમક જ બનવાનું હોય. મેદાનમાં ગમેતેવા વિપરિત સંજોગો હોય, મેચનું પાસું પલટવા મરણિયા પ્રયાસ કરવા જ પડે એ તમારા જેવા એક સમયના કેપ્ટનને અમારે સમજાવવાનું ન હોય. પહેલી ટેસ્ટ પછી ઓસ્ટ્રેલિયાએ આ (લડાયક) અભિગમ અપનાવ્યો અને તેઓ જીતી ગયા. વિજયના મદમાં છકી જવાનું ન હોય, પણ સંયમ જાળવવાનો હોય. ઈંગ્લેન્ડની ટીમના હેડ કોચ ટ્રેવર બેયલીસે જાહેર કર્યું છે કે હવે પછીની મેચો માટે ‘ટીપીકલ શીલીંગ ઈંગ્લીશ’ પીચ બનાવવામાં આવશે. યજમાન ટીમનો આ અધિકાર છે. ‘ભૂવો ધૂણે ત્યારે......’.
મેચના અંતે એવોર્ડ પ્રેઝન્ટેશન સેરેમનીમાં મેન ઓફ ધ મેચ સ્ટીવ સ્મિથને પૂછાયું હતુંઃ ટીમના વિજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવ્યા પછી હવે શું કરીશ? તેનો જવાબ બહુ સંયમી હતોઃ ‘મારું કામ કરીશ. મારું કામ શ્રેષ્ઠ બેટિંગ કરવાનું છે તે કરતો રહીશ.’ ના તો શ્રેષ્ઠતાનું ઘમંડ અને ના તો હરીફનું અવમૂલ્યન.
બીજી ટેસ્ટ મેચ દરમિયાન બનેલો એક બનાવ ઇંગ્લેન્ડનો બેટ્સમેન બેન સ્ટોક જિંદગીમાં કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. રનિંગ બિટવિન ધ વિકેટ દરમિયાન દોડતો દોડતો તે સામે છેડે ક્રિઝમાં તો પહોંચી ગયો, પણ નિયમ અનુસાર તેણે ક્રિઝની અંદર પીચ પર બેટ મૂક્યું નહીં. ફિલ્ડરે બેઇલ્સ ઉડાવી દીધા અને તે આઉટ જાહેર થયો. જ્યારે એક-એક રનનો સવાલ હોય તેવી કટોકટીની પળે આવી ક્ષુલ્લક ભૂલ પણ કેટલી ભારે પડી શકે છે એનું તેને ભાન થઇ ગયું હશે.
ખેર, અહીં પ્લાન - એ કે બીની વાત કરવાનું કારણ ઇંગ્લેન્ડની હારજીતના લેખાંજોખાં કરવાનું નહીં, પરંતુ એ સમજાવવાનું છે કે રમતગમત હોય કે વેપારઉદ્યોગ હોય, પારિવારિક આયોજન હોય કે સંસ્થાનું હિત હોય, સંજોગો અનુસાર વિપરિત સ્થિતિને પહોંચી વળવાનું આયોજન હોવું જ જોઇએ. લશ્કરની ભાષામાં કહીએ તો સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ. આ અર્થમાં જોઇએ તો બ્રિટિશ પ્રજા, અને તેમાં પણ ખાસ કરીને અંગ્રેજો પ્લાનિંગ કરવામાં પાવરધા ગણાય છે. (જૂઓને... ઇસ્વી સન ૧૬૦૭માં ઇસ્ટ ઇંડિયા કંપની સઢવાળા ત્રણ જહાજ લઇને સુરતના રાંદેર બંદરે પહોંચી. તેમાં ૭૦ અંગ્રેજો હતો. વેપાર માટે ભારત ગયેલી, આ કંપનીએ પાછળથી બ્રિટને કાળક્રમે અખંડ હિંદુસ્તાન પર ૩૪૦ વર્ષ રાજ કર્યું હતું ને?) પરંતુ વાચક મિત્રો, વાત પરિવારની હોય કે કારકિર્દીની હોય કે વ્યવસાયની હોય, પ્લાન એ કે બી કે સી હંમેશા તૈયાર રાખજો. સઢમાં પવન ભરાયો હોય તેવા સાનુકૂળ માહોલમાં તો સહુ કોઇ સરસરાટ (જીવન) જહાજ ચલાવી જાણે, સામા પવને જહાજને સરસરાટ ચલાવવામાં જ આપણા કૌશલ્ય, કાબેલિયત, આવડતની અસલી પરીક્ષા હોય છે. (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter