રોજી - રોટી - મકાન... ધર્મસ્ય મૂલમ્ અર્થઃ

સી. બી. પટેલ Tuesday 19th July 2016 14:46 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે શનિવારે લંડન અને બ્રિટનમાં આ વર્ષનો સૌથી ઉષ્માપૂર્ણ દિવસ હોવાનું હવામાન ખાતાનો વર્તારો જણાવે છે (સોમ-મંગળ વધુ ગરમી). યોગાનુયોગ મને પણ લાંબી લટાર મારવાનો અને આપ સાથે પરોક્ષ રીતે સંવાદ કરવાનો અવસર સાંપડ્યો. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં પ્રકાશિત થતી વાચનસામગ્રી વિશે આપે સર્વેના માધ્યમથી રજૂ કરેલા સ્પંદનોનો રિપોર્ટ હું મેળવી રહ્યો છું. એક એક્સપર્ટ પણ તેનું વિશ્લેષણ કરી રહ્યા છે. જોકે સર્વેના પ્રાથમિક તારણોના આધારે હું એટલું અવશ્ય કહી શકું કે આપને પ્રકાશન સામગ્રીથી મહદ અંશે સંતોષ થઇ રહ્યો છે અને આ વાતને હું અમારું સદભાગ્ય સમજું છું. સાથેસાથે જ વધુ સત્વશીલ, વિવિધલક્ષી અને સર્વાંગી પ્રગતિને પ્રોત્સાહન

આપે તેવી વાચનસામગ્રી પીરસવા અને નીતનવીન વિવિધ પ્રકારના આયોજનો કરવાને પણ અમારી ફરજ સ્વીકારું છું.
આપ સહુના ઉષ્માભર્યા પ્રતિભાવમાં બીજી ઊડીને આંખે વળગે તેવી, નોંધનીય બાબત એ છે કે બન્ને સાપ્તાહિકના વાચકો (લગારેય બટર મારવા નથી કહેતો હોં...) વિચારવંત હોવાનું અમે સ્પષ્ટ જોઇ શકીએ છીએ. હું અમારા તંત્રીમંડળના સભ્યોને હંમેશા કહેતો રહ્યો છું કે વાચકોની આ અમીદૃષ્ટિને આપણા ઉપરની ઇશ્વરકૃપા અને વાચકોના આશીર્વાદ સમાન ગણવી રહી.

આજે દેશવિદેશના અનેક સારામાઠા સમાચારોમાંથી કેટલાકના શિર્ષકો માંડીએ. ચાલો...
૧) બ્રિટનમાં નવી સરકારઃ શ્રીમતી થેરેસા મેની શુભ શરૂઆત
૨) ગુરુવારે રાત્રે ફ્રાન્સના એક રમણીય સ્થળે કત્લેઆમ
(હવે આતંકવાદીઓના નિશાન વધુ નીચા ઉતરી રહ્યા છે. સાવ નિર્દોષ અને માસુમ બાળકોને ચગદી નાખવામાં પણ આ રક્તપિપાસુઓને લેશમાત્ર ખચકાટ નથી.)
૩) શુક્રવાર મધરાત્રે તુર્કીમાં ફરી લશ્કરી બળવો
૪) અમેરિકામાં રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની મજબૂત સ્થિતિઃ જોખમી અને જલદ અભરખા અને અંતિમવાદી વલણ
૫) ડાયાબિટીસ નિયંત્રણ માટે એક નવી માઇન્ડ ગેમ
૬) વૈશ્વિક સ્તરે આતંકવાદના પ્રસાર માટે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા જવાબદાર
૭) વૃદ્ધાવસ્થા સંબંધિત કેટલીક ખોટી ભ્રમણા
૮) અવસાન બાદ પણ કાયમી અમાનત
૯) સાંસદ જો કોકસનું ખૂન અને તેમની અંતિમક્રિયા
૧૦) અમેરિકામાં રમતગમતના મેદાનમાં ઉતરતા આઠમા દાયકાના ‘ભરયુવાન’ ખેલાડીઓ
૧૧) નરેન્દ્ર મોદીની નીતિમત્તાને ચાર ચાંદ

મારા માનવંતા અને સાથે સાથે જ માલિક જેવા સુજ્ઞ વાચક મિત્રો, ઉપરના ૧૧ મુદ્દામાંથી પાંચેક વિશે હું કંઇક વધુ રજૂઆત કરું તે પહેલાં આ લેખના શિર્ષક વિશે પણ કંઇક મનોમંથન રજૂ કરવું આવશ્યક ગણું છું.

મનુષ્યની જીવનયાત્રા સાથે હંમેશા અનેકવિધ પ્રશ્નો સંકળાયેલા રહ્યા છે. આ રીતે યાતના પણ આ જીવનયાત્રાનો એક ભાગ જ ગણાય. જોકે આમ છતાં માનવી ઉર્ધ્વમાર્ગી પ્રવાસે આગળ વધી રહ્યો છે તે નિર્વિવાદ છે. દરેક સ્તરે દરેક સમાજમાં દરેક પ્રકારના જીવનધોરણમાં રોજી, રોટી અને મકાનને પ્રાણપ્રશ્ન ગણી શકાય. અખંડ ભારતના સ્વપ્નદૃષ્ટા ચાણક્ય દ્વારા ૨૫૦૦ વર્ષ પૂર્વે રચાયેલી અર્થનીતિમાં ધર્મસ્ય મૂલમ્ અર્થ સૂત્ર હેઠળ ખૂબ મજાની રજૂઆત કરવામાં આવી છે.
ધર્મસ્ય મૂલમ્ અર્થમાં મૂળ અને અર્થ શબ્દો જરા વધારે વિચારણીય છે. જે વાત, વિચાર કે વૃક્ષના મૂળમાં મૂલ્ય (કહો કે સત્વ) ન હોય, તેમાં ચેતના કે જીવંતતા ધબકતી ન હોય તે વાત, વિચાર કે વૃક્ષ શા કામનું? આંબો પણ વૃક્ષ છે, બાવળ પણ વૃક્ષ છે, અને મહુડો પણ વૃક્ષ છે. આ બધા એક યા બીજી પ્રજાતિના વૃક્ષો છે, અને સહુ કોઇ પોતપોતાની રીતે માનવજીવનનું કલ્યાણ કરી રહ્યા છે, માનવજીવનને વધુ સંપન્ન બનાવતા રહ્યા છે ખરુંને? આંબો મધમીઠી કેરી આપે છે. તો બાવળ ભલે કાંટાળો રહ્યો, પણ દાંતના સ્વાસ્થ્ય માટે તેના દાતણનું આગવું મહત્ત્વ છે. અને મહુડો? દારૂ બનાવવા માટે તેનો ઉપયોગ ભલે વધુ જાણીતો હોય, પણ તેના ઔષધીય ગુણોની ઉપેક્ષા થઇ શકે તેમ નથી. આમ દરેક વૃક્ષમાં આગવા મૂલ્યો છે અને તેના થકી જ તેનું આગવું મહત્ત્વ છે, તે એક યા બીજા પ્રકારે સ્વીકાર્ય છે. જો આ વૃક્ષોમાં ચેતન ન હોત ને જડ હોત તો?! (અર્થઃ આર્થિક સ્થિતિ)

