એક સ્મરણીય સન્માન અને લોકાર્પણની લકીર

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 03rd December 2019 04:19 EST
 
 

એક કહેવત તો આંતરરાષ્ટ્રીય છેઃ ‘મોહમ્મદ પર્વતની પાસે ન જાય તો પર્વત મોહમ્મદની પાસે જશે!’

આ કહેવત નવેમ્બરની ૨૮મી તારીખે યથાર્થ ઠરી. સ્થાન ગાંધીનગર. સચિવ અનિશ માંકડનું નિવાસસ્થાન. સાંજના પ્રકાશમાં ત્યાં સાહિત્યપ્રેમીઓ અને સચિવો-ઉપસચિવો ખુલ્લા મંડપમાં એકત્રિત થયા હતા. મંચ પર ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. વચ્ચે જે વ્યક્તિવિશેષ હતા - તબીબી ચેરમાં - તે મોહમ્મદ માંકડ. આપણા ગુજરાતી સાહિત્યકાર!

તો, સાચેસાચ ‘મોહમ્મદ’નું અભિવાદન કરવા મુખ્ય પ્રધાન તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા! કારણ એ હતું કે ગુજરાત સાહિત્ય અકાદમીએ તેનો સર્વોચ્ચ પુરસ્કાર - ગૌરવ સન્માન - મોહમ્મદભાઈને એનાયત કરવા માટે આ કાર્યક્રમ યોજ્યો હતો.

મોહમ્મદ માંકડ? અત્યારે તો ‘સંદેશ’ની કોલમના લગાતાર લેખક. ન જાણે, કેટલાં વર્ષોથી લખતા આવ્યા છે. ઘણાબધાને તેનાથી પ્રેરણા પણ મળી છે. ‘મોટીવેશન ગુરુ’નું ભારેખમ પીછું લગાવ્યા વિના મોહમ્મદ માંકડ જીવનના સાતે રંગોનું શબ્દોમાં આલેખન કરે છે.

ગુજરાતી સાહિત્યમાં ૧૯૫૦થી ઘણાં વર્ષો હતા જ્યારે વાર્તા અને વાર્તાકારોની બોલબાલા હતી. ગુલાબદાસ બ્રોકર, દિલીપ રાણપુરા, મોહમ્મદ માંકડ, રજનીકુમાર પંડ્યા, ભૂપત વડોદરિયા, ચંદ્રકાંત બક્ષી, ચુનિલાલ મડિયા, ગુણવંતરાય આચાર્ય, ચુનીલાલ વર્ધમાન શાહ, શિવકુમાર જોશી... આ લેખકોની વાર્તાઓ વાચકોના ચિત્તમાં કાયમ સ્થપાઈ ગઈ હતી. અશોક હર્ષનું ‘ચાંદની’ અને પીતાંબર પટેલનું ‘આરામ’ વાર્તા સામાયિકોનું અત્યંત લોકપ્રિય. પોતાના ફોટો અને પરિચય સાથે વાર્તા છપાય તેને માટે નવોદિતો પણ તડપતા! છાપાંઓમાં પણ દરેક સોમવારે એક નવલિકા પાનું ભરીને છપાય. તેમાં ઝવેરીલાલ મહેતા કે જી. એચ. માસ્ટરના ખેંચેલા ફોટો પણ હોય, વાર્તાને અનુરૂપ. ‘જયહિંદ’, ‘નૂતન સૌરાષ્ટ્ર’, ‘જનસત્તા’, ‘સંદેશ’ વગેરેને માટે વાર્તા એક આકર્ષણ રહેતું.

ગુજરાતની એક આખી પેઢી કસબી વાર્તાકાર તરીકે સુપ્રતિષ્ઠ થઈ રહી હતી. માંકડ શિક્ષક હતા, નોકરી છોડી. થોડોક સમય ‘ફૂલછાબ’માં ગોઠવાયા. જીગરજાન દોસ્ત ભૂપત વડોદરિયા તો તેના યુવા તંત્રી બન્યા.

સુરેન્દ્રનગર પાસે જોરાવરનગરની એક સોસાયટીમાં આ દાઢીધારી (આજે રાજકારણમાં, એમ તે સમયે સાહિત્યની દુનિયામાં દાઢીની પ્રતિષ્ઠા હતી.) લેખક પરિવારની સાથે રહેતા. સુરેન્દ્રનગર કોલેજમાં ભણતા વિદ્યાર્થી તરીકે મને તેમની ઉત્સુક્તા રહેતી. ઘણી વાર તેમના ઘરે જાઉં. આ હેતાળ માણસ અલકમલકની વાતો કરે, કોઈ ભારેખમ અસર નહીં!

અત્યારે તેમની વય ૯૨ વર્ષની છે. જીવનસંઘર્ષના પરિણામરૂપે તદ્દન પથારીવશ. ૨૬મીએ અમે પૂર્વ તૈયારી માટે ગયા - હું અને મહામાત્ર અજયસિંહ - તો પરિવાર આખો ચિંતામાં હતો. રાત આખી ભારે મુશ્કેલીમાં વીતી હતી. ડોક્ટર ખડેપગે હાજર હતા. ઈન્જેક્શનો, દવાઓ, બીજી સારવાર... હજુ ત્રીસેક દિવસ પૂર્વે તો તેમણે મારી સાથે મબલખ વાતો કરી, જૂના દિવસો યાદ કર્યાં, હસ્યા અને હસાવ્યા. સાહિત્ય અકાદમીનો એવોર્ડ તેઓ સ્વીકારશે કે કેમ તે પૂછાવ્યું. પુત્રી અસ્માએ તેમને કહ્યું તો કહેઃ વિષ્ણુભાઈ કહે છે એટલે હું લઈશ!

અકાદમીએ લોકપ્રિયતાને અને ‘પ્રશિષ્ટ’ કૃતિઓની વચ્ચે ભેદ રાખ્યા વિના તેમને ગૌરવ સન્માનનો નિર્ણય લીધો હતો. પોતે સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ હતા! માધવસિંહ સોલંકી સાથે સાહિત્યમૈત્રીમાં મોહમ્મદ માંકડ, ભૂપત વડોદરિયા, વાસુદેવ મહેતા અને શેખાદમ આબુવાલાનો દબદબો હતો. વર્તમાન મુખ્ય પ્રધાને આદરપૂર્વક મોહમ્મદભાઈનું સન્માન કર્યું. એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો.

ડોક્ટરે થોડીક મિનિટો જ કાર્યક્રમમાં રહેવાની સૂચના આપી હતી. પણ પૂરા દોઢ કલાક હાજર રહ્યા! બોલવાનું અનુકૂળ નહોતું પણ તેમની આંખો ઘણુંબધું કહેતી હતી. સાહિત્ય અકાદમી અને સમગ્ર સરકાર સન્માન આપી રહી હતી તે વિરલ ઘટના મંચથી શ્રોતાજન સુધી સર્વવ્યાપ્ત હતી. રઘુવીર ચૌધરી, ચંદ્રકાંત શેઠ, રજનીકુમાર પંડ્યા, રતિલાલ બોરીસાગર અને બીજા ઘણા સાહિત્યકારો ઉપસ્થિત હતા.

દૂરદર્શન અને અખબારો આવા મહત્ત્વના પ્રસંગને લગભગ ભૂલી ગયા અથવા નોંધપાત્ર રિપોર્ટિંગ ના થયું, પણ ગુજરાતમાં સાહિત્યનો આત્મા ધબકે છે, તેની સાક્ષી આ કાર્યક્રમે આપી.

જેએનયુ ચર્ચાઇ ગુજરાતમાં

હમણાં અમદાવાદમાં ગુજરાતી સાહિત્યના સીમાચિહ્ન જેવો એક બીજો પણ કાર્યક્રમ યોજાઇ ગયો. ગુજરાતી સાહિત્યની વૈચારિક ચેતના હવે દિલ્હી સુધી રાષ્ટ્રીય સ્તરે-પહોંચી ગઈ એમ એક શ્રોતા વિદ્વાને મને કહ્યું. વાત સાચી છે. જેએનયુ - જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો આંતરિક ગ્રહ-વિગ્રહ કેવો છે, શા માટે થયો તેનો સાહિત્યક અંદાજ ડો. અંશુ જોશીની નવલકથા ‘જેએનયુ મેં એક લડકી રહતી થી’માં મળે છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૩ નવેમ્બરે અમદાવાદમાં ભરચક શ્રોતાજનો વચ્ચે લોકાર્પિત થયો. સાથે જ ડો. માલા કાપડિયાનું પુસ્તક ‘સુરેશ જોશીની સર્જનયાત્રા’ પણ લોકોના હાથમાં પહોંચી.


comments powered by Disqus