લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે

સી. બી. પટેલ Tuesday 05th July 2016 13:58 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, જે કોઇ વ્યક્તિ ગુજરાતી ભાષા-સાહિત્ય, સવિશેષ તો કવિતા, અને તેમાં પણ વળી કલાપીના કેકારવમાં રસ ધરાવતી હશે તેને તો કદાચ ખ્યાલ આવી જ ગયો હશે કે શિર્ષકમાં ટાંકેલા શબ્દો કલાપીની એક સંવેદનશીલ કવિતાની પંક્તિ છે. એક જ વિષયના બે પાસાં ઉપર સૂરસિંહ તખતસિંહ ગોહિલે રચેલી બન્ને કવિતાઓ આ સાથે રજૂ કરું છું. એક કવિહૃદય તરીકે કલાપીના વ્યક્તિત્વની ચર્ચાનો અત્રે અવકાશ ન હોવા છતાં એટલું તો કહી શકાય કે કાઠિયાવાડના એક નાનકડા રજવાડાના આ ઉર્મિશીલ રાજવીએ ૨૬ વર્ષની વયે કાયમી વિદાય લેતાં પહેલાં આપણી ભાષાને એક હંમેશાનું નજરાણું આપ્યું. તેનું નામ છે ‘કલાપીનો કેકારવ’.
માનસશાસ્ત્ર કહે છે કે શરીરના ઘાવ તો મોડાવહેલા રુઝાવાનું સંભવિત છે, પરંતુ દિલના ઘા તો વણરુઝાયા જ રહી જાય છે. દિલ પર થયેલા લાગણીના ઘા કાયમી રહી જાય છે. કહેવાની જરૂર ખરી કે સાચા-ખોટા કારણસર આપણું અપમાન થયું હોય (આપણે અપમાન થયું છે તેવું માની લઇએ છીએ તે પણ દુર્ભાગ્ય છે) ત્યારે પણ આવું બનતું હોય છે. મોટા ભાગે આપણે જોઇએ છીએ કે બાળપણના સંસ્મરણો વયના વધવા સાથે આપણે વધુ વાગોળીએ છીએ. અને પહેલા પ્રેમની તો વાત જ શું કરવી? શાબ્દિક કે અન્ય પ્રકારે ઇશારાઓ થકી પાંગરેલો પહેલો પ્રેમ કદી વિસરાય ખરો? કોઇને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં તેવું કમઠાણ મનમાં સર્જાતું હોય છે.
પરંતુ ક્યારેક પીડા અસહ્ય બની જાય ત્યારે શું કરવું? માનસશાસ્ત્રીઓ કહે છે - અરે આપણા શાસ્ત્રો પણ કહે છે - તેમ આવી કોઇ ‘કમનસીબ ઘડી’ને સમય સાથે વીસરી જવામાં જ ડહાપણ છે.
પણ આ બધું ભૂલી જવું કેમનું તે બાબત મને નહીં પૂછતા હોં બાપલ્યા... આ જૂઓને ૨૩ જૂને મતદારોએ રેફરન્ડમ વેળા યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાની તરફેણમાં મત્તું માર્યું, પણ હવે હાલત કેવી છે? સામાન્ય નાગરિકથી માંડીને ટોચના નેતાઓ મા મને કોઠીમાંથી કાઢ... તેવી બૂમો પાડી રહ્યા છે. બ્રેક્ઝિટ-સમર્થકોએ શાંત જળમાં પથરો ફેંકતા તો ફેંકી દીધો છે, પણ આ પથરો ફેંકવાથી જે વમળો સર્જાઇ રહ્યા છે તે જોઇને તેમની ઊંઘ વેરણ થઇ ગઇ છે. આ વમળો ક્યાં જઇને અટકે છે તેના પર સહુ કોઇ નજર માંડીને ઊંચા જીવે બેઠા છે.
ગયા અંકમાં અને આ અંકમાં જે પ્રમાણે વિસ્તૃત રજૂઆત કરી છે તેમ આ દેશ અત્યારે છેલ્લા પાંચ દસકાના સૌથી મોટા રાજકીય ઝંઝાવાતમાંથી પસાર થઇ રહ્યો છે. આ ઝંઝાવાત એટલો તો તીવ્ર છે કે દેશના વિકાસ અને જીવન પર પણ તેની દૂરોગામી અસર પડી શકે છે. રાજકીય નેતાઓ, સમાજના મોવડીઓ, કે વ્યક્તિગત ધોરણે - આપણે સહુ આ સંઘર્ષભર્યા સમય સાથે કેવી રીતે તાલ મિલાવશું તેના ઉપર આ દેશનું ભાવિ અવલંબે છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ ન ગણાય. જોકે આજે હું કેટલાક નાના (નાજુક) મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા ઇચ્છું છું.

•••

રે પંખીડા ! સુખથી ચણજો
 - કલાપી

રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું
ના ના કો' દી' તમ શરીરને કાંઈ હાનિ કરું હું

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે

રે! રે! તો યે કુદરતથી મળી ટેવ બીવા જનોથી
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો' હસ્તનો, હા
પાણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી
રે! રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી

•••

એક ઘા
- કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

••• ••• •••

દોસ્ત દોસ્ત ના રહા...

ભારતના ગ્રેટેસ્ટ શોમેન રાજ કપૂરની ફિલ્મ ‘સંગમ’ જેટલી સુપરડુપર હિટ હતી તેવું અને તેટલું જ હીટ તેનું ગીત છેઃ દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા... આપણા વિદાય લઇ રહેલા વડા પ્રધાન ડેવિડ કેમરન અને તેમના જીવનસંગિની સામન્થાને જો કોઇ આ ગીત સંભળાવે - તેનો શબ્દાર્થ સમજાવે તો તેઓ પણ આ ગીત ગણગણતા થઇ જાય તેમાં બે-મત નહીં.
આ સાથેનું ચિત્ર જૂઓ. એક જમાનામાં સામન્થા કેમરન અને સારાહ (માઇકલ) ગોવ વચ્ચે પાક્કાં બહેનપણાં હતાં. ડેવિડ અને માઇકલ વચ્ચે પણ એવી જ ભાઇબંધી. બન્ને દંપતી એક સમયે સાથે રજા ગાળવા પણ જતા. પરંતુ સામન્થા અને સારાહ વચ્ચે આજે અબોલા થઇ ગયા છે. કારણ? રાજકારણ! ડેવિડ અને માઇકલ વચ્ચેની રાજકીય હુંસાતુંસીમાં તો હવે કંઇ છૂપું રહ્યું જ નથીને!
આ જ પ્રમાણે શાળાજીવનની વાત કરીએ તો, બોરીસ જ્હોન્સન અને ડેવિડ કેમરન ઇટન સ્કૂલમાં સાથે ભણતા હતા. બોરીસ ડેવિડ કરતાં બે વર્ષ સિનિયર હતા, પણ બન્ને વચ્ચે ઓક્ષફર્ડ યુનિ.માં એકમેકથી આગળ નીકળી જવાની ભારે હોડ રહેતી - પછી તે વાત રમતગમતના મેદાનની હોય કે બીજી કોઇ ધીંગામસ્તીની. મિત્રો, તમને જાણીને નવાઇ લાગશે કે બન્નેએ અભ્યાસકાળ દરમિયાન જ એક યા બીજા સમયે મહેચ્છા વ્યકત કરી હતી કે તેઓ બ્રિટનના વડા પ્રધાન પદે બિરાજવાના મનોરથ સેવી રહ્યા છે.
વર્ષ ૨૦૦૧માં બન્ને એક સાથે જ પાર્લામેન્ટમાં પ્રવેશ્યા. ડેવિડ કેમરન પોતાની રાજકીય મહેચ્છા સાકાર કરવાના દૃઢ નિર્ધાર સાથે પ્રગતિના પંથે આગળ ધપી રહ્યા હતા, પણ બોરીસ લક્ષ્યાંકની દિશામાં આગેકૂચ કરતી વેળા ‘પગથિયું ચૂકી ગયા’ અને પાછળ રહી ગયા. માઇકલ હાવર્ડ ટોરી પક્ષના નેતા પદે હતા ત્યારે છાયા પ્રધાનમંડળમાં બોરીસને સ્થાન મળ્યું હતું. ૨૦૦૪માં તેમને એક સ્ત્રી સાથે લફરું થયું. સંબંધમાં સ્ત્રી બેજીવી બની, પણ બોરીસ છેલ્લા પાટલે જઇ બેઠા. પક્ષના નેતૃત્વ સમક્ષ તેમણે આ સંબંધ સ્વીકારવા જ ઇન્કાર કરી દીધો. ખાસ્સો વિવાદ ચગ્યો. છેવટે દૂધનું દૂધ ને પાણીનું પાણી થયું. સત્ય બહાર આવ્યું ને બોરીસની ભારે નાલેશી થઇ.
સમયનું ચક્ર ફરતું રહ્યું. ડેવિડ કેમરન ટોરી પક્ષના નેતા બન્યા. પક્ષમાં લગભગ કોરાણે ધકેલાયેલા બોરીસ જ્હોન્સનને સક્રિય કર્યા. ૨૦૦૮માં તેમને લંડનનું મેયર પદ સંભાળવા માટે પ્રોત્સાહિત કર્યા. આ માટે જરૂરી સમર્થન પણ આપ્યું. અને અત્યંત સંવેદનશીલ ચૂંટણીમાં બોરીસ વિજેતા બનીને ઉભર્યા. ૨૦૦૮ અને ૨૦૧૨ - એમ ચાર-ચાર વર્ષની સતત બે મુદત માટે લંડનના મેયર તરીકે કાર્યભાર સંભાળ્યો. નિયમાનુસાર લંડનનું મેયર પદ વધુમાં વધુ બે મુદત માટે જ સંભાળી શકાય તેથી આ વર્ષે જ હોદ્દો છોડ્યો. આ સમયગાળામાં ૨૦૧૨માં ટોરી ઉમેદવાર તરીકે લંડનની અક્સબ્રીજ - સાઉથ રાયસ્લીપ બેઠક પરથી ચૂંટણી લડીને સંસદસભ્ય તરીકે હાઉસ ઓફ કોમન્સમાં પહોંચી ગયા હતા. આ સમયે પણ ડેવિડ કેમરને જ ભરપૂર સહયોગ આપ્યો હતો.
તાજેતરમાં ઇયુ રેફરન્ડમ પૂર્વે જોરશોરથી એવું કહેવાતું હતું કે નાણા પ્રધાન જ્યોર્જ ઓસ્બોર્ન વડા પ્રધાન બનવાની ક્ષમતા પણ ધરાવે છે, અને પ્રબળ ઇચ્છા પણ. પરંતુ બ્રેક્ઝિટનો ઝંડો ઊંચો રાખવા માટે બોરીસ જ્હોન્સને ડેવિડ કેમરન સામે મોરચો માંડ્યો. સરવાળે તેના માટે (બ્રેક્ઝિટ મુદ્દે) જીતવા છતાં હારવા જેવો ઘાટ સર્જાયો છે. બ્રેક્ઝિટને સમર્થન મળ્યું, પણ પાતળી બહુમતી સાથે.
ગયા મંગળવારે વિવિધ જૂથના નેતાઓ પક્ષપ્રમુખ (વડા પ્રધાન પદ) માટેની પોતાની ઉમેદવારીની ઘોષણા કરવાના હતા. પરંતુ થોડાક કલાકોમાં જ બખડજંતર થયું. એક સમયે વડા પ્રધાન પદની રેસમાં પોતે ન હોવાનો દાવો કરી ચૂકેલા માઇકલ ગોવને તેમની પત્ની સારાહે ભારપૂર્વક આગ્રહ કર્યો કે તમારે પણ વડા પ્રધાન પદની સ્પર્ધામાં ઝૂકાવવું જ જોઇએ. અને ગોવે પત્નીની વાત માનીને વડા પ્રધાન પદ માટે પોતાની દાવેદારી નોંધાવી.
વાચક મિત્રો, તમે જૂઓ કેવો ખેલ રચાયો છે. ડેવિડ કેમરન, માઇકલ ગોવ અને બોરીસ જ્હોન્સન - ત્રણેય એક જ પક્ષના હોવા છતાં એકબીજા સામે મોરચો માંડીને બેઠા છે. એક સમયે વડા પ્રધાન ડેવિડ કેમરનના ખાસંખાસ મિત્રો ગણાતા માઇકલ ગોવ અને બોરીસ જ્હોન્સને તો રાજકીય ખેંચતાણમાં મિત્રતાને કોરાણે મૂકી જ છે, પરંતુ તેમની પત્નીઓ વચ્ચે પણ બોલવાના સંબંધો રહ્યા નથી. બોરીસ જ્હોન્સનનું કહેવું છે કે માઇકલ ગોવે વડા પ્રધાન પદની સ્પર્ધામાં ઝૂકાવીને પીઠમાં ખંજર ભોંક્યું છે. જ્યારે ડેવિડ કેમરન એવો બળાપો ઠાલવી રહ્યા છે કે માઇકલ ગોવ અને બોરીસ જ્હોન્સનની રાજકીય કારકિર્દીને મેં વેગ આપ્યો અને જૂઓ તેમણે જ કેવો પીઠમાં ઘા માર્યો...

••• ••• •••

‘વ્યાસપીઠ’ વિદાયની વસમી વ્યથા

ગયા સપ્તાહે મેં આ જ કોલમમાં લખ્યું હતું સામન્થા કેમરન એટલા સંતાપમાં છે કે વ્યથિત મનને બીજે વાળવા માટે પ્યાલી પી લે છે અને સિગારેટ પણ ફૂંકી લે છે. આ વાંચીને તરત જ એક મિત્ર અનિલભાઇ પટેલે ફોન ખખડાવ્યોઃ સીબી, તમે વડા પ્રધાનના પત્નીની વ્યથાની વાત કરી છે, પણ વડા પ્રધાન પદે સ્ત્રી હોય તો રાજકીય કટોકટી વેળા કે પછી પતિ-સંતાનની કેવી હાલત થતી હશે તેના વિશે એક અક્ષરેય પાડ્યો નથી! આવું કેમ?
બાપલા, મારી વાત માનો... મને કોઇના માટે પક્ષપાત નથી. બ્રેક્ઝિટ બાદ - ડેવિડના જીવનસાથી તરીકે - સામન્થા કેમરન આજે જગતચૌટે ચર્ચામાં છે એટલે તેની વાત કરી. સ્ત્રીઓ પ્રત્યે વધુ અનુકંપા છે એવું પણ નથી ને પુરૂષોની મનોવ્યથાને નજરઅંદાજ કરું છું એવું પણ નથી.
ચાલો, દેશના પહેલા અને એકમાત્ર મહિલા વડા પ્રધાન માર્ગરેટ થેચરની વાત કરું. તેમણે તેમના મક્કમ મનોબળ અને આગવી કાર્યશૈલીના કારણે દેશમાં જ નહીં, દુનિયાભરમાં ‘આયર્ન લેડી’ તરીકે નામના મેળવી હતી. એક રાજકારણી તરીકે દૃઢતા નિર્ધારના પ્રતીક, પણ એક રાષ્ટ્રીય નેતા તરીકે સંબંધો સાચવવામાં એટલા જ અવ્વલ એવો મારો જાત અનુભવ છે. તેમની સાથે મારે કેટલાક મુદ્દે ગંભીર મતભેદ હોવા છતાં કંઇક અનુસંધાન પણ રહ્યું હતું એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
૧૯૭૯માં તેઓ પ્રચંડ બહુમતી સાથે વડા પ્રધાન બન્યાં. બીજા દિવસે તેમણે ઘોષણા કરી દીધીઃ દેશમાંથી એક્સચેન્જ કન્ટ્રોલ નીકળી જશે. તેમણે દેશની આર્થિક પ્રગતિમાં અવરોધરૂપ આ જોગવાઇ જ સમૂળગી નાબૂદ કરી નાખી. તે વખતે બ્રિટનની ઓળખ ‘સિકમેન ઓફ યુરોપ’ તરીકે હતી. બ્રિટનને યુરોપના કંગાળ દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. મિસિસ થેચરે શાસનધૂરા સંભાળતા જ દેશમાં મૂડીવાદને ઉત્તેજન આપતાં શ્રેણીબદ્ધ પગલાંઓ ભર્યા. વડા પ્રધાન તરીકે તેમણે ભારે સાહસિક્તા દાખવીને દેશમાં આર્થિક સુધારા લાગુ કર્યા હતા, જે ‘બિગ બેન્ગ’ નામથી જાણીતા બન્યા હતા. તેમણે અમલી કરેલા આર્થિક સુધારાથી દુનિયાભરના દેશોમાંથી બ્રિટનમાં મૂડીરોકાણનો ધોધ વહ્યો હતો. આની સાથોસાથ જ તેમણે છાશવારે ધરણાં-વિરોધ પ્રદર્શનો સાથે રસ્તા પર ઉતરી પડતાં મજૂર મહાજનો સામે પણ લાલ આંખ કરી. છકી ગયેલા લેબર યુનિયનો સામે આકરા પગલાં લઇને તેમની શાન ઠેકાણે લાવી દીધી.
મિસિસ થેચરે દેશને આર્થિક પ્રગતિમાં દોડતો કરી દે તેવા પગલાં જરૂર લીધા હતા, પરંતુ તેમણે લાગુ કરેલી બે કાનૂની જોગવાઇઓ - ઇમિગ્રેશન અને નેશનાલિટી કાયદા સામે ‘ગુજરાત સમાચાર’ અને New Life (Asian Voiceના પૂરોગામી)એ વિરોધનો બૂંગિયો પીટ્યો હતો. મારા મતે આ બન્ને કાયદા ભેદભાવપૂર્ણ, અન્યાયકારક, અને રંગદ્વેષને ઉત્તેજન આપનારા હતા. પ્રકાશક-તંત્રી તરીકે મેં ‘ગુજરાત સમાચાર’ અને New Lifeમાં તેની સામે પિટિશન ઝૂંબેશ શરૂ કરી હતી. ઝૂંબેશને એટલો બહોળો પ્રતિસાદ મળ્યો હતો કે આશરે ૪૦ હજાર પિટિશન એકત્ર થઇ હતી.
મિસિસ થેચર ઓક્ટોબર - ૧૯૮૧માં વડા પ્રધાન તરીકે પહેલી વખત ભારત પ્રવાસે જવાના હતા.  

