નાતાલની મીણબત્તીના અજવાળે સ્મૃતિ અટલ બિહારી વાજપેયીની

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 23rd December 2019 03:54 EST
 
 

નાતાલની મીણબત્તીઓના પ્રકાશ વચ્ચે. એક કવિ રાજપુરુષનું સ્મરણ થશે તે અટલ બિહારી વાજપેયીનું. ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના દિવસે તેમનો જન્મ. જે વિગત વધુ પરિચિત નથી તે, જન્મ સ્થાનની.

ગ્વાલિયર જિલ્લાના શિન્દેની છાવણીમાં પિતા પંડિત કૃષ્ણ વિહારીજીને ત્યાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી... તેમાંના એક અટલ. અભ્યાસ ગ્વાલિયરમાં. ત્યાર પછી કાનપુર. રાજનીતિ શાસ્ત્રમાં પ્રથમ શ્રેણી સાથે એમએ થયા. એલએલબી પૂરું કરે તે પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા અને સંગઠનનો રસ્તો પકડ્યો. સંઘમાં પ્રચારક એ પાયારૂપ કામ છે. અટલ બિહારી ૧૯૪૬માં સંડીલા ક્ષેત્રમાં વિસ્તારક બન્યા. એક વાર વાતો કરતા એ દિવસો યાદ આવ્યા તો કહ્યું: ‘ચોરાહાની ચાની દુકાન હજુ યાદ છે.’

૧૯૯૬માં તેમના વિશેની એક દીર્ઘ ફિલ્મ ‘મેરી અનુભૂતિ’ના નિર્માણ સમયે અનેક દિવસો તેમની સાથે પસાર કરવાની તક મળી હતી. ફિલ્મના પ્રસંગો માટે અતીત અને વર્તમાનનો વધુ અંદાજ મેળવવો હતો એટલે મુલાકાતોનો દોર ચાલ્યો. સમય અને સ્થાનની કોઈ નિશ્ચિતતા નહી. એક વાર ૬, રાયસીના નિવાસસ્થાને ખુલ્લી લોન્જમાં બેઠા તો બે - ત્રણ કલાક વીતી ગયા. મોડેથી જમવા બેઠા. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં તેમના કાર્યક્રમો સમયે મોટરમાર્ગે વાતો ચાલે. ગુજરાતમાં એક લાંબા પ્રવાસમાં અમદાવાદથી શરૂ કરીને ભાવનગર, અમરેલી, પોરબંદર, કુતિયાણા, માણાવદર, જુનાગઢ, જામનગર થઈને જસદણ, સુરેન્દ્રનગર અને મોડી રાતે અમદાવાદના કાંકરિયા મેદાનમાં. સર્વત્ર સભાઓ.

દિલ્હીમાં વળી એક બીજા દિવસે બોલાવ્યો, પહોંચ્યો અને બેઠકની તૈયારી કરી. ત્યાં અંગત સચિવ - આમ તો અટલજીના મુછાળા હનુમાન - શિવકુમારે આવીને જણાવ્યું કે દિલ્હીના એક કાર્યકર્તા અવસાન પામ્યા છે અને સ્મશાને લઇ જવાયા છે. વિપક્ષના નેતા હતા એટલે આસપાસ સુરક્ષાકર્મી પણ ખરા. મને કહે કે ‘ચલ, રાસ્તેમેં બાત કરેંગે.’ કમાન્ડો બીજી ગાડીમાં આવ્યા. દિલ્હીના સ્મશાને દસ-બાર સ્વર્ગસ્થોને અગ્નિદાહ અપાઈ રહ્યો હતો. એક જગ્યાએ સહુએ અટલજીને નમસ્કાર કર્યા. તેમણે સહુને મળીને સાંત્વના આપી. ગાડીમાં બેઠા ને કહે, જેમને સાંત્વના આપવાની છે એ બીજા છે. આ આપણને જોઈને મળ્યા લાગે છે. થોડે દૂર પેલા કાર્યકર્તાના અંતિમ સંસ્કાર થઇ રહ્યા હતા, એટલે ત્યાં પહોંચ્યા!

