જ્યાં ગુજરાત કોંગ્રેસના બીજ રોપાયાં હતાં...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 13th January 2020 06:06 EST
 
 

દાહોદ જવું એ અલગ અનુભવ છે. ઈસુ વર્ષ ૨૦૨૦ના પ્રારંભે આ ગામની ઝલક નિહાળી.

દધિમનીનું વહાલું બાળક અને તેના નવેસરના શાસકીય જિલ્લાને તો માંડ અઢાર-વીસ વર્ષ થયાં પણ સમયના જટાજૂંટ દેવતાએ તો તેની ખમીર અને ખુમારીને હજારો વર્ષથી જાળવી રાખ્યા છે.

જુઓને, ભગવાન શિવનું પ્રિય વૃક્ષ અને પાન તે બિલ્વપત્ર! બિલીનું પાન અહીં પોતે જ કહાણી બનીને આવે છે. શિવે બિલ્વપુરુષો - ભીલોને વરદાન આપ્યું તે હજુ તેમની રગેરગમાં છે.

જેવી ફિલસૂફી એવું જ જીવન. અણથક, અણનમ, સ્વાભિમાની અને અકિંચન. તેમની રોજબરોજની જિંદગી અગાઉ ક્યારેય સુખશય્યાની રહી નથી. તીર-કામઠું પ્રિય હથિયાર. લંગોટ પહેરે, બાકી ઉઘાડું શરીર. મકાઈનો રોટલો મહા-ભોજ, ખેતમજૂરી, હાટ, દુકાળ... બધું નસીબ લઈને તે જીવ્યો છે. નાયકા, ડુંગરી, મેવાસી, રાવલ, તડવી, ઢોલી, ભીલ, બાવચા, બામચા, વસાવા, ખાવરા, ગામીત, ઢોડિયા, દૂબળા, તળાવિયા, ગોંડ, કાથોડી, કોળી, કોણચા, મોટા નાયકા, પારધી, રાઠવા... આ તરેહવારના વનવાસીની યાદી પણ અધૂરી છે.

જીવનસંગ્રામની વચ્ચે તે ઊજવે છે લગ્ન-જન્મ-તહેવાર-મેળા. જુઓ, થનગનતી કન્યાઓને મેળો કેવી રીતે માણવો છે?

જીજી સાંદની હે રાત રે,

જીજી રમવા જાવા દે!

જીજી હુસિલો હે જીવ રે,

જીજી રમવા જાવા દે!

જીજી હુરે પેરી જાઉં રે,

જીજી રમવા જાવા દે!

જીજી કંડિયામાં મશરૂ રે,

જીજી રમવા જાવા દે!

રૂપા નાયકથી જોરિયા ભગતથી ગોવિંદ! વનવાસી સંબંધની આ કથા હજાર - હજાર હોઠે જળવાયેલી છેઃ

રૂપસિંહ નાયક, તારી

દોઢ શેરની કામઠી!

ને સવા શેરનું સરિયું

રૂપસિંહ તેં તો ઉદેપુર લીધું

તારી દોઢ શેરની કામઠી!

રૂપસિંહ તે તો રોઈકું

હાલોલ શહેર,

તારી દોઢ શેરની કામઠી

રૂપસિંહ તેં તો રોઈકું સંખેડા

રોઈકું બારિયા શહેર

તારી દોઢ-શેરની કામઠી!

દાહોદથી ૭૫ કિલોમીટર પર માનગઢથી પહાડી પર ૧૭ નવેમ્બર ૧૯૧૩ ‘જલિયાવાલાં’ રચાયો. ૧૫૦૦ વનવાસી મોતને ભેટ્યા. ગોવિંદ ગુરુને ૧૪ વર્ષની સજા અને હદપારી મળી.

રવેચીમાં રણખાંડા

ને ભમરેચીમાં ભાલા,

અંગરેજિયા! ની છોડું...રે, ની છોડું!

તંબુરાના તારે રાજ લેહુ અંગરેજિયા,

જાંબુ નેજાં બુખંડ હે ને ઉજણ વાજું

અંગરેજિયા, ની છોડું!

આ સ્વાભિમાન-કથાઓથી ડુંગરાઓ ગાજે છે. માનગઢનો જલિયાંવાલા ભૂલી જવા જેવો નથી.

અહીં સ્વાતંત્ર્યની અને સમાજસુધારની ચળવળ સમાંતરે ચાલી. વામનરાવ મુકાદમ, ઈન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓએ પહેલી રાજકીય પરિષદનું આયોજન કર્યું. પંચમહાલ-દાહોદ જોડિયા ભાઈ છે, જિલ્લા ભલે અલગ બન્યા હોય. પંચમહાલમાં ઘોઘંબા, જાંબુઘોડા, મોરવાહ, હાલોલ, ગોધરા, કાલોલ, શહેરા, તાલુકા અને દાહોદમાં દેવગઢ બારિયા, ધાનપુર, ફત્તેપુરા, ગરબાડા, લીમખેડા, ઝાલોદ, સંજેલી આવે.

ઈન્દુલાલ-વામનરાવની મહેનતથી નવેમ્બર ૧૯૧૭માં ગોધરામાં પ્રથમ રાજકીય પરિષદ યોજાઈ. તેમાં પ્રમુખપદે ગાંધીજી ઉપરાંત લોકમાન્ય તિલક, બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણા અને સ્થાનિક નેતાઓ સામેલ થયા. ઠક્કરબાપા, શારદાબહેન મહેતા, રમણભાઈ નીલકંઠ, વિદ્યાગૌરી નીલકંઠ, ડો. સુમંત મહેતા પણ આવ્યા. સરદાર વલ્લભભાઈ માટે સમગ્ર ગુજરાતનાં જાહેરજીવનમાં પરિણામલક્ષી પુરુષાર્થનો પ્રારંભ અહીંથી થયો. ગંગાબહેન અને રેંટિયો પણ પહેલીવાર પ્રસ્તુ થયાં.

ગોધરામાં અંત્યજ પરિષદ થઈ. મામાસાહેબ ફડકે, સ્વામી આનંદ, પરીક્ષિતલાલ મજમુદાર, ઠક્કરબાપા, કિશોરલાલ મશરુવાળા, રવિશંકર મહારાજ, જમનાદાસ ભક્ત જેવા ઉત્તમ અત્યંજ સેવકોની ગોધરા, કર્મભૂમિ બની. દાહોદ જિલ્લાના મીરાખેડી (ઝાલોદ)માં રચનાત્મક આશ્રમો સ્થાપવામાં આવ્યા. જંગલ સત્યાગ્રહ થયો (૧૯૩૦). તેની આગેવાની લક્ષ્મીકાંત શ્રીકાંતે લીધી હતી. ૨૬ સપ્ટેમ્બરે તેના મંડાણ થયાં અને બે કલાકમાં તો તેણે પરિણામ પ્રાપ્ત કર્યું!

વલ્લભભાઈએ આ ગોધરામાં વકીલાતની શરૂઆત કરી હતી (જુલાઈ ૧૯૦૦). તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પણ અહીં વકીલાત કરતા. બે વર્ષ વલ્લભભાઈ અહીં રહ્યા પછી બોરસદ ગયા. ભીલ સેવા મંડળ, મીરાખેડી આશ્રમ, ઝાલોદ – ગુલતોરા - ભીમપરી - જાંબુઆ – સરદા - ભાવકા આશ્રમો અને શાળાઓનું મોટું પ્રદાન રહ્યું. વામનરાવ તો મોટા ગજાના આગેવાન હતા. ધાર્યું હોત તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદ સુધી પહોંચી શક્યા હોત. ૧૯૦૫થી ૧૯૪૨ સુધી તેમણે ધૂણી ધખાવી હતી. જન્મ ૧૮૧૮, ગોધરામાં. હોમરુલથી તેમણે જાહેરજીવનમાં ઝૂકાવ્યુંઃ ‘તેમની ઝીણી આંખોમાં ઝરતો આતશ અને જીભમાંથી વરસતી અગનજ્વાળા સહજ હતી. ટિળકમાંથી તેમણે પ્રેરણા મેળવી.’ (ઈન્દુલાલ યાજ્ઞિક)

વેઠપ્રથા સામેના જંગમાં તેમણે નેતૃત્વ લીધું. ૧૯૧૭માં રાજકીય પરિષદના મંત્રી બન્યા. ૧૯૨૦માં ગાંધીજી અસહકારના ઠરાવની ખિલાફ તેમની જ ઉપસ્થિતિમાં વિરોધ નોંધાવ્યો. ‘હાથમાં જે હથિયાર આવે તેનાથી અંગ્રેજ સરકારને હઠાવવી જોઈએ’ એમ પોતાના ભાષણમાં કહ્યું. સરદાર સાહેબના એ પરમ મિત્ર હતા. દાંડીકૂચમાં જિલ્લા ટુકડીના નેતા રહ્યા. પોલીસે તેમને સખત માર માર્યો, ગાળો દીધી. ૧૯૨૮માં ગોધરામાં કોમી રમખાણ થયાં ત્યારે પણ તેમને મરણતોલ માર સહન કર્યો. તેમના મિત્ર પુરુષોત્તમ શાહનું તો કોમવાદીઓએ ખૂન કર્યું.

૧૯૩૨માં વામનરાવ ફરી સવિનય કાનૂન ભંગમાં પકડાયા, બે વર્ષની સજા થઈ. ૧૯૩૨થી ૩૯ રચનાત્મક પ્રવૃત્તિથી પંચમહાલને ધમધમતું કર્યું. ૧૯૪૨માં તેમને પકડવામાં આવ્યા. ૧૯૨૪માં સ્વરાજ્ય પક્ષે ચૂંટણી લડી ત્યારે પોતે મોટી બહુમતીથી ચૂંટાયા. દંડક (વ્હિપ) બન્યા. ૧૯૪૨ અને ૧૯૪૭માં ધારાસભ્ય બન્યા પણ લડત સમયે રાજીનામું આપ્યું. એ પત્રકાર હતા. ‘વીર ગર્જના’ તેમનું અખબાર. ગુજરાતમાં છત્રપતિ શિવાજી મહારાજ પરનું પ્રથમ આધિકારિક પુસ્તક તેમણે લખ્યું, એક નાટક અને કાવ્યો લખ્યાં. અકિંચન માણસ, પણ ગુજરાતે તેમના વ્યક્તિત્વની કોઈ કદર કરી નહીં.

દાહોદ જિલ્લાની એક વિશેષતા ગરબાડા ગામે જાળવી છે. પ્રથમ સૂર્યોદય ત્યાં થાય છે! ૬૯૬ ગામડાં, પર્વત રતનમાળ, છ નદીઓ (અનાસ, માચન, હડફ, કાલી, પાનમ, વાલ્વા) ૩૬૪૬ ચોરસ મીટરનું ક્ષેત્રફળ. પંચમહાલમાં ચાંપાનેરને યુનેસ્કોએ ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ જાહેર કરી (૨૦૦૪), પાવાગઢ તો ૫૧ શક્તિપીઠોમાંનું એક ‘મહાકાલી દેવાલય.’ ૬૦૦ ગામડાં, ૧૨ નદીઓ (વિશ્વામિત્રી, પાનમ, મહી, મેસરી, ગોમા, કારોડ, દેવ, વેરી, ભાદર, કણ, સુક્લા અને સુખી). જાંબુઘોડામાં રીંછ અભ્યારણ્ય, અને પહેલવહેલો ફિલ્મનિર્માણનો લક્ષ્મી સ્ટુડિયો.

દાહોદ-પંચમહાલની જુગલબંદીએ ૧૮૫૭માં જે વિપ્લવ જગાવ્યો તે અહીંના કણેકણમાં પડ્યો છે. ઈતિહાસકારો માટે ગુજરાત આખામાં, આ વનવાસી મુલક સંશોધનનો સમુદ્ર બની શકે તેમ છે.


comments powered by Disqus