તેમના ભારતપ્રવાસની જાણ થતાં જ મેં ભારતના તત્કાલીન વડા પ્રધાન ઇંદિરા ગાંધીનો સંપર્ક સાધ્યો. મેં ભારતમાં ઇંદિરા ગાંધીની ઉપસ્થિતિમાં જ આ પિટિશન થેચરને સુપરત કરવાનું આયોજન કર્યું હતું. આ બધી માહિતી તે સમયે બન્ને અખબારોમાં પ્રકાશિત કરી હતી. મેં એક પત્રકાર તરીકે (સૈદ્ધાંતિક મુદ્દે) તેમની સામે મોરચો માંડ્યો હતો, પરંતુ મિસિસ થેચરની એક નેતા તરીકેની ખાનદાની તો જૂઓ... તેમણે ભારત પ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિ મંડળમાં મને સ્થાન આપ્યું. અને આમ હું ભારતપ્રવાસે ગયેલા બ્રિટિશ વડા પ્રધાનના પ્રતિનિધિ મંડળમાં સ્થાન મેળવનાર પહેલો ભારતવંશી પત્રકાર બન્યો.
એક દિવસ મિસિસ થેચરના અંગત મદદનીશ મર્વીન કોહલરે સંપર્ક સાધ્યો. માહિતી આપી કે વડા પ્રધાન થેચર તેમની સાથે ભારતપ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિ મંડળમાં તમને સ્થાન આપવા વિચારે છે. મેં સહજપણે સ્પષ્ટતા કરી કે વડા પ્રધાન કદાચ એ વાતથી વાકેફ નથી કે મેં તેમણે જ ઘડેલા બે કાયદા સામે વિરોધનો સૂર ઉઠાવ્યો છે. ભારતના પ્રવાસ દરમિયાન દિલ્હીમાં હું તેમને હજારો એશિયનોએ સહી કરેલી પિટિશન પણ સુપરત કરવાનો છું. મને એમ કે હમણાં એવો જવાબ મળશે કે ઓ...હ, સોરી... તમારો ફરી સંપર્ક કરશું. અને વાત પૂરી થઇ જશે. પરંતુ થયું આનાથી ઉલ્ટું. કોહલરે કહ્યુંઃ ડોન્ટ વરી... સીબી, મેડમ, બધું જાણે જ છે, આમ છતાં તેઓ તમને ડેલિગેશનમાં સામેલ કરવા માગે છે, બસ... તમારી સહમતી જોઇએ.
વાચક મિત્રો, તમે જ કહો આવા વડા પ્રધાનને બે હાથે સલામ કરવાનું મન થાય કે નહીં? હું તેમની સાથે ભારતપ્રવાસે પણ ગયો અને પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર ભારતના તત્કાલીન વડા પ્રધાન ઇંદિરા ગાંધીની ઉપસ્થિતિમાં તેમને પિટિશન પણ સુપરત કરી. ખેર, સમયના વહેવા સાથે યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સે બન્ને કાયદા ગેરમાન્ય કર્યા. તે પછીથી આપણે બ્રિટનમાં વધુ સમરસતા અને સહિષ્ણુતા અનુભવીએ છીએ.
આપણે મુખ્ય વાત પર પાછા ફરીએ... થેચર તો વડા પ્રધાન હતા, પણ તેમના પતિ-સંતાનના સંતાપનું શું?
મિસિસ થેચરના પતિ ડેનિશ સાથે મારે કદીક ડ્રીન્ક્સ પીવાનો સંબંધ હતો. નિવૃત્તિ પહેલાં તેઓ મોટી ઓઇલ કંપનીમાં ઉચ્ચ હોદ્દો સંભાળતા હતા. અગાઉ એક વખત લગ્ન થયા હતા, પણ મનમેળ ન થતાં છૂટા પડી ગયા હતા. તેઓ પરિચયમાં આવ્યા ત્યારે માર્ગરેટ થેચર સંસદ સભ્ય નહોતા બન્યા, પણ વૈજ્ઞાનિક થયા, બાદમાં તેમણે એકાઉન્ટન્સીનો અભ્યાસ કર્યો હતો. સિવિલ સર્વિસમાં હતા. નોર્થ ઇંગ્લેન્ડના ગ્રંથામ નામના નગરમાં નાનકડો ગ્રોસરી સ્ટોર ધરાવતા માતા-પિતાનું સંતાન એવા માર્ગરેટ રોબર્ટ રંગેરૂપે બહુ સુંદર અને દેખાવડા હતા. અભ્યાસમાં ભારે તેજસ્વી. અને મહત્ત્વાકાંક્ષી પણ ખરા. ટોરી પક્ષમાં નાની વયથી જ સક્રિય હતા. જોકે રાજકીય કારકિર્દી આગળ ધપાવવા માટે જરૂરી સમર્થન અને આર્થિક સહયોગ તેમને ડેનિશ સાથેના લગ્નજીવન બાદ મળતો થયો. બન્ને વચ્ચે ઉંમરમાં દશેક વર્ષનો ફર્ક.
ડેનિશની એક વાત નોંધપાત્ર છે. માર્ગરેટ વડા પ્રધાન બન્યા. બે સંતાનના પિતા બન્યા, પરંતુ તેમણે ક્યારેય વિવાદાસ્પદ વાતો કે નિવેદનો કરીને માર્ગરેટ થેચરને મુશ્કેલીમાં મૂક્યા નહોતા. માર્ગરેટ થેચર લગભગ ૧૨ વર્ષ વડા પ્રધાન પદે રહ્યા, પણ ડેનિશ હંમેશા પરદા પાછળ જ રહ્યા. પરંતુ તમારે કંઇક મેળવવા માટે હંમેશા કંઇક ગુમાવવું પણ પડતું હોય છે એ પણ હકીકત છે ને!
થેચર દંપતીને સંતાનમાં ટ્વીન્સ જન્મ્યા હતા - એક દીકરો, એક દીકરી. દીકરો માર્ક અને દીકરી કેરલિન. દીકરો માર્ક રાજકારણથી દૂર રહ્યો, પણ તેને ધનપ્રાપ્તિનો ચસ્કો લાગ્યો હતો એમ કહેવામાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. બ્રિટિશ સરકારે સાઉદી અરેબિયા સાથે કરેલા અબજો ડોલરના શસ્ત્રસોદામાં તેણે લાખો ડોલરનું કમિશન મેળવ્યું હોવાનું કહેવાય છે. માર્કે સાઉથ આફ્રિકામાં વસતા શ્વેત પરિવારની બહુ સુંદર દીકરી સાથે ઘરસંસાર માંડ્યો હતો. સંતાનો પણ હતા, પરંતુ જીવનગાડી ઘોંચમાં પડી ગઇ. માર્ક બાદમાં અમેરિકાની એક યુવતીને પરણ્યો હતો. જોકે હાલમાં તે ક્યાં છે તેનો સમાચારોમાં ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી.
થેચર દંપતીની દીકરી કેરલિનની જીવનકથા વધુ કરુણાજનક છે. એક સમયની સુંદર-સુડોળ યુવતી કોઇ કારણસર શરીર પ્રત્યે બેદરકાર બનતી ગઇ. તેનું શરીર મેદસ્વી થઇ ગયું. તે અવિવાહિત જીવન વીતાવી રહી છે. આપણા ગુજરાતીમાં કહેવાય છે કે અંગારાના સંતાનો છેવટે કોલસો જ બને. તેવું જ કંઇક થેચર દંપતીના સંતાનો - માર્ક અને કેરલિનના જીવનમાં બન્યું છે એમ કહી શકાય. જોકે, આ અભિપ્રાયનો વિષય તો ખરો જ!
જ્હોન મેજરની વાત પણ આપણે જાણી લેવી જોઇએ. ૧૯૬૮માં અમારા પરિવારની એક શોપ બ્રિક્સ્ટનમાં હતી. જ્હોન મેજર તે વિસ્તારની લેમ્બેથ કાઉન્સિલમાં કાઉન્સિલર હતા. સાથોસાથ સ્ટાન્ડર્ડ બેન્કમાં કામ કરતા હતા. તેમના પિતા સરકસમાં એક સામાન્ય કલાકાર હતા. લગભગ આર્થિક અછતવાળો પરિવાર હતો. જ્હોન બેન્કમાં કામ કરતા હતા ત્યારે બેન્કના એક મોવડી ટોરી પાર્ટીના ચેરમેન બન્યા. અને જ્હોન મેજરના નસીબ આડેથી પાંદડુ ખસ્યું એમ કહી શકાય.
જ્હોનને સંસદસભ્ય બનવાનો અવસર મળ્યો. મિસિસ થેચરના વડા પ્રધાન પદ તરીકેની પ્રથમ મુદત દરમિયાન પાછલી બેન્ચ પર બેસનારા જ્હોન મેજર ઝળકી ગયા. મિસિસ થેચરે ચારેક વર્ષમાં તો તેમની લગન અને આવડત નિહાળીને સિનિયર કેબિનેટ મિનિસ્ટર બનાવી દીધા. કાળક્રમે મિસિસ થેચરને નિવૃત્તિ લેવા ફરજ પડી. તેમની સામે તેમના જ પક્ષમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ અને બહુમતી સાથે પસાર પણ થઇ. જ્હોન મેજર વડા પ્રધાન બન્યા અને ૧૯૯૭ની ચૂંટણીમાં લેબર પાર્ટીના ટોની બ્લેર સામે પરાજય થતાં સત્તા ગુમાવી.
જ્હોન મેજર માટે કહી શકાય કે તેઓ અભ્યાસમાં A લેવલ પાસ પણ ન હતા, પરંતુ કામકાજમાં હોંશિયાર, મિલનસાર અને સીધાસાદા હતા. કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે તેમનું પ્રેમપ્રકરણ પણ ચર્ચાના ચકડોળે ચઢ્યું હતું, પણ અત્યારે તેની ચર્ચા ટાળીએ.
મિસિસ થેચર અગાઉ ૧૯૭૦ અને ’૭૪ દરમિયાન એડવર્ડ હિથ વડા પ્રધાન હતા. તેઓ આજીવન અવિવાહિત રહ્યા હતા. આથી તેમની પત્ની કે સંતાનો અંગે કંઇ કહેવાપણું રહેતું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અવિવાહિત છે. રોજની ચાર - સાડા ચાર કલાકની ઊંઘ માંડ કરતા હશે, બાકી કામ, કામ ને કામ. ૨૬ મહિનાથી વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે, પણ એકેય દિવસ રજા પાળી નથી. એવું પણ નથી કે વડા પ્રધાન પદ સંભાળ્યું છે એટલે આટલા વ્યસ્ત થઇ ગયા છે. પીએમ (પ્રાઇમ મિનિસ્ટર) નહોતા બન્યા અને ગુજરાતના સીએમ (ચીફ મિનિસ્ટર) તરીકે કાર્યરત હતા ત્યારે પણ આ જ તેમની કાર્યપદ્ધતિ હતી. ગુજરાત કંઇ અમસ્તું જ દેશનું ગ્રોથ એન્જીન નથી બની ગયું.
હમણાં પાર્લામેન્ટમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળ્યો હતો. જ્યાં વાતવાતમાં એવો પણ સૂર વ્યક્ત થયો કે મોદી એકલા છે એટલે જ આજે દેશકાજે આટલો સમય ફાળવી શકે છે. નથી તેમને ઘરબારની કોઇ ફિકર કે નથી દીકરા-જમાઇ માટે કંઇ ભેગું કરવાનું. આથી તેમને કંઇ કાળાધોળા કરવાની જરૂર જ પડતી નથી. આ જ કારણ છે કે તેઓ નિષ્ફિકર, નિશ્ચિંત થઇને દિવસરાત દેશહિતમાં કામ કરી રહ્યા છે. આ બાબતમાં હું માનું છું કે માનનીય નરેન્દ્રભાઈ આજના દેશપ્રેમ તેમજ સેવાને સમર્પિત રહ્યા છે.

