દીપોત્સવીમાં પૂરાશે ચૂંટણી પ્રચારની રંગોળી...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 04th October 2017 09:00 EDT
 
 

ઓક્ટોબર-નવેમ્બર મહિનાઓ તમને બરાબર યાદ છે?

ગુજરાતના ગુજરાતીઓને તો તેનું બરાબર સ્મરણ છે. આ વર્ષે વિધાનસભા ચૂંટણીનાં નગારાં ધીમે ધીમે ગાજતાં થયાં છે ત્યારે તેનું સ્મરણ જરૂર થાય કે અગાઉ વર્ષના અંતે ચૂંટણી આવી હતી અને બે વાર તો, ૧૯૯૫-૯૬માં શાસક ભાજપ પક્ષમાં ઉથલપાથલ થઈ.

એક વાર ખજૂરાહો-પ્રકરણ ચગ્યું, પહેલી વાર જ સત્તા પર આવેલી કેશુભાઈ – સરકારે શંકરસિંહ વાઘેલાની સાથેના ધારાસભ્યોના વિદ્રોહને લીધે સમજૂતી કરવી પડી, કેશુભાઈને બદલે સુરેશ મહેતા મુખ્ય પ્રધાન બન્યા. બીજા વર્ષે ૧૯૯૬માં વળી ઉથલપાથલ અને ભાજપ છોડીને અલગ પક્ષ – રાજપા - થયો તેણે સરકાર બનાવી, શંકરસિંહ વાઘેલા મુખ્ય પ્રધાન થયા. વળી તેમાં ડખો કોંગ્રેસે જ કરાવ્યો એટલે દિલીપ પરીખને મુખ્ય પ્રધાન બનાવ્યા.

આટલેથી વાત પતી નહીં અને ફેરચૂંટણી આવી તો કેશુબાપાનો સિતારો વળી ચમક્યો, પણ થોડાંક વર્ષોમાં પક્ષે નિર્ણય લીધો કે ના, પક્ષને બચાવવો હોય તો પરિવર્તન લાવવું પડશે એટલે સંઘ-પ્રચારક નરેન્દ્ર મોદીને પદ સોંપ્યું. મોદી પેટા-ચૂંટણીમાં રાજકોટથી જીતીને આવ્યા અને પછી બે વારની વિધાનસભા ચૂંટણીમાં ભારે મોટી જીત મેળવી તે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીએ ઐતિહાસિક પરિસ્થિતિમાં બદલી નાખી. ગુજરાતી મુખ્ય પ્રધાન દેશનો વડા પ્રધાન બન્યો! ગુજરાત રાજ્યની રચના પછી કોઈ મુખ્ય પ્રધાન દિલ્હીના તખતા સુધી પહોંચે તેવી રાજકીય ઘટના પહેલીવાર બની.

પછી આવ્યાં આનંદીબહેન. ત્રીજા ‘પટેલ’ મુખ્ય પ્રધાન! બાબુભાઈ અને ચીમનભાઈ બન્ને કોંગ્રેસ-જનતા મોરચામાંથી આવ્યા હતા, આનંદીબહેન ભાજપામાં પહેલા મહિલા મુખ્ય પ્રધાનેય ખરાં. પણ તેમના રાજકીય ગ્રહો ઠીક ના રહ્યા. ગુજરાતમાં પટેલોએ પહેલીવાર અનામત માગી અને આંદોલન થયું. હતું તો થોડા સમય પૂરતું, પણ આનંદીબહેનનું સ્થાન વિજય રૂપાણીને સોંપાયું, હવે તેમના માટે ૨૦૧૭ના વર્ષની વિદાય થતાંવેત વિધાનસભાની ચૂંટણીનો પડકાર આવ્યો છે.

હમણાં અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ ‘એક્સપ્રેસ અડ્ડા’નું આયોજન કર્યું હતું. આ ‘અડ્ડો’ શબ્દ ગુજરાતમાં નકારાત્મક રીતે પ્રયોજાય છે. અડ્ડો શબ્દ આવે એટલે દારૂ-જુગારના અડ્ડા જ યાદ આવે! ખરેખર તેનો અર્થ એવો નથી અને દિલ્હીનાં અંગ્રેજી અખબારોને આ શબ્દ ગમી ગયો હશે એટલે ‘અડ્ડા’નું આયોજન કરીને તેમાં રાજકીય નામાંકિત હસ્તીઓને બોલાવે, અખબારના એક-બે પત્રકારો પ્રશ્નો પૂછે, જવાબો મળે, પછી આમંત્રિતોમાંથી સવાલો આવે. એક્સપ્રેસના ગુજરાતમાં આ પ્રથમ અડ્ડામાં મુખ્ય પ્રધાનથી વધુ આકર્ષણ કોનું હોય? વિજય રૂપાણી આવ્યા, બોલ્યા, જવાબો આપ્યા. ખુલ્લી રીતે આપ્યા. એક મિત્ર અંગ્રેજી પત્રકારે મને કહ્યું કે મને આટલા સ્પષ્ટ અને દૃઢ જવાબોની અપેક્ષા નહોતી!

સ્વાભાવિક રીતે જ તેમાં ચૂંટણી - પડકારના પ્રશ્નો હતા. ઉદ્યોગ-આરોગ્યના સવાલો પણ હતા. લઘુમતીને અન્યાયની ઝંડી ન ફરકે તો જ નવાઈ! એવા સવાલનો જવાબ આપતાં વિજય રૂપાણીએ કહ્યું કે ગોધરાકાંડ પછી અત્યાર સુધીમાં એકેય હિન્દુ-મુસ્લિમ રમખાણ ગુજરાતમાં નથી થયાં, એ ખબર છેને? હા, અમે દરકાર બધાની રાખીશું પણ (કોંગ્રેસની જેમ) તુષ્ટિકરણની નીતિ નહીં અપનાવીએ.

આગામી ચૂંટણીમાં ભાજપાની રણનીતિનું દેખીતું લક્ષણ એ છે કે તેના નેતાઓની એક ટીમ કામ કરી રહી છે. વિજય રૂપાણી ઉપરાંત નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જીતુ વાઘાણી, રમણ ચૌધરી, વસાવા વગેરે કામે લાગ્યા છે. અમિત શાહ માર્ગદર્શક ભૂમિકામાં છે અને ઉત્તર પ્રદેશ, આસામ, મણિપુરના અનુભવો સાથે રાખીને પ્રચાર તેમજ સંગઠનની યોજના કરતા રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત-પ્રવાસ વારંવાર, જુદા જુદા નિમિત્ત સાથે થતો રહ્યો છે. દરેક વિધાનસભા સીટ પર કોને પસંદ કરવા તે માટે બે-ત્રણ આગેવાનો ત્યાં જઈને ‘નિરીક્ષક’ની ભૂમિકાએ રહીને ‘સેન્સ’ લે છે.

બેશક, આ વખતે ધારાસભ્ય બનવા માટે પક્ષના કાર્યકર્તાઓની કતાર લાગી છે. ‘જીતવો જોઈએ’ એ મુદ્રાલેખ વિના અમિત શાહ ક્યારેય ચાલે તેવા નથી. એટલે છેવટનાં સમીકરણમાં એ વાત આવશે. પક્ષની પાસે પ્રચારના મુદ્દાને વધુ ધાર આપવા માટેના આયોજન એક પછી એક તૈયાર છે. પાટીદારોના ‘નેતા’ઓને બોલાવ્યા, વાતચીત કરી અને નેતાઓને આંદોલન કે વિરોધનો ખાસ મોકો ના મળે એવી જાહેરાતો કરી દેવામાં આવી. પાટીદાર કેસો પાછા ખેંચાશે, અને બિન-અનામત વ્યવસ્થા માટેનું બોર્ડ રચાશે. આ બે બાબતો વિરોધની ધાર બુઠ્ઠી કરવા માટેની છે. એકંદરે વિરોધનો વંટોળ પેદા કરવાના કોઈ પ્રયાસો સફળ થાય તેવા સંજોગો નથી.

દલિત આંદોલન તો તેના નેતાઓને લીધે જ નાકામ બની ગયું! જિગ્નેશ મેવાણી નામે એક ‘યુવા નેતા’ને દલિત સમાજના મસીહા તરીકે સ્થાપિત કરવાની ભારે કોશિશ થઈ. કેટલાક રાજકીય પંડિતો પણ ભરમાયા. આ ઘટના અગાઉના રાજકીય આકાશના પ્રસંગની યાદ અપાવે છે. વિશ્વનાથ પ્રતાપ સિંહનું જનતા દળ કેન્દ્રમાં સત્તા પર આવ્યું ત્યારે ‘મહાન વિકલ્પ’ના ફૂગ્ગાઓ આકાશે ઊડ્યા હતા. પણ તે સમયે રાજીવ ગાંધીએ પોતાના અનુભવોના આધારે, વી.પી.-પ્રશંસક કોંગ્રેસ નેતાને જણાવ્યું હતું કે ‘દેખો, યે વિશ્વનાથ પ્રતાપ હૈ... જરા સંભલ કર ચલના!’ તે સાચું પડ્યું. માંડલ કમિશનની ભલામણોએ તેમને ડૂબાડ્યા અને પછી આજ દિવસ સુધી તેનો પક્ષ ક્યાંય દેખાયો નથી!

એ સમયે ગુજરાતમાં ચીમનભાઈ પટેલે વી.પી. પ્રવાહનો ઉપયોગ કરીને સરકાર બનાવી ત્યારે ગુજરાતના રાજકીય પંડિતો અને મનુભાઈ પંચોળી જેવા રાજકીય શિક્ષણકારોનો ઉત્સાહ એવો જામ્યો કે આમાંથી ગુજરાતમાં નવો પ્રાદેશિક રાજકીય વિકલ્પ બનશે! ઘણા બધા તે સંભવિત નવા પક્ષમાં જવા માટે થનગની રહ્યા હતા પણ ચતુર રાજકારણી ચીમનલાલ પરિસ્થિતિને બરાબર સમજી ગયા અને છેવટના મુકામ તરીકે કોંગ્રેસને જ પસંદ કરી, ત્યાં મુખ્ય પ્રધાન પણ બન્યા!

આ જિગ્નેશ મેવાણીના આંદોલનમાં તિકડમ્ વધારે છે. દિલ્હીથી જેએનયુના છાત્ર નેતાઓનો યે ઉપયોગ કરાયો પણ ઉનાની ઘટના કોઈ રાજકીય-સામાજિક વિચારને કારણે થઈ નહોતી, સ્થાનિક અસામાજિક તત્ત્વોને લીધે થઈ હતી તેનાથી ‘ગુજરાતમાં દલિતો પર અત્યાચાર’નો પ્રચાર થઈ શકે તેમ નહોતો. મેવાણીની સાથે ખુદ દલિતો જ ના રહ્યા. એટલે ક્યારેક નિર્વસ્ત્ર થઈને સત્યાગ્રહ કરવાની જાહેરાતો કરીને તેને રદ પણ કરી નાખવાના અહેવાલો અખબારોએ છાપ્યા હતા.

ભાજપ માટે આ આંદોલનો નહીં પણ પ્રજાકીય પ્રશ્નોની પરેશાની ક્યાંક નડતર કરે તેવી શક્યતા છે. ઉદાહરણ તરીકે આખું અમદાવાદ ખાડા-ટેકરામાં ફેરવાઈ ગયું અને છેલ્લા ત્રણ મહિનાથી, પહેલાં તદ્દન રેઢિયાળ રીતે રસ્તા સરખા કરવા, વરસાદ આવે એટલે તે ધોવાઈ જવા, વળી પાછા સરખા કરવા, વળી નબળા સમાચારકામને લીધે ખરાબ થવા એવું ચાલતું રહ્યું છે! હજુ તેમાં કોઈ સુધારો થયો નથી. આમાં સામાન્ય નાગરિક તો સ્થાનિક કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત જુએ તેમાં શું નવાઈ? અત્યાર સુધીના કોન્ટ્રોક્ટરોને આ કામ મળ્યાં તેમને સજા તો થઈ શકે નહીં. વધુમાં વધુ તેને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે. પણ આ કાયમી ઉકેલ નથી. કોર્પોરેશનનું તંત્ર અને કોર્પોરેટરો તદ્દન નિષ્ફળ ગયા હોવાની તીવ્ર લાગણીનો સામનો બોલકો શહેરીજન ચૂંટણી દરમિયાન કરે તે સ્વાભાવિક છે. આવા કેટલાક અવરોધોને બાદ કરતાં સામાન્ય રીતે ભાજપને ખાસ વાંધો આવે તેવું લાગતું નથી.

કોંગ્રેસમાં સળવળાટ જરૂર થયો છે, પણ તેનો ડર ભાજપ વત્તા શંકરસિંહ વાઘેલાનો વધારે છે. બાપુનો ‘જનવિકલ્પ’ જે ગાબડાં પાડે તે કોને કેટલો ફાયદો-નુકસાન કરશે તેની ગણતરી કરાઈ રહી છે. કોંગ્રેસના પ્રભારી નેતાએ તો શંકરસિંહ વાઘેલાના સાથીદારોને ભાજપની ‘બી’ ટીમ ગણાવી દીધી!

એ વાત સાચી કે ભાજપની સામે કેન્દ્રીય નેતાગીરી ગુજરાતમાં ઉતારવા માટે કોંગ્રેસ પાસે ગણીને એક નેતા છે, રાહુલજી! દ્વારિકામાં દેવદર્શન કરીને તેમની યાત્રા શરૂ થઈ તે ખોડલધામ અને ચોટિલાનાં ચામુંડાના આશરે ગઇ. કોઈકે મજાકમાં કહ્યું કે રાહુલે પારસી અગિયારી અને કોઈ જાણીતી મસ્જિદે ય જવું જોઈતું હતું! ચૂંટણી ટાણે આખેઆખી બિનસાંપ્રદાયિકતાનો ચહેરો બદલાઈ જાય છે! અગાઉ રાજીવ ગાંધીએ પણ પ્રચારના શ્રીગણેશ અંબાજીમાં આરતી ઉતારીને કર્યા ત્યારે ભાજપ નેતા અટલ બિહારી વાજપેયીએ વ્યંગ કર્યો હતો કે આવું ભાજપ કરે તો તે કોમવાદી ગણાશે!

તો, ગુજરાતની દીપોત્સવીના તહેવારો પણ ચૂંટણીની રંગોળી સાથે આવશે એટલું નક્કી!


comments powered by Disqus