ભારત ભાગ્યવિધાતાનો નવો ચહેરો કેવો હશે?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 14th May 2019 15:41 EDT
 
 

(ચૂંટણી ડાયરી-૮)

ચૂંટણીનો છેલ્લો તબક્કો આગામી રવિવારે પૂરો થશે. અને ૨૩ તારીખે પરિણામો જાહેર થશે. ૧૯મીએ પ્રિ-પોલ સર્વેથી મીડિયા ગાજતું રહેશે એ દરમિયાન ગભરામણ, આત્મવિશ્વાસ અને અતિરેકના કિસ્સાઓ આવતા રહ્યા છે એમાં આપણાં એક ગુજરાતી ‘બુદ્ધિમાન’નો પણ મહત્વનો ફાળો છે. નામ સામ પિત્રોડા. આજકાલ રાહુલ ગાંધીના ગુરુ મનાય છે. રાજીવ ગાંધીના સલાહકાર હતા. હમણાં એક મંચ પરથી રાહુલ ગાંધી સાથે પત્રકાર પરિષદમાં દેખાયા. પહેલું પરાક્રમ એ કર્યું કે ૧૯૮૪ના શીખ હત્યાકાંડ વિશે પત્રકારે પૂછ્યું તો સામે જવાબ આપ્યો અડધો હિન્દીમાં, અડધો અંગ્રેજીમાંઃ ‘હુવા તો હુવા...’ આ વાત ૩૦૦૦ શીખની કત્લેઆમ માટે તેમણે કરી. તેમનો ઇરાદો નહોતો એવું પછી ફરી વાર ખુલાસો કરતાં જણાવ્યું હતું, પણ ‘અબ પછતાએ ક્યાં હોત જબ ચિડિયા ચુગ ગઈ ખેત’ તેના કરતાં ભાઇશ્રી ગુજરાતીએ માત્ર અંગ્રેજીમાં વાત કરી હોત તો આવો ગોટાળો થયો નહોત.

દિલ્લીના મતદાન દરમિયાન રાહુલ ગાંધીએ બીજા મહાત્મા ગાંધી બનીને એવું કહ્યું કે નરેન્દ્ર મોદીને હું પ્રેમ કરતો રહીશ, ભલે તેઓ મને અને મારા કુટુંબને ધિક્કારે. પ્રિયંકાએ તો ભવિષ્યવાણી કરી દીધી છે કે ભાજપ સત્તા પર આવવાનો નથી. માયાવતીએ તો સાવ તમામ મર્યાદા છોડીને એવું કહ્યું કે વડા પ્રધાનથી તેમના પ્રધાનોની પત્નીઓ ડરે છે. મોદીને હવે એક વધુ પદવી દુર્યોધનની મળી છે. રાબડી દેવીએ તેમને જલ્લાદ કહ્યા છે. આવા શોરબકોરની વચ્ચે રાજનીતિનો નિર્ણાયક ચહેરો ૨૩મીએ જોવા મળશે.

ચાર શબ્દોએ ૨૦૧૯ની ટણીને નિર્ણાયક બનાવી દીધી છેઃ સ્થિરતા, રાષ્ટ્રીય સુરક્ષા, અને ન્યાય. આ ત્રણેના આધારે પ્રતિમા-ભંજન અને મંડન પણ એટલી તીવ્રતાથી કરવામાં આવ્યા કે સાચું શું અને ખોટું શું તેની સમજદારી કસોટીરૂપ થઇ ગઈ. ભૂતકાળના કબાટોમાં હાડપિંજરો સચવાયેલા હતા તે પણ રસ્તા પર મુકવામાં આવ્યા. આક્ષેપ અને પ્રતિ-આક્ષેપનું આ વાવાઝોડું પરિણામ સુધી તો ચાલશે જ. પછી નવી સરકારની ગડમથલ શરૂ થશે.

એનડીએ અને ભાજપને પુરો ભરોસો છે કે તેને સત્તાપ્રાપ્તિ માટેની બહુમતી મળશે. ફરી વાર મોદી સરકારનો નારો ચરિતાર્થ કરીશું. ભાજપના આ વિશ્વાસમાં ઉમેરો કરે તેવી ઘટનાઓ પણ જુદા જુદા પ્રદેશોમાં દેખાઈ રહી છે. કોંગ્રેસ વિશ્વાસનો આયનો સાફ કરીને ભાજપની હાર માટે તત્પર છે. ભલે પોતાને વધુ બેઠકો ના મળે, પણ ભાજપને સત્તા પર આવતા રોકી શકાય એ તેનો મુખ્ય એજન્ડા છે અને ગઠબંધનના રાજકીય પક્ષો પણ એવો ઈરાદો રાખે છે. એમ કરે તો જ ભારતના વડા પ્રધાન બનવાનું નસીબ કોઈકના ભાગે આવે. જુઓને, દેવે ગૌડા, ગુજરાલ કે વી. પી. સિંહ વડા પ્રધાન બની શકે એવું તેમણે પોતેય ક્યારેય વિચાર્યું હશે? ચીલાચાલુ વિધાન કરી શકો કે લોકશાહીમાં આ શક્ય છે, પણ એ શક્ય બનાવવા માટે કેવા, કેટલા રાજકીય ખેલ કરવા પડે છે તેની તવારીખ હજુ તાજી જ છે. કર્ણાટક તો અત્યારનું ઉદાહરણ છે પણ કેન્દ્રમાં ચંદ્રશેખર અને ગુજરાલ અને દેવ ગૌડા કે વિશ્વનાથ પ્રતાપ સિંહના વડા પ્રધાન તરીકેના સાવ તકલાદી દિવસો યાદ કરીએ તો જરૂર સ્પષ્ટ થાય કે આવડા મોટા દેશને સૌથી પહેલા રાજકીય સ્થિરતા અનિવાર્ય છે.

આર્થિક, રાજકીય, સામાજિક અને સુરક્ષાની રીતે કેન્દ્ર મજબુત હોવું જ જોઈએ. હમણાંની બે ઘટના તેનું ઉદાહરણ છે. કાશ્મીરમાં કેટલાક પક્ષોની ધમકી છે કે કલમ ૩૭૦ અને બીજી હટાવશો તો કાશ્મીરે ભારતમાં રહેવું કે નહીં તેનો વિચાર કરશે. બીજું કનિષ્ઠ ઉદાહરણ બંગાળનું છે. ત્યાંના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ તો જાહેરમાં કહી દીધું કે મોદીને હું વડા પ્રધાન માનતી જ નથી! ૧૯૮૪માં પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટારની પૂર્વે અને પછી દિલ્હીથી અલગાવની માનસિકતા પેદા થઇ હતી, તેમાં ઇન્દિરાજીની હત્યા થઇ તો દિલ્હી સહિતના ઉત્તર ભારતમાં શીખ પરિવારોની કત્લેઆમ થઇ. ૩૦૦૦થી વધુ લોકો માર્યા ગયા. માતાના મૃત્યુના પડછાયે રાજીવ ગાંધીના વિધાનની આલોચના પણ થઇ. મોટું ઝાડ પડે ત્યારે આવું થાય એ વાત સાચી હોવા છતાં વાજબી નહોતી. જેમ ગાંધીની હત્યા સમયે તદ્દન નિર્દોષ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો પર હુમલા કરવામાં આવેલા તેવું જ શીખ પરિવારો સામે કરાયું તેમાં કોંગ્રેસ નેતાઓ સામેલ હતા, જેમાં એકને સજા થઇ છે.

હવે આ જ બાબતને સમજ્યા જાણ્યા વિના, સામ પિત્રોડા એમ બોલી નાખે કે હુઆ તો હુઆ, એ કઈ ભાષાના અધૂરા જ્ઞાનને કારણે થયેલી ભૂલ નહોતી. જો એમ જ હોય તો આપણો આ ગુજરાતી કે જેનો ઈંગ્લીશ સંસ્કૃતિમાં ઉછેર થયો છે અને ભારતીય નામને ‘સામ’ કરી નાખ્યું છે તેમાં જ બોલવું જોઈતું હતું. અને બીજું, સાંપ્રત સમાજજીવનમાં ભૂતકાળ તદ્દન ભૂંસી નાખવો જોઈએ તેવો ગલત આદર્શ ચાલતો નથી. બ્રિટિશ વડા પ્રધાને હમણાં જલિયાંવાલા બાગના નરસંહાર માટે ભારતીયોની દિલગીરી વ્યક્ત કરી હતી. અહીં તો સ્વતંત્ર ભારતમાં જીવતાં બાળી મૂકવાના દૃશ્યો દિલ્હીના રસ્તાઓ પર જોવા મળ્યા! પણ વર્તમાન ચૂંટણી માત્ર અને માત્ર ક્રિયા-પ્રતિક્રિયા પર લડાતી હોય તેવું લોકોને લાગ્યું. તેમાં માથું ફાટી જાય તેવા વિધાનો રાજકીય દુર્ગંધ ફેલાવી ગયા. વેશ્યા, નીચ, ચોર, નાચનારી, હલકા, ખુની, હત્યારા, ભાગલાવાદી, ભ્રષ્ટાચારી... દુનિયાની તમામ ગાળો આ સંસદીય લોકશાહીના આંગણામાં હાજર રહી. જે થયું હતું તેને નકારવા માટે ‘સબુત’નો હાસ્યાસ્પદ રસ્તો અપનાવવામાં આવ્યો. જાહેર સભાઓ માત્ર બદનામ નારાબાજીમાં બદલાઈ ગઈ. મુર્દાબાદ અને ઝિંદાબાદ તો હવે જૂના થઇ ગયા. રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ જનમેદનીમાં જય હિન્દ કે જય જવાન, જય કિસાન અને ભારત માતા કી જયના નારા બોલાવતા તો જોયા છે, પણ ‘ચોર... ચોર...’ના સુત્ર પહેલી વાર સંભળાયા, મમતાએ પછી સુધાર્યું કે મેં તો મોદીને લોકશાહીની થપ્પડ મારવાનું કહ્યું હતું, પણ આ એક હસી પડાય તેવું વિધાન તેમણે તો કડવાશથી જ કહ્યું કે હું મોદીને રસગુલ્લા મોકલું? એવાં કાંકરા, ઢેખાળા મોકલીશ કે દાંત તૂટી જાય! સરખામણી કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં પ્રમાણમાં એવાં વાક્યો ઓછા વપરાયા છે, જેમાં નિમ્ન સ્તર દેખાય.

આ ઘમાસાણમાં જ ક્યાંક ૨૦૧૯ પછીની સરકાર માટેના ગંભીર અને મહત્વના ત્રણ મુદ્દા પડ્યા છે. એક અહેવાલ મુજબ નવી સરકાર માટે પ્રથમ પડકાર અનાજના ભાવનું શું કરવું તેનો હશે. રાજકીય દૃષ્ટીએ ચિંતા એ વાતની રહેશે કે પરિણામ પછી સરકારની સ્થિરતા કેવી હશે? પરાજયથી રઘવાયા બનેલા પક્ષો સંસદને બદલે સડક પર ઉતરવાના ભરચક પ્રયત્નો કરશે. દુનિયાના દેશો ભારતની ચુંટણીને ગંભીરતાથી જોઈ રહ્યાં છે. તેમાના કેટલાક ભારતમાં શાંતિ, સ્થિરતા, વિકાસ ઇચ્છતા નથી.

ભારતીય ડાબેરીઓ વિભાજન માટેના નિમિત્તો શોધતા આવ્યા છે. સ્વાતંત્ર્ય આંદોલનથી માંડીને ભારત પરના ચીની આક્રમણ સુધી તેમની ભૂમિકા એવી રહી છે. હવે નક્સલવાદને નવા સ્વરૂપે જીવતો કરવામાં આવી રહ્યો છે, તેમાં દલિત અને ઓબીસી ઉમેરાય તે માટે કોશિશ કરવામાં આવી રહી છે. આવો પ્રયાસ ભૂતકાળમાં અસમ અને પૂર્વોત્તર પ્રદેશોમાં થયો તે નિષ્ફળ નીવડ્યો છે. કાશ્મીરમાં અલગાવવાદની કરોડરજ્જુ તોડી નાખવામાં આવતા કેટલાક પક્ષો બેકાર બનવા માંડ્યા છે. દક્ષિણમાં કોઈક સમયે માઓવાદ ત્યાંના જંગલોમાં ફેલાયો હતો તે હવે ખાસ અસરકારક રહ્યો નથી. તેની મુખ્ય નેતા અજીત નારાયણ લાંબા સમય સુધી જેલમાં હતી, તેનો આ ક્રાંતિની ભ્રાંતિથી ભ્રમ તૂટી ગયો અને માત્ર સમાજસેવા કરી રહી છે. તેની આપક્થામાં તેનું બયાન છે, પણ વર્તમાન ભારતના એવાં ઘણા પ્રશ્નો છે જેને કેટલાંક પરિબળો વિભાજન તરફ, અલગાવ તરફ દોરી શકે. આનો એક ઉપાય કેન્દ્રમાં મજબુત અને સ્થિર સરકાર છે. બીજું, તેનું નેતૃત્વ કેવું-કેટલું દીર્ઘ દૃષ્ટા અને સમર્પિત છે તે પણ મહત્વનું બની રહેશે.

હમણાં છેલ્લા કેટલાક સમયથી ટીવી ચેનલો પર રાજકીય મુલાકાતો આવતી થઇ છે. તેમાં નરેન્દ્ર મોદી માટે પડાપડી છે, કેટલીક ચેનલો પર રાહુલ ગાંધી પણ પત્રકારને વિગતે જવાબ આપતા દેખાયા. તેમાંથી ઘણા સંકેતો સાંપડે છે. રાહુલના મુખ્ય મુદ્દા બે છે. એક ચોકીદાર ચોર હૈ. ને બીજો ‘પ્રેમ’નો! અમે ન્યાય કરીશું એમ કહેવાની સાથે જ ગાંધી-વાણી ઉચ્ચારે છે કે મોદી ભલે મારી, મારા પિતાની, નાનીની, કે પૂર્વજ જવાહરલાલની ટીકા કરે પણ હું તેમને પ્રેમ કરીશ. ૧૯૪૮ પછી મહાત્મા ગાંધીની પ્રેમ-વાણીનો આ પુનરાવતાર થયો હોય તો રાજી થવા જેવું છે પણ એવું છે ખરું?

મોદીએ એક મુલાકાતમાં કહ્યું છે કે જયારે હું સેનાનો રાજકીય ઉપયોગ કરું છું એવી ટીકા કરવામાં આવી ત્યારે જ મેં ‘વિરાટ’ સામુદ્રિક સુરક્ષા જહાજનો તત્કાલીન વડા પ્રધાને અંગત ઉપયોગ કર્યો હતો તેની વાત મેં કરી હતી. એક નજરે ચડે