ઢંઢેરાઓ દર્શાવે રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાની લડાઈ...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 08th April 2019 08:46 EDT
 
 

ઢંઢેરો શબ્દ આમ તો મેનિફેસ્ટો કે જાહેરનામું અથવા ડેકલેરેશનની સાથે મેળ પાડે છે. આપણા વિદ્યાર્થી જીવનમાં ‘રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો’ યાદ છે. હિન્દુસ્તાની પ્રજા માટેનું એ ફાંકડું ગુલામી ખત હતું અને તેનો આકરો જવાબ એવા જ ઢંઢેરાથી અવધની બેગમોએ આપ્યો હતો!

સામાન્ય રીતે દરેક ચૂંટણીમાં, રાજકીય પક્ષોનો પોતાનો - નીતિ, સિદ્ધાંત, કાર્યક્રમનો - નકશો હોય છે. સોવિયેત ક્રાંતિ થઈ ત્યારે એવું જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં સમાજવાદનું સલૂણું સપનું દર્શાવાયું. બિચારો કાર્લ માર્કસ તો આવું બધું બ્રિટનમાં થવાની ધારણા રાખતો હતો, પણ સામ્યવાદ સરજાયો રશિયામાં. પછી વિવિધ દેશોના રાજતંત્રમાં ઢંઢેરો અનિવાર્ય બની રહ્યો. પ્રજાની પીડા અને મહત્ત્વાકાંક્ષાનો એ દસ્તાવેજ બની રહેતો.

ભારતમાં સંસદીય લોકશાહી ચૂંટણીમાં ઢંઢેરાનું મહત્ત્વ ક્રમશઃ કર્મકાંડમાં બદલાતું રહ્યું છતાં તેના તણખા (સ્પાર્ક) તો અસ્તિત્વમાં છે જ!

જવાહરલાલના નામે એક રમુજી વાસ્તવિકતાની કહાણી વર્ષોથી સાંભળવા મળે છે. તેઓ કહેતા કે પક્ષમાં આ કામ કોઈ એકને સોંપવામાં આવે છે, પછી તેની સમિતિ રચાય છે. નિષ્ણાત મહેનત લઈને ઢંઢેરો તૈયાર કરે છે પક્ષની બેઠકમાં તે રજૂ થાય છે. મોટા ભાગે તે મંજૂર થાય છે, પણ તેને વાંચનારો તો એક જ હોય છે - જેણે આ ઢંઢેરો લખ્યો હોય!

પહેલાં અને પછી

જનતા પક્ષની સરકાર હતી ત્યારે ઢંઢેરામાં નિર્દેશિત વાયદા-વચનોની કેટલી પૂર્તિ થઈ તે માટે પક્ષના સંગઠનના નેતાઓ મોરારજીભાઈને મળ્યા તો તેમનો પહેલો સવાલ હતોઃ ‘તમારામાંથી કેટલાયે ઢંઢેરો પૂરેપૂરો વાંચ્યો છે?’

જનસંઘ સમયથી ચૂંટણી ઢંઢેરામાં મજબૂત વિરોધ પક્ષને પ્રસ્તુત કરે તેવા ઢંઢેરાની માનસિક કસરત થતી. દીનદયાળ ઉપાધ્યાય, ડો. ભાઈ મહાવીર, કે. આર. મલકાણી, બલરાજ મધોક અને પછીથી એલ. કે. અડવાણી તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા. જનસંઘથી ભાજપના આવા દસ્તાવેજી પુસ્તકોના દસ ભાગ થયા છે. એ જ રીતે ‘સમાજવાદી આંદોલનનો વિચાર વિશ્લેષણ’ના દસ્તાવેજો પ્રકાશિત થયા છે. તેમાં જય પ્રકાશ નારાયણ, આચાર્ય નરેન્દ્ર દવે, ડો. લોહિયા, બેરિસ્ટર નાથપાઈ વગેરેએ કેટલી મથામણ કરેલી તેનો અંદાજે મળે છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયે જનસંઘમાં વિચાર મૂકેલો કે મેનિફેસ્ટો કે ઢંઢેરામાં આપણી વિચારનિષ્ઠા અને સત્તા દ્વારા કે વિપક્ષે રહીને ભારતીય લોકતંત્રની મજબૂતીનો અંદાજ નથી મળતો. આપણે નામ આપીશું - સંકલ્પ પત્ર.

કર્મકાંડ નહીં, સંકલ્પ

આ એક મહત્ત્વની વાત છે. ઢંઢેરાના કર્મકાંડને, એક જીવંત સામુહિક પુરુષાર્થની ભાવનામાં રૂપાંતરિત કરવો એ નાની વાત નથી. જનસંઘની એ મથામણ રહી અને ૧૯૭૭ સુધી વિપક્ષની ભૂમિકા ભજવી. ૧૯૬૭માં બિન કોંગ્રેસવાદની મહેનત પાછળ લોહિયા - દીનદયાળ બન્ને હતા ત્યારે સંયુક્ત ઘોષણાપત્ર તૈયાર કરવામાં બન્નેએ ‘વિઝન’નો અંદાજ આપ્યો જે સમય જતાં ૧૯૭૭માં આકાર પામ્યો. તે સમયે એક સમાજવાદી (લોહિયા) નહોતા, પણ બીજા સમાજવાદી (જય પ્રકાશ) જરૂર હતા. જનતા પક્ષના ચૂંટણી ઢંઢેરામાં અશોક મહેતા, જ્યોર્જ ફર્નાન્ડિઝ, નાનાજી દેશમુખ, કે. આર. મલકાણીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

એક રસપ્રદ વાત તેલુગુ દેશમની છે. આંધ્રમાં પોતાના જ પક્ષના મુખ્ય પ્રધાન રેડ્ડીનું વડા પ્રધાન રાજીવ ગાંધીએ અપમાન કર્યું તેમાંથી આંધ્રની અસ્મિતાનો ભડકો થયો. ‘ઇનાડુ’ અખબારના તંત્રી અને રામોજી સ્ટુડિયોના નિર્માતા રામોજી રાવે વાતાવરણ સર્જ્યું. ફિલ્મ અભિનેતા એન. ટી. રામારાવને સંઘર્ષ – નેતા તરીકે સ્થાપિત કર્યા અને આંધ્રમાં કોંગ્રેસ હટી. તેલુગુ દેશમનો તે સમયનો ચૂંટણી ઢંઢેરો પોતે જ પ્રચારનું માધ્યમ બની ગયો હતો.

જનતા પક્ષની રચના વખતે આપણા ગુજરાતી રાજ્યશાસ્ત્રી કીર્તિદેવ દેસાઈએ નોંધ તૈયાર કરવામાં સક્રિયતા દાખવી હતી. ૧૯૮૦ પછી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ઢંઢેરામાં વરિષ્ઠ પત્રકાર વાસુદેવ મહેતાનો મુસદ્દો કામ લાગ્યો હતો. આ બધું દર્શાવે છે કે એક સમયે ચૂંટણી ઢંઢેરાનું યે કેટલું મહત્ત્વ હતું.

૨૦૧૯ની ચૂંટણીમાં

સમયનું રાજકારણ બદલાયું છે. ઢંઢેરાઓ સબસીડી, બેંકોમાં ૭૨,૦૦૦, મફત લેપટોપ જેવી બાબતોથી ભરપૂર બની ગયા. નીતિ, સિદ્ધાંત, વિચારધારાને ગૌણ સ્થાન મળે છે. ૨૦૧૯ની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયાર કરેલા ઢંઢેરામાં ‘ગરીબોને ન્યાય’ માટેની યોજનાઓનો ઢગલો છે. ઇશાન ભારત અને કાશ્મીરના અલગાવવાદીઓની તરફેણ છે, લશ્કર પ્રત્યેની ‘માનવાધિકાર સ્ટાઇલ’ની ઉપેક્ષા છે. પી. ચિદમ્બરમે ઢંઢેરો લખવાનું કામ કર્યું છે એમ સ્પષ્ટ થાય છે. મનમોહનસિંહનો બહુ ઉપયોગ થયો લાગતો નથી. હા, મીડિયા પરનું દમન, બંધારણ બદલવાનો આરોપ, લિચિંગ અને ઉશ્કેરણી... આ તો હોય જ. પહેલી વાર ચૂંટણી ઢંઢેરામાં આર.એસ.એસ.ની ‘વિભાજન કરવાની’ વિચારધારાની વાત કરવામાં આવી છે. ઢંઢેરાનું શીર્ષક છેઃ ‘હમ નિભાયેંગે!’

આ ‘નિભાવવું’ શબ્દ સૌરાષ્ટ્રમાં મને - કમને ફરજ જાળવવા માટે વપરાય છે. ‘પડ્યુ પાનું નિભાવી લેશું’ એમ કહેવાય છે. સામ પિત્રોડા ગુજરાતી હોવા છતાં કે શક્તિસિંહ ગોહિલ રાષ્ટ્રીય પ્રવક્તા હોવા છતાં કે ગુજરાતી અહમદ પટેલનું વર્ચસ્વ છે તો પણ આવું? કદાચ ચિદમ્બરમ્ તેમના અંગ્રેજીભાષી મિજાજને અનુસર્યા હશે. સોનિયાજી કે રાહુલને તો આમાં ક્યાંથી ખબર પડે?

ભાજપનો સંકલ્પપત્ર

પણ આ ચૂંટણીમાં ‘નિભાવી લેવા’ માટેના ઢંઢેરા પછી સોમવારે ભાજપનો ૭૫ મુદ્દા સાથેનો સંકલ્પ પત્ર આવ્યો છે ‘કામ કરતી સરકાર’, ‘સ્થિર શાસન’, ‘સત્તાજોગ પૂર્ણ બહુમતી વાળી સરકાર’, ‘સમગ્રપણે વિકાસ’, ‘નળથી જળ’ સંકલ્પના, સૈન્યમાં શ્રદ્ધા અને વિભાજીત પરિબળોની સામે સંઘર્ષ... સરવાળે ભાજપનો ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’! બીજા ઘણા મુદ્દાઓ પણ છે. અર્થતંત્રને કેટલું બચાવ્યું અને ભવિષ્યે શું કરાશે, ખેતી અને ઉદ્યોગના વિકાસ થકી વૈશ્વિક તખતા પર ‘મજબૂત રાષ્ટ્ર’નું નિર્માણ કરીશું તેનો પણ ટંકાર કરાયો. ઢંઢેરો જોતાં જ એવું લાગે કે ૨૦૧૯માં ‘ફિર એક બાર, મોદી સરકાર’નો ઝનૂનપૂર્વક સંગ્રામ ખેલવાની તૈયારી છે. ભાજપ પાસેની નરેન્દ્ર મોદીની નેતાગીરી અને રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અમિત શાહનું કુશળ સંગઠનકાર્ય તેમજ કાર્યકર્તાની બૂથ તેમજ ‘પેજ’ સુધીની કામગીરીનો તખતો... આ તેના જમા પાસાં છે.

બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાની આસપાસ વર્તમાન ભારતનાં ચૂંટણી ચિત્રનો નકશો દેખાશે તે આગામી દિવસોમાં પ્રચારના રથમાં સવાર થશે. ‘કેન્દ્ર અને રાજ્ય’ કે ‘કેન્દ્ર વિરુદ્ધ રાજ્ય’ એ મમતા - માયાવતી - નાયડુ શૈલીના મુદ્દા છે તેની અસરો વિશે હવે પછી.


comments powered by Disqus