ગાંધી, સરદાર અને અમદાવાદ!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 02nd October 2018 07:05 EDT
 
 

ગાંધી અને સરદારઃ આજકાલ ગુજરાતમાં બે સ્વર્ગસ્થ ચર્ચિત ચહેરાઓની બોલબાલા છે! રાજકોટમાં જ્યાં ગાંધી ભણ્યા હતા તે મ્યુઝિયમ અને સરદારની પ્રતિમા - બન્ને વડા પ્રધાનનો ઉપહાર છે. વાયબ્રન્ટ વખતે એનઆરજીના મેળાવડામાં ગાંધી-સરદારને એક તરુણ સમક્ષ પ્રત્યક્ષ કરતું નાટક મેં લખ્યું તે ભજવાયું હતું. સાબરમતીના ઐતિહાસિક કિનારે અમેરિકાવાસી જગદીશભાઈએ મને કહ્યું કે અરે, આ તો દુનિયાના દેશોના આપણા ગુજરાતીઓ સમક્ષ પ્રસ્તુત કરવા જેવું છે!

અમદાવાદનો તો આત્મીય સંબંધ બન્ને મહાપુરુષોની સાથે. બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેમનું પહેલું સ્વાગત મુંબઈમાં થયું. તેમાં હોમરુલ આંદોલનનાં અગ્રણી બેરિસ્ટર મોહમ્મદઅલી ઝીણાનું ભાષણ થયું. ગાંધી સાર્વજનિક જીવનમાં પોતાના સત્યાગ્રહ અને સ્વદેશીની ધાક જમાવવા માગતા હોય તેમ (આવું તેમણે ભગિની એની બેસન્ટના કાર્યક્રમમાં પણ કર્યું હતું) સભામાં જ ઝીણાસાહેબ પોતાની ભાષામાં બોલ્યા હોત તો સારું થાત એવું જણાવી દીધું! ઇતિહાસ કહે છે કે ઝીણાસાહેબને આ વિધાનનો ઊંડો ઘા વાગ્યો અને પછીની ઘટનાઓ સ્પષ્ટ છે.

અમદાવાદ ઉપરાંત સત્યાગ્રહ આશ્રમનો તેમને ઘણી જગ્યાએ આગ્રહ કરાયો હતો, પણ ગુજરાત તેમણે પસંદ કર્યું. અમદાવાદ શ્રેષ્ઠીઓ અને મિલમાલિકોનું સ્થાન તે પણ કારણ હશે જ. બિરલા અને બજાજ જેવા ઉદ્યોગપતિઓ તેમની સાથે કાયમ રહ્યા હતા. અમદાવાદમાં પણ મહાજનોનો સહયોગ મળ્યો. ‘મજુર-મહાજન’ સંગઠન રચાયું અને આશ્રમથી દાંડીની ઐતિહાસિક યાત્રા થઈ. એ યાત્રામાં જે સત્યાગ્રહીઓ હતા અને જે સાથે હતા તેની વિગતો રોચક છે.

છેક અમેરિકામાં સ્વાતંત્ર્ય ચળવળના સૂત્રધાર મજમુદાર અને દાંડી સમયે સાવ તરુણ કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી બન્ને દાંડી-ઘટના વખતે હાજર હતા. શ્રીધરાણીએ તો ‘આવવું ન આશ્રમે, મળે નહીં સ્વતંત્રતા!’ જેવું યાદગાર કાવ્ય ‘સપુત’ ત્યાં જ રચ્યું અને ગાંધીજીનો ઠપકો - ‘આના કરતાં કાંતણકામ કર્યું હોત તો?’ સાંભળ્યો!

ટાગોરની ના!

કાંતણ મહાત્માની સંજીવની હતી. પણ રવીન્દ્રનાથની નહીં! ‘કવિ અને મહાત્મા’ પુસ્તકમાં તેની રસપ્રદ ચર્ચા છે. રવીન્દ્રનાથ ‘કાંતણમાં સમય બગાડવાની’ તરફેણ કરતા નહોતા, પણ એક હંગેરિયન નવલકથાકાર રોઝાએ – જે ૧૯૨૯થી ૧૯૩૧ સુધી - શાંતિનિકેતનમાં પતિની સાથે રહેલી, તેણે ‘વિપ્લવી બંગાળ’ નામે હંગેરિયન ભાષામાં ડાયરી લખી હતી, તે તેના મર્યા પછી તે ભાષામાં પ્રકાશિત થઈ અને તેનાં ૪૦ વર્ષ પછી અંગ્રેજીમાં ઢાકામાં છપાઈ, તેમાં આ દાંડીકૂચનું આલેખન છે.

તેમાં જણાવ્યા પ્રમાણે ટાગોરની મરજીની વિરુદ્ધ જઈને અથવા છૂપા છૂપા શાંતિનિકેતનના કેટલાક છાત્ર-અધ્યાપકો સાબરમતી પહોંચ્યા હતા. તેમાંની એક ડેન્માર્કની ઈવા હતી, તે શાંતિનિકેતનના ખ્યાત લેખક અમીય ચક્રવર્તીની સાથે પરણી પણ મેળ પડ્યો નહીં. કોપનહેગનમાં ચર્ચ સમક્ષ થયેલાં લગ્ન શાંતિનિકેતનમાં ભારતીય પદ્ધતિથી રવીન્દ્રનાથે કરાવ્યાં. ‘ઈવા’નું નામકરણ ‘હેમંતી’ થયું, તે પતિની અનિચ્છા છતાં દાંડીયાત્રામાં જોડાઈ અને યરવડા જેલમાં પણ ગઈ.

દરમિયાન પ્રોફેસર સાહેબ શાંતિનિકેતનમાં જ એક જર્મન યુવતીના પ્રેમમાં પડ્યા, હેમંતીને ખબર પડી. તેણે લગ્નવિચ્છેદ જાહેર કર્યો, પરંતુ ભારતીય નાટકમાં સુખાંત આવે તેમ આ બન્નેનું પુનર્મિલન થયું અને છેવટ સુધી સાથે રહ્યાં. બંગાળ વિશે લખનાર રોઝાએ સાબરમતીમાં ગાંધીજી સાથેની વાતચીતનું વર્ણન કરતાં લખ્યું છે કે ‘પોતાની વાતનો કેવોક પ્રભાવ પડ્યો છે તે જાણવા ગાંધી ચશ્મા પાછળની આંખોથી માપી લેતા!’

બે આશ્રમોની કહાણી

ગાંધી એટલે અમદાવાદમાં બે આશ્રમોનું નેતૃત્વ. બીજો કોચરબમાં, જે પૌરાણિક ‘આશાપલ્લી’ની યાદ તાજી કરે છે. અમદાવાદ પૂર્વે કર્ણાવતી અને તેની પૂર્વે આશા ભીલનું નગર ‘આશાવલ’ કે ‘આશાપલ્લી’ ત્યાં હતું. ને સાબરમતી તો એક જમાનાની સાભ્રમતિ એટલે ઇન્દ્રને વજ્રાસુધ બનાવવા પોતાનાં અસ્થિ અર્પણ કરનારા દધિચી ઋષિના આશ્રમનો કિનારો. એક ત્રીજી ઐતિહાસિક ગાંધી-જગ્યા શાહીબાગમાં આવી છે. શાહજહાંના જે મહેલમાં સરદાર સ્મારક છે, તેની બરાબર સામે સરકારી અતિથિ ગૃહ સરકીટ હાઉસ છે. નવું સરકીટ હાઉસ થતાં હવે ત્યાં અવરજવર ઓછી રહે છે પણ દિલ્હી અને અન્ય પ્રદેશોના રાજકીય મહાનુભાવોનો અહીં નિવાસ. (૧૯૭૫-૭૬માં કેન્દ્ર સરકારના ગૃહ પ્રધાન પ્રકાશચંદ્ર શેઠી અહીં ઉતર્યા હતા. બર્મુડા પહેરેલા શેઠી રાત્રે અચાનક બહાર જઈને દોડવા લાગ્યા! કોઈકે મેનેજરને ફોન કર્યો એટલે ભાવસાર નામે મેનેજર દોડતા આવ્યા અને શેઠીની પાછળ પાછળ દોડતા રહ્યા! બીજા દિવસે પ્રીતમનગરમાં નવાં કોંગ્રેસ ભવનનું ઉદઘાટન હતું તો પોતાની કારમાં હિતેન્દ્ર દેસાઈને ય બેસવા નહોતા દીધા! ૧૯૭૬નો આ પ્રસંગ.) પણ મહત્ત્વની વાત એ છે કે સરકીટ હાઉસના પ્રારંભે જે મુલાકાતી ખંડની વિશાળ જગ્યા છે ત્યાં મહાત્મા ગાંધી પર રાજદ્રોહી તંત્રીલેખો લખવા માટે મુકદમો ચાલ્યો અને ન્યાયમૂર્તિએ લોકમાન્ય તિલકને અગાઉ થયેલી સજાનું સ્મરણ કરીને ગાંધીજીને છ વર્ષની સજા ફરમાવી. આ સમગ્ર દૃશ્યનાં ચિત્રો સરકીટ હાઉસની આ પૂર્વ ‘અદાલત’ની દિવાલો પર રવિશંકર રાવળે દોરેલાં તે નિહાળી શકાય છે.

સાબરમતી જેલ વાયા ભજિયાં હાઉસ

સરકીટ હાઉસથી પૂલ પાર કરો અને જમણી બાજુ જાઓ તો હમણાં તો ‘સાબરમતી જેલનાં ભજીયાં’ની મોટી દુકાનો જોવા મળે છે. કેદીઓ તે ભજીયાં બનાવે છે, મુખ્યત્વે મેથીના ગોટા. (ખરેખર તો ભજીયાંની વિવિધતા હોય, બટાકા, ડુંગળી, કેળાં, કારેલાં, મરચાંના ભજીયાં બને. બટાકાવડા બનાવવામાં આવે, પણ અમદાવાદમાં મેથીના ગોટા અને દાળવડા - બે જ પ્રકારમાં સંતોષ માને છે. એટલે અહીં ગોટા જ મળે. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે ઘણી વાર તેનો સ્વાદ લીધો છે.) ત્યાંથી જમણી બાજુ ચીમનભાઈ પટેલ પુલ સીધા ગાંધીનગર પહોંચાડે અને એક તરફના રસ્તે આશારામ આશ્રમ (ઘણી વાર અહીં મુસાફર ‘બાપુ’ના આશ્રમની વાત કરે તો રીક્ષાવાળો આસારામ આશ્રમે પહોંચાડે છે!) જવાય અને તેની એક તરફે પુલ નીચેથી સાબરમતી જેલ અને સ્ટેશને જવાય.

આ જેલ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, સ્વામી આનંદ, મહાદેવ દેસાઈ, લોકમાન્ય તિલક, ઇન્દુલાલ યાજ્ઞિક, માનગઢ જલિયાંવાલા બાગના નાયક ગોવિંદ ગુરુ, જયંતિ દલાલ અને ૧૯૭૫-૭૬ની કટોકટી દરમિયાન કેશુભાઈ પટેલ – ઇન્દ્રભાઈ પટેલ – કાશીરામ રાણા - વજુભાઈ વાળા - સહિતના ૧૦૦૦ - ૧૨૦૦ મીસાવાસીઓ પણ રહી ચૂક્યા છે. અહીં બે બેરેકને નામ અપાયાં છે તિલક અને ગાંધીનાં.

વિદ્યાપીઠ, નવજીવન અને પ્રતિમા

બેશક, ગાંધી-ઇચ્છાનું સાર અહીં રાષ્ટ્રીય વિદ્યાલય સ્થપાયું તે ગાંધી વિદ્યાપીઠ. સરદાર સાહેબ, આચાર્ય કૃપલાણી, ગિદવાણી, કાકાસાહેબ કાલેલકર ઉપરાંત સ્વતંત્રતા પછી મગનભાઈ દેસાઈ, રામલાલ પરીખ, જિતેન્દ્ર દેસાઈ, ધીરુભાઈ દેસાઈ અને હવે ડો. અનામિક શાહ અને રાજેન્દ્રભાઈ સંભાળે છે. અહીંનું સૌથી મહત્ત્વનું આકર્ષણ વિશાળ ગ્રંથાલય છે. વિદ્યાપીઠથી થોડેક દૂર ‘નવજીવન’ કાર્યાલય. ઐતિહાસિક અખબાર અને તેનો વારસો હવે આધુનિક કર્મા કાફે સહિત, વિવેક દેસાઈની દૃષ્ટિનું પરિણામ છે. ૧૯૭૫-૭૬માં નવજીવનને ય સરકારે તાળાં મારેલાં!!

અત્યારે તો ગાંધી - એક લાઠી લઈને - ઇન્કમટેક્સ સર્કલની વચ્ચે ઊભા છે. તેમના પગ પાસે સાચાં-ખોટાં આંદોલનો, જયજયકાર અને ઝિંદાબાદ–મુર્દાબાદ ગાજતા-ગરજતા રહે છે. સરદાર જ્યાં રહેતા તે ભદ્રમાં સ્મારક છે. થોડાં વર્ષો જ્યાં રહ્યા તે ખખડધજ મકાનમાં ‘સાધના’ મુદ્રણાલય ચાલતું હતું તે સ્થાન ખમાસા સર્કલની પાસે છે.

ગાંધી-સરદારની આ અમદાવાદ-ગાથા!! ગાંધીજનો વિશે તો હજુ ઘણા કાર્યક્રમોમાં એક પંક્તિ અવશ્ય સાંભળવા મળે છેઃ

અમે, બાપુ તણાં પગલે

બધાં એવા છીએ ચાલ્યા,

હવે બાપુ તણા પગનું

પગેરું શોધવું પડશે!


comments powered by Disqus