••• ••• •••

આખા બોલાને આડા હાથે

નરેન્દ્ર મોદી જાહેરમાં કે વ્યક્તિગત વાર્તાલાપમાં જ્યારે પણ કંઇ બોલે છે ત્યારે દરેક શબ્દ જોખીતોળીને વાપરતા હોય છે. બે સપ્તાહ પૂર્વે તેમણે ભારતની ખાનગી ટીવી ન્યૂસ ચેનલ ટાઇમ્સ નાઉના એડિટર અર્નબ ગોસ્વામીને એક ઇન્ટરવ્યુ આપ્યો. તેના પડઘા વિશ્વમાં પડ્યા છે. જોકે એક વાત નોંધપાત્ર છે કે નરેન્દ્ર મોદી ગત લોકસભા ચૂંટણી વેળા પ્રચાર ઝૂંબેશના વડા તરીકે નિમાયા ત્યારે તેમને સમર્થન આપવામાં ડો. સુબ્રમણ્યન્ સ્વામી મોખરે હતા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાયદા શાસ્ત્રના પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચૂકેલા ડો. સ્વામી વાજપેયી સરકારમાં પ્રધાન તરીકે પણ જોડાયા હતા. પરંતુ ખબર નહીં, છેલ્લા કેટલાક સમયથી તેઓ ભારતીય રિઝર્વ બેન્કના વિદાય લઇ રહેલા ગવર્નર રઘુરામ રાજન્, ભારત સરકારના નીતિ આયોગના વાઇસ ચેરમેન અરવિંદ પાનગઢિયા સહિતના નાણા મંત્રાલય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા અધિકારીઓની પાછળ આદુ ખાઇને પડી ગયા હતા. ગમેતેવા નિવેદન અને બેફામ આક્ષેપબાજી તેમનો નિત્યક્રમ થઇ ગયો હતો. તાજેતરમાં ભાજપની ટિકિટ પર રાજ્યસભામાં પ્રવેશેલા ડો. સ્વામીના આ નિવેદનથી વિરોધ પક્ષોને જલ્સો પડી ગયો હતો, કેમ કે ડો. સ્વામીના બબડાટ સામે ભાજપના મોવડીઓ પણ ચૂપકીદી સાધીને બેઠા હતા.
અર્નબ ગોસ્વામીએ ઇન્ટરવ્યુમાં આ સંદર્ભે પૂછ્યું તો નરેન્દ્ર મોદીએ ડો. સ્વામીનું નામ ટાંક્યા વગર આ પ્રકારના પબ્લિસિટી સ્ટંટ સામે પોતાની નારાજગી સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી હતી. આ અંગે હું નરેન્દ્ર મોદીનું એક વાક્ય નોંધવાનું જરૂરી સમજું છુંઃ If anybody considers himself above the system, it is wrong... જો કોઇ વ્યક્તિ પોતાને સમગ્ર તંત્રથી પર સમજતી હોય તો તે ખોટું છે.
મોદી મગનું નામ મરી પાડ્યા વગર આટલું જ બોલ્યા છે, પણ ડો. સ્વામી ચૂપ થઇ ગયા છે. આ છે શબ્દોની તાકાત... ન.મો.ના મુખે બોલાયેલા શબ્દની તાકાત.