વિપક્ષથી સત્તા પક્ષની તેમની રાજકીય યાત્રા બે-દાગ હતી. તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવ અટલજીના કાવ્યોના પુસ્તકનું વિમોચન કરવા આવ્યા તે સમારંભમાં વાજપેયીજીની મૃત્યુ વિશેની કવિતાથી વ્યથિત થઈને વડા પ્રધાન તેમના ભાષણમાં જ બોલ્યા, ‘અટલજી, આવું કાવ્ય ના લખશો. દેશને હજુ તમારી અત્યંત જરૂર છે.’ ચન્દ્રશેખર તેમને ગુરુજી કહેતા. તેમની કવિતા સ્વયમ્ એક ઉત્સ્ફૂર્ત ધારા જેવી હતી. કોલકાતામાં બે કલાક સુધી સતત કાવ્યપઠન કર્યું હતું.

જનતા પક્ષ વિખેરાયો અને જનસંઘનો પુનર્જન્મ ભારતીય જનતા પક્ષ તરીકે થયો ત્યારે મુંબઈ અધિવેશનમાં ન્યાયમૂર્તિ એમ. સી. ચાગલાએ ભાષણની શરૂઆતમાં જ કહ્યું કે કેટલાક પૂછે છે કે ભવિષ્યના વડાપ્રધાન કોણ? હું તેમને કહીશ કે (આંગળી ચીંધીને) આ રહ્યા વડા પ્રધાન, જે દેશને યોગ્ય માર્ગે દોરશે.

અટલજીની વડા પ્રધાન બનવાની સફર પણ અનેક ઉતાર ચડાવની રહી. ૧૯૯૬માં ચુંટણી પછી તેમને સરકાર રચવાનું આમંત્રણ મળ્યું. સહુથી મોટા પક્ષ તરીકે આ બંધારણીય જોગવાઈ હતી, ૧૬૧ બેઠકો પર જીત મેળવી હતી, પણ સંયુક્ત મોરચાના નામે અન્ય પક્ષો એકત્રિત થયા, ચતુર કોંગ્રેસે ટેકો આપ્યો એટલે વાજપેયી સરકાર ૧૩ દિવસ ચાલી. વિશ્વાસ પ્રસ્તાવના અંતિમે અટલ બિહારી બોલ્યા તે ભાષણે સંસદીય ઇતિહાસમાં સ્થાન પ્રાપ્ત કર્યું. સમગ્ર રાષ્ટ્ર, રાષ્ટ્રીયતા, લોકતંત્ર અને દૃઢ વિશ્વાસનો તેમાં પડઘો હતો. મતદાન થાય તે પહેલા જ ભાષણના અંતિમ વાક્યમાં તેમણે કહ્યું, ‘અબ મેં રાષ્ટ્રપતિજી કો ત્યાગપત્ર દેને જા રહા હું, લો, મેં ચલા...’ નો આવો લાજવાબ માહોલ ઐતિહાસિક હતો.

પત્રકાર દીર્ઘાથી આ ઘટના નિહાળવાનો મોકો મળ્યો અને સાંજે તેમના નિવાસસ્થાને અલપઝલપ મળવાનું થયું ત્યારે તેમણે પોતાના પ્રિય કવિ શિવ મંગલ સિંહ સુમનની એક કાવ્ય પંક્તિ કહી: ‘ક્યા હાર મેં, ક્યા જીત મેં, કિંચિત નહીં ભયભીત મેં, જીવન પથ પર જો મિલા, વહ ભી સહી, યહ ભી સહી!’ વાજપેયીજીની કવિતામાં છાયાવાદનો પ્રભાવ હતો.

કેટલાક વિવેચકો તેમને કવિ માનતા નહીં. (આ બીમારી સર્વત્ર દેખાય છે!) વિષ્ણુ ખરે જેવા પ્રતિષ્ઠિત વિવેચકે તો એક લેખમાં સ્પષ્ટ જણાવ્યું કે વાજપેયી કવિ છે જ નહીં. એ દિવસોમાં હું દિલ્હી હતો. ‘હિન્દુસ્તાન’ દૈનિકના તંત્રી મારા મિત્ર એટલે મળવા ગયો તો આ ચર્ચા થઇ. આલોક મહેતાનું મેં ધ્યાન દોર્યું કે અટલજીએ તેમના જન્મદિવસે લખેલી છ રચનાઓ વાંચીએ ત્યારે તેમના કાવ્યત્વનો અંદાજ આવે. મને કહે કે એક નાનો લેખ આપો ને! મેં તેમાં મનાલી, દિલ્હી, કાશ્મીર, કારાગાર અને નિવાસસ્થાને જુદા જુદા વર્ષોમાં જન્મદિવસે શબ્દસ્થ કરેલા કાવ્યોના ઉદાહરણ આપતો એ લેખ લખ્યો, અને તંત્રીને આપ્યો. બીજા દિવસે અખબારના બીજા પાને મહત્વની ઉપરની જગ્યાએ છપાયો, રસપ્રદ તો તંત્રીએ આપેલું મથાળું હતું: ‘અટલજી કો વિષ્ણુ ખરે કવિ નહીં માનતે, વિષ્ણુ પંડ્યા માનતે હૈ!’ રાજનેતા તરીકે તેમને પોતાના રાજકીય જીવનના ૬૦ વર્ષમાં અનેક કુશળ, દૃઢ, કઠોર અને નિર્ણાયક પગલા લીધા, પક્ષનું અધ્યક્ષપદ સ્માંભાલ્યું, વિદેશ પ્રધાન બન્યા, જેપી આંદોલનના અગ્રિમ સુત્રધાર બન્યા, અનેક યાદગાર સત્યાગ્રહો કર્યા (તેમાંનો એક આપણા ગુજરાતમાં કચ્છ સત્યાગ્રહ પણ હતો).

સંસદમાં વિપક્ષી નેતા રહ્યા, ત્રણ વાર વડા પ્રધાન બન્યા, આ રાજનીતિક નેતૃત્વ દરમિયાન તેમનું સાહિત્યિક પાસું નષ્ટ ના થયું. કાવ્યો ઉપરાંત કેટલાક લેખો, તંત્રીલેખો, અહેવાલો પણ તેમણે આપ્યા. અદ્દભુત વક્તા તો હતા જ, સંસદના તેમના વ્યાખ્યાનોના ત્રણ ગ્રંથ પ્રકાશિત થયા છે પણ હજુ ઘણું બાકી છે.

એક વાર પૂર્વ રાજદૂત ડો. લક્ષ્મી મલ્લ સિંઘવીએ તેમને પૂછ્યું કે ‘અટલજી, તમે કોઈ એક નિશ્ચિત માર્ગ પસંદ ના કર્યો, અધૂરા કવિ અને અધૂરા રાજનીતિજ્ઞ રહ્યા. તેમાંથી શું પસંદ કરશો?’ તો સરસ જવાબ મળ્યો, ‘હું ના તો કવિ કે ના રાજકીય વ્યક્તિ બનવા માંગું છું, હું સંપૂર્ણ મનુષ્ય હોઉં એ જ ઈચ્છું છું.’ અહીં અમદાવાદમાં તેમના વિશેના મારાં પુસ્તક ‘આંધીઓ મેં જલાયે બુઝતે દિયે...’નું લોકાર્પણ કરવા આવ્યા ત્યારે સાંજે ગુજરાતી કવિઓની વચ્ચે કવિ સંમેલનમાં પણ આવ્યા અને પોતાની ‘ગીત ત્રયી’નું સરસ પઠન પણ કર્યું... તેમના છેલ્લા દિવસો સાવ નિઃશબ્દ હતા. સ્મૃતિવિહીન. આવી જ નિયતી બંગાળી કવિ કાઝી નઝરૂલ ઇસ્લામ, હિન્દી ચિંતક સર્જક જૈનેન્દ્ર કુમાર, અને જ્યોર્જ ફર્નાન્ડીઝની રહી હતી.


comments powered by Disqus