જીવનમાં કાર્ય કેવી રીતે કરશો? ગીતાજીનો ક્રાંતિકારી ઉપદેશ

સુભાષ વી. ઠકરાર B Com, FCA, FRSA Wednesday 08th September 2021 04:06 EDT
 
 

આ લેખમાં આપણે કોઈ પણ પરિસ્થિતિ કે સંજોગોમાં આપણા કાર્ય કેવી રીતે કરવા જોઈએ તેના વિશે ધ્યાનપૂર્વક વિચાર કરીશું. જો કાર્ય યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી આપણને આનંદ અને શાંતિનો અનુભવ થશે તેમજ કોઈ પણ પ્રકારનું દુઃખ દૂર થશે. તમામ  કાર્ય કોઈ પ્રકારની અસર અથવા પરિણામ તરફ દોરી જાય છે. જ્યારે આપણે કોઈ કાર્ય કરીએ ત્યારે તેની અસર આપણે જ અનુભવીએ તે જરૂરી નથી પરંતુ, અન્યો પર પણ તેની અસર જોવાં મળે છે.

જો હું કોઈ સુંદર વૃક્ષને કાપી નાખવાનું કાર્ય કરું તો તે કાર્યની અસરથી મારા ઘરમાં પ્રકાશ આવી શકે છે પરંતુ, તેના કારણે વૃક્ષની આસપાસ રહેતા અન્ય લોકોને ઓક્સિજન ઓછાં પ્રમાણમાં મળતો થશે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચશે. આ દર્શાવે છે કે આપણા કાર્યો એવાં પરિણામો લાવી શકે છે જેના પર આપણો કોઈ અંકુશ ન હોય. આ ઉપરાંત, આપણા કાર્યથી આપણી અપેક્ષા મુજબના પરિણામ ન મળે તો આપણે નિરાશ થઈ જઈશું. જો આપણે ખરેખર પરિણામો પર  નિયંત્રણ રાખી શકતા ન હોઈએ તો આપણા કાર્યના પરિણામોથી આપણે શા માટે વિચલિત થવું જોઈએ? શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય ‘કર્મયોગ’માં આપણે કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય- પ્રવૃત્તિ કરવાં જોઈએ તેનો ઉપદેશ કરાયો છે.

આ ઉપદેશ સાચે જ તર્કસંગત અને ક્રાંતિકારી છે. આંખ ખોલી નાખનારો છે! તે આપણા કાર્યોના પરિણામ અથવા ફળને ભૂલી જવા જણાવે છે. આના બદલે જે આપણા અંકુશ કે નિયંત્રણમાં હોય તે કરવા જણાવે છે. આપણા કાર્ય કે પ્રવૃત્તિ આપણા અંકુશ હેઠળ હોય છે. આથી, આપણે માત્ર આપણા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેનું પરિણામ કે ફળ ઈશ્વર પર છોડી દેવું જોઈએ.

જીવનનો સૌથી પહેલો નિયમ એ છે કે અન્યો તમારી સાથે જે વ્યવહાર કરે તે તમે અપેક્ષા રાખતા હો તેવો વ્યવહાર તમારે અન્યો સાથે કરવો જોઈએ. સંબંધોની બાબતમાં આનું ઘણું મહત્ત્વ છે. જો તમારો મિત્ર ખરાબ વ્યવહાર કરે અને તમે પણ એ જ રીતે તેમની સાથે વ્યવહાર કરશો તો પરિણામે તણાવ અને દુઃખ પેદા થશે. તમારા કાર્યનું પરિણામ તમારા નિયંત્રણમાં નહિ હોય. આમ છતાં, આના બદલે આપણે મિત્ર સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો મિત્ર તરફનો તમારો વ્યવહાર પ્રેમ અને મિત્રતાપૂર્ણ બની રહેશે. આવા વ્યવહાર કે કાર્યનું ફળ સારું જ મળશે.

આથી, આપણે આપણા નિયંત્રણમાં હોય તેવા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આનો શું અર્થ થાય?

સારું કેન્દ્રિત કાર્ય, તેના પરિણામ કોઈ પણ હોઈ શકે, યોગ્ય આયોજન, નિખાલસતા, પ્રામાણિકતા, પ્રેમ, સંભાળ પવિત્રતા ઈત્યાદિથી ભરપૂર હશે. આપણે કોઈ પણ પ્રકારના પરિણામની આશા જ રાખી નહિ હોય તો તે કાર્યના પરિણામ કે ફળ બાબતે આપણને કોઈ જ સંતાપ નહિ થાય.

ધંધાકીય પરિસ્થિતિઓમાં ઉપરોક્ત ઉપદેશ કદાચ સરળતાથી સમજણમાં ન આવે કારણકે બિઝનેસ તો ધ્યેયો અને નફાના લક્ષ્યો મારફત ચાલતો હોય છે. આમ છતાં, આપણે ઉંડાણથી નિહાળીએ, આપણા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે આપણી શ્રેષ્ઠ લાયકાત અને ક્ષમતા સાથે પરફોર્મ કરવાનું ધ્યેય રાખીએ તેમજ તેમાં સારાં આયોજન, કાળજી, પ્રામાણિકતા અને મેકદિલીનો ઉમેરો કરીએ તો, પરિણામ આપણા અંકુશમાં ન હોવા છતાં, તે દિવ્ય, સાત્વિક કે પવિત્ર પરિણામ તરફ દોરી જશે તેમાં કોઈ શંકા નથી.

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ અદ્ભૂત ઉપદેશ ૫,૦૦૦ વર્ષ અગાઉ લખાયો હતો અને આજના સમયમાં પણ તે બંધબેસતો છે.

(લેખક ચેરિટી ક્લેરિટીના સ્થાપક ચેરમેન, એટલી સેન્ટર અને મૂર પાર્ક ૧૯૫૮ લિમિટેડના ચેરમેન તેમજ લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ અધ્યક્ષ છે)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter