નાણાવટી પંચઃ સમજવા જેવી ભલામણો

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 06th January 2020 04:42 EST
 
 

નાણાવટી તપાસ પંચના બે ન્યાયમૂર્તિઓ હતાઃ જી. ટી. નાણાવટી અને અક્ષય મહેતા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસની એસ-૬ બોગીને સળગાવી મૂકવામાં આવી તેની તપાસ સાથે જ ગોધરા-હત્યાકાંડ પછીની ઘટનાઓની તપાસ પણ આપોઆપ આવી જતી હતી.

આ દુર્ઘટનાની દેશ-પરદેશ, બધે જ ચર્ચા થઈ, આક્ષેપો થયા. વિરોધ પક્ષોએ તીવ્ર આલોચના કરી. એમ જણાવવામાં આવ્યું કે ‘ગુજરાતમાં હિન્દુ કટ્ટરવાદે માઝા મૂકી છે અને ભાજપ-સરકાર તેમજ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તેને પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રોત્સાહન આપી રહ્યાં છે.’

ગોધરા આવેલી ટ્રેનમાં અયોધ્યાથી પાછા ફરતા રામ-સેવકો હતાં. ‘બોગીને બંધ કરીને આગ લગાવવામાં આવી’ અને તેમાં ૫૭ મુસાફરો આગમાં ભૂંજાઈ ગયા. આ મૃતદેહોને અમદાવાદ લાવવામાં આવ્યા અને પછી જંગલમાં આગ લાગે તેમ વાત ફેલાઈ ગઈ, હુમલાઓ શરૂ થયા. આગ ચાંપવામાં આવી. હત્યાઓ શરૂ થઈ. તે થોભી નહીં.’

તેનો તો કોઈ ઈન્કાર કરી શકે નહીં કે મુખ્યત્વે તેમાં હિન્દુ-મુસ્લિમ વિરોધની પરાકાષ્ઠા હતી. ગુજરાતમાં આમાં રમખાણો એક યા બીજા નિમિત્તે થતાં રહ્યાં છે. સ્વતંત્રતા પૂર્વેથી તેની શરૂઆત થઈ, કારણ કે ગુજરાત (મુખ્યત્વે સૌરાષ્ટ્ર)માં મુસ્લિમ નવાબો હતા. જૂનાગઢ તેમાં જાણીતું એટલે ભારતના ભાગલા ઈચ્છતા કોમવાદી સંગઠનો સ્થપાયાં. વિભાજન સમયે જૂનાગઢ-માણાવદર નવાબોએ પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું. એટલે હિજરત શરૂ થઈ. ભાગલાની દહેશતે ધોરાજી, કુતિયાણા, બાંટવા, જેતપુર, માંગરોળથી મુસ્લિમોએ પાકિસ્તાન તરફ હિજરત કરી અને સિંધ-પાકિસ્તાનના સિંધીઓ ગુજરાતમાં મોટાપાયે આવ્યા.

આ દેખીતી ઘટના વખતે રમખાણ તો ન થયાં પણ માનસિકતા ધીરેધીરે ફેલાવા લાગી. અમદાવાદમાં ૧૯૬૯ના રમખાણોમાં જગન્નાથ મંદિર, ગાય અને કુરાન - આ ત્રણ નિમિત્ત બન્યાં હતાં. જસ્ટિસ કોટવાલ તપાસ પંચે તે સમયની હિતેન્દ્ર દેસાઈ સરકારનાં કાર્ય વિશે તપાસ પણ કરી.

આ ભૂમિકામાં પડેલાં તથ્યોને નજરમાં રાખીને જ ૨૦૦૨નાં રમખાણો અને તેનાં તપાસ પંચના નિર્ણયોનું મૂલ્યાંકન કરવું જોઈએ.

૨૦૦૨ના રમખાણોમાં મુખ્ય પ્રધાનની કોઈ ભૂમિકા - સીધી કે આડકતરી - હતી કે નહીં? આ સવાલ ૧૯૬૯ના રમખાણોમાં હિતેન્દ્ર દેસાઈની સરકારની ભૂમિકા જેવો જ હતો. ૧૯૬૯માં એક મુસ્લિમ એડવોકેટે તપાસ પંચ સમક્ષ કહ્યું હતું કે રાજ્યના ગૃહ પ્રધાને લઘુમતીને બોધપાઠ મળે તે માટે ઢીલાશ રાખવાનું જણાવ્યું હતું. ૨૦૦૨માં જે ત્રણ પોલીસ અધિકારીઓના આક્ષેપો છે તે સરખાવી શકાય.

સૌથી મહત્ત્વની વાત બીજી જ છે. ૧૯૫૦ પછી ભારતીય રાજકારણમાં - નેહરુજીના જમાનાથી જેને ફાસિસ્ટ, કોમવાદી, મુસ્લિમ અને બીજી લઘુમતીના વિરોધી તરીકે ગણવામાં આવ્યો, ટીકા થઈ તે ભારતીય જનસંઘ (તે પછી જનતા પક્ષ અને ત્યારબાદ ભારતીય જનતા પક્ષ)ની સરકાર ગુજરાતમાં મોટી બહુમતીથી હતી. અયોધ્યા-સમસ્યામાં ભાજપ, એલ. કે. અડવાણી અને વિશ્વ હિન્દુ પરિષદે અવાજ ઊઠાવ્યો, યાત્રા કાઢી હતી.

ગોધરા ઘટના તો હિન્દુ વર્ગ પરનો મોટો આઘાત હતી તેની ક્રિયા-પ્રતિક્રિયા તુરંત શરૂ થઈ ગઈ.

ગુજરાતમાં ૧૯૬૯ના રમખાણ, ૧૯૫૬નું મહા-ગુજરાત આંદોલન, ૧૯૭૪નું નવનિર્માણ, ૧૯૮૩-૮૫નું અનામત તરફેણ-વિરોધ આંદોલન થયાં, ત્યારના સાર્વજનિક સ્થિતિના લક્ષણોનું મૂલ્યાંકન કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે વર્ગ, વર્ણ, કોમ, જાતિ, સંપ્રદાયના ઘર્ષણોનો એક ઈતિહાસ છે. હિંસાચાર થતાં જ ‘અરેરે, ગાંધીના ગુજરાતમાં આવું?’ આવો ઉદ્ગાર શરૂ થઈ જાય તે પ્રજાની લાક્ષણિકતાને નજરઅંદાજ કરે છે. અહીં ૨૦૦૨માં એવું જ થયું, પોલીસે કરેલા ગોળીબારોમાં હિન્દુ અને મુસ્લિમો પણ મર્યા હતા.

મુખ્ય પ્રધાન મોદીના ‘રાજધર્મ’ની દુહાઈ આપવામાં આવે છે તેમાં માત્ર અને માત્ર મુખ્ય વિરોધ પક્ષ, કથિત ‘ઉદારવાદી’ અને ‘સેક્યુલર’નો નિરર્થક આરોપ હતો. વાજપેયી મોટાભાઈની જેમ ભાજપ પરિવારને દિશા ચીંધતા રહ્યા તેમાં કડવી ટીકા નહોતી. નાણાવટી તપાસ પંચે પ્રમાણિત કર્યું છે કે રાજ્યે, સત્તાપક્ષે, પ્રશાસને હત્યાકાંડોને કાબુમાં લેવાના હાથવગા તમામ પ્રયાસો કર્યા હતા. હા, પોલીસનું સંખ્યાબળ વધે, તેને શસ્ત્રસજ્જ બનાવવામાં આવે, સમાજને યોગ્ય રીતે શિક્ષિત કરવામાં આવે એ જરૂરી છે. ગુજરાત સહિત સર્વત્ર રમખાણો-તોફાનો-હિંસાચારમાં આ અપેક્ષા સમગ્રપણે રહી છે અને કાયમ રહી છે. સુંદરજી તપાસ પંચે માત્ર પોલીસ-તંત્રની સુધારણા પર વિગતે ભાર મૂક્યો છે તે આજે ય પ્રસ્તુત છે.

આ ચુકાદાનો કોઈ રાજકીય પ્રભાવ દેખાતો નથી, દેખાવાનો પણ નથી. ગુજરાતમાં લાંબા સમયથી અને દેશમાં પણ ઠીક ઠીક સમયની જનાદેશ ભાજપતરફી રહ્યો, જેને અમેરિકામાં પ્રવેશ પર મનાઈ કરવામાં આવી હતી તે ગુજરાતી મુખ્ય પ્રધાન દેશના વડા પ્રધાન છે. ભારતીય લોકતંત્ર, લોકોની પીડા અને મહત્ત્વાકાંક્ષાને પશ્ચિમના દેશો હજુ સમજી શક્યા નથી. એવું રાજકીય ફિલસૂફોનું મંતવ્ય ઉચિત છે. થોડીક વાર માટે લેખો લખાશે, નિવેદનો થશે, ચર્ચા કરવામાં આવશે તે પછી નાણાવટી તપાસ પંચ ભૂલાઈ જશે.

કેન્દ્ર અને અન્યત્ર હવે એવા રાજકીય નિર્ણયો (ટ્રીપલ તલાકબંધી, કાશ્મીરમાં ૩૭૦ની મોકૂફી, નાગરિકતા વિધેયક વગેરે) લેવાઈ રહ્યા છે, જેમાં પેલા ‘ફાસીવાદી, હિંસાખોર, હિટલરી, કોમવાદી’ જેવા શબ્દોની વ્યાખ્યાઓ ગંગા-યમુના-સાબરમતીમાં તણાઈ જશે. ‘ગોધરા-અનુગોધરા’નું વિલોપન થશે એટલે નાણાવટી પંચ પણ પ્રજાની સ્મૃતિમાં રહેવાનું નથી.

આમાં કંઈ નવું નથી. દેશભરના કેટલા પંચો અને સમિતિઓ નિયુક્ત થયાં તેનો હિસાબ અઘરો છે. આ એક વિધિવિધાન છે. તે ખરાબ છે કે નિરર્થક છે એમ કહેવાની અતિશયોક્તિ ઠીક નથી. માત્ર આ પંચોની ભલામણોમાંથી શક્ય હોય એટલાંનો સ્વીકાર કરવો જોઈએ.

સુભાષચંદ્ર બોઝના વિમાની અકસ્માત માટે જસ્ટિસ બેનરજીએ મહેનતપૂર્વક અહેવાલ તૈયાર કર્યો હતો. પણ યુપીએ સરકારે તેને અમાન્ય કર્યો. કારણ? અગાઉના પંચોએ નેતાજી વિમાની અકસ્માતમાં મર્યાનો પોપટપાઠ કરતો અહેવાલ આપ્યો હતો. તેનાથી આ વિપરિત હતો એટલે નેહરુ-ગાંધી પ્રભાવની પરંપરા રાખીને આ અહેવાલ અસ્વીકૃત કર્યો. આપણે ત્યાં બક્ષી તપાસ પંચમાં પણ અમુક ભલામણો માટે આવું બન્યું હતું.

હાલની સરકાર માટે એ સાચું છે કે તેનું મન ખુલ્લું છું. નાણાવટી પંચની ભલામણોનો સ્વીકાર કરીને અમલ કરશે. ૨૦૦૨ના ગોધરા-રમખાણો એ ક્રિયા-પ્રતિક્રિયાનો રક્તરંજિત ખેલ હતો. તે પછી આવાં રમખાણો ગુજરાતમાં થયાં નથી તે સમાજ અને સરકારને યશ આપતી બાબત છે.


comments powered by Disqus