આ જ પ્રકારે મૂલ્ય આધારિત માનસિક્તા ધરાવતો માણસ અને - આવા માણસો થકી બનેલો - સમાજ સહુને આકર્ષે છે. ભલભલો રીઢો ગુનેગાર પણ અંદર અંદરથી તો જાણતો જ હોય છે કે તે ખોટું, અયોગ્ય - કાયદાકાનૂનથી વિરુદ્ધ - કામ કરી રહ્યો છે. તે પણ અંતરમનના ઊંડાણમાં નવો વિચાર, સારો વિચાર, સદમાર્ગે પ્રયાણ, વધુ સંતોષજનક જીવનપદ્ધતિ ઝંખતો હોય છે, પરંતુ કમનસીબે તે નકારાત્મક મનોવૃત્તિના કારણે તેની મર્યાદામાંથી બહાર નીકળીને સુ-માર્ગે પ્રયાણ કરી શકતો નથી.
સનાતન સંસ્કૃતિની ધરોહર પર રચાયેલો ભારતીય સમાજ વિશ્વભરમાં, સમગ્રતયા જોઇએ તો, જે આદર-સન્માન મેળવી રહ્યો છે તેનું એક મુખ્ય કારણ એ છે કે આપણા સંસ્કારમાં મતિ, ગતિ, દિશા, સિદ્ધિ અને સ્થિતિ બાબત કેટલીક પાયાની, રામ રસાયણ જેવી લાક્ષણિક્તાઓ આપણા ઋષિમુનિઓ, વડીલો પરંપરાના પરિણામે વિદ્યમાન છે.

એક પ્રસંગોચિત દુહો અત્યારે મનમાં રમી રહ્યો છે, લો ને... તમને પણ લખી સંભળાવું.
કે’ને ખેતર વાડિયું, કે’ને ગામ-ગરાસ,
આકાશી રોજી ઉતરે, નર અટંકી દેવીદાસ

આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોમાં ૬૦-૬૫ વર્ષ પૂર્વે ધરાગુર્જરીને પવિત્ર કરનાર જોગીદાસ ખુમાણ, સંત દેવીદાસ જેવા નરબંકાઓની વાતો વાંચી હતી. આપ જેવા જ્ઞાની વાચકો સમક્ષ આ પંક્તિઓનું પિષ્ટપેષણ કરવાની જરૂરત સમજતો ન હોવાથી વિશ્લેષણ ટાળ્યું છે. ધન, સત્તા અને કીર્તિ કે પ્રભાવ - એ સહુને આકર્ષતા જીવનપ્રવાસ લોહચુંબક છે. કેટલાક સમય અને મૂલ્યો સાથે સમન્વય સાધીને જીવનપ્રવાસમાં આગળ વધતા હોય છે તો કેટલાક ઝડપથી પ્રગતિ હાંસલ કરવા માટે શોર્ટકટ અપનાવવાનો કે દુનિયાની આંખે પાટા બાંધવાનો કે નકારાત્મક પ્રયાસ કરતા રહે છે?

પરંતુ મિત્રો, આપની આસપાસના સમાજમાં એક નજર ફેરવજો... તમને સમજાઇ જશે કે આખરે તો વિવિધ મૂલ્યોને આધારે જ ગૌરવ અને પ્રતિભા હાંસલ થઇ શકે છે, ટકી શકે છે. બાકી તો આતંકવાદીઓ, દુરાચારીઓ, ધર્મના અંચળો ઓઢીને ફરતા ધુતારાઓ કે અન્ય પ્રકારના નિષ્ફળ કુપાત્રો વિશે કવિએ યથાયોગ્ય જ કહ્યું છેઃ આવ ભાઇ હરખા, આપણે બેઉ સરખા...
આ તબક્કે ગીતા સંદેશના પે’લા વાક્યો પણ યાદ કરી લઇએઃ

કર્યા વગર કંઇ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી,
મફતનું લઇશ નહીં, નિરાશ થઇશ નહીં.
વિશ્વાસ ગુમાવીશ નહીં.

આ વિશ્વાસ શબ્દ પણ બે ધારી તલવાર છે. તમારો મારા પરનો વિશ્વાસ અને મારો તમારા પરનો વિશ્વાસ - એ અન્યોન્ય પર નિર્ભર અને સદાબહાર, સત્વશીલ સદગુણ છે.

• ૧૯૪૦ બાદ થયેલા સંખ્યાબંધ અભ્યાસમાં એવી માન્યતા પ્રબળ બની હતી કે ખૂબ મોટી વયના વૃદ્ધો (આજના જમાનામાં ૭૫થી મોટા) સૌથી વધુ એકલતા પરિણામે સંતાપ અનુભવતા હોય છે. વયના વધવા સાથે આ વ્યાધિ વધુ વ્યાપક બની રહી છે તેવી સામાન્ય સમજ છે. લંડનની બ્રુનેલ યુનિવર્સિટીએ હાથ ધરેલા એક વિશદ્ અભ્યાસના અંતે તારણ કાઢ્યું છે કે આ એક ભ્રામક માન્યતા છે.

યુનિવર્સિટીના જેરેન્ટોલોજી અને પબ્લિક હેલ્થ વિભાગના પ્રોફેસર ક્રિસ્ટીના વિક્ટર અને તેમના સાથીદારોએ ૫૦થી વધુ વયના ૪૫૦૦થી વધુ લોકોનો વર્ષ ૨૦૦૨થી અત્યાર સુધીની જીવનશૈલીનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો. જેના નિષ્કર્ષ સૂચવો છે કે આયુષ્ય, આરોગ્ય અને મનોસ્થિતિને સીધો સંબંધ છે. જે વડીલો વૈચારિક કે શારીરિક, સ્વહિત કે સેવાલક્ષી પ્રવૃત્તિઓમાં હકારાત્મક્તા સહિત સક્રિય હોય છે તેમાંનાં મોટા ભાગનાને એકલતા કે સંતાપ સતાવતા નથી.

• ડાયાબિટીસ મારો ખાસ ‘મિત્ર’ છે, અને બાપલ્યા... મારા આ મિત્રની હું બહુ સારસંભાળ લઉં છું, ખેવના રાખું છું, હોં. દિવસમાં બે વાર સુગર ટેસ્ટ કરું છું. આમાં તો હું એટલો બધો પાવરધો થઇ ગયો છું કે મારા કેટલાક મિત્રો એવું માનવા લાગ્યા છે કે દિવસમાં બે વાર ટેસ્ટ કરતાં સી.બી.ની આંગળીમાં કાણાં પડી ગયા હશે. આથી જ કેટલાક તો સીધું જ પૂછી લે છે કે આંગળીમાં કેટલા કાણાં પડી ગયા છે, સી.બી.? તો કેટલાક વળી જાતતપાસ શરૂ કરી દેતાં મને આંગળા બતાવવા પણ કહે છે... લો કરો વાત! જોકે મિત્રો, ના તો મારી આંગળીમાં ગોબા પડ્યા છે ને ન તો કાણાં. આનું કારણ એટલું જ કે હું બ્લડ ટેસ્ટમાં પણ પૂરતી સાવચેતી રાખું છું.
થોડીક સાવચેતી, થોડીક સમજદારી - બસ આટલું કરશો તો ડાયાબિટીસ ક્યારેય કનડશે નહીં, ઉલ્ટાનો ‘મિત્ર’ બનીને રહેશે. ખેર, મૂળ વાત પર પાછા ફરીએ...
તાજેતરમાં અમેરિકા અને ઇટલીમાં ટાઇપ-ટુ ડાયાબિટીસના દર્દીઓ પર એક ખૂબ સરળ, છતાં એટલો જ ઉપયોગી બને તેવો અભ્યાસ થયો. જેના આધારે ડાયાબિટીસના દર્દીની મનોસ્થિતિ અને શરીરના સુગર લેવલને સાંકળતું રસપ્રદ તારણ રજૂ થયું છે.

અભ્યાસકર્તાઓએ ડાયાબિટીસના દર્દીઓના ત્રણ સરખા ગ્રૂપ પાડ્યા. દરેકમાં સેંકડો ‘ખેલાડીઓ’ હતા. તેમને નેવું મિનિટ - દોઢ કલાક સુધી એકચીતે કમ્પ્યુટર ગેમ રમવાની હતી. ત્રણેય જૂથ સામે સમયદર્શક ઘડિયાળ મૂકવામાં આવી હતી. એક જૂથ સામેની ઘડિયાળ નિયત ઝડપે ચાલતી હતી - મતલબ કે સાચો સમય દર્શાવતી હતી. બીજા જૂથ સામેની ઘડિયાળ નિયત ઝડપ કરતાં બમણી ઝડપે ચાલતી હતી. જ્યારે ત્રીજા જૂથ સામેની ઘડિયાળ નિયત ઝડપ કરતાં અડધી ઝડપે ચાલતી હતી. ઘડિયાળની ઝડપમાં કરવામાં આવેલા ફેરફારથી તમામ ‘ખેલાડીઓ’ અજાણ હતા.

અભ્યાસમાં સામેલ તમામ લોકોના સુગર લેવલનો ટેસ્ટ કરાયો તો તેમાં જાણવા મળ્યું કે જેઓ એવું માનતા હતા કે સમય ધીરે ધીરે વીતી રહ્યો છે તેમના બ્લડ સુગરનું લેવલ પણ ધીમી ધીમી ગતિએ ઘટ્યું હતું. જે જૂથના સભ્યો અનુભવતા હતા કે સમય ઝડપથી વહી રહ્યો છે તેમનામાં સુગર લેવલ ઝડપભેર ઘટ્યું હતું. આ જ પ્રકારે જે ગ્રૂપની ઘડિયાળનો કાંટો નિયત ઝડપે આગળ ધપી રહ્યો હતો તેમના સુગર લેવલમાં મધ્યમ ઝડપે ઘટાડો નોંધાયો હતો.

આ રિપોર્ટના તારણો નેચરલ એકડેમી ઓફ સાયન્સીસ જર્નલમાં વિગતવાર રજૂ થયા છે. તેના વિશે ચર્ચા રજૂ થઇ છે. આ ચર્ચાનો એક જ સૂર નીકળે છેઃ જેવી મનો-સ્થિતિ તેવી સુગર-સ્થિતિ. મતલબ કે મનમાં જે પ્રકારે તનાવની સ્થિતિ સર્જાય છે તે પ્રમાણે બ્લડ સુગરના લેવલમાં વધ-ઘટ થાય છે. કમ્પ્યુટર ગેમ રમતી વેળા ખેલાડીઓના સુગર લેવલમાં થયેલી વધ-ઘટ તેમના સ્ટ્રેસના કારણે હતી.

આ તારણોમાંથી ડાયાબિટીસના દર્દીઓએ શું બોધપાઠ લેવો જોઇએ? આનંદ-પ્રમોદ, સક્રિયતા, સંતોષ, હકારાત્મક વલણ સાથે જીવન જીવો. તંદુરસ્ત અભિગમ સાથેની જીવનશૈલી તમારું સુગર લેવલ નિયંત્રણમાં રાખશે. માનસિક અસંતોષ, ધન-સંપત્તિ-હોદ્દો કે ભૌતિક ચીજવસ્તુને કોઇ પણ ભોગે હાંસલ કરવાની લાલસા, ડંખીલો સ્વભાવ, નકારાત્મક માનસિક્તા, પ્રતિસ્પર્ધીને કોઇ પણ ભોગે પછાડીને આગળ નીકળી જવાના અબળખા જેવા પરિબળો સરવાળે સ્ટ્રેસ વધારે છે ને સુગર લેવલને અંકુશમાં રાખવાના ફાંફા પડી જાય છે. આપણા શરીરના સુગર લેવલને દવા કે ઇન્સ્યુલિન વડે અંકુશમાં રાખવા સાથે જ જીવનશૈલી સુધારીને અંકુશમાં રાખવું વધારે હિતકારક છે.

• ઉંમર થઇ ગઇ હોય, તબિયત થોડીક નરમગરમ રહેતી હોય, નાનીમોટી હરકત હોય કે આવા જ કોઇ અન્ય કારણમાત્રથી સતત પથારીમાં પડ્યા રહેવું કે પછી સોફામાં લાંબા થઇને ટીવી સામે ચીપકી રહેવું એ તન માટે લાભકારક નથી, અને મન માટે તો નહીં જ. વય વધવાની સાથે તન-મનની કોઇ તકલીફ સર્જાય એટલે આંખો બંધ કરીને અંદરના અંધકારમાં - નિરાશાની ગર્તામાં સરી પડવાની કોઇ જરૂર નથી. હૈયે હામ હશે તો કોઇ પણ લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ નથી. અમેરિકાનો જ દાખલો લોને...

બાસ્કેટબોલને અમેરિકાની રાષ્ટ્રીય રમત ગણી શકાય. અને એનબીએ (નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન) એટલે દુનિયાભરમાં નામના ધરાવતી પ્રોફેશનલ બાસ્કેટબોલ લીગ. આ એનબીએ દ્વારા તાજેતરમાં લોસ એન્જલસમાં એક નવી ક્લબ (USA 80)ની રચના કરાઇ છે. બાસ્કેટબોલ એટલે ચુસ્તી-સ્ફૂર્તિ અને તેજ રફ્તારની રમત એ તો આપ સહુ જાણો છો, પરંતુ આ ક્લબમાં ૮૦ કે તેથી વધુ વયના ખેલાડીઓને જ સ્થાન અપાયું છે! (હા, આમાં મારા જેવા ડાયાબિટીસ ધરાવતા કે હાઇ બ્લડપ્રેશર કે સ્વાસ્થ્ય સંબંધિત અન્ય તકલીફ ધરાવતા લોકોને ક્લબમાં સ્થાન અપાયું નથી, પણ...) જે સભ્યોને ટીમમાં સ્થાન અપાયું છે તેમને બા-કાયદા બાસ્કેટબોલની ટ્રેનિંગ અપાઇ છે, અને હવે તેમની સ્પર્ધા પણ યોજાવાની છે. સારું છે તે લોકોએ મને ટીમમાં સ્થાન આપ્યું નથી, આમેય હું અમેરિકા શિફ્ટ થવા નથી માગતો! ભલું મારું બ્રિટન, ભારત.

• પાકિસ્તાન અને સાઉદી અરેબિયા હવે જગતચૌટે આબરૂમાં નિર્વસ્ત્ર થઇ રહ્યા છે. કોઇ વ્યક્તિ, સમાજ કે દેશ ક્યારેય પોતાનું અસલી સ્વરૂપ કાયમ માટે છુપાવી શકતો નથી. ક્યારેય કોઇને કાયમ માટે ભ્રમમાં રાખી શકાતા નથી કે ઉલ્લુ બનાવી શકાતા નથી. એકના એક દિવસ તો આપણો સાચો ચહેરો ખુલ્લો પડતો જ હોય છે. આ ચહેરાના આધારે જ સમાજ નામની આરસી આપણને મૂલવતી હોય છે. શઠ અને શાહુકાર વચ્ચેનો ફરક સહુ કોઇ જાણતા જ હોય છે.

તાજેતરમાં યુએસ કોંગ્રેસમાં 9/11 આતંકી હુમલાની તપાસના આધારે જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે તેમાં કંઇક આવી જ હકીકતનો ચિતાર જોવા મળે છે. રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ હુમલામાં સંડોવાયેલા લોકોમાં ૮૦ ટકા લોકો સાઉદી અરેબિયાનું કનેક્શન ધરાવતા હતા. સાઉદી અરેબિયામાં કટ્ટર મનાતી વહાબી ધર્મપ્રણાલી છે. આ જૂથના રૂઢિવાદી વલણ અને કટ્ટરતાના કારણે જ સાઉદી અરેબિયાએ પેટ્રો-ડોલરના જોરે ઇસ્લામના કેટલાક સહિષ્ણુ સંપ્રદાયો (જેમ કે - શિયા, સુફી, ઇશ્નાશરી, વ્હોરા, અહેમદીયા, ઇસ્લામાઇલી, મેમણ, ખોજા વગેરે) સામે ધિક્કાર અને હિંસાનું ઝેર ફેલાવ્યું છે. ઊંડા અભ્યાસ બાદ તૈયાર થયેલો અને અમેરિકાની પાર્લામેન્ટમાં રજૂ થયેલો આ અહેવાલ સાઉદી અરેબિયાના અસલી ચહેરાને ઉઘાડો પાડે છે.

• અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી માટે શરૂ થયેલી દોડમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ઘોડો અત્યારે પૂરપાટ વેગે આગળ વધી રહ્યો છે. તેમની મહત્ત્વાકાંક્ષા એટલી જલદ અને જોખમી છે કે તેને અભરખા જ કહેવાય. અંતિમવાદી વલણના પરિણામે જો કદાચ તે જીતી જાય તો અમેરિકાનું ભાવિ ખૂબ બિહામણું લાગે છે.

• બ્રિટનમાં ગયા મહિને વેસ્ટ યોર્કશાયરમાં જો કોકસ નામના એક ઉચ્ચ સ્તરના મહિલા સાંસદનું ખૂન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી. આવા મૂલ્યોને વરેલા પરદુઃખભંજન, પર-સેવામાં પ્રવૃત્ત મનુષ્યો લાંબુ જીવે કે ટૂંકું જીવે, પણ તેમની સ્મૃતિ એક કાયમી સંભારણું અવશ્ય બની જાય છે. ગુજરાતમાં, સવિશેષ ગ્રામીણ વિસ્તારમાં, લોકોના જાનમાલનું રક્ષણ કરતાં કરતાં ખપી ગયેલાં વીરલાઓના પાળિયા પૂજાય છે. ખબર છેને?

•••

નરેન્દ્ર મોદીને ચાર ચાંદ

૨૦૦૨નાં ગોધરા રમખાણોની કમનસીબ ઘટના બાદ ભારતના કહેવાતા ‘જાગૃત’ સમાચાર માધ્યમો કે અત્રેના પ્રકાશનોમાં નરેન્દ્ર મોદી માટે ઝેર ઓકવામાં કોઇ કચાશ રાખવામાં આવી નહોતી. જીનોસાઇડ, બ્લડથર્સ્ટી (રક્તપિપાસુ) જેવા વિશેષણો ડિક્શનરીઓમાંથી શોધી શોધીને નરેન્દ્ર મોદી માટે વાપરવાની જાણે ‘ફેશન’ શરૂ થઇ હતી. ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતના મુખ્ય પ્રધાનને વગોવતા આવા અહેવાલો વાંચીને, સાચું કહું તો, એક ગુજરાતી તરીકે મારું તો લોહી ઊકળી ઉઠતું હતું. કારણ એટલું જ કે મોટા ભાગના અહેવાલો મનઘડંત અને ધડમાથા વગરના તથ્યો આધારિત હતા. ગુજરાતને બદનામ કરવાના કામે વળગેલા બ્રિટનના ધ ઇકોનોમિસ્ટ, ફાઇનાન્સિયલ ટાઇમ્સ, ડેઇલી ટેલિગ્રાફ જેવા ટોચના અખબારોના તંત્રીઓ સાથે તો મેં કલમ પણ લડાવી. નક્કર તથ્યો આધારિત મારા પત્રવ્યવહારથી આ પ્રકાશનના તંત્રીઓ મારાથી તોબા પોકારી ગયા હતા.

