શાસક અને વિપક્ષ સહુ માટે શીખ

Wednesday 06th June 2018 05:56 EDT
 

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજય બાદ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાવા લાગ્યું હતું કે ભાજપના ચૂંટણી ચાણક્યોએ એવો વ્યૂહ ઘડ્યો છે કે હવે રાજ્યમાં વિપક્ષ માટે પગદંડો જમાવવાનું મુશ્કેલ બની જશે. જોકે પેટા-ચૂંટણીના પરિણામોએ આ તારણને સદંતર ખોટું ઠેરવ્યું છે. પહેલાં ફૂલપુર અને ગોરખપુર લોકસભા બેઠકની પેટા-ચૂંટણીમાં પરાજય અને હવે કૈરાના લોકસભા તથા નૂરપુર વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીમાં પક્ષના પરાજયે ભાજપની વ્યૂહરચના સામે સવાલોની હારમાળા સર્જી છે. ભાજપે આ પેટા-ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પક્ષના મોટા મોટા મહારથીઓએ અનેક જાહેર સભાઓ અને રેલીઓ યોજી હતી. મતદાનના આગલા દિવસે - માત્ર ૪૦ કિલોમીટરના અંતરે - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાનદાર રોડ શો યોજ્યો હતો, પરંતુ એકેય ચૂંટણીવ્યૂહ કામ ન આવ્યો. દેશમાં સૌથી વધુ ૮૦ લોકસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં ભાજપનો આ સતત ત્રીજો પરાજય છે. આ પરિણામોએ ભાજપની નેતાગીરીની બોલતી બંધ કરી દીધી છે ને એનડીએના સાથી પક્ષોની નેતાગીરીને ‘બોલતી’ કરી દીધી છે. એનડીએમાં રહીને વિપક્ષની ભૂમિકા ભજવતી શિવ સેનાને તો ભાજપ પર પસ્તાળ પાડવાનો મોકો મળી ગયો છે. તો અત્યાર સુધી મોદી સરકારના નિર્ણયોનું સમર્થન કરતા રહેલા સાથી પક્ષો જનતા દળ (યુ) અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ બિહારને વિશેષ દરજ્જો આપવાની જૂની માગણી ફરી દોહરાવી છે.
તાજેતરમાં લોકસભાની ૪ અને વિધાનસભાની ૧૦ એમ કુલ મળીને ૧૪ બેઠકો માટે પેટા-ચૂંટણી યોજાઇ હતી. લોકસભાની જે ચાર બેઠકોની પેટા-ચૂંટણી યોજાઇ હતી, તેમાંથી ત્રણ ભાજપ હસ્તક હતી. આમાંથી ભાજપ માત્ર મહારાષ્ટ્રની પાલઘર બેઠક જાળવી શક્યો છે.
પરિણામો દર્શાવે છે કે કર્ણાટક ચૂંટણી બાદ વિપક્ષી મોરચાનો ઉદ્દેશ પાર પડી રહ્યો છે. અલબત્ત, આ વિપક્ષી એકતા ૨૦૧૯નું અંતિમ લક્ષ્ય નજીક આવતાં સુધીમાં કેવો આકાર લેશે એ કહેવું ઘણું વહેલું ગણાશે, પણ આ પરિણામોએ વિપક્ષી એકતા માટે આશાસ્પદ માહોલ જરૂર સર્જ્યો છે. હવે વિરોધ પક્ષોએ સૂઝબૂઝ અને રાજકીય કૂનેહનો પરિચય આપતાં ચૂંટણી વ્યૂહ ઘડવો પડશે. એકમાત્ર વૈકલ્પિક રાષ્ટ્રીય પક્ષ હોવાના નાતે કોંગ્રેસને મોરચાબંદીમાં વિશેષ ભૂમિકા ભજવવી પડશે તેવું નિરીક્ષકોનું માનવું છે, પરંતુ અહીં લાખ રૂપિયાનો સવાલ એ છે કે તેનો અભિપ્રાય કે નેતૃત્વ સ્વીકારવા કેટલા વિપક્ષ તૈયાર થશે? કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્તરે જે પ્રકારે ધોવાણ થઇ રહ્યું છે તે જોતાં તેણે પણ વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પડશે. અતિ આત્મવિશ્વસના કારણે જ કોંગ્રેસે ગુજરાત અને કર્ણાટકમાં એકલા ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું અને પરિણામ નજર સામે છે. એક યા બીજા કારણસર કેટલાય રાજ્યોમાં કોંગ્રેસ મોરચો રચવાના મુદ્દે અવઢવમાં છે. તો બીજી તરફ, કેટલાક પ્રાદેશિક પક્ષોમાં પણ કોંગ્રેસની સાથે જોડાવાના મુદ્દે ખચકાટ જોવા મળી રહ્યો છે.
દેશવાસીઓનો મૂડ સમજવા આ ચૂંટણી મહત્વની ગણાતી હતી, કેમ કે એક સાથે ૧૧ રાજ્યમાં પેટા-ચૂંટણીનો આવો અવસર સામાન્ય ચૂંટણી પહેલાં ફરી આવે તેવી શક્યતા નહીંવત્ છે. તેના પરિણામે ચાર વર્ષના શાસનની ઉજવણી કરી રહેલી મોદી સરકારના રંગમાં ભંગ પાડ્યો છે. ભાજપે હવે મંથન કરવું રહ્યું કે ૨૦૧૪માં એકલા હાથે બહુમતી મેળવ્યા બાદ લોકસભામાં તેની સંખ્યા સતત ઘટી કેમ રહી છે? એક સમયે ગૃહમાં ૨૮૨ સભ્યો ધરાવતા એનડીએનું કદ આજે ઘટીને ૨૭૨ કેમ થઇ ગયું છે? તેણે એ પણ નજરમાં રાખવું રહ્યું કે જે અતિ આત્મવિશ્વાસ યુપીએ સરકારને પરાજયના પંથે દોરી ગયો હતો તે જ ક્યાંક એનડીએ સરકારને ન ડૂબાડે. ખેડૂતોની નારાજગી, ક્રૂડ ઓઇલના પગલે પગલે અન્ય ચીજવસ્તુઓની કિંમતમાં તીવ્ર વધારો અને વચન અનુસાર રોજગારી સર્જવામાં નિષ્ફળતા જેવા મુદ્દા આગામી ચૂંટણીમાં એનડીએ સરકાર માટે મુશ્કેલી વધારી શકે છે. જીએસટીનું આગમન તેમજ જીડીપી વૃદ્ધિ આવકાર્ય હોવા છતાં પરિણામો સ્પષ્ટ સંકેત આપે છે કે વિપક્ષ એકસંપ થઇ જાય છે ત્યારે ભાજપ પરિવાર લાચાર થઇ જાય છે. ભાજપ સરકાર સમયાંતરે કલ્યાણકારી યોજનાઓ જાહેર કરીને, વિકાસલક્ષી કાર્યોનું આયોજન હાથ ધરીને લોકોના દિલ તો જીતતી રહી છે, પણ લોકલાગણીને મતમાં પરિવર્તિત કરવા તેણે આ યોજનાઓ, વિકાસલક્ષી કાર્યોનો સુચારુ અને સમયસર અમલ કરી દેખાડવો પડશે. લોકોએ સ્પષ્ટ બહુમતી સાથે શાસનધુરા સોંપી છે ત્યારે તેમની અપેક્ષા અસ્થાને તો નથી જ ને?


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter