આદિત્યનાથનો છેડો ગરવા ગીરનાર સુધી!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 30th March 2020 06:53 EDT
 
 

હમણાં વળી પાછા પેલાં જાજરમાન પૂર્વજોનું સ્મરણ થઈ આવ્યું. શામળદાસ ગાંધી, સુરગભાઈ વરુ, અમૃતલાલ શેઠ અને કનૈયાલાલ મુનશી - ચારેનું એક સાથે પ્રદાન હતું સરવા સોરઠની, પાકિસ્તાનની નાગચૂડથી મુક્તિ!

દુર્ભાગ્યે, આમાંના કોઈનું નવી પેઢીને યાદ અપાવે તેવું કોઈ સ્મારક, બીજે તો ઠીક પણ સોરઠમાં યે ક્યાંય નથી. હા, જૂનાગઢ, બહાઉદ્દીન કોલેજ, સોમનાથનું ભવ્ય દેવાલય, કુતિયાણાની બજાર, બાંટવાની મહેલાતો, માણાવદરનો જોરાવરબાગ, પાજોદની ઈમારત, આ બધાં સ્મારક સમાન જ છે. જરાક કાન માંડો ને અધધધ કહાણી સાંભળવા મળે જ મળે!

પણ એક રસપ્રદ વાત હમણાં થઈ. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો સંબંધ જૂનાણાં સાથેનો કઈ રીતે હશે?

એ તો જગજાણીતી વાત છે કે ગિરનાર પોતે જ દિવ્ય-ભવ્ય ઈતિહાસ છે. મોરારિબાપુ જૂનાગઢ-ગિરનારની વાત થતાં જ ખીલી ઊઠે. ત્યાં કોઈ નાનો કે મોટો કાર્યક્રમ હોય તો લાખ મુશ્કેલી છતાં આવે! નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મૈયાણીને સૂઝ્યું કે આપણા સોરઠના સંતાનને પદ્મશ્રી જેવું માનસન્માન મળે તો તેની શાનદાર ઊજવણી કેમ ન કરવી? બાપુને ય બોલાવ્યા, ત્યારે તેમણે ‘સોરઠ-પ્રીતિ’ની આ વાત કરી હતી.

ગુરુ ગોરક્ષનાથની શક્તિ-ભક્તિ તો ઉત્તર પ્રદેશમાં. ગોરખપુર જેમ ગીતા પ્રેસના કારણે, તે રીતે ગોરખ-પંથથી પણ જાણીતું. આદિત્યનાથની નાથ-દીક્ષાનો છેડો સોરઠ સુધી પહોંચ્યો છે. તાંત્રિક સાધના પણ થતી રહી. ચેત મછંદર ગોરખ આયાથી... સંત જ્ઞાનેશ્વર, વિક્રમ-વૈતાળની વાર્તાનો ‘વૈતાળ’, અશોકનો બૌદ્ધધર્મ, સદુદામનનો શૈવ અને ચારણીકથામાં સચવાયેલી ‘માતાજી’ની કથાઓ અહીં ઠેર ઠેર સાંપડે. બીલખામાં ‘કુંવર ચેલૈયા’ની રડાવી મૂકે તેવી લોકકથાનો ખાંડણિયો સચવાયો છે. એક જ ગામમાં હિન્દુ ધર્મના તેજનક્ષત્ર શ્રીમન્નજીરામ શર્માનો ‘આનંદાશ્રમ’, વીરપુરમાં ‘ધૂમકેતુ’, સત્તાધારમાં સંત દેવીદાસ અને અમરબાઈ, ભક્ત કવિ મેકરણનો પ્રવાસ, ગંગાસતીના ગુરુ રામેતવનનો નિવાસ, ગોરખ - કબીર - રામાપીર - જેસલ તોરલ - રવિ ભાણ - ત્રિકમ ભીમના ‘ઓટલા’ અહીં છે.

અને કવિવર માઘની ઉક્તિ?

સહસ્ત્ર સંખ્યૈર્ગગન શિરોભિઃ

પાદૈર્ભુવઃ વ્યાપ્ય નિતિષ્ઠામ્ ।

વિલોચન સ્થાન ત્રનોષ્ણરશ્મિં

નિશાકરમ્ સાધુ હિરણ્યગર્ભમ્ ।।

હજાર મસ્તકોથી આકાશને અને હજારો પગથી પૃથ્વીને ઘેરીને ઊભેલો, સૂર્ય-ચંદ્ર જેનાં નેત્રો છે, જેના ગર્ભમાં હિરણ્ય છે, એ ગિરનાર ખરેખર હિરણ્યગર્ભ બ્રહ્મા જેવો દિશે છે.

બાબી વંશ સુધીનાં જૂનાગઢે પ્રાચીનતાના કાળપટ પર વિવિધ પડાવ પાર કર્યાં.

કૌટિલ્યનાં અર્થશાસ્ત્રમાં ‘સુરાષ્ટ્ર’ શબ્દથી ઉલ્લેખ.

બૌદ્ધ સાહિત્યમાં મૌર્ય પૂર્વે પિંગલક રાજાના રાજ્યનો નિર્દેશ.

ઈ.સ. પૂર્વે ત્રીજી શતાબ્દિમાં ‘સુરાષ્ટ્રજનપદ’.

ઈસવી સનની પહેલી શતાબ્દીમાં ક્ષહરાત વંશના ક્ષત્રપ રાજાઓ પછી કાર્દમક, મૌર્ય, ગુપ્ત, મૈત્રક, ચુડાસમા, સોલંકી, સુલતાન, મુઘલ, સુબાઓ... આવી પરંપરા રહી.

૧૭૪૮માં મુઘલ સેનાપતિ શેરખાન બાબીએ બળવો કર્યો અને નવ નવાબો રહ્યા. છેલ્લા મહાબતખાને ૧૯૪૭માં પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. (તેની સામેની આરઝી હકુમતની લડાઈનું અલગ પ્રકરણ છે.)

બીજી કેટલીક ઐતિહાસિક અને લોકકથાઓમાં સોરઠ સર્વત્ર છે.

અશોકના શૈલલેખ જેવો જ મહત્ત્વનો રુદ્રદામનનો શૈવલેખ છે. સુવર્ણ સિક્તા અને પલાશિની નદીના પૂરથી સુદર્શન તળાવ ફાટ્યું ત્યારે હજારો નગરજનોને બચાવી લેવાનું કાર્ય રુદ્રદામનના સમયે થયું.

યમુદૌલા મહમ્મુદ નિઝામુદ્દીન કાસમ મહમ્મુદ - એટલે મહમ્મદ ગઝનવી. તેણે સોમનાથને તો લૂંટ્યું, ધ્વસ્ત કર્યું. પણ જિંદગીના અંત સુધી એક તેજસ્વિની યાદ રહી ગઈ હશે તે ચૌલા દેવી. દેહસ્વરૂપે રાજવી ભીમદેવનું વરણ કર્યું પણ આત્મસ્વરૂપે તે સોમનાથના મહેદાવને સમર્પિત હતી. ૧૮ નૃત્યશાસ્ત્ર, ૧૨ અભિનય શાસ્ત્ર અને ૭ સંગીતશાસ્ત્રમાં તે નિપુણ હતી. ગઝનીની સેના પાછી વળે ત્યારે તેની સાથે પાંચ પૂજારીને મોકલવા તૈયાર કર્યાં, તેમણે ગઝનીનો રસ્તો ભૂલાવ્યો ને સેના રાનપાન થઈ ગઈ.

ગોરક્ષનાથે મતસ્યેન્દ્રનાથને માયાસક્તિમાંથી બચાવી લીધા તે ઉક્તિ છેઃ ‘ચેત મછંદર ગોરખ આયા!’ ગોરખનાથનો ધૂણો ગિરનારે છે.

૧૮૫૭નો મહાન યોદ્ધો દ્વારિકા - ઓખાનો વીર મૂળુ માણેક - જોધા માણેકમાંના જોધાનો ગીરના પર્વત પર પ્રાણ વીંધાયો તે મોટો ફિલસૂફ પણ હતો.

મેંદરડા પાસે કનરા ડુંગર પર ૮૪ મહિયા દરબારને કુહાડાથી વીંધી નખાયા તેમાં ૭ વર્ષની કન્યા અને ૫ વર્ષનો તેનો ભાઈ પણ હતો. મેઘાણીના શબ્દોમાં ગાંધી પૂર્વેનો સત્યાગ્રહ!

મેઘાણીની રચનામાં અમર થઈ ગયેલી ‘ચૌદ વરસની ચારણ કન્યા’ આ સોરઠી વનાંચલની.

બર્માના ગાંધી ગણાયેલા મદનજિત (માંડણજી) મયાશંકર વોરાએ આફ્રિકામાં ઈન્ડિયન ઓપિનિયન ચલાવ્યું તે ગાંધીજીને સોંપ્યું. બર્મામાં United Burma ના તંત્રી. જન્મ ૧૮૬૦ દેહાંત ૧૯૩૨ વતન જૂનાગઢમાં.

બહાઉદીન કોલેજમાં જે ઘંટ હતો તે પોરબંદરમાં ડૂબેલા જહાજ ‘ખેદિવ’નો હતો. આ પ્રાચીન કોલેજ પંચમ જ્યોર્જે ખુલ્લી મૂકી હતી.

૧૯૩૦માં હિંદુ પ્રજા મંડળ સ્થપાયું અને રાજકીય ચેતના શરૂ થઈ. વેરાવળમાં ડો. ખંઢેરિયાની દિવાને કરાવેલી હત્યાથી લાંબા સમય સુધી હડતાળ પડી હતી. છેવટે આ દિવાન મહમ્મદભાઈએ પણ ૧૯૩૯માં અફીણ ખાઈને આપઘાત કરી લીધો હતો.

માંગડા ડુંગર આવ્યો કંટાળા ગીર પાસે. ત્યાં ત્રણ પાળિયા છે - એક અમર પ્રેમી માંગડાવાળાનો, બીજો તેને વરેલી પદ્માવતીનો પાનેતર - ચુંદડીની સાથે, અને ત્રીજો લોડણશાનો.

હમીરજી સોમનાથ પરનાં આક્રમણને ખાળવા રણે ચડ્યો, તેની કથા રસપ્રદ છે. ઉતાવળા હમીરને ભાઈ દૂદાજીની પત્નીએ મશ્કરી કરીઃ ‘દિયરજી, આટલી ઉતાવળ કાં કરો?’ સોમૈયાની સખાતે નીકળવું છે?’ ૨૦૦ મરજીવાની સાથે તે નીકળ્યો.

લાખબાઈ ચારણિયાણીએ તેના જીવતાંજીવત મરશિયાં ગાયાં. દ્રોણગઢનો વેગડો ભીલ તેની સાથે થયો અને મૂળ જેઠવા-પુત્રી રાજબાઈ હમીરની સાથે સાત ફેરા ફર્યો પછી યુદ્ધ માટે વિદાય આપી. કવિવર કલાપીએ ‘હમીર કાવ્ય’ રચ્યું છે.

વીસાવદર પાસે ૧૪૭૦ની ખાંભીઓ છે, આઈ નાગબાઈ અને હરિજન દંપતિની.

માણાવદર-વંથળી-મજેવડી-વીસાવદર-બીલખા-મેંદરડા-ચોકી-વડાલ.

‘સરવા સોરઠ’ના સંતો, સાધુઓ, સતીઓ, શૂરવીરોની કથાનો ભંડાર છે આ બધાં ગામ.


comments powered by Disqus