રાષ્ટ્રવાદ, સંઘ અને પ્રણવદા

Wednesday 13th June 2018 06:27 EDT
 

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ભારતમાં રાષ્ટ્રવાદનો સાચો અર્થ આપણી ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની સનાતન પરંપરા હોવાનું પ્રતિપાદિત કરીને વિવિધતામાં જ દેશની એકતા સમાયેલી હોવાનું સ્પષ્ટ કર્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દીક્ષાંત પ્રવચન નિમિત્તે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને આમંત્રિત કરવાના મુદ્દે તાજેતરમાં કરાયેલી કાગારોળ નિષ્ફળ પૂરવાર થઈ છે. આજન્મ કોંગ્રેસી પ્રણવદા આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપે તો કોંગ્રેસ પક્ષનું હીણું દેખાશે અને ભાજપને તો લાડુ આરોગવા મળશે તેવી વ્યર્થ ચિંતાઓને પ્રણવદાએ સાચી ઠરવા દીધી નથી. તેમણે પોતાની સ્પષ્ટવાદિતાથી ગાંધીજી અને જવાહરલાલ નેહરુના રાષ્ટ્રવાદી વિચારોનું સમર્થન કર્યું હતું. એટલું જ નહિ, સંઘના અગ્રણીઓ અને સભ્યોને સાચા રાષ્ટ્રવાદ અને દેશભક્તિના પાઠ પણ ભણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ કોઈ ધર્મ, ભાષા કે જાતિમાં સમાયેલો નથી કે તેના પર આધારિત નથી.
પૂર્વ રાષ્ટ્રપતિએ સાચું જ કહ્યું છે કે દેશ માટે સમર્પણ એ જ દેશભક્તિ છે અને દરેક ભારતીયનું તેમાં પ્રદાન છે. ભારત અનેક વિચારધારા, સંસ્કૃતિ, આસ્થા અને ભાષાઓનો દેશ છે. ભારતના દરવાજા તમામ માટે ખુલ્લાં રહ્યાં છે. હુણ, મોગલ, પારસી, ડચ અને બ્રિટિશર સહિત અનેક પ્રજાઓ ભારતમાં આવી છે. કેટલીક પ્રજાએ આક્રમણ થકી શાસન પણ જમાવવાં છતાં, ભારતની વિશિષ્ટ ઓળખ જળવાઈ છે. ભારતે તો અન્ય સંસ્કૃતિઓમાંથી મૂલ્યો અને વિશ્વાસનું માખણ તારવીને પોતાનામાં સમાવી લીધું છે.
પ્રણવદાએ જણાવ્યું હતું કે સદીઓથી સહિષ્ણુતા જ ભારતની તાકાત રહી છે. સહઅસ્તિત્વ જ આપણી વિશેષ ઓળખ છે. ધાર્મિક, રાજકીય કે સાંપ્રદાયિક સહિત, કોઈ પણ અસહિષ્ણુતા, અસ્પૃશ્યતા કે ભેદભાવ આ ઓળખને નબળી પાડી શકે છે તેવી ચેતવણી આપવા સાથે તેમણે યોગ્ય જ કહ્યું હતું કે હિન્દુસ્તાન સ્વતંત્ર સમાજ છે. સમાજની અંદર દરેક વિચારધારા, બાબતો અને વિષયો પર વાદવિવાદ નહિ પરંતુ, સંવાદપૂર્ણ ચર્ચા આવશ્યક છે. આપણે નફરત કે ભેદભાવથી દૂર રહેવું જરૂરી છે.
સરસંઘસંચાલક મોહન ભાગવત દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને દીક્ષાંત કાર્યક્રમમાં પ્રવચન આપવા આમંત્રણ અપાયું ત્યારથી જ વિવાદ શરુ થયો હતો. પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ તથા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ અને ખુદ પ્રણવદાની પુત્રી શર્મિષ્ઠા મુખરજી સહિતના કોંગ્રેસી નેતાઓએ પ્રણવદાએ સંઘના કાર્યક્રમમાં હાજરી ન આપવી જોઈએ તેવો વિરોધ દર્શાવ્યો હતો. તેઓ કોંગ્રેસના મહત્ત્વના નેતા અને તેની વિચારધારાથી રંગાયેલા હોવાની દુહાઈઓ આપવા સાથે કોંગ્રેસના ટ્રબલશૂટર તરીકે પંકાયેલા પ્રણવદા સંઘની ભગવી વિચારધારામાં રંગાઈ જશે તેવી દહેશત પણ વ્યક્ત કરાઈ હતી. પરંતુ, પીઢ રાજપુરુષ પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિપદ શોભાવ્યાની ગરિમાને જોખમ પહોંચાડે નહિ તેમજ તેઓ કોંગ્રેસના સભ્ય નથી તેવો વિચાર સુદ્ધાં આ રાજકીય નેતાઓના મનમાં ફરક્યો નહિ. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓએ પણ રાજકીય અસહિષ્ણુતા જ દર્શાવી હતી તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.
સંઘની વિચારધારા સાથે સહમત ન હોવાં છતાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, બાબાસાહેબ આંબેડકરે પણ તેની સાથે અસહિષ્ણુતાપૂર્ણ વ્યવહાર કર્યો નથી. ગાંધીજીએ ૧૯૩૪ના ડિસેમ્બરમાં વર્ધા ખાતે સંઘની શિબિરમાં હાજરી આપી ત્યારે વિવિધ વર્ગોનાં લોકોને સમૂહમાં ભોજન કરતા જોઈને પ્રભાવિત થયા હતા. ભારત-ચીન યુદ્ધમાં સંઘના કાર્યકર્તાઓની કામગીરીની નોંધ લઈ વડા પ્રધાન નહેરુએ ૧૯૬૩ની પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેવા તેમને આમંત્રણ આપ્યું હતું.
કોંગ્રેસે પ્રણવ મુખરજીને પોતાના કદી ગણ્યા જ નથી. ઈન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીની હત્યા પછી પણ ગાંધી-નહેરુ પરિવાર સહિત કોંગ્રેસે દેશના વડા પ્રધાન બનવાની તેમની લાયકાત કદી લક્ષમાં લીધી ન હતી. તેઓ લગભગ અસ્પૃશ્ય નેતા જ બની રહ્યા હતા. આમ છતાં, પ્રણવદાએ નારાજગી કે બળાપો વ્યક્ત કર્યાં નથી. આવા સજ્જન રાજપુરુષને સલાહો આપવા નીકળી પડેલા રાજકીય નેતાઓના ગાલે પણ આ પ્રવચન થકી તમાચો વાગ્યો છે.
પ્રણવ મુખરજીએ સંઘના સ્થાપક ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારને ભારત દેશના મહાન સપૂત ગણાવતી આદરાંજલિનો સંદેશો વિઝિટર બૂકમાં લખ્યો હતો. તેમણે સંઘના કાર્યકરોની શિસ્તબદ્ધતા અને વિશિષ્ટ તાલીમના વખાણ પણ કર્યા હતા. સરસંઘસંચાલક મોહન ભાગવતે ઉચિતપણે સ્પષ્ટ કર્યું હતું કે સંઘના મતે ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય છે અને ભારતમાતા દરેકની માતા છે. સંઘ સમાજને સંગઠિત કરવાની પોતાની કામગીરી ચાલુ રાખશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter