ઝેર જાણવાની સાથે પચાવવાં પણ અઘરાં છે?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 30th January 2019 05:58 EST
 
 

ચર્ચા શરૂ થઈ છેઃ શું ગમે તેવા મોટા ગજાના સાહિત્યકારને ઇતિહાસ-દોષની છૂટ હોઈ શકે?

નિમિત્ત ડોક્યુ-નોવેલ ‘નેતાજી સુભાષચંદ્ર બોઝઃ અંતિમ અધ્યાય’ છે. યોગાનુયોગ ૨૩ જાન્યુઆરી સુભાષચંદ્રની જન્મતિથિ હતી. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ વડોદરાની એલેમ્બિક સિટીમાં યોજાયો ત્યાં બે મહાનાયકોની સ્મૃતિથી જ શરૂઆત થઈ. ઉદઘાટનમાં ગુણવંત શાહે ગાંધીજીને યાદ કર્યા, બપોરનાં એક સત્રમાં સુભાષ-ચર્ચા થઈ. હમણાં ખ્યાત સાહિત્યકાર નરોત્તમ પલાણનો પોરબંદરથી પત્ર આવ્યો તેમણે પણ કહ્યું કે આ મુદ્દાની ચર્ચા થવી જોઈએ.

હા, મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી...’ ખૂબ જ મનગમતી નવલકથા તરીકે ગુજરાતમાં સ્થાપિત થઈ છે. પણ તેનો ત્રીજો ભાગ અનેક પ્રશ્નાર્થો પેદા કરે છે.

‘ઝેર તો...’માં એક ઉત્તમ સર્જકની કથાસૃષ્ટિ છે એ સાચું, પણ જ્યારે તમે ઇતિહાસનો ઉમેરો કરો ત્યારે અલગ પ્રકારની અગ્નિપરીક્ષામાંથી પાર થવું પડે! ‘વૈશ્વિક સંવેદના’નો આધાર પણ તેની ધૂળમાં પડેલાં તથ્યોને હૃદયસ્થ કરીને સર્જવો પડે! એવું ન થાય ત્યારે ‘સાહિત્યમાં પ્રશંસા પામેલી નવલકથા’નું મૂલ્યાંકન અનિવાર્ય બની જાય છે. વિવેચનમાં ‘મુગ્ધતા’ અને ‘અતિમુગ્ધતા’નો દોષ આવી નવલકથા અને તેના લેખકને ‘ગોખમાં બેસાડેલા દેવતા’ બનાવી દે છે.

કોહિમામાં આઝાદ હિન્દ ફોજના મરણિયા સૈનિકોનો વિજય – ખુદ બ્રિટિશ યુદ્ધના અભ્યાસીઓ અને સેનાપતિઓના અભિપ્રાય મુજબ – અણધાર્યો અને અનોખો હતો તેનું વિશ્લેષણ તાજેતરમાં લંડનમાં એકત્રિત બ્રિટિશ ઇતિહાસકારોએ પણ કર્યું અને બ્રિટિશરો માટે બીજાં તમામ યુદ્ધોથી સૌથી મોટું યુદ્ધ ગણાવ્યું છે. ‘ઝેર તો...’માં તે ઘટનાનું વર્ણન આ પ્રમાણે છેઃ ‘કોહિમાના ઘેરાની નિષ્ફળતા પછી તેમને એકેય સફળતા ન મળી. એ જાણીનેય ગૌરવ થયા વિના નહિ રહે કે આવા (આઝાદ ફોજને) પરાજય આપનારા કોહિમાના મુઠ્ઠીભર વીરોમાં પંજાબીઓ, રજપૂતો, પઠાણો અને ભારતીય દાકતરો હતા.’

તો, આઝાદ ફોજના સ્વાતંત્ર્ય-સૈનિકો શું હતા? શું અંગ્રેજોથી મુક્તિ મેળવવાનું તેમનું કાર્ય નિંદાને પાત્ર હતું? અને બ્રિટિશરોને ટેકો આપનારા દેશભક્તો હતા? લેખકનાં આ વર્ણનમાં કોઈ ઉત્તર મળતો નથી.

જલિયાંવાલા બાગ, ૧૮૫૭, આદિવાસી વિદ્રોહો પર આક્રમણ કરીને કત્લેઆમ, ફાંસી-ગોળી- તોપ અને ખુદ હર્બર્ટ સ્પેન્સરે (જુઓ, મીરઝા અલી બેગની ‘બ્રિટાનિયા અને હિન્દ’ કથામાં અવતરણો) ‘ધ સ્ટડી ઓફ સોશ્યોલોજી’માં કહ્યું તેમ કરોડો ડોલર્સની ભારતમાંથી લૂંટ... આ બધાં કર્મો ભારતમાં ૧૮૫૭થી ૧૯૪૭ સુધી રક્તરંજિત બન્યાં તે કર્મો ‘ચડિયાતાં’ હતાં? અને, આઝાદ ફોજમાંથી એક ‘કાઠિયાવાડી’ - જે ગોપાળબાપાનાં ભાણવડ ગામનો - હતો, તે બિમાર છે અને દર્શકનાં પાત્રો - અચ્યુત અને શેન લી - સમક્ષ ‘હરામજાદાઓ’એ ત્રાસ વર્તાવ્યો, વર્ણન કરે છે. કેપ્ટન મોહનસિંહ વગેરેનાં નામો લે છે, (પ્રથમ આઝાદ હિન્દ ફોજ પૂર્વે) મોહનસિંહને રાસબિહારી બોઝ અને જાપાની અફસરો સાથે મતભેદ થયા હતા પણ સુભાષબાબુએ આવીને બધા મતભેદો સમાપ્ત કર્યાં, પરંતુ બ્રિટિશરોએ મોહનસિંહની વ્યક્તિગત પ્રતિક્રિયાઓને પ્રચારમાં મૂકી, પુસ્તક તરીકે પ્રકાશિત કરી જેથી નેતાજીની ફોજ અને તેનાં કાર્યોનું અવમૂલ્યન થાય. આ ‘કાઠિયાવાડી’ પાત્ર પણ એનો જ ભાગ હોય તેમ લાગે છે. આ ઘટનાનો તો કોઈ જ દસ્તાવેજી આધાર નથી.

હવે આ વાર્તાલાપ જુઓઃ

અચ્યુતને એક દહાડો કાઠિયાવાડી સુરગ કહે કે તમે કેમ અંગ્રેજોની જોડે છો? દેશને આઝાદ કરવાની વાત ખોટી છે?

‘જરાય ખોટી નથી, સુભાષજી ભડ માણસ છે.’

‘તો?’

‘મારા એક મોટાભાઈ, જેઓ અંધ વિદ્વાન છે, તેમણે મને મહાભારતના કર્ણની વાત કરી હતી.’

‘હા, કર્ણ દાનેશ્વરી. પ્રભાતનાં પહોરનું નામ.’

‘હા, કર્ણને દ્રોપદીએ ભર સ્વયંવરમાં કહેલુંઃ ‘તું રથ હાંકવાવાળાનો દીકરો છે, તને નહીં પરણું.’

‘બરાબર.’

‘કર્ણને હાડોહાડ લાગી ગયું હતું એ વેણ, એટલે અર્જુન - યુદ્ધિષ્ઠિર પર વેર વાળવા શકુનિ-દુર્યોધનના પક્ષે ગયો. દ્રોપદી વસ્ત્રાહરણ વખતે પણ દ્રૌપદીની લાજ ઢાંકવા તો કાંઈ ન કર્યું. ઊલટાનાં કવેણ કહ્યાં.’

‘બરાબર. ઈર્ષાના માર્યો.’

‘ભગવાન જાતે ભાઈ-ભાઈઓ વચ્ચે સંધિ કરાવવા ગયા, ભીષ્મ-દ્રોણે પણ ભાઈઓમાં મનમેળ કરો તેમ કહ્યું, પણ કર્ણે જ ચસ ચડાવ્યો દુર્યોધનને. કર્ણ મોટો બાણાવળી હતો ને?’

‘હા. અર્જુનને ય ભારે પડે તેવો.’

‘એમાંથી મહાભારત યુદ્ધ થયું - અઢાર અક્ષૌહિણી સેના નાશ પામી, કર્ણ જો ઈર્ષાનો માર્યો અવળા પક્ષે ન ગયો હોત તો આ મહાસંહાર ન થાત. આ સુભાષબાબુ છે ને તે કર્ણ જેવું કરે છે. હિટલર – ટોજો બધા દુર્યોધન, દુશાસનના અવતાર જેવા છે.’

‘અને અંગ્રેજો પાંડવો જેવા?’

‘ના. એમ તો ન કહેવાય. પણ હિટલર – ટોજો કરતાં સારા. કાંઈક મર્યાદા સમજનારા. જાપલા કેવા નિર્દય છે અને મર્યાદા વગરના છે એ તો તમે જાણ્યુંને?....’

‘ઝેર તો પીધા છે જાણી જાણી...’માં આવા ઘણા પ્રશ્નાર્થો સમાયેલા છે.

સુભાષ-મૃત્યુના પ્રશ્નો ચર્ચતી, ગુજરાતની સર્વપ્રથમ નવલકથા ‘અંતિમ અધ્યાય’

‘ગુજરાત સમાચાર’માં ધારાવાહી સ્વરૂપે આવેલી, વિષ્ણુ પંડ્યા-આરતી પંડ્યાની દસ્તાવેજી નવલકથા (ડોક્યુ-નોવેલ) ‘નેતાજી સુભાષચંદ્ર બોઝઃ અંતિમ અધ્યાય’ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે.

આ નવલકથામાં નેતાજી સુભાષચંદ્ર બોઝનો કોલકાતાથી કાબુલ થઈને જર્મનીનો સાહસિક ગુપ્ત પ્રવાસ, એડોલ્ફ હિટલર સાથેની મુલાકાત, આઝાદ હિન્દ મથકની સ્થાપના, જાપાનમાં ભારતીય યુદ્ધ કેદીઓ અને નાગરિકોની આઝાદ હિન્દ સરકાર તેમજ આઝાદ હિન્દ ફોજની સ્થાપના, રંગુનથી ઇમ્ફાલ સુધીનું સ્વાતંત્ર્યયુદ્ધ, આંદામાન-નિકોબારની મુક્તિનો રોમાંચક અધ્યાય આલેખાયો છે. પણ સૌથી મહત્ત્વની વિગતો તો ચર્ચાઈ છે કે ૧૯૪૫ની ૧૮ ઓગસ્ટે કથિત વિમાની અકસ્માતમાં ‘મૃત્યુ’ પછી ખરેખર સુભાષ ક્યાં પહોંચ્યા હતા? અત્યંત વફાદાર જાપાનીઝ અફસર સિદેઈની સાથે તેઓ ક્યાં પહોંચ્યા? શું તેમણે રશિયા જઈને, સ્તાલિનને મળીને નવાં સ્વાતંત્ર્યયુદ્ધ માટે સહયોગ માંગ્યો હતો? સ્તાલિને તેમને સાઇબીરિયન જેલમાં અંત સુધી રાખ્યા તેની જાણ નેહરુ - રાધાકૃષ્ણન્– વિજયાલક્ષ્મી પંડિતને હતી? શું ગાંધીજી પણ માનતા હતા કે સુભાષ જીવંત છે? ઇંગ્લેન્ડના કહેવાથી નેતાજીનું રશિયન ભૂમિ પર મૃત્યુ નીપજાવવામાં આવ્યું કે રશિયાથી વિયેતનામ થઈને તેઓ ચીન પહોંચ્યા હતા? ભારત સરકારે રચેલા પ્રથમ બન્ને તપાસ પંચોએ નેહરુજીની ઇચ્છા પ્રમાણેનો અહેવાલ આપ્યો હતો? જસ્ટિસ મુખરજીની તપાસના ત્રણ ભાગને ભારત સરકારે કેમ અમાન્ય કર્યા?

આ અને આવી, ઇતિહાસના અંધારે અટવાયેલી વિગતોને પૂરેપૂરી આલેખવા સાથે નવલકથાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમાં લેખકોની લાંબી પ્રસ્તાવનામાં નોંધવામાં આવ્યું છે કે ગુજરાતીના ખ્યાત સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ના ‘ઝેર તો પીધાં છે જાણી જાણી...’ના ત્રીજા ભાગમાં નેતાજી-અધ્યાયને કેવી ઉપેક્ષા સાથે અન્યાય કરતું આલેખન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આ પ્રકારની સર્વપ્રથમ ઇતિહાસ-કેન્દ્રી નવલકથા છે.

(• પ્રકાશકઃ પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કોમ્પલેક્સ, મીઠાખળી, અમદાવાદ-૩૮૦૦૦૬
• પૃષ્ઠઃ ૩૧૯ મૂલ્યઃ રૂ. ૪૦૦ • ઇમેઇલઃ [email protected])


comments powered by Disqus