••• ••• •••

વેપાર-વ્યવસાયની વિસ્તરતી સરહદો

કોઇ વડા પ્રધાન પદેથી કે અન્ય કોઇ હોદ્દા ઉપરથી ઇચ્છા-અનિચ્છાએ ઉતરી જાય કે કોઇના વ્યાપાર-વ્યવસાયમાં અકારણ સકારણ નવી સરહદો વિશે વિચારવાનું આવે ત્યારે શું કરવું જોઇએ? હકારાત્મક અભિગમ સાથે નવા આયોજન અંગે વિચારો. શોધનારાઓને વિકલ્પ મળે જ મળે. હા, વિકલ્પ કેવો મળે છે એ શોધનારાઓની ક્ષમતા પર અવલંબે છે. બુદ્ધિપૂર્વક, થોડીક ધીરજ અને ધગશ સાથે જો નવા વિકલ્પની શોધ કરવામાં આવે તો ઓછુંવતું કે મોડુંવહેલું, પરંતુ લક્ષ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. આપણાં સમાજમાં ૪૦-૪૫ વર્ષની વયના કંઇકેટલાય લોકો આ દેશમાં વસે છે. લંડન કે લેસ્ટર કે માંચેસ્ટર કે અન્ય કોઇ શહેર કે નગરની હાઇ સ્ટ્રીટ પર અગાઉ જે દુકાનો હતી તેમાં ગ્રીન ગ્રોસર, બુચર, વુલશોપ, ગ્રોસર્સ વગેરે મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. પબ અને પેટ્રોલ સ્ટેશન પણ ઠેર ઠેર જોવા મળતા હતા. એક જમાનામાં ઇંગ્લેન્ડમાં અંદાજે ૧૨ હજાર પેટ્રોલ સ્ટેશન ધમધમતા હતા. અત્યારે ૨૦૦૦ પેટ્રોલ સ્ટેશન પણ નથી. જૂના પબ કે પેટ્રોલ સ્ટેશનના સ્થાને નાના-મોટા બહુમાળી ફ્લેટો ધરાવતી ઇમારતો જોવા મળે છે. હાઇ સ્ટ્રીટ કે અન્ય સ્થળે ઇંડિયન જ નહીં, મેક્સિકન, ચાઇનીઝ, થાઇ એમ દુનિયાભરના દેશોના લિજ્જતદાર વ્યંજનો પીરસતાં રેસ્ટોરાંની ભરમાર જોવા મળે છે. ફાસ્ટ ફૂડ શોપ્સ સાથે બ્યુટી પાર્લર્સ જોવા મળે છે તો અહીં તમને મહિલાઓના હેર કટીંગ સલૂન, મોબાઇલ ફોન, યોગા ક્લાસીસ, મેડિટેશન સેન્ટર, બાળકો માટેની ચિલ્ડ્રન્સ નર્સરી, ઓર્ગેનિક ફૂડ શોપ્સ પણ નજરે પડશે. આ તો નજરે જોયેલી, અને મગજે યાદ રાખેલી વ્યવસાય, શોપ્સની યાદી અહીં ટાંકી છે. આ સિવાયના વેપાર-વણજ તો અલગ.
મિત્રો, બીજી પણ એક વાત તમને જણાવું. બ્રિટન હોય કે ભારત, ચીજવસ્તુઓનું ઓનલાઇન વેચાણ ઝપાટાભેર વધી રહ્યું છે. જાતભાતની ચીજવસ્તુઓ ઇ-સ્ટોરમાં ઉપલબ્ધ છે. જુવાનિયા તો હસતાં હસતાં કહે છે કે મા-બાપ સિવાય બધું જ ઇન્ટરનેટ પર મળી રહે છે. એટલું જ નહીં, તમારા પેટ્સ - પાળેતાં કૂતરાં, બિલાડાં, પોપટ સહિતના પશુપક્ષીઓ માટે પણ ખાવાપીવાની ચીજવસ્તુઓથી માંડીને અનેકવિધ ઓનલાઇન સેવા ઉપલબ્ધ છે. લ્યોને એક ઉદાહરણ સાથે જ સમજાવું. રશ્મિબહેન તેમના પોપટ માટે બહુ વિખ્યાત છે. આ જ રીતે રસિકભાઇ દેસાઇ તેમના કૂતરા માટે જાણીતા છે. રશ્મિબહેન કે રસિકભાઇને સપરિવાર બહારગામ જવાનું હોય અને કૂતરા કે પોપટને સાથે લઇ જઇ શકાય તેમ ન હોય તો શું કરવું? ડોન્ટ વરી. તેમની પાળતુ પશુપંખીઓની સારસંભાળ રાખતી હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે. આ લોકો ખાતરીપૂર્વક તમારા પેટ્સની તમારા જેટલી જ લાગણીસભર કાળજી રાખશે. અલબત્ત, તમારું પાળતું પક્ષી કે પ્રાણી પેટ હોસ્ટેલના સંચાલકોથી હેવાયું થઇ જાય તે માટે બે-ત્રણ દિવસ તમારે તેમની સાથે વીતાવવા પડે ખરા, પરંતુ બાકીના દિવસો આ લોકો સાચવી લે.
કોઇને વળી પૂછવાનું મન પણ થશે કે સી.બી., આગામી દિવસોમાં ડેવિડ કેમરન વડા પ્રધાન પદેથી નવરાધૂપ થઇ જવાના છે તેમને નજરમાં રાખીને તો તમે આ સલાહસૂચન નથી કરી રહ્યાને?! તો મારે એટલું જ કહેવું રહ્યું કે ના, બાપલ્યા ના... કેમરનસાહેબને સલાહ આપનારો હું કોણ? ડેવિડ કેમરન હોય કે અન્ય નેતાઓ... આ બધા ભારે હોંશિયાર હોય છે. ડેવિડ કેમરન કેટલાક હોંશિયાર છે તેની જ વાત કરું.
બ્રિટિશ પ્રજા ૨૩ જૂને ઇયુ રેફરન્ડમાં કોની તરફેણમાં ઢળવાની છે તેનો અંદેશો તેમને આવી જ ગયો હશે એમ કેટલાક આગોતરાં નિર્ણયો પરથી જોઇ શકાય છે. જેમ કે, ઓક્સફર્ડશાયરમાં આવેલું સુંદર રહેઠાણ મોટામસ રેન્ટ પર આપીને તો તેઓ રોકડી કરી ચૂક્યા છે. થોડાક દિવસ પૂર્વે જ તેમણે લંડનમાં જ ૧૦-૧૨ મિલિયન પાઉન્ડનું મકાન ખરીદયું હોવાના અહેવાલ છે. એક સાંસદ મિત્ર સાથે આ મુદ્દે ચર્ચા થઇ તો તેમણે હસતાં હસતાં કહ્યું કે હોદ્દા પર ચાલુ હોય તો મોર્ગેજ મેળવવામાં વાંધો ન આવે ને... આથી તેમણે રેફરન્ડમ પૂર્વે જ આગોતરું આયોજન કરી લીધું હતું.
સાંસદમિત્રની વાતમાં દમ તો છે. આમ પણ ગુજરાતીમાં કહેવત છે જ ને... ઉતર્યો અમલદાર કોડીનો. ભારત હોય કે બ્રિટન, અનુભવોમાંથી ઉતરી આવતી ઉક્તિ જાત-પાત, દેશ-વિદેશના સીમાડા વીસરીને બધે સમાન ધોરણે લાગુ પડતી હોય છે. (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter