ધંધુકા, રાણપુર અને ચોટીલાઃ સિંધુડાના કવિનાં સ્મૃતિ-સ્થાનો

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 10th December 2019 03:26 EST
 
 

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી દિવસોમાં યોજાનારા ‘પુસ્તક ઉત્સવ’માં મારાં પુસ્તક ‘ઈતિહાસ ગુર્જરી’ (૧-૨)નું લોકાર્પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કરશે. તેમાંથી આ એક અંશઃ

ધંધુકા, રાણપુર અને ચોટીલા.

આ સ્થાનો ઝવેરચંદ મેઘાણીના ‘સિંધુડો’ની સાથે, ‘રુદ્રવિણાના ઝંકાર’ સાથે, ‘કસુંબીના રંગ’ સાથે અને ‘સૌરાષ્ટ્રના પત્રકારત્વ’ સાથે અ-તૂટ રીતે જોડાયેલાં છે.

ધંધુકા અમે ગયા હતાં ભૂપેન્દ્રભાઈ દવે અને રાણપુરમાં આગેવાન નરેન્દ્ર દવેની સાથે. રાણપુરમાં આ પહેલાં ગુજરાત બિરાદરીની ગોષ્ઠિમાં અને પછી ૨૦૦૭માં મળેલી ૧૯૩૦ના સત્યાગ્રહીઓની સભામાં યે જવાનું બન્યું હતું. સ્વ. અમૃતલાલ શેઠ પરિવારના મુંબઈવાસી મહાનુભાવો, મુખ્ય સચિવ પ્રવીણભાઈ ક. લહેરી, પૂર્ણિમાબહેન પકવાસા, રાજેન્દ્ર દવે અને બીજા ઘણાને મળવાનું થયું. પૂર્ણિમાબહેન સત્યાગ્રહમાં સૌથી નાની વયનાં હતાં; તે પાછલાં વર્ષોથી સ્મૃતિ અજવાળી રહ્યાં હતાં!

ધંધુકાની એ કોર્ટમાં જવાનું થયું, જ્યાં મેઘાણીએ ગાયું હતુંઃ ‘હજારો વર્ષની...’ હજુ તે અદાલતનો કમરો, પીંજરું, મેદાનનાં વૃક્ષો એવાંને એવાં છે. અદાલતી કાર્યવાહી તો આમેય આપણે ત્યાં ક્યાં, ખાસ બદલાઈ છે?

આ પીંજરું અને મેઘાણીની કવિતાનું અદ્ભૂત દૃશ્ય હશે!

કેટલીક કવિતાઓનું ભાગ્ય અમર થઈ જવાનું હોય છે. લોકોના હોઠ પર એ ગૂંજતી રહે છે અને ભૂતકાળને ભૂલીને આપણે વર્તમાનમાં તેનો અહેસાસ કરીએ છીએ. આખાયે માહોલમાં જાણે મેઘાણીની સ્મૃતિનો ટંકાર થયો. આરતીએ રોમાંચિત થઈને સમગ્ર માહોલનું ફોટોસેશન કરી લીધું!

સ્થળઃ ધંધુકાની અદાલત. ૨૮મી એપ્રિલ ૧૯૩૦.

સત્યાગ્રહીઓની વચ્ચે બરવાળામાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ રાજ્યસત્તાની ખિલાફ જંગે ચડવા ઉશ્કેર્યા હતા તેવા આરોપસર આ મુકદ્દમો ચાલ્યો. મેઘાણીએ કહ્યુંઃ ‘જે દિવસે અને જે કલાકે ભાષણ કર્યાનું તહોમત છે, તે દિવસે ને તે કલાકે હું રાણપુરમાં મારા ઘરમાં ઘસઘસાટ ઊંઘતો હતો... મારા ગંભીર અને એકરાગી જીવનમાં આ પ્રસંગને અતિશય મજાકભર્યા બનાવ તરીકે લેખું છું...’

મેઘાણીને મન ‘અતિશય મજાકભર્યા બનાવ’માં ન્યાયાધીશ શ્રી ઈસરાણીએ બે વર્ષની સજા ફટકારી ત્યારે બે પાનનાં નિવેદનમાં ખુમારીભેર કવિએ જણાવ્યુંઃ ‘તમારાથી મને ફાંસીના માંચડાની સજા થઈ શકતી હોય તો તેને હું પરમ સૌભાગ્ય સમજીશ.’ અને પછી કહ્યુંઃ ‘મારે એક પ્રભુ પ્રાર્થના ગાવી છે. પરવાનગી હોય તો ગાઉં.’

અદાલતે સંમતિ આપી અને મેઘાણીએ પીંજરામાંથી ‘છેલ્લી પ્રાર્થના’ ગીત ગાયું. દુનિયાની અદાલતોના ઈતિહાસમાં આ એકમાત્ર અનોખો પ્રસંગ છે, જેમાં આરોપી ગાતો હોય, શ્રોતાઓનાં હૃદય પોરસાતાં હોય અને ખુદ પોલીસ-ન્યાયાધીશ-કર્મચારીઓ શાંત સ્તબ્ધ થઈને સાંભળતા હોય. ન્યાયાધીશની આંખમાં ચમકેલાં આંસુ એ મેઘાણીનાં ગીતમાં પડેલી સાર્વત્રિક, સામુદાયિક દેશવેદનાની અનુભૂતિ હતી.

આજે પણ, ૭૮ વર્ષ પૂર્વેનાં એ ગીતને, તેના સ્વરોને સાંભળવા જેવા છેઃ

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,

કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,

મરેલાનાં રૂધિર ને જીવતાનાં આંસુડાઓઃ

સમર્પણ એ સહુ, તારે કદમ પ્યારા પ્રભુ ઓ!

અમારા યજ્ઞનો છેલ્લો બલિઃ આમીન કહેજે,

ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે!

વધારે મૂલ લેવાં હોય તો તે માંગી લેજે!

અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,

ખબર છે એટલી કે માતની હાકલ પડી છે,

જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે,

ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે!

જુઓ આ તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં

જુઓ હર ઝખ્મથી ઝરતી હજારો રક્તધારા,

જુઓ છાના જલે, અન્યાયના અગ્નિધખારાઃ

સમર્પણ હો, સમર્પણ હો, તને એ સર્વ પ્યારા!

ભલે હો રાત કાળી, દીવો લૈ આપ ઊભા જો!

ભલે રણમાં પથારી, આપ છેલ્લાં નીર પાજો!

લડંતાને મહા રણખંજરીના ઘોષ ગાજો!

મરંતાને મધુરી બંસરીના સૂર વાજો!

તૂટે છે આભ ઊંચા આપણા આશામિનારા,

હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,

સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા,

મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિકિનારા!

આ કવિતા ગુજરાતી દિલ અને દિમાગ પર અંકિત થઈ ગયેલી અ-મર રચના છે. આઇરીશ વીર મેકસ્વિનીએ કોઈ વાર અંગ્રેજ શાસકોને સંભળાવ્યું હતું કે પ્રજા તૂટતી દેખાય છે પણ તેનું માથું ઊંચા આભ સુધી પહોંચે છે, તેને નજરઅંદાજ કરવા જેવું નથી! ત્યાંથી અમે રાણપુર ગયાં.

રાણપુર જવાનો ઉબડખાબર રસ્તો પાર કરીને એ ગલીઓમાં પ્રવેશ્યાં, જ્યાં ‘સૌરાષ્ટ્ર’ અખબારનું સંવર્ધન થયું હતું, લીલાછમ લીમડાનું ઝાડ, નીચેના ઓરડામાં મેઘાણી-અમૃતલાલ શેઠનું લેખનકાર્ય, ઉપર મુદ્રણનું કામ; પછી ‘બુધવારની માથા પર ચઢેલી બપોરે’ અંકની છેલ્લી સામગ્રી તૈયાર થાય! આમ જ ગાંધીજીની ગોળમેજી પરિષદમાં પ્રયાણના દિવસે લખાયું હતુંઃ ‘છેલ્લો કટોરો ઝેરનો પી જજો, બાપુ!’

પહેલા અંક (૨ ઓક્ટોબર ૧૯૨૧)ના તંત્રીલેખમાં ‘ભક્તિની, વીરતાની, જ્ઞાનધનની’ ભૂમિ સૌરાષ્ટ્રમાં ‘શ્રેય સાધના, કર્મયોગના, તપશ્ચર્યાના અને આત્મભોગના પાઠો સૌરાષ્ટ્રવાસીની સન્મુખ વાંચવા’ આ અખબાર શરૂ થયાની તંત્રીલેખની બાની છે. ‘સૌરાષ્ટ્ર’ના જોમવંતા તંત્રીલેખો શેઠ-મેઘાણીના માનસ સંતાનો છે તો સાહિત્ય, સાહિત્યાવલોકન, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહોની સમીક્ષા, સત્યાગ્રહ અને સશસ્ત્ર ક્રાંતિકારોના અહેવાલો, લેખો, જીવનચરિત્રો તેમજ લોકસાહિત્યના મેઘાણીનાં પત્રકારત્વની જ્વલંત સામગ્રી બની છે. રાણપુરની જમીનમાં હજુ એ અદૃષ્ટ ઊર્જા અનુભવાય છે.

... અને ચોટીલા?

તમે ચોટીલા તો ગયા જ હશો.

અમદાવાદથી રાજકોટ જતાં હાઈ-વે પર તે આવે છે. બસ કે મોટરકારમાં દૂરથી જ રમણીય ડુંગરમાળા દેખાય ને નજકીદ જતાં જ એવી એક ટોચ પર માતા ચામુંડાના મંદિરની ધજા ફરકતી જોવા મળે. ગુજરાત શક્તિ-ઉપાસનાની સાથે વર્ષોથી જોડાયેલું છે. અંબાજી, આરાસુર, ચામુંડા, મહાકાળીનાં સ્વરૂપો અહીં બિરાજે છે. ભારત અખંડ હતું ત્યારે અહીંના ગોપાલકો સિંધમાં હિંગળાજ માતાના દર્શને જતા.

હવે ચોટીલા જાઓ ત્યારે તેની તળેટીમાં એક સુંદર આરસપ્રતિમા સ્થાપિત થઈ છે તેને પણ વંદન કરજો. એ પ્રતિમા ગુજરાતના લોકહૃદયમાં આજ સુધી જીવિત રહેલા કવિ-પત્રકાર ઝવેરચંદ મેઘાણીની છે. ઝાલાવાડ લોકસાહિત્ય પરિવારનું સંચાલન ભૂપેન્દ્ર મો. દવે કરે છે. મૂળ માહિતી ખાતામાં સહાયક માહિતી નિયામક હતા. તેમના પિતા મોહનલાલ ધનેશ્વર દ્વિવેદી ‘જીવનપ્રકાશ’ નામે સાહિત્યનું સામયિક પ્રકાશિત કરતા, અને ભૂપેન્દ્રભાઈના કાકા એટલે ખ્યાત ‘કાર્ટુનિસ્ટ’, ‘ચેતમછંદર’ સાપ્તાહિકના તંત્રી ‘શનિ’.

ભૂપેન્દ્રભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં પત્રકારત્વ, સાહિત્ય, લોકસાહિત્યના કામો કરતા રહ્યા છે. તેમની પાસે સરસ ટીમ પણ છે. ૩૧મી ઓગસ્ટ, ૨૦૦૭ ચોટીલાની તળેટીમાં યોજાઈ ગયેલા મેઘાણી-પ્રતિમા અનાવરણમાં પૂર્વ નાણાં પ્રધાન બાબુભાઈ મેઘજી શાહ, પાણી-પુરવઠા સચિવ સાહિત્યપ્રેમી વી. એસ. ગઢવી અને બીજા અનેક મહાનુભાવો હતા. આ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે બોલવાનું થયું તો મેઘાણીને સાંસ્કૃતિક ચેતનાના પ્રતિનિધિ કહ્યા હતા.

ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ અને રાષ્ટ્રીય કર્મશીલો - કોઈ કરતાં કોઈ મેઘાણીને તો કેમ ભૂલી શકે? ૧૮૯૭ની ૧૭મી ઓગસ્ટે, શ્રાવણી પાંચમે તેમનો જન્મ અહીં, ‘કંકુવરણી પાંચાળ ભોમનું કલેજું અને ચામુંડા માતાના ચોટીલા ડુંગરની લગભગ તળેટીમાં એજન્સી પોલીસના એ વખતના અઘોરવાસ લેખાતા ‘દાઠા થાણામાં’ થયો, અને ૯મી માર્ચ ૧૯૪૭ના વહેતી રાતે હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો.

માંડ પચાસ-એકાવન વર્ષના આયખામાં તો મેઘાણી અનેકરંગી પડાવોના મુસાફર રહ્યા. ‘પહાડનાં બાળક’ તરીકે જન્મ્યા પછીનો તેમની જિંદગી અને સાહિત્યસર્જનનો હિસાબ કનુભાઈ જાનીએ આવી રીતે માંડ્યો છેઃ ‘તેમની લોક સાહિત્યની સઘન કામગીરી ૧૯૨૩થી તો શરૂ થઈ ગયેલી. આરંભનાં આઠ વર્ષમાં લોકસાહિત્યનાં ૨૦ પુસ્તકો મળ્યાં, પછી છેલ્લા આઠ વર્ષોમાં - ૧૯૩૯થી ૧૯૪૬ તેનું વિવેચન શરૂ થયું. મૌલિક સર્જનની શરૂઆત કવિતાથી (‘વેણીનાં ફૂલ’) પછી આઠેક કાવ્યસંગ્રહો પ્રાપ્ત થયાં. ૧૯૩૨થી તેમણે નવલકથા પર હાથ અજમાવ્યો અને ૧૬ વર્ષમાં ૧૪ નવલકથાઓ આપી. ૨૬ વર્ષ સુધી એ લખતા રહ્યાં. લગભગ ૯૩ પુસ્તકો તેમણે આપ્યાં...’

અને તેમનાં અલગારી જીવનની આ ભ્રમણકથાનાં સ્થાનો, ઘટનાઓઃ જન્મ્યા ચોટીલા, વતન બગસરા. અમરેલીમાં મેટ્રિકની પરિક્ષા આપી. ભાવનગરની શામળદાસ કોલેજ અને થોડો સમય જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કર્યો. અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ. થયાં. ૧૯૧૮માં કોલકતા જીવનનિર્વાહ માટે નોકરી, પણ જીવનલક્ષ્ય તો જૂદું જ હતું. એની અભિવ્યક્તિ પેલા જાણીતા થઈ ગયેલા પત્રમાં - ‘લિખિતંગ હું આવું છું’ ૧૮મી સપ્ટેમ્બર ૧૯૨૧ના એ લખાયો હતો, તેનાં છેલ્લા વાક્યો, આજેય કોઈ અજંપ હૃદયને નિશ્ચયની આંગળી પકડાવી શકે તેવા છે. તેમણે પત્રના અંતમાં લખ્યું હતુંઃ

‘અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછા આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. આ ગોધૂલિના સમયે, અંધકાર અને પ્રકાશની મારામારી વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું. એના સાદને હું ઓળખું છું...’

કોલકતાથી સીધા કાઠિયાવાડ, ચોટીલા, દાઠા, બગસરા, અમરેલી, રાજકોટ, લાખાપદર, ઝીંઝુવાડા, વઢવાણ, ભાવનગર, જૂનાગઢે તેની અંદર પડેલા સંશોધન અને શબ્દદેહનું ઘડતર કર્યું હતું, તે ૧૯૨૨ના જુલાઈમાં રાણપુરથી પ્રકાશિત, અમૃતલાલ દલપતરામ શેઠનાં ‘સૌરાષ્ટ્ર’માં અને પછી ‘જન્મભૂમિ’ અને ‘ફૂલછાબ’માં તેમનું પત્રકારત્વ ઝળકતું રહ્યું. મકરંદ દવેએ લખ્યું હતુંઃ ‘તેમનું સમગ્ર જીવનકાર્ય ખોવાયાની ખોજમાં અને ખોજી કાઢેલાઓને સ્વાભિમાનનું સ્થાન આપવામાં વીત્યું છે... આ માણસનો જીવ જ મિશનરીનો હતો, ને જેને ‘મિશન નામનું ઝોડ વળગ્યું હોય તેનો સંસારરથ જગન્નાથનો રથ બની જાય છે. તેના ઘર્ઘર એ ઘૂમતાં, ભારેખમ પૈડાં નીચે કંઈ કેટલાયે કુમળાં સ્વપ્નો કરમાઈ જાય છે, એવી ચીસ કોને કાને પડે? આટલું વિપુલ અને સમૃદ્ધ સાહિત્ય એ કોઈ ફૂલવાડીમાં બેસીને લખ્યું નથી, પણ આપણા જેવા જ સામાન્ય જીવનનાં ભીતડાં વચ્ચે બેસીને તેણે કલમને ફોરવા દીધી છે. એ ચૂલામાંથી ભીનાં લાકડાં અને કરગછિયાંને ફૂંકીફૂંકીને, ચૂલો ફૂંકવો ને દેવતા પ્રગટાવવો એમાં જ માણસનું કૌવત છે.’

ઝવેરચંદ મેઘાણીનો એકાદ-બે શબ્દમાં પરિચય આપવો હોય તો?

સહસ્ત્રવીણાથી એકતારા સુધીનું તેમનું જીવનગીત રહ્યું!

કંઈ જ તેમણે પાછળ ન મૂકી દીધું. પત્રકારત્વ, નવલકથા, નવલિકા, લોકગીત અને લોકસાહિત્ય, સોરઠી બહારવટિયાઓની કથા, બાળગીતો, અને સંગ્રામગીતો...

ગાંધીજીથી ભગતસિંહ સુધીના અને સ્વતંત્રતા-સંગ્રામમાં કૂદી પડેલા ‘કોઈના લાડકવાયા’ અને ‘શિવાજીનું હાલરડું’ સુધીની અભિવ્યક્તિ!

તેમણે પત્રકારત્વને ‘જીવંત પાઠશાળા’ માની હતી, જાણે! અલગારી બનીને શબ્દની સંગાથ તેઓ ડુંગરા-નદી-કોતર-જંગલ-મેદાનો અને સાવ સામાન્ય ઘરો સુધી પહોંચ્યા. લોક-જબાનને શિષ્ટ સાહિત્યની પડખોપડખ સ્થાન અપાવવાની તેમની આ મહેનત હતી. શરીર થાકી જાય ત્યાં સુધી તેમણે કલમની સાથે કામ લીધું. પોતાને ‘શબ્દના સોદાગર’ કહ્યા ને એ ન ભૂલ્યા કે પોતે ‘પહાડનું બાળક’ છે. ઊંચા ગજાના સાહિત્યસર્જનમાં આ પહાડ, ગામડાં, નદી, અરણ્ય, સમુદ્ર અને ખુલ્લાં હરિયાળા મેદાનો મોટી અસર કરે છે. યુરોપિયન લેખકો એટલે જ છેવાડાના ગામને પસંદ કરતા રહ્યા છે.

મેઘાણીને તો તેવી પ્રકૃતિનો મહારસ સહજપણે મળ્યો હતો. બોટાદ અને રાણપુર કે બહુ બહુ તો ભાવનગર તેમણે નિવાસસ્થાન તરીકે પસંદ કર્યા તેની પાછળનું કારણ આ ‘જમીન પરના સૌંદર્ય’ની સંગાથે રહેવાનું હશે.

મેઘાણીનું શબ્દ જીવન હજુ પૂરેપૂરું ગ્રંથસ્થ થયું નથી. તેમના પત્રો હિમાંશી શેલત - વિનોદ મેઘાણીએ યથાતથ પુસ્તકરૂપે સંપાદિત કર્યાં ‘લિખિતંગ હું આવું છું’ તેમાંથી આ સર્જકના જીવનની તમામ મથામણો, અભિલાષાઓ, ઉત્તાપ અને જીવનદર્શનનો અંદાજ મળે છે.

‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘સોરઠી બહારવટિયા’, ‘સોરઠી સંતો’, ‘રઢિયાળી રાત’, ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’, ‘પરકમ્મા’, ‘સરકારે જપ્ત કરેલો સિંધુડો’, અને ‘સોરઠ તારાં વહેતાં પાણી’, ‘તુલસી ક્યારો’, ‘વેવિશાળ’, ‘પ્રભુ પધાર્યા’ જેવી ૧૩ નવલકથાઓ, નાટકો, જીવનચરિત્રો, આ તેમનાં આજ સુધી રસપૂર્વક વંચાઈ રહેલાં પુસ્તકો છે.

મેઘાણીનું સાહિત્ય, પત્રકારત્વ અને લોકસાહિત્યઃ આ ત્રણેય કોઈ એક જગ્યાએ ભળી જાય છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી લોકસાહિત્યની સંશોધન પીઠ (ચેર) સ્થાપવાની હતી, ભાઈકાકાએ તેમને વલ્લભવિદ્યાનગરની યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે બોલાવ્યાં, પણ મેઘાણી આસમાનથી ધરતી સુધીનો ગગનવિહારી જીવ. તેમણે એ પદ સ્વીકાર્યું નહીં.

કવિ મકરંદને, ચોટીલામાં સ્થાપાનારી પ્રતિમા વખતે ફરી વાર યાદ કરવા પડે. ‘ગુજરાતને આંગણે મેઘાણીની મૂર્તિ યુગાંતરની પ્રાતઃ સંધ્યાએ ઊભેલી છે.’ ચોટીલાનાં ડુંગરની ખીણમાં રોજેરોજ હજારો યાત્રાળુઓ ચામુંડા માતાના દર્શન માટે આ પર્વત ચડે છે. ધન્ય થઈને પાછા વળે છે. તેમાં તરુણો અને બાળકો તેમજ કન્યાઓ અને મહિલાઓ આ પ્રતિમા જોઈને જરૂર પૂછશેઃ આ કોની પ્રતિમા?

તેનો જવાબ કોઈ તખતીમાં કોતરાયેલો હશે તે જાણશે. ‘ધૂમકેતુ’ની એક વાર્તામાં અંગ્રેજ અમલદાર કહે છે ને - ‘આ જર્જરિત, ખંડિત પણ સુંદર પ્રતિમાને હું મારા દેશ લઈ જઈશ. ગામના કોઈ ચોકમાં સ્થાપિત કરીશ, તેની આસપાસ રમણીય ઉદ્યાન હશે. ને ફરવા આવેલી માતાઓને તેનાં બાળકો પૂછશે - આ સુંદર પ્રતિમા કોની છે? ત્યારે તેને તમારા આ દેશની શિલ્પસંપત્તિનો અંદાજ મળશે...’

આશા રાખીએ કે મેઘાણી નામની આપણી વિરલ સંપત્તિનો અંદાજ પણ આવી જ રીતે લોકોને આ પ્રતિમામાંથી મળે!


comments powered by Disqus