ધમધમતા ચૂંટણીજંગના દેખીતા મુદ્દાઓ!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 08th November 2017 06:40 EST
 
 

તરેહવારની તૈયારીથી ગુજરાતનું રાજકારણ ધમધમવા લાગ્યું છે. ડિસેમ્બરમાં તેની પરાકાષ્ઠા મતદાનના દિવસે આવશે. ગણતરીના પાટલા તો ક્યારના મંડાઈ ગયા. નવથી દસ ટકા મત ધરખમ બદલાવ લાવી શકે એમ પાછલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને પ્રાપ્ત મતોની વચ્ચેના તફાવતથી ગણતરી કરાઈ રહી છે, પણ લોકસભા મતની ટકાવારીમાં તો ભાજપ હાથીની જેમ આગળ હતો તે ટકાવારીનું શું?

આ બે મોટા સવાલોમાં એ વાત પણ ભૂલી જવાય છે કે પ્રાપ્ત ટકાવારી પણ વધી-ઘટી શકે છે અને તેને માટે પક્ષ, ઉમેદવાર, જાતિ, પૂર્વાનુભવ, પ્રચાર અને વિરોધ-તરફેણઃ આટલા પરિબળોના આધારે મતદાર તેનો નિર્ણય કરીને ઉમેદવારને પસંદ કરશે. તેમ કરવા માટે પ્રચારના રથના, એક નહીં અનેક, ઘોડા મેદાનમાં હણહણવા લાગ્યા છે. પત્રકાર પરિષદ, મીડિયા પરના અહેવાલો-મુલાકાતો-ચર્ચાઓ, અખબારી અહેવાલો-નિવેદનો-લેખો, સોશિયલ મીડિયામાં અનાપ-સનાપ અભિપ્રાયો, કાર્યકર્તાની નાગરિકો સાથે મુલાકાતો, ડોર-ટુ-ડોર સંપર્કો, પત્રિકાઓ, ગૂફ્તેગો, રેલીઓ, જાતિ-સભા સંમેલનો, મહિલા-સભાઓ, મંદિરોમાં દર્શનો, અને જિલ્લા, તાલુકા, રાજ્ય, રાષ્ટ્રના રાજકારણીઓની વધી પડેલી મુલાકાતો... આટલાં માધ્યમો હાજરાહજુર છે. બધાનો ઉપયોગ-દુરુપયોગ થવા લાગ્યો.

ફેસબુક-ઈમેઈલ-બ્લોગનાં હથિયારો પણ સજ્જ થયાં. આમાં કેટલું નાણું વપરાય છે અને કોણ-કોના ઈશારે ચાલે છે તે સમજવું અકળ નથી. વડા પ્રધાનની મુલાકાત થાય ત્યારે તેમને હંફાવવા-અવરોધવા માટે ભૂતકાળનાં કબાટમાંથી હાડપીંજરો કાઢવા માટેની સક્રિય રહે, ક્યાંક કાળા વાવટા બતાવાય, અને ‘પેલાએ મને આટલા કરોડની ઓફર કરી છે’ તેવા દાવા-પ્રતિદાવાનો દેખાડો ટીવી પર સનસનાટી પેદા કરે. મીડિયાએ આ વખતે દરેક મતદાર-વિસ્તારમાં જઈને જાણવાનો સારો પ્રયાસ કર્યો છે પણ તેમાં જવાબ આપનારા ‘સામાન્ય’ નાગરિકને બદલે ‘અસામાન્ય’ એટલે કે કોઈ એક પક્ષના ટેકેદારો હોવાનું તુરંત પરખાઈ આવે. ખુલ્લી ચર્ચામાં એવું વધુ બને છે. મીડિયાની મૂંઝવણ એવી છે કે પક્ષ-પ્રવક્તાઓ ચર્ચાને પ્રચાર-સભા બનાવી દે અને રાજકીય વિશ્લેષકોમાં થોડાક જ ચર્ચાને ન્યાય આપી શકે તેવા હોય છે તેવું મીડિયામાં આયોજકોનું કહેવું છે.

મુખ્ય મુદ્દો બીજો જ છે!

આ ચૂંટણીનો મુખ્ય મુદ્દો કયો છે? વલોવણ તો થતું જ રહે છે. વિકાસ, વિનાશ, બરબાદી, બેરોજગારી, ઉત્પાદન, મોંઘવારી, ભ્રષ્ટાચાર, પ્રજાકીય કામો, વિલંબ, ‘જાતિ’ અને ‘વર્ગો’ને ન્યાય-અન્યાય, શોષણ આ પ્રશ્નો ઊછળ્યા કરે છે. પણ મૂળ વાતનો મૂળ મુદ્દો - નરેન્દ્ર મોદી અને ભાજપ છે એવું લાગે છે! કોઈ પણ ભોગે મોદી-ભાજપને પરાસ્ત કરવાનો ઈરાદો કોંગ્રેસ માટે ‘મુખ્ય મુદ્દો’ બની ગયો. તેને માટે ઠાકોર સેના, પાટીદાર આંદોલન, દલિત આક્રોશ અને તથાકથિત બૌદ્ધિકોની મદદ - આ હથિયારો તેણે ધારણ કર્યાં. તેમાં આશ-નિરાશ જરૂર છે. ઠાકોર સેનાને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસની ભાગીદાર બનાવવામાં આવી. હવે ઠાકોર સમસ્યાના પૂર્વ સમાજસેવક અને હવે કુશળ (હા, હાર્દિક કે જિજ્ઞેશ કરતાં કુશળતાના માર્ક્સ અલ્પેશને વધારે આપવા પડે.) રાજકારણી બની રહેલા અલ્પેશને ભાવિ સરકાર (જેનાં સપનાં તમામ કોંગ્રેસી પણ જોવા માંડ્યા છે)માં ઉપમુખ્ય પ્રધાનપદની નવાજેશ થઈ જશે એવું કહેનારાઓનો વર્ગ ઓછો નથી. પણ મુસીબત ઓબીસી (તેમાં યે મૂળ ઠાકોર) ઉમેદવારો કેટલા ઊભા રહે, જેને ટિકિટ મળે તેમાંથી કેટલા જીતશે તે મસમોટો સવાલ છે. કોંગ્રેસ બધાને રાજી રાખવા માગે છે પણ ઠાકોર અને પટેલ બે છેડાને ભેગા કરવામાં કંઈક ગલત કે બગડેલી રસોઈ નહીં થઈ જાયને તેની ચિંતા કેટલાક શાણા કોંગ્રેસીઓને છે. પણ આ બે તો કાંખઘોડી (વૈશાખી) છે, તેના વિના કોંગ્રેસ આગળ કઈ રીતે વધી શકે?

દલિત નેતા જીજ્ઞેશને ય વારી લેવાયો પણ તેને લીધે હરિજન મતમાં વધારો થાય તેમ નથી. આ ‘નવા નેતાઓ’ને માટે ભૂતકાળનાં તમામ આંદોલનો પછી તેની નેતાગીરીનું શું થયું તેવી ‘પરપોટા’ શૈલીની તવારિખ છે. ચિંતાનો સવાલ એ જ છે કે ગુજરાતનાં સાર્વજનિક જીવનમાં સમગ્ર યુવાઓમાં પ્રભાવ પાડી શકે અને સમગ્રપણે ગુજરાતની સમસ્યાઓના ઉકેલ માટે સક્રિય થઈને દિશાદર્શક (વિઝનરી) નેતૃત્વ પૂરું પાડે તેવી યુવા-નેતાગીરી આંદોલનોમાંથી પેદા કેમ થતી નથી?

કોઈ પટેલ યુવા નેતા છે, કોઈ ઠાકોર ને કોઈ દલિત નેતા! આ બધાંનો સરવાળો થઈ શકે તેવું નથી, અને થાય તો તે માત્ર વોટબેન્ક પૂરું મર્યાદિત બને છે. રાજકીય પ્રશ્નોમાં બેશક, યુવા નેતાઓ તો છે જ, પણ તેઓ પક્ષની મર્યાદામાં, પુરોગામીના રસ્તે ચાલનારા નેતાઓ છે. સમગ્ર ગુજરાતમાં તેઓ પ્રભાવી નથી હોતા. આ વાસ્તવિક્તા છે.

કોંગ્રેસ અને રાહુલ ગાંધી

રાહુલ ગાંધીના ગુજરાત-પ્રવાસની એક જ નજર છે, કોંગ્રેસના ડૂબતાં વહાણને ગુજરાતમાં બચાવી લેવાથી, ભવિષ્યે પ્રમુખ બનવાના છે તેની લાયકાતમાં બળ પૂરું પાડવાની! રાહુલ ગુજરાતમાં કોંગ્રેસનો સારો દેખાવ થાય તે માટેના પ્રયાસોમાં છે અને ગુજરાત કોંગ્રેસ પરંપરાગત નેહરુ-ગાંધી નેતાઓમાં જ પોતાનો તારણહાર શોધવામાં એક ડગલું આગળ વધવા તરફ છે. નેહરુજી, ઈન્દિરાજી, રાજીવજી, સોનિયાજી, રાહુલજી... લાભોજી! લાભોજી!! એક જ પરિવારને વળગી રહેવાની આવી વફાદારી કદાચ, દુનિયાના લોકશાહી દેશોમાં એકમેવ હશે. થોભો, ગિનીસ રેકોર્ડસમાં તેવું સ્થાન મેળવવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષપદની ચૂંટણી સુધી થોભી જાઓ!

ભાજપા પાસે તેનું જે સંગઠનાત્મક માળખું છે એ બધે સક્રિય છે. મોદી પછી કોણ-નો જવાબ મુખ્ય પ્રધાનપદે રહીને આનંદીબહેને અને હવે વિજય રૂપાણીએ આપી દીધો. વિજયભાઈ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે અસંતુષ્ટ પ્રવૃત્તિ વધી જશે તેમ કેટલાકની ધારણા હતી પણ આ મુખ્ય પ્રધાન-ઉપ મુખ્ય પ્રધાન તો એક જોડીદારની જેમ કામ કરે છે! પક્ષ પ્રત્યેના લગાવનું પણ આ પરિણામ છે. તેનો કોંગ્રેસે બોધપાઠ લીધો હોત તો શંકરસિંહ વાઘેલાને તેણે સાચવી લીધા હોત. એવું બન્યું નહીં અને પક્ષે શંકરસિંહને અલગ ચોકો ઊભો કરવાનો મોકો પૂરો પાડ્યો. કોંગ્રેસને માટે હવે તે રાજકીય દુશ્મન બની ગયા છે કારણ કે તેનો જનવિકલ્પ પક્ષ કોંગ્રેસના મતોને વિભાજિત કરી શકે એવું અનુમાન છે.

એટલે લડાઈ તો બે પક્ષોની વચ્ચે જ રહેવાની. બીજા બધા એક યા બીજાને સીધા યા આડકતરા મદદગાર થવાના છે.


comments powered by Disqus