ગ્રીષ્મના તાપ-પરિતાપની તીવ્રતા વધારતો રાજકીય ઉત્પાત

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 18th April 2017 08:17 EDT
 
 

દિવસો ગ્રીષ્મના તાપ-પરિતાપના છે. ગરમ પવન અને દાઝી જવાય એવો તડકો સમગ્ર ગુજરાતને ફરી વળ્યો છે. ક્યાંય ૪૦ ડિગ્રીથી ઓછું તાપમાન જ નથી, અમદાવાદ તો ૫૦ ડિગ્રીને પાર કરી જશે તેવો ફફડાટ અત્યારથી છે. જુદા જુદા શહેરોમાં આ ગરમીથી મૃત્યુ પણ થયા. બપોર થતાં જ શહેરોના રસ્તા પર સૂર્યનો કરફ્યુ લાગી જાય છે ને રાતે મકાનોની દીવાલો પર એ ગરમી અડ્ડો જમાવીને બેસી જાય ત્યારે એસી અને કૂલર શરૂ થઇ જાય છે. ઈમારતો પર વસાવાયેલા એર કન્ડીશન મશીનો થોડીઘણી ઠંડક આપે છે અને હવામાં વધુ ગરમી ઓકે છે.

આના પ્રાકૃતિક ઉપાયો લગભગ ભૂલી જવાયા છે. વૃક્ષોની સંખ્યા - ‘વૃક્ષારોપણ ઉત્સવો’ થતા હોય તો પણ - ઓછી થતી દેખાઈ આવે છે. અમદાવાદની જમીન પર ઘેઘુર વૃક્ષો એ કવિની કલ્પનાનો વિષય બની ગયો. જે વૃક્ષો છે તે પણ અત્યંત જર્જરિત અને સુક્કાં છે. લીલાશની જગ્યા ધૂળિયા આકારે લીધી છે. ગામડાઓમાં હજુ લીમડો, પીપળો, આંબો, વડલો, જોવા મળે છે. અહીં તો એવા વૃક્ષો જ ગાયબ થઇ ગયા અથવા પર્યાવરણમાં વિલાઈ ગયા. વિકાસનો આ પણ એક નકશો મનુષ્ય જાતિએ ચારેતરફ તૈયાર કરી નાખ્યો. નવી ઇમારતોમાં કૃત્રિમ સ્નાનાગારની લાલચ આપવામાં આવે છે, પણ હરિયાળી સૃષ્ટિ દેખાતી નથી. ઉનાળાનું સીધું પરિણામ તળાવો સુકાઈ જવાનું આવે છે, પણ અમદાવાદમાં તો પૂર્વે ૩૭ તળાવો અને તલાવડીઓ હતા. તેના પર ઝુંપડા, મકાનો અને દુકાનોના જંગલ ઉભા થઇ ગયા. સમ ખાવા પૂરતા થોડાક ઉદ્યાનો અસ્તિત્વમાં છે.

ઉદાહરણ તરીકે તમને ગુગલ પરની ખોજમાં લખુડી તળાવ નામ તો મળે પણ ત્યાં જાઓ તો માત્ર ઈમારતો અને બજાર જ જોવા મળે. માણેક ચોકમાં ફુવારો નામે જગ્યા છે ત્યાં ફુવારો નથી, દુકાનો અને લારીગલ્લાઓ છે. હજુ થોડાંક વર્ષો પહેલા સુધી અમદાવાદથી સાબરમતી થઈને ગાંધીનગર જતાં સુધી માર્ગની બન્ને બાજુએ આંબાના ઘેઘુર વૃક્ષો અને તેના પર કેરીના લીલા ઝૂમખાં લલચાવતા. આજે એક પણ આમ્ર વૃક્ષ ત્યાં રહ્યું નથી. હજારોની સંખ્યાના આ વૃક્ષો ગાયબ થવામાં ખેડૂતો, બિલ્ડરો, પણ ઓછા જવાબદાર નથી. વધુ આવક એ એકમાત્ર લાલસા કામ કરે ત્યાં આવું જ થાય. પછી હાહાકાર મચાવતી ગરમી વિશે ફરિયાદ કરવાનો કોઈ અવકાશ કે અર્થ રહેતો નથી. સંતુલિત વિકાસ માનવ જાતને જોઈએ છે ખરો?

આવી ગરમીમાં એક વધુ ઉત્પાત રાજકીય પક્ષોમાં શરૂ થઇ ગયો. કારણ બેશક, આગામી ચૂંટણીનું છે. ક્યારે થશે ચૂંટણી, જૂન-જુલાઈમાં કે ડિસેમ્બરમાં? આ સવાલના તરેહવારના જવાબોથી અખબારોના પાનાં અને ટીવી ચેનલોની ચર્ચા ગાજે છે. હજુ હમણાં એક ચર્ચામાં કોંગ્રેસના પ્રવક્તા દૃઢતાથી કહેતા હતા કે જોજો ને, અઢાર અપ્રિલે વહેલી ચૂંટણીની જાહેરાત થઇ જશે.

નિમિત્ત વડા પ્રધાનની ગુજરાત યાત્રા પણ છે. હમણાંથી તેઓ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આવતા રહ્યા છે. વિકાસ કામોની જાહેરાત થવા લાગી છે. વડા પ્રધાને આ વખતે ગુજરાત યાત્રામાં રોડ-શોનો ઉમેરો કર્યો. સુરતમાં માર્ગો પરથી ખુલ્લી રીતે નરેન્દ્ર મોદી અભિવાદન ઝીલતા હતા. અસંખ્ય કાર્યક્રમો થયા તેમાં હોસ્પિટલ લોકાર્પણ, આદિવાસી સંમેલન, નાગરિક બેઠક, વિવિધ યોજનાઓનું ઉદ્દઘાટન અને સુરતથી છેક સૌરાષ્ટ્રમાં બોટાદ પાસે જઈને નર્મદા જલ વિતરણની મોટી યોજના ખુલ્લી મૂકવા ઉપરાંત જાહેર સભા... આ ઝંઝાવાતી પ્રવાસ અકારણ કે રાબેતા મુજબનો કઈ રીતે હોઈ શકે? યે તો એક ઝાંકી હૈ, બહુત કુછ અભી બાકી હૈ... એવી વ્યૂહરચના પ્રમાણે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

એનડીએના ૪૧ પક્ષોની બેઠકમાં તો નક્કી થઇ ગયું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી રણનીતિ આગળ વધશે. ઓડિશામાં ભાજપની ઘણા વર્ષો પછી કારોબારી મળી કેમ કે નવીન પટનાયક એ કંઈ બીજુ પટનાયક નથી. હવે તેમના નેતૃત્વનો પ્રભાવ ઓસરતો ગયો છે એટલે ભાજપે કસરત શરૂ કરી દીધી કે આગામી વિધાનસભાની ચૂંટણી ઠીક આસામની જેમ જીતી જવી છે. રાષ્ટ્રીય પ્રમુખે તો પોતાના પ્રવચનમાં કહી દીધું કે બસ, તૈયાર થઇ જાઓ. ૬૦ ટકા દેશ પર ભાજપનું શાસન છે, પણ તે કઈ સ્વર્ણિમ યુગ નથી. બધે પંચાયતથી પાર્લામેન્ટ સુધી... એ સૂત્ર તેમણે કાર્યકર્તાઓને આપ્યું છે.

ગુજરાતમાં તેની અસર વધુ હોય તે સ્વાભાવિક છે. વહેલી ચૂંટણીના અનુમાન વચ્ચે વડા પ્રધાનનો ગુજરાત પ્રવાસ શરૂ થયો. આ લખાય છે ત્યારે સુરતમાં તેમના એકાધિક કાર્યક્રમો ચાલુ છે. કાલે વળી બીજા થશે અને સૌરાષ્ટ્રના બોટાદ વિસ્તારમાં જશે.

એક રસપ્રદ વાત એ છે કે જયારે જનસંઘ હતો ત્યારે આખા ગુજરાતમાં પ્રથમ બે નગરપાલિકાઓમાં બહુમતી મળી તેમાંનું એક બોટાદ હતું. આજે તો આ ઘટનાનું કોઈને સ્મરણ ના હોય તે સ્વાભાવિક છે, પણ અપાર પુરુષાર્થ પછી ભાજપના આ સોનેરી સત્તા-દિવસો આવ્યા છે તે વાસ્તવિકતા છે.

૧૯૫૨થી શરૂ થયેલા પક્ષને છેક ૧૯૬૭માં વિધાનસભામાં સમ ખાવા પૂરતી એક બેઠક મળી હતી તેવા પણ દિવસો હતા. આનો બોધપાઠ કોંગ્રેસે વધારે લેવા જેવો છે. ૧૯૯૦ પછી વળતા પાણી થયા અને ૧૯૯૫ પછી તો સત્તાથી તદ્દન વંચિત થઇ જવાયું. તેનો થાક અને હતાશા કોંગ્રેસને વધુ બીમાર બનાવી રહી છે. રાષ્ટ્રીય સ્તરે તેની પાસે હવે કોઈ સબળ નેતૃત્વ જ રહ્યું નથી એટલે નીતિ, કાર્યક્રમ અને સંગઠનમાં તે ગોથા ખાય છે. ગુજરાતમાં તેનો મુખ્ય પ્રધાન તરીકેનો ઉમેદવાર કોણ તે હજુ નક્કી નથી. જોકે શંકરસિંહ વાઘેલાના કાર્યકર્તાઓએ સોશ્યલ મીડિયામાં જોશભેર પ્રચાર શરૂ કરી દીધો છે કે ભાવિ સરકાર બાપુના મુખ્ય પ્રધાન પદે જ હશે, પણ કોંગ્રેસના બીજા જૂથો હજુ માથું ધુણાવે છે.

એક વાત નક્કી છે કે ભાજપવિરોધી પક્ષો હજુ એક સાથે થઈને ચૂંટણી લડે તેવું ગઠબંધન હજુ ક્યાય દેખાતું નથી. હા, જનતા દળ (યુ) અને એનસીપી સાથે મળીને લડશે એટલું કહેવામાં આવ્યું. પ્રફુલ્લ પટેલની કારકિર્દી જણાવતી એક શાનદાર કોફી ટેબલ બૂક તૈયાર કરવામાં આવી છે. એવો ગણગણાટ જરૂર છે કે પ્રફુલ્લ પટેલને ગુજરાતમાં પાટીદાર અસંતોષને લીધે ભાવિ પટેલ મુખ્ય પ્રધાન તરીકે પ્રસ્તુત કરી શકાય. પણ તેમાં કોંગ્રેસ ટેકો આપીને સામેલ થાય તો વાત આગળ વધે. અન્ય ટચુકડા પક્ષોનું આવું ગજું નથી તે વાત પ્રફુલ્લ પટેલે પણ સ્વીકારી છે. આગામી દિવસોમાં આ વ્યૂહરચનાના હાલહવાલ શું થશે તે જોવા મળશે.

કેજરીવાલનો ‘આપ’ અને પાટીદાર-ઓબીસી-દલિત પરિબળોને માટે મોદીનો સુરતપ્રવાસ એટલું સ્પષ્ટ કરી દે છે કે મોટા ભાગના સંપન્ન અને મધ્યમ વર્ગો ભાજપથી અલગ થયા નથી. આદિવાસી વિસ્તારોમાં અમરસિંહ ચૌધરી જેવા નેતાઓનો કોંગ્રેસની પાસે અભાવ છે. આ સંજોગોમાં વાતાવરણ ચૂંટણીની મૂંઝવણનું પણ જણાઇ રહ્યું છે.


comments powered by Disqus