જે પ્રકાશનોએ તેમના અહેવાલમાં રમખાણો માટે જીનોસાઇડ શબ્દ ટાંક્યો હતો તેમને મેં આ શબ્દનો ઓક્ષફર્ડ ડિક્ષનેરીનો અર્થ લખી જણાવ્યો હતો. જીનોસાઇડ એટલે પૂર્વઆયોજિત કાવતરું ઘડીને કોઇ ચોક્કસ જૂથ કે સંપ્રદાયના લોકોની સામૂહિક કત્લેઆમ આચરવી. મેં તેમને લખી પૂછ્યું હતું કે તમે કયા તથ્યોના આધારે આ રમખાણોને પૂર્વઆયોજિત કત્લેઆમ ગણાવી રહ્યા છો? કોઇની પાસે આ પ્રશ્નનો જવાબ નહોતો. ધ ઇકોનોમિસ્ટની વાત કરું તો, ૨૦૧૧ના વાઇબ્રન્ટ ગુજરાતમાં ભારત ખાતેના તેના પ્રતિનિધિ હાજર રહેલા, મને મળ્યા હતા અને ખૂબ ચર્ચા કરી હતી.

ઘણી વાતો, ઘટનાઓ કે પ્રસંગો એવા હોય છે, જેના તથ્યો જાણવા-સમજવાની પરવા કર્યા વગર જ આપણે તેને યથાતથ્ માની લેતા હોઇએ છીએ. ગોધરા રમખાણો સંબંધિત ઘણા પ્રકાશનોના અહેવાલોને પણ આ શ્રેણીમાં મૂકી શકાય. એક જમાનામાં મેં ધ ઇકોનોમિસ્ટના તંત્રીને લખ્યું હતું કે તમે ગુજરાતને, ગુજરાતીઓને ખોટી રીતે બદનામ કરી રહ્યા છો. તેના તંત્રીને હૈયે રામ વસ્યા કે જિસસ ક્રાઇસ્ટ, પરંતુ તેઓ મારી વાત સાંભળવા માટે પત્રકાર મોકલવા તૈયાર થયા. ગત સપ્ટેમ્બરમાં ઈકોનોમીસ્ટના એક પીઢ પત્રકાર ‘કર્મયોગ હાઉસ’માં મળવા આવ્યા. ફળસ્વરૂપ તેમના ‘ક્રિસમસ અંક’માં ‘ગૌરવશીલ ગુજરાતીઓ’ વિશે સુંદર માહિતી પ્રસિદ્ધ થઈ હતી.

હવે ધ ઇકોનોમિસ્ટના ૧૬ જુલાઇના અંકમાં મજેદાર વાત પ્રકાશિત થઇ છે. એક લેખમાં ભારતમાં અગાઉની સરકારના ભ્રષ્ટાચાર, ગોટાળાઓનો ઉલ્લેખ ટાંકીને જણાવાયું છે કે તે સમયે મોટા ગજાના વગદાર લોકો દિલ્હીના સરકારી દફતરોમાં ગમેત્યારે પહોંચી જતા હતા અને અધિકારીઓ કે પ્રધાનોને બારોબાર મળીને કાળાંધોળાં કામના કડદા કરી નાખતા હતા. જોકે હવે સમય બદલાયો છે. કઇ રીતે? અહેવાલમાં જણાવાયું છેઃ

Under Narendra Modi, India’s prime minister, tycoons appear to have lost their direct access to ministers’ offices. (અર્થાત્ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં દિગ્ગજોના પ્રધાનોના મંત્રાલયોમાં ‘આંટાફેરા’ બંધ થઇ ગયા છે.)
મિત્રો, જણનારીમાં જોર જોઇએ અને જણમાં જોર હોય તે જણસ બની જાય છે. મારી વાતમાં કંઇ ખોટું હોય તો કહો... (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter