આપણી છે આ સરહદો!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 11th February 2020 05:15 EST
 
 

‘વંદે માતરમ્’નાં રાષ્ટ્રગાન સાથે ભારતમાતાનું જ ચિત્ર દૃષ્ટિ સામે આવે એ તો શસ્ય શ્યામલા, સુજલા સુફલા અખંડ રાષ્ટ્રનું છેઃ કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ લગી અથવા તો કહો કે ‘આસેતુ હિમાચલ’નું દર્શન તેમાં આવી જાય!

એમ તો બૃહદ્ અને સાંસ્કૃતિક ભારતની સરહદો તો સૂદુર એશિયા લગી વિસ્તરેલી છે, પણ તે થયો ગૌરવાન્વિત ભૂતકાળ. સ્વાધીન ભારતની ૧૯૪૭નાં વર્ષ પછીની ભારતીય સરહદો વિશે વિચારવું હોય તો બદલાતા સમીકરણોને સમજવાં પડે એમ છે.

૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી ક્રમશઃ બ્રિટિશરોએ કાવાદાવા રચીને ભારતના વિભિન્ન પ્રદેશો હસ્તગત કરીને પહેલાં ઈસ્ટ ઈંડિયા કંપનીની હકૂમત થઈ. ૧૮૫૭ના સંગ્રામથી બ્રિટનને લાગ્યું કે હવે સીધું બ્રિટિશ રાણીના હાથ તળેનું શાસન સ્થાપવું પડશે. એટલે ભારતમાં બ્રિટિશ વહીવટી તંત્ર આવ્યું. શિક્ષણપ્રથા બદલાઈ. ન્યાયતંત્ર સ્થાપવામાં આવ્યું. બ્રિટિશ ચલણ શરૂ કરાયું અને એમ ‘બ્રિટિશ ઈંડિયા’નો એક નક્શો નિર્માણ પામ્યો.

એમ કહેવું કે ભારતની રાષ્ટ્રીયતા એ બ્રિટિશ શાસનના આગમનથી પુખ્ત થઈ તો તે એક આયાતી વિચાર છે. ભારતની રાષ્ટ્રીયતા માત્ર રાજ્યવ્યવસ્થા પૂરતી એકાંગી નહોતી, તેની ક્ષિતિજ સાંસ્કૃતિક સંદર્ભથી જોડાયેલી છે. વેદકાલીન રાષ્ટ્રવાદનો અંદાજ વેદપંડિત સાતવલેકરજીએ આપેલો છે ત્યારથી રાષ્ટ્રની વિભાવના ભારતના પ્રાણમાં ધબકાર અનુભવે છે. પરંતુ, શાસ્ત્રીય દૃષ્ટિએ બ્રિટિશ વ્યવસ્થાએ ‘સ્ટેટ’ (રાજ્ય)નો પિંડ સ્પષ્ટ કર્યો. તેમાં હાલનું પાકિસ્તાન, બાંગ્લાદેશ, તિબેટ, બર્મા, નેપાળ, ભૂટાન અને શ્રીલંકાનો સમાવેશ થઈ જતો હતો.

૧૯૩૭ સુધી તો બર્મા પણ ભારતનો જ એક ભાગ હતો એટલે તે સમયે ભારતીય સરહદ થાઈ દેશ અને મલાયાને સ્પર્શતી હતી.

૧૯૪૭માં ખંડિત આઝાદી આવી. ભારતનું વિઘાતક વિભાજન થયું. ભારતને માટે ત્યારે ત્રણ આંતરરાષ્ટ્રીય સરહદો ઊભી થઈ. એક પશ્ચિમ બંગાળ અને તત્કાલીન પૂર્વ પાકિસ્તાન સાથે, બીજી આસામ-ત્રિપુરા અને પૂર્વ પાકિસ્તાન સાથે અને ત્રીજી બર્મા સાથેની પરંપરાગત સરહદ! પશ્ચિમમાં રેડક્લિફ્ એવોર્ડે પંજાબને વિભાજિત કર્યું; સરદાર ભગતસિંહ અને લાલા લજપતરાયની જન્મભૂમિ લાહોર સહિતનું પંજાબ પાકિસ્તાનમાં ગયું અને ભારતમાં અમૃતસર સહિતનો વિસ્તાર રહ્યો. આવું જ વિભાજન પશ્ચિમ ભારતના રણપ્રદેશમાં થયુંઃ ગુજરાતીઓનું માનીતું સિંધ પશ્ચિમ પાકિસ્તાનને મળ્યું એટલે નાનું રણ અને મોટું રણ ખંડિત થયાં.

આ કોઈ સહજ - સ્વાભાવિક વિભાજિત સરહદો તો હતી નહીં. એક કચ્છી માડુંને માટે સિંધ પોતાના ગામતરાંની ભૂમિ હતી, અમૃતસરના શીખને માટે લાહોરની ગલી એટલી જ વહાલી હતી. પશ્ચિમ બંગાળ અને પૂર્વ પાકિસ્તાન જેવા ભાગલા ૧૯૦૫ના લોર્ડ કર્ઝનની બંગ-ભંગની શરારતને યાદ કરે તેવા રહ્યા. અહીં તો ‘ઓ પાર બાંગલા, આ પાર બાંગલા’ જ સ્થાયી ભાવ હતો! કચ્છના બન્ની વિસ્તારના ચરવાહા માટે છાડબેટ, કંજરકોટ અને ‘રામ કી બજાર’ જવું સ્વાભાવિક હતું. ત્યાં પોતાનાં જ સગાંવહાલાઓ વસેલાં હતાં. બે દેશ જૂદા છે તેની ખબર તો ત્યારે જ પડી જ્યારે ‘રામ કી બજાર’નું નામ ફેરવીને ‘રહીમ કી બજાર’ કરી નાંખવામાં આવ્યું અને સરહદ પર સશસ્ત્ર દળ સાથેના થાંભલા નંખાઈ ગયા! તિબેટ પણ ૧૯૦૪ના લ્હાસા કરાર પ્રમાણે ભારત સરકારનો એક ભાગ બની ગયું હતું, ૧૯૫૦માં ‘પંચશીલ’ના ચીથરાં ફાડતું ચીની આક્રમણ થયું અને ૧૯૫૪ના ભારત-ચીન કરાર પ્રમાણે ભારત સરકારે તિબેટ પર ચીનનું પ્રભુત્વ સ્વીકારી લીધું!

આમ સરહદ પરની સુરક્ષા વ્યવસ્થાઓને રાજકીય કરારો તેમજ યુદ્ધોએ ઘણી અસર પહોંચાડી છે. ભારત-ચીન યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ અને પૂર્વ પાકિસ્તાન - પશ્ચિમ પાકિસ્તાન યુદ્ધ ત્રણેથી સરહદનો સવાલ વધુ ગંભીર અને સાવધાનીપૂર્વકનો બની ગયો!

૧૯૫૦થી જ ચીને ભારતની કેટલીક જમીન પર પોતાનો અધિકાર ગણાવીને મેકમોહન રેખાને અમાન્ય કરી. ચીનના આ દાવા પ્રમાણે ૩૨,૩૦૦ વર્ગ માઈલ ‘નેફા’ (નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી - NEFA - જે હવે અરુણાચલ પ્રદેશના નામે ઓળખાય છે)નો અને ૧૨,૦૦૦ વર્ગ માઈલ વિસ્તાર લદાખમાં ચીને પોતાનો ગણાવ્યો. આ માત્ર કાગળ પરની માગણી રહી નહીં, ૧૯૬૨ની દિવાળીના દિવસોમાં ચીની લશ્કર ભારતની સરહદ પર ત્રાટક્યું, અને બ્રિટિશ-અમેરિકા દ્વેષી - સામ્યવાદપ્રેમી સંરક્ષણ પ્રધાન વી. કે. કૃષ્ણમેનન તેમજ આંતરરાષ્ટ્રીયવાદના તરંગી વડા પ્રધાન પંડિત જવાહર લાલના કારણે શિથિલતા તેમજ ભ્રષ્ટતાનો ભોગ બનેલા ભારતીય સૈન્યે પીછેહઠ કરવી પડી.

૧૯૭૧ના યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાન એક સ્વતંત્ર દેશ ‘બાંગ્લાદેશ’ના નામે બદલાયું. ૧૯૭૨માં ભારત-પાકિસ્તાન વચ્ચે સીમલા સમજૂતી થઈ.

તવારિખના પાને આ ઉથલપાથલોએ ભારતના સીમાડા વધુ સળગતા બનાવ્યા છે, અને વધુ સતેજ!

- અને હિમાલય?

ચીને તિબેટ પર પંજો ફેલાવ્યો ત્યાં સુધી હિમાલયનો આપણો પહેરો અખંડ હતો, અખંડ અને પ્રાકૃતિક. પણ આજે? જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશનો ઉત્તરાંચલ, પશ્ચિમ બંગાળ અને અસમ, અરુણાચલ અને સિક્કિમ-નેપાળ-ભૂટાન સુધી હિમાલય પથરાયેલો છે. આનું જ વર્ણન ‘કુમાર સંભવમ્’માં કવિ કુલગુરુ કાલિદાસે કર્યું છેઃ

‘अस्त्युत्तरस्याम दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः ।।’

હિમાલયનાં ભવ્ય અને ઊંચેરાં શીખરો જે પર્વતારોહકો માટે સાહસનો અદમ્ય પડકાર અને ભાવિક હિન્દુ માટે શ્રદ્ધાનાં દિવ્ય-ભવ્ય કેન્દ્ર બની રહ્યાં છે તે ગૌરી શિખર (એવરેસ્ટ) ૨૯,૦૨૮ ફૂટે નેપાળ - તિબેટ સરહદે છે. સિક્કિમ - તિબેટ સીમા પર કાંચનજંઘા (૨૮,૧૬૮ ફૂટ) શોભે છે. અન્નપૂર્ણા નેપાળમાં (૨૬,૫૦૪ ફૂટ) પડે છે. કુમાઉ ખીણમાં નંદાદેવીનું સ્થાન છે, તેની ઊંચાઈ ૨૫,૬૪૫ ફૂટ છે. ૧૪થી ૧૭ ફૂટની ઊંચાઈએ બર્ફિલી ભૂમિ છે. ગંગોત્રી અને ગંગા, બદરીનાથ અને કેદારનાથ, યમુના અને યમુનોત્રી, હરિદ્વાર અને ઋષિકેશ, ત્રિવેણી સંગમ અને દેવપ્રયાગ, ફૂલો કી ઘાટી અને વિષ્ણુપ્રયાગ, પશુપતિનાથ અને અમરનાથ, કૈલાસ માનસરોવર....આટલા વૈવિધ્યસભર શ્રદ્ધા અને સૌંદર્યનાં સ્થાનો હિમાલયની દેન છે. સંસ્કૃતિ કાંઈ શુકપાઠથી નથી થતી, આવી પરંપરિત જીવનધારા થકી નીપજે છે.

હિમાલયના પડછાયે જીવતા પ્રદેશોમાં સર્જાયેલી રાજકીય સરહદો કેવીક છે?

કાશ્મીર પહેલું યાદ આવે.

૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર પર પહેલવહેલું આક્રમણ કર્યું. યુદ્ધવિરામને કારણે કેટલોક ભાગ પાકિસ્તાનના હાથમાં ગયો. પીઓકે (પાક કબજાગ્રસ્ત કાશ્મીર - પીઓએ) અને પછીથી કેટલોક ભાગ ચીનમાં ભેળવવામાં આવ્યો. પાકિસ્તાન અને ચીન પાસે જમ્મુ-કાશ્મીરના ૨,૨૨,૨૩૬ વર્ગ કિલોમીટર જમીન ગેરકાયદે રીતે છે. કાશ્મીરની ઉત્તરે ચીન અને રશિયન ટર્કિસ્તાન, પૂર્વમાં તિબેટ અને દક્ષિણે પંજાબ તેમજ પશ્ચિમે પાકિસ્તાન નજીક છે. લદાખ તેનો ૭૦ ટકા ક્ષેત્રીય હિસ્સો જાળવે છે જ્યાં એક કિલોમીટરે માંડ ૩૩ નાગરિકો વસે છે.

શ્રીનગર વસાવ્યું હતું પ્રિયદર્શી અશોકે. ઝેલમનું મૂળ નામ છે વિતસ્તા. બારમી સદીમાં કલ્હણે અહીં લખી હતી રાજતરંગિણી. લદાખમાં મહાયાન સંપ્રદાયની પરંપરા ગાજે છે. લેહ નગરી તેનું ઘરેણું છે. ૧,૮૨૯ ફૂટની ઊંચાઈએ માતા વૈષ્ણોદેવી વિરાજે છે. ‘શંકરાચાર્યની ટેકરી’ વિના કાશ્મીરની ઓળખ અધૂરી છે.

લદાખની દક્ષિણે હિમાચલ પ્રદેશ છે. મહાભારતનો કિન્નર દેશ અને સુંદર કિન્નર નર-નારીઓની આ ભૂમિ. અહીંથી હિન્દુસ્તાન-તિબેટ રોડ શરૂ થાય છે. હિમાચલ પ્રદેશના લાહુલ અને સ્પિતિ પાર કરીએ એટલે કુમાઉ પ્રદેશ આવે. ઉત્તર પ્રદેશનો આ સરહદી વિસ્તાર છેઃ ઉત્તરકાશી, ચમોલી, પીથોરાગઢ, ગઢવાલ અને અલમોડા સુધી તે લંબાયેલો પડ્યો છે. અહીંથી લીપુ લેક, દર્મા, કુંગરી બીંગરી, શાલશાલ, નીતિ, માના અને જેલુ ખાગાની પહાડીઓ તિબેટ સાથેના સંબંધો સાંકળે છે. ‘ભોટિયા’ જનજાતિ આ વ્યવહારમાં પરંપરાગત રીતે નિપુણ હતી. ‘દોગ્પા’ પણ આવું કામ કરતા. તેમનો પરંપરાગત વ્યવસાય ચીની આક્રમણ પછી છીનવાઈ ગયો.

પશ્ચિમ બંગાળ નેપાળ-ભૂટાન-સિક્કીમની સરહદોથી સંકળાયેલું છે. ‘ગુરખાદેશ’ની ચળવળ દાર્જિલિંગથી આરંભાઈ તેને પર્વતીય મથકોમાં મહારાણી (ક્વિન્સ ઓફ હિલ સ્ટેશન્સ) ગણવામાં આવે છે.

હિમાલયની પર્વતમાળા પૂર્વ સરહદે બર્મા સાથે આરાકાનની પહાડી દ્વારા, ખૈબરઘાટે પાટકોઈ પહાડી અને લુશાઈ પર્વતની હારમાળા ઈશાનમાં વિસ્તરેલી છે. જેમ ગંગા હિમાલયનું સંતાન છે, બ્રહ્મપુત્ર પણ એક તરફ તિબેટમાં ‘ત્સાંગ પો’ નામે અને અસમથી બાંગલા દેશ લગી બ્રહ્મપુત્ર સ્વરૂપે વહે છે. ૧૮૦૦ માઈલની આ દીર્ઘયાત્રિક મહાસરિતાનું પ્રવાહ ક્ષેત્ર ૯,૩૮,૬૦૦ વર્ગ કિલોમીટરનું! વિભાજન પૂર્વેના દિવસોમાં કલકત્તાથી અસમ પહોંચવા બ્રહ્મપુત્રાનો ઉપયોગ વિશેષ થતો. ગુવાહાટીથી કલકત્તા સુધીનો તેનો જળમાર્ગ ૭૬૧ કિલોમીટરનો છેઃ ૧૯૬૫નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી આ જળ-પ્રવાસ બંધ થઈ ગયો છે.

એકંદરે ભારતીય સરહદોનું સ્પષ્ટ ચિત્ર આ પ્રમાણે છેઃ

ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ લગભગ ૧૫,૨૦૦ કિલોમીટરની અને સમુદ્રકિનારે ૭૫૧૭ કિમીની છે.

પાડોશી દેશો છે - પાકિસ્તાન, ચીન બર્મા (મ્યાંમાર), શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન.

ભારત-ચીન વચ્ચેની સમાન સરહદ ૩૯૧૭ કિમીની - ઈશાન ભારતથી કાશ્મીર સુધી. ‘મેકમોહન રેખા’ને માન્ય ન રાખવાના વિવાદથી ૫૦,૦૦૦ વર્ગ માઈલ સરહદી પ્રદેશ પર ચીનનો ડોળો છે. મેકમોહન હરોળ ૧૯૧૩-૧૪માં સીમલા પરિષદમાં નક્કી થઈ હતી. ચીન કહે છેઃ એ તો બ્રિટિશરોની સામ્રાજ્યવાદી કુટિલતા હતી. આપણે શા માટે માનીએ?

૨૦ ઓક્ટોબર ૧૯૬૨ના ચીને ‘નેફા’ અને લદાખમાં આક્રમણ કર્યું. ૨૧ નવેમ્બરે યુદ્ધવિરામ થયો.

પાકિસ્તાન સાથેની સરહદનો વિસ્તાર ૩૩૧૦ કિમીનો છે. તે જમ્મુ-કાશ્મીર, પંજાબ અને ગુજરાત અને રાજસ્થાનને સાંકળે છે. તેમાં ૧૨૧૬ કિમી જમ્મુ-કાશ્મીરમાં આમાંથી માંડ ૨૦૦ કિમી પર ડિમાર્કેશન થયેલું છે. પાકિસ્તાનના આક્રમણ પછી લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) વાસ્તવિક હરોળ ૭૯૦ કિમી અને ૯૮ કિમી સિયાચીનમાં થાય છે.

પંજાબની સરહદ ૫૪૭ કિમીની છે.

રાજસ્થાનમાં ૧૦૩૫ કિમી છે.

ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદ ૫૧૨ કિમી છે.

પંજાબમાં ૫૪૭ કિમીની સરહદ પર સરહદી થાંભલા સાથે ચોખ્ખું ડિમાર્કેશન છે. અને બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)નો પહેરો છે.

રાજસ્થાનની ૧૦૩૫ કિમી સરહદ પર રણ વિસ્તાર છે. બીએસએફ સુરક્ષા જાળવે છે. ગુજરાતમાં મુખ્યત્વે કચ્છ સિંધ સાથે જોડાયેલું છે અને કૃત્રિમ સરહદ ૫૧૨ કિમીની છે.

બાંગ્લાદેશ સાથેની સરહદનો વિસ્તાર ૪૦૯૬ કિમીનો તેમાંથી ૭૮૧ કિમીની નદીની સરહદ છે. પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશ વચ્ચેનો સરહદી આંક ૨૨૧૬.૭૦ કિમીનો છે. મુર્શિદાબાદમાં પદ્મા અને ચોવીસ પરગણામાં ઈચ્છામતી-કાલિન્દી નદીથી ૩૫૦ કિમીની જળરેખા (રિવરલાઇન) અંકિત થાય છે.

ઈશાન ભારતમાં ત્રણ પ્રદેશો પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા છે.

આસામ-બાંગલાદેશઃ ૨૬૨ કિમી

મેઘાલય-બાંગલાદેશઃ ૪૪૩ કિમી

મિઝોરમ-બાંગલાદેશઃ ૩૧૮ કિમી

ત્રિપુરા-બાંગલાદેશઃ ૮૫૬ કિમી

ભારત-નેપાળ વચ્ચેની સરહદ ૧૭૫૨ કિમીની છે. બર્મા (મ્યાંમાર) સાથે ૧૪૫૮ કિમીની અફઘાનિસ્તાન સાથે ૧૦૬ કિમી સરહદ છે. ભૂટાન સાથે ૫૮૭ કિમીની છે.


comments powered by Disqus