જ્યૂઈશ ઈતિહાસમાંથી બોધપાઠ લેનારા ડાયસ્પોરાનું મૂલ્ય

ઝાકી કૂપર Monday 09th October 2017 09:18 EDT
 
 

હું આ કોલમમાં જ્યૂઈશ ઈતિહાસમાંથી બોધપાઠ લેનારા ડાયસ્પોરા વિશે લખીશ. ડાયસ્પોરા વિષયથી ભારતીય કોમ્યુનિટી અજાણ નથી. આજે વિશ્વમાં ભારતીય ડાયસ્પોરાનું પ્રમાણ સૌથી વધારે છે. ગત વર્ષે જારી આંકડા અનુસાર ભારતમાં જન્મેલા ૧૫.૬ મિલિયન લોકો આજે દેશની બહાર વસે છે. ૨૦૧૧ના ગત સેન્સસ અનુસાર ૧.૪ મિલિયનની સંખ્યા સાથે ભારતીય સમુદાય યુકેમાં સૌથી મોટી વંશીય કોમ્યુનિટી છે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં તેનું પ્રદાન નોંધપાત્ર છે. ભારતીયો અને યહુદીઓ ડાયસ્પોરાનો અર્થ બરાબર સમજે છે.

જ્યૂઈશ લોકો ૨૦૦૦ વર્ષ સુધી તેમના વતનથી બહાર રહ્યાં છે. બાઈબલમાં ઈઝરાયેલની સ્વર્ગસમાન ભૂમિ સુધી પહોંચવા યહુદીઓના સંઘર્ષની વાત કહેવાઈ છે. આખરે તેઓ ત્યાં પહોંચે છે પરંતુ, તેના પર વિજય મેળવાયો છે. છેલ્લે ૭૦ CEમાં રોમનોએ તેના પર કબજો જમાવ્યો હતો. આ સમયે જ્યૂઝ દેશમાંથી વેરવિખેર થઈ ગયા હતા, રોમનોએ જેરુસાલેમના ટેમ્પલનો નાશ કર્યો હતો અને એકમાત્ર વેસ્ટર્ન વોલ (જે આજે વિશ્વભરના યહુદીઓ માટે સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ છે)નો વિસ્તાર બાકી રહ્યો હતો.

ઈઝરાયેલથી હાંકી કઢાયેલા યહુદીઓ સ્થળાંતર કરીને ઘણા દેશો અને મોટા ભાગે તો યુરોપ, મિડલ ઈસ્ટ અને અમેરિકામાં સ્થિર થયા હતા. તેઓ ૧૧મી સદીમાં ઈંગ્લેન્ડમાં આવ્યા હતા પરંતુ, રાજાએ દમન અને અત્યાચારનો ભોગ બનાવી તેમને ૧૨૯૦માં હાંકી કાઢ્યા (તેઓ ૧૭મી સદીની મધ્યમાં પાછા ફર્યા) હતા. સ્પેનમાં પણ તથાકથિત ‘ગોલ્ડન એજ’માં મુસ્લિમો અને ક્રિશ્ચિયનોની સાથે રહીને સમૃદ્ધ થયેલી નાની કોમ્યુનિટી હતી પરંતુ, ૧૪૯૨માં તેમની હકાલપટ્ટી સાથે દુઃખદ અંત આવ્યો હતો. આ જ રીતે, ૧૩૦૬માં ફ્રાન્સ, ૧૪૨૧માં ઓસ્ટ્રિયા, ૧૪૯૭માં પોર્ટુગાલ તેમજ ૧૪મી અને ૧૬મી સદીઓની વચ્ચે જર્મનીના ઘણા વિસ્તારોમાંથી જ્યૂઈશ કોમ્યુનિટીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી. યહુદીઓ રહેતા હતા તે લગભગ તમામ યુરોપિયન સોસાયટીઝમાંથી તેમની હકાલપટ્ટી કરાઈ હતી. વિશ્વના અન્ય પ્રદેશોમાં પણ તેમનું જીવન સંઘર્ષપૂર્ણ રહ્યું છે. જોકે, ભારત જેવા દેશ (જ્યાં તેમની સંખ્યા પ્રમાણમાં ઘણી જ ઓછી રહી છે) તેમાં નોંધપાત્ર અપવાદ બની રહ્યાં છે.

ચોતરફે ઘેરાયેલી કોમ્યુનિટીની પશ્ચાદભૂ સાથે પણ જ્યૂઈશ ભાવનાએ અસ્તિત્વ કેવી રીતે જાળવી રાખ્યું? પોતાની ભૂમિ વિનાની પ્રજાએ ડાયસ્પોરામાં સ્થાન કેવી રીતે જમાવ્યું? પૂર્વ ચીફ રાબી લોર્ડ જોનાથન સાક્સ આ નોંધપાત્ર સિદ્ધિનું આમ વર્ણન કરે છે, ‘પ્રશ્ન એ થાય છે કે સમગ્ર વિશ્વની કુલ વસ્તીના એક ટકાના પણ પાંચમા ભાગથી પણ ઓછી વસ્તી ધરાવતી આ જ્યૂઈશ પ્રજાએ વિશ્વના પાંચ મહાન સામ્રાજ્યો- ઈજ્પ્શિયન્સ, એસિરિયન્સ, બેબીલોનિયન્સ, ગ્રીક્સ અને રોમન્સથી પણ વધુ સમય પોતાનું અસ્તિત્વ કેવી રીતે જાળવી રાખ્યું?’

હું માનું છું કે આ પ્રશ્નોનો ઉત્તર આજે અને ભવિષ્યમાં પણ યુકેમાં ભારતીય કોમ્યુનિટીઓ માટે તર્કસંગત બની રહેશે. હું ચાર મુખ્ય પરિબળોનો નિર્દેશ કરીશ.

સૌ પહેલા તો યહુદીઓએ શિક્ષણ પર આધાર રાખ્યો છે. અલગ અલગ સમાજોમાં તેમણે ધાર્મિક અને ધર્મનિરપેક્ષ જ્ઞાનના મહત્ત્વની કદર કરી છે. તેમણે શાળાઓ (જેનાં મૂળ એઝરાકાળ, પાંચમી સદી BCE સુધી જોવાં મળે છે)નું નિર્માણ કર્યું, શિક્ષકોનું સન્માન કર્યું. યજમાન સમાજે તેમના માટે જીવન ગમે તેટલું દુષ્કર બનાવ્યું, જ્ઞાન તો બંધાતુ નથી. તે આગળ લઈ જાય છે અને નવી તકોનું નિર્માણ કરે છે. આ તો ભીડમાંથી અલગ તરી આવવાની જ વાત છે.

બીજું એ કે, ડાયસ્પોરાના જ્યૂઝ પેઢીઓથી પરિવારના મહત્ત્વમાં માનતા આવ્યા છે. પરિવાર એ સમાજનિર્માણ, યુવા પેઢીમાં રોકાણ અને વયોવૃદ્ધોની સારસંભાળનો પાયો છે. યહુદીઓ આજે પણ આ બાબતમાં માને છે અને ચોક્કસપણે ભારતીય સમુદાયો પણ તેમાં શ્રેષ્ઠ છે.

ત્રીજો મુદ્દો એ છે કે જ્યૂઈશ ધર્મના રીતરિવાજ અને કર્મકાંડ તેમને બાંધી રાખે છે. એ સાચુ જ કહેવાયું છે કે,‘જ્યૂઝે સાબાથને જાળવી રાખ્યું તેના કરતા તો સાબાથે જ્યૂઝને જાળવી રાખ્યા છે.’ જૂડાઈઝમે એક વારસો અને પરંપરા આપ્યાં છે જેનાથી મજબૂત ઓળખ પેઢી દર પેઢી ઉતરી શકી છે.

ચોથું પરિબળ એ છે કે, જ્યૂઈશ સંસ્કૃતિ અને ભાષાએ સમુદાયોને જાળવી રાખવામાં મદદ કરી છે. સંગીત, થીએટર, આહાર કે અન્ય કોઈ ક્ષેત્ર હોય, યહુદીઓએ આગવું સાંસ્કૃતિક જીવન જાળવ્યું છે. યુરોપિયન સોસાયટીઓમાં તેઓ ‘યિદ્દીશ-Yiddish’ (હિબ્રુ અને જર્મન ભાષાનું મિશ્રણ) બોલે છે અને કેટલીક ઓરિએન્ટલ સોસાયટીઓમાં ‘લાડિનો-Ladino’ બોલે છે.

જ્યૂઈશ પ્રજા વિવિધ કારણોસર ડાયસ્પોરામાં અસ્તિત્વ જાળવી શકી હતી. છેક ૧૯૪૮માં ઈઝરાયેલ દેશની સ્થાપના સાથે યહુદીઓને પોતાનું વતન સાંપડ્યું હતું. ઘણા યહુદીઓ આદર્શવાદી કારણો અથવા નવા જીવનનું નિર્માણ કરવા કાજે ૨૦મી સદીમાં ત્યાં ગયા જોકે, કેટલાક ડાયસ્પોરા દેશોમાં જ વસી ગયા હતા. અત્યારે ઈઝરાયેલની વસ્તી ( આશરે ૬ મિલિયન) કરતા ડાયસ્પોરામાં યહુદીઓની વસ્તી થોડી વધુ (આશરે ૮ મિલિયન) છે. એક જાણીતી ઉક્તિ એવી હતી કે સમગ્ર વિશ્વમાં યહુદીઓની કુલ વસ્તી ચીનની વસ્તી ગણતરીમાં આંકડાકીય ભૂલ થાય તેના કરતા પણ ઓછી છે. ઈઝરાયેલે હવે ઝડપી વિકાસ સાધ્યો છે, યુએસએને પાછળ રાખી તે ૨૦૧૩માં સૌથી વધુ જ્યૂઈશ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. એન્ટિ-સેમિટિઝમમાં વધારા જેવા પરિબળો તેમજ આદર્શવાદી ખેંચાણના પરિણામે ડાયસ્પોરાના ઘણા યહુદીઓ ત્યાં સ્થળાંતર કરી ગયા છે.

જોકે, ગૌરવશાળી બ્રિટિશ જ્યૂ તરીકે હું માનું છું કે ડાયસ્પોરા મજબૂત રહે તે મહત્ત્વનું છે. બ્રિટન અને ઘણા દેશો તેમની ભારતીય કોમ્યુનિટીઝની માફક જ તેમની યહુદી વસ્તીથી સમૃદ્ધ બન્યા છે. યુકે તેમજ અન્યત્ર, ભારતીયો અને યહુદીઓએ પોતાની આગવી ઓળખ જાળવીને પણ કેવી રીતે એકાકાર થઈ શકાય તે દર્શાવ્યું છે. આનું સાતત્ય જળવાઈ રહે તે જ પ્રાર્થના.  (૮૬૩)

(લેખક ઝાકી કૂપર ‘ઈન્ડિયન જ્યૂઈશ એસોસિયેશન’ની એડવાઈઝરી કાઉન્સિલમાં સભ્ય છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter