ગુજરાતના ‘શિક્ષક’ રાજ્યપાલ, જેમણે રાજભવનને સંવાદભવન બનાવ્યું હતું...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 16th July 2019 06:11 EDT
 
 

ગુજરાતને મુઝે અસીમ પ્યાર દિયા હૈ... આ વાક્ય કંઈ કહેવા ખાતર કહેવાયું નહોતું. ગુજરાતના રાજ્યપાલ તરીકે પૂરા પાંચ વર્ષ સફળતાપૂર્વક વહન કરનારા ઓમ પ્રકાશ કોહલી ૧૪ જુલાઈ - રવિવારે રાજ ભવનમાં મળ્યા ત્યારે આ ભાવનાસભર વિધાન કર્યું. અને તેમાં અલગ રણકાર હતો. ૧૯૬૦થી આજ સુધીમાં કાર્યકારી તરીકે આવેલા ચાર બાદ કરીએ તો ઓ. પી. કોહલી વીસમા ક્રમે આવે. ગુજરાતની રાજકીય અને સરકારી નીતિ-ગતિમાં આ રાજ્યપાલોએ જે ભૂમિકા ભજવી તે પણ રસપ્રદ મૂલ્યાંકનનો વિષય છે.

ગુજરાત રાજ્યનું નિર્માણ થયું ત્યારે પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ હતા અને સાબરમતી આશ્રમમાં રવિશંકર મહારાજના હાથે સંકલ્પ લેવામાં આવ્યો. ડો. જીવરાજ મહેતાએ શપથ લીધા ત્યારે તેઓ પણ ઉપસ્થિત હતા. તેમના સમય દરમિયાન કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ થયો. ગરવી ગુજરાતના પ્રથમ પાંચ વર્ષોમાં આવો રાજકીય તબક્કો શરૂ થઇ ગયો.

નિત્યાનંદ કાનુંન્ગોના રાજ્યપાલ શાસન દરમિયાન ૧૯૬૫માં બળવંતરાય મહેતા મુખ્ય પ્રધાન હતા, અને એ દરમિયાન પાકિસ્તાનનું આક્રમણ થયું ત્યારે વિમાની અકસ્માતમાં બલવન્તરાયનું અવસાન થયું. હિતેન્દ્ર દેસાઈ ત્રીજા મુખ્ય પ્રધાન બન્યા ત્યારે શરૂઆતમાં પી. એન. ભગવતી કાર્યકારી પદ ધરાવતા હતા, પછી શ્રીમન્ન નારાયણ અગરવાલ રાજ્યપાલ બન્યા. આ વર્ષો પક્ષપલટા અને ટૂંકજીવી સરકારોના હતા.

૧૯૭૧માં આવેલું રાષ્ટ્રપતિ શાસન પહેલી વારનું અને ઘણું લાંબુ ચાલ્યું. ૧૯૭૩થી આવ્યા કે. વિશ્વનાથન્, જેમના નસીબે ચીમનભાઈ પટેલ સામેનું નવનિર્માણ આંદોલન અને તેમનું રાજીનામું, બાબુભાઈ પટેલના જનતા મોરચાનું શાસન, અને આંતરિક કટોકટી જેવી પરિસ્થિતિ આવી. આ દરમિયાન બે વાર રાષ્ટ્રપતિ શાસન પણ આવ્યું.

સાતમા રાજ્યપાલ શારદા મુખર્જી હતા, પ્રથમ મહિલા રાજ્યપાલ. જોકે શ્રીમન્ન નારાયણના પત્ની મદાલસા નારાયણ પણ જાહેર જીવનમાં રસ લેતા હતા અને મતાધિકાર પ્રાપ્ત યુવાનોનો અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો. ૧૯૮૩માં પ્રા. કે. એ. ચાંડી આવ્યા. ઓછો સમય ટક્યા. અને નેહરુ પરિવારના બી. કે. નેહરુ આરુઢ થયાં. મુંબઈની એક ગોષ્ઠીમાં તેમની ઉપસ્થિતિમાં મેં સૂચવ્યું હતું કે તમારે આત્મકથા લખવી જોઈએ. ત્યારે તેઓ મુસ્કરાયા હતા. સંસ્મરણો લખ્યા પણ ખરા. તેમણે બે મુખ્ય પ્રધાન સાથે કામ પાર પડ્યું - માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરી. અને આ વર્ષોમાં જ મેડીકલ અનામત અને ઓબીસી અનામતની આગ ગુજરાતે નિહાળી. ડો. સરુપસિંઘ અલગ પ્રકારના રાજ્યપાલ હતા. અટલ બિહારી વાજપેયી વિપક્ષી નેતા હતા ત્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા અને સરુપસિંઘને મળવા ગયા હતા.

‘ખામ’ થિયરીની સામે કોંગ્રેસના જ પીઢ નેતા રતુભાઈ અદાણીએ રાજીનામું આપીને નવો પક્ષ સ્થાપ્યો. આર. કે. ત્રિવેદી ૧૯૮૫માં રાજ્યપાલ બન્યા ત્યારે પણ માધવસિંહ હતા અને અગાઉ મુખ્ય પ્રધાન પદેથી લગભગ હડસેલી દેવાયેલા ચીમનભાઈ ફરી વાર મુખ્ય પ્રધાન બન્યા. મહિપાલસિંહ શાસ્ત્રી અને નરેશચંદ્ર સક્સેના - આ બે નામો આજે તો લગભગ વિસ્મૃત થઇ ગયાં છે. પણ તેમની અને કૃષ્ણપાલસિંહ નામે પૂર્વે એમ. એન. રોયથી પ્રભાવિત રહેલા ગવર્નર પણ આવ્યા.

આ દિવસો કોંગ્રેસના પરાજય અને ભાજપના ઉદયના હતા. અંશુમાનસિંહ પછી બે જનસંઘી નેતા અહીં રાજ્યપાલ બન્યા તે સુંદરસિંહ ભંડારી અને કૈલાસપતિ મિશ્રા. સુંદરસિંહ એટલા સાદા કે રાજ્યપાલ બન્યા પછી પણ પોતાના કપડાં જાતે ધોવાની આદત છોડી નહોતી. કૈલાસપતિ બિહારના ધુંવાધાર નેતા અને તેમની મુલાકાતના પ્રકાશન માટે ગુજરાતી સાપ્તાહિક પર મુકદ્દમો ચાલ્યો હતો. બલરામ જાખડ કાર્યકારી હતા, એસ. સી. ઝમીર પણ તેવા. નવલકિશોર શર્મા નરેન્દ્ર મોદીના મુખ્ય પ્રધાન તરીકેના સમયે રહ્યા. આ રાજ્યપાલે નરેન્દ્ર મોદીની જાહેરમાં પ્રશંસા પણ કરી હતી. ડો. શ્રીમતી કમલા બેનીવાલ તેમના અ-હાસ્ય ચહેરા માટે અને લાંબા ભાષણો માટે જાણીતા રહ્યા...

૧૬ જુલાઈ ૨૦૧૪થી ડો. ઓમ પ્રકાશ કોહલી રાજ્યપાલ બન્યા. અનોખા એ રીતે કે તેમનો આત્મા શિક્ષકનો. વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ રહી ચૂકેલા કોહલીજીએ રાજભવનને સંવાદભવન બનાવી દીધું. આ લોકભવનમાં સામાન્ય ગુજરાતી પણ મુલાકાત લેવામાં સફળ રહ્યો. સંત સાહિત્યમાં ડોક્ટરેટ મેળવનાર કોહલી તેમના પ્રત્યેક જાહેર સમારોહમાં કોઈને કોઈ ચિંતનનો મુદ્દો પ્રસ્તુત કરતા. તેમનો નિવૃત્તિ પૂર્વે છેલ્લો કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃત મહોત્સવનો હતો. ત્યાં અરવિંદ ઘોષનો ઉલ્લેખ થયો તો તેમણે અલીપુર બોમ્બ કેસમાં જેલવાસી થયેલા ને ચમત્કારિક રીતે છૂટ્યા ત્યારે ઉત્તરપાડા વ્યાખ્યાન કર્યું હતું તેની ભૂમિકા સમજાવી હતી. શ્રોતાઓ કે મંચસ્થ મહાનુભાવોને શું ગમશે તેની ચિંતા કર્યા વિના તેઓ કોઈ ચિંતનીય મુદ્દો પ્રસ્તુત કરતા. આવા શાલીન રાજ્યપાલ આપણી વચ્ચે પાંચ વર્ષ રાજ્યપાલ તરીકે રહ્યાં અને હવે નિવૃત્ત થયાં ત્યારે પુસ્તકોની સાથે પોતાના નિવાસનગર દિલ્હી તરફ પાછા ફર્યા છે.

ગુજરાતમાં રાજ્યપાલોને માટે કપરા નિર્ણયના દિવસો પણ આવ્યા છે. શરૂઆતમાં કોંગ્રેસના મુખ્ય પ્રધાન સામે તેમના જ પક્ષના નેતા અને વિધાયકો અવિશ્વાસની દરખાસ્ત લાવવા તૈયાર હતા. ૧૯૬૭માં હિતેન્દ્ર દેસાઈની સરકાર વખતે સામે સ્વતંત્ર પક્ષે રાજકીય ઝંઝાવાત ઉભો કર્યો ત્યારે બન્ને તરફ પક્ષપલટાની પ્રવૃત્તિ ચાલી હતી. ૧૯૭૪માં આ પ્રવૃત્તિ પંચવટીકાંડ તરીકે ચીમનભાઈ પટેલે નવી રીતે બતાવી અને વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા તેનો ડંખ ઇન્દિરાજીને પણ રહ્યો હતો તેવું ૧૯૭૪ના નવનિર્માણ આંદોલન પછી ચીમનભાઈ લિખિત પુસ્તિકામાં દર્શાવાયું હતું.

નવનિર્માણ પછી ચીમનભાઈએ રાજીનામું આપ્યું ત્યારે ફરી ચુંટણી થવી જ જોઈએ તેવા લોકમતમાં ઉમાશંકર જેવાં પ્રબુદ્ધો પણ જોડાયા હતા. જનતા મોરચાની સરકાર પડી ત્યારે કે. વિશ્વનાથન્ રાજ્યપાલ હતા. કોઈ રાજ્યપાલને પત્ર લખવાનો મારો પહેલો અવસર ત્યારે આવ્યો. ‘મીસા’ હેઠળ મારા જેલવાસ દરમિયાન મારાં પુસ્તક ‘હથેળીનું આકાશ’ને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પ્રથમ પારિતોષિક આપ્યાનું વાંચ્યા બાદ મેં વિચાર - સ્વાતંત્ર્ય પરનો પત્ર લખીને ઇનામ પરત કર્યું હતું.

કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની સરકારો સમયે રાજ્યપાલો કેન્દ્રમાં દેખાયા. જનતા દળ અને ચીમનભાઈ પટેલ ફરી વાર મુખ્ય પ્રધાન બન્યા ત્યારે પણ બંધારણીય સવાલો તો હતા જ. વિશ્વાસ - અવિશ્વાસની દરખાસ્તો દરમિયાન રાજભવન પણ સક્રિય રહેતું અને કેન્દ્રમાં અહેવાલો મોકલતું.

હવે નવા રાજ્યપાલ તરીકે શ્રી આચાર્ય દેવવ્રતનું નામ ઘોષિત થયું છે. ગાય અને ગુરુકૂળના તેઓ પ્રેમી છે. આર્ય સમાજની ઊંડી અસર તેમના પર હશે એ સમજી શકાય છે. ટંકારાના ઋષિ દયાનંદે આર્ય સમાજની સ્થાપના કરી હતી અને પંડિત શ્યામજી કૃષ્ણવર્માથી આનંદપ્રિયજી સુધીના નેતા પ્રાપ્ત થયા હતા. પણ આર્ય સમાજ હરિયાણા - પંજાબમાં વિકસિત થયો. હવે ‘આર્ય સમાજી’ રાજ્યપાલનું સ્વાગત છે.

આ દર્શાવે છે કે સંસદીય લોકશાહીમાં રાજ્યપાલ માત્ર સત્ર આરંભે ભાષણ કરે એટલું જ મહત્ત્વ ધરાવતા નથી, બંધારણીય સમસ્યાઓનો કેવી રીતે નિકાલ લાવે છે તે કસોટી, ભલે ક્યારેક, પણ થતી રહે છે.


comments powered by Disqus