વિશ્વ પર મંડરાતો પ્લાસ્ટિક પ્રદૂષણનો ખતરો

Wednesday 06th June 2018 05:57 EDT
 

સાડા ચાર દસકાથી એટલે કે વર્ષ ૧૯૭૨થી દર વર્ષે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવાય છે. વર્ષોના વીતવા સાથે આ દિવસનું મહત્ત્વ વધી રહ્યું છે કેમ કે લોકોની પર્યાવરણ જતન માટેની ખેવના ઘટી રહી છે. આ વખતે પર્યાવરણ દિનની ઉજવણીનું વૈશ્વિક યજમાન ભારત છે, અને સંકલ્પ છે વિશ્વને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરાવવાનો. રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક પૂરઝડપે પગપેસારો થઇ રહ્યો છે. સવારે હાથમાં લેવાતા ટૂથબ્રશથી માંડીને ભોજનનું પેકિંગ, ફોન, કમ્પ્યુટર બધામાં પ્લાસ્ટિક હાજરી છે. પરંતુ જે પોષતું તે મારતું ઉક્તિ અનુસાર આ જ પ્લાસ્ટિક પર્યાવરણ માટે ઘાતક સાબિત થઇ રહ્યું છે. પ્લાસ્ટિકથી બનેલી મોટા ભાગની ચીજવસ્તુ કાં તો સંપૂર્ણ નષ્ટ નથી થતી કે તેને નાશ પામતાં ૫૦૦થી ૧૦૦૦ વર્ષ લાગે છે.
૧૯૫૦થી આજ સુધી જે પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું છે તેમાંથી માત્ર ૨૦ ટકાનું રિસાયક્લિંગ થયું છે કે વીજળી બનાવવામાં તેનો ઉપયોગ થયો છે. આમ પ્લાસ્ટિકનો બાકીનો ૮૦ ટકા જથ્થો ધરતી અને સમુદ્રને દૂષિત કરી રહ્યો છે. પ્લાસ્ટિકના ૬૦ ટકા ઉત્પાદનો એવા હોય છે, જે માત્ર એક જ વાર ઉપયોગમાં લેવા બનાવાય છે. જેમ કે ચા-કોફીના કપ, સ્ટ્રો, પાણી કે અન્ય પીણાંની બોટલ કે પછી પોલિથીનના કોથળા. આ પ્લાસ્ટિક કાં તો મોટા લેન્ડફિલનો ભાગ બને છે કે પછી સમુદ્રોમાં ઠલવાય છે. પ્લાસ્ટિક તૂટીને પ્લાસ્ટિક કણોમાં પરિવર્તિત થાય છે જે માછલી ખાઇ જાય છે અને આમ આ પ્લાસ્ટિક મનુષ્યના ભોજનચક્રમાં સામેલ થઇ જનઆરોગ્યમાં પ્રદૂષણ ઊમેરે છે.
સમુદ્રો-નદીઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણ આમ વધતું રહ્યું તો ૨૦૫૦ સુધીમાં ત્યાં જળચરો કરતાં પ્લાસ્ટિક વધુ હશે. પ્લાસ્ટિક કચરામાં પર્યટકોનું પણ યોગદાન છે. દુનિયામાં પ્રતિ મિનિટ (પાણી કે પીણાંની) ૧૦ લાખ બોટલ વેચાય છે અને વર્ષે ૪૮૦ બિલિયન. ચીન, ઇંન્ડોનેશિયા, અમેરિકા, થાઇલેન્ડ વગેરે દેશો પ્લાસ્ટિકના વપરાશમાં અને પ્રદૂષિત કચરો એકત્ર કરવામાં સૌથી મોખરે છે. યુરોપના આયર્લેન્ડ, લક્સમબર્ગ, એસ્ટોનિયા અને જર્મની જેવા કેટલાય દેશોમાં માથાદીઠ પ્લાસ્ટિકનો વપરાશ ઘણો ઊંચો છે. તો યુરોપના બ્રિટન, ફ્રાન્સ, ડેન્માર્ક વગેરેમાં પ્લાસ્ટિક અંગે આકરા નિયમો છે. અમેરિકાના કેટલાય રાજ્ય પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા પ્રયત્નશીલ છે. આફ્રિકાના કેટલાક દેશોએ પ્લાસ્ટિકનો કચરો ઓછો કરવા કડક કાયદા ઘડાયા છે. ચીને પ્લાસ્ટિકની આયાત બંધ કરી છે.
સમુદ્રોમાં સૌથી પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવનારા ૨૦ દેશોની યાદીમાં ભારત ૧૨મા ક્રમે છે. યાદીમાં ચીન, શ્રીલંકા, ઇજિપ્ત, નાઇજીરિયા, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા ભારતથી પણ આગળ છે. ભારત સરકારે પણ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે પગલાં તો લીધાં છે, પણ તેનો અસરકારક અમલ નથી. પ્લાસ્ટિક પ્રદૂષણનું સમાધાન મુશ્કેલ જરૂર છે, પરંતુ અસંભવ નથી. વિશ્વને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત કરવાની જવાબદારી માત્ર જે તે દેશ કે રાજ્યોની જ નથી તે લોકોએ સમજવું રહ્યું. પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્તિ ત્યારે જ શક્ય બનશે જ્યારે વિશ્વનો દરેક નાગરિક પોતાની જીવનશૈલીને પ્લાસ્ટિકમુક્ત કરવાનો સંકલ્પ કરશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter