ઈતિહાસ બોધની ‘નાનકડી’ પણ ‘મોટી’ ઘટના!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 16th March 2020 05:22 EDT
 
 

કોઈક નાનીસરખી ઘટના પણ આપણા માટે ‘ઈતિહાસ બોધ’નો આનંદ આપી દેતી હોય છે ને?

હમણાં જેએનયુના એક મિત્રે ખબર આપ્યા કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પરિસરની એક છાત્ર-હોસ્ટેલ (સુબંસરી પરિસર, તમે પૂછશો કે આ ‘સુબંસરી’ વળી શું? એ અસમની એક નદી છે અને અહીં દેશની વિવિધ નદીઓ પરથી હોસ્ટેલોનાં નામ પડ્યાં છે!) આ રસ્તાને ‘વિ.દા. સાવરકર’ માર્ગ નામ અપાયું છે!

નિમિત્ત બનવાનો આનંદ આ રસ્તાની સાથે છે. ૨૬ ફેબ્રુઆરીએ ૧૯૬૬માં સાવરકરે સ્વૈચ્છિક દેહત્યાગ કર્યો હતો. તેની પુણ્યસ્મૃતિ માટે દિલ્હીના આંબેડકર ભવનમાં સાવરકર સાહિત્ય પ્રતિષ્ઠાન દ્વારા એ દિવસની ગોષ્ઠિ થઈ. બે પૂર્વ ગવર્નર, પાંચ કેન્દ્રીય પ્રધાનો, ૧૫ જેટલા પત્રકારો, ૨૫ વિદ્વદ્જનો - ઈતિહાસકારો - અધ્યાપકોએ તેમાં સાવરકરનું જીવન, દર્શન, સમાજસુધાર, ક્રાંતિકાર્ય, પત્રકારત્વ વિશે વિશદ્ ચર્ચા કરી. દેશભરના ૨૦૦૦ જેટલા સહભાગી બન્યા.

યોગાનુયોગ એ જ દિવસે રાત્રે - જેએનયુના વિદ્યાર્થીઓના આગ્રહથી - સ્મરણસભા થઈ! પ્રા. ડો. અંશુ જોષી, જસવંત કેઈન, પીએચ.ડી.ના વિદ્યાર્થી શાંભવી જહા, સંગઠક વિનય ચિંટા વગેરેએ સાથે મળીને આયોજન કર્યું અને જેએનયુની હોસ્ટેલમાં તે રાત્રિ-સભા થઈ. સાવરકર અને ક્રાંતિકારોનાં ભૂલાઈ ગયેલાં બલિદાનો વિશે કલાકેક આ ચર્ચા મેં કરી.

જેએનયુમાં તો અફઝલ ચાલે, મહિષાસુરની ઊજવણી થાય, ‘કશ્મીરની આઝાદી’ના નારા લાગે, વામપંથી ઈતિહાસ ભણાવાય... ત્યાં સાવરકર?

હા. હવા બદલાય છે ત્યારે તે કોઈની પરવા કરતી નથી. તે આંધી પણ બને છે.

આ નાનકડી ઘટનાનો એકલો અંગત પરિતોષ નથી, આપણાં સાર્વજનિક જીવનના ઈતિહાસ બોધનો સંકેત પણ છે. સ્મૃતિ-સભાના અઢારમા દિવસે જ આ મહાનાયકનું સ્મરણ કરતા માર્ગનું નામાભિધાન થાય તેની ખુશી કોઈ પણ રાષ્ટ્રપ્રેમી નાગરિકને જરૂર થશે.

કારણ એ છે કે દેશને માટે ૧૮૫૭થી ૧૯૪૭ સુધીમાં બલિદાની થયેલાઓનું વિસ્મરણ અવિરત હતું. ઈતિહાસોમાં, પાઠ્ય પુસ્તકોમાં, અધ્યાપનમાં, લેખોમાં, પુસ્તકોમાં. તેનું પરિણામ એ આવ્યું કે આ હૂતાત્માઓ વિસ્મૃત બની ગયા અને તેમના વિશેની ભ્રાંતિ સ્થાપિત થઈ ગઈ. નહીં તો દેશના સૌથી જૂના રાજકીય પક્ષનો રાષ્ટ્રીય અધ્યક્ષ એવું થોડો બોલે કે હું સાવરકર નથી! સાવરકર જેવા ક્રાંતિકારો કંઈ પાગલ નહોતા, હિંસાખોર નહોતા. (બિપીન ચંદ્ર નામના ઈતિહાસકારે તો તેમનાં પુસ્તકમાં ભગત સિંહ અને તેના સાથીદારોને ‘આતંકવાદી’ ગણાવ્યા હતા! વર્ષો સુધી આ પુસ્તક યુનિવર્સિટીઓમાં ભણાવાયું પણ ખરું!) તેમણે માત્ર આઝાદી માટે સ-શસ્ત્ર સ્વાતંત્ર્યનો રસ્તો પકડ્યો હતો. સ્વયં સાવરકરે લખ્યું છે કે અમે હિંસામાં જરીકે ય વિશ્વાસ નહોતા રાખતા. પણ દેશને માટે સંઘર્ષ અને બલિદાનનો બીજો રસ્તો જ નહોતો એટલે અમે હથિયાર ઊઠાવ્યાં હતાં.

સાવરકરનું જીવન તો સમર્પણનું મહાકાવ્ય હતું. એ જલદ ક્રાંતિકાર હતા. ૧૮૫૭ના ઈતિહાસકાર હતા, ભારતીય જીવનદર્શનના અભ્યાસી હતા. સંપૂર્ણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતા હતા. સાહસિક હતા, સંગઠક હતા. સંસારસુધારો અને સ્વભાષાપ્રીતિ તેમનાં ક્ષેત્ર રહ્યાં. પત્રકાર તો હતા જ હતા, વિદેશોમાં આપણા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા, લાલા હરદયાળ, વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, મેડમ કામાની સાથે રહીને બીજા દેશોની આંખો ખોલી કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યવાદ કેવાં દમન આચરી રહ્યો છે. મેક્સિમ ગોર્કી, દ’ વેલેરા, કમાલ પાશા અને આઈરિશ ક્રાંતિકારો સાથે ગાઢ સંપર્કમાં હતા. લંડનમાં જ તેનો સાથી બ્રિટીશ-આઈરીશ પત્રકાર ગાય-દ-અલ્ફ્રેડ હતો.

આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ સ્ટુટગાર્ટમાં મળી ત્યારે ફ્રાંસ સહિતના સમાજવાદી નેતાઓનો સહયોગ લઈને પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ‘ઈન્ડિયન સોશ્યોલોજિસ્ટ’, ‘વંદે માતરમ્’ ‘મદન તલવાર’ ‘ગદર’ જેવાં અખબારો આ ક્રાંતિકારોએ પ્રકાશિત કર્યાં તેમાં, હવે દરેક જગ્યાએ નોંધવામાં આવે છે તેમ ગુજરાતી પત્રકાર છગન ખેરાજ વર્માએ ગુજરાતી ‘ગદર’નું પ્રકાશન કર્યું હતું!

આંદામાનની કાળ કોટડીમાં સાવરકર સહિત ૨૦૦ જેટલા ક્રાંતિકારોએ ભયંકર યાતના વેઠીને કેદ ભોગવી તેને બદલે તેમની ‘તથાકથિત માફી’ની વાત કરતા રહેનારાઓને જોઈને આપણી ‘કૃતઘ્નતા’નો જ અંદાજ આવે!

ઈતિહાસ - બોધની કેટલીક ઘટનાઓ આપણા આંગણે બની તે યાદ કરવા જેવી છે. તત્કાલિન મુખ્ય પ્રધાન (હવે વડા પ્રધાન) નરેન્દ્ર મોદી છેક વિયેના જઈને વિસ્મૃત ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માના ૧૯૩૦થી ત્યાં જળવાયેલાં અસ્થિને પરત લાવ્યા અને માંડવી, કચ્છમાં ‘ક્રાંતિતીર્થ’નું સ્મારક બનાવ્યું તે યાદ છે? મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુચાચાએ છેક ૧૯૩૫માં લંડનમાં બેસીને શ્યામજી કૃષ્ણવર્માનું પ્રથમ જીવનચરિત્ર લખ્યું હતું, તે ૧૯૫૦માં છપાયું. બીજું, આધિકારિક જીવનચરિત્ર થોડાંક વર્ષો પર ‘શ્યામજીઃ ક્રાંતિની ખોજમાં’ મેં અને પત્ની આરતીએ લખ્યું, તેનું વિમોચન મુંબઈમાં ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ કર્યું. ગુજરાતના સાવ અજાણ્યાં ક્રાંતિસ્થાનોની રઝળપાટ કરીને લખાયેલાં ‘ગુજરાતના ક્રાંતિતીર્થો’ની પત્ર-પ્રસ્તાવના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈએ લખી હતી તે પુસ્તક સી. બી. પટેલના ‘ગુજરાત સમાચાર’ - ‘Asian Voice’ના ઉપક્રમે અમદવાદમાં લોકાર્પિત કરાયું તે પૂ. મોરારિબાપુ અને નરેન્દ્રભાઈના વરદહસ્તે! આવો પ્રથમ ઈતિહાસ ગાંધીવાદી મુખ્ય પ્રધાન બાબુભાઈ જ. પટેલે લખાવડાવ્યો હતો!

આવી ઈતિહાસ બોધની ઘટનાઓમાં એક ઉમેરણ એટલે જેએનયુમાં સાવરકર!


comments powered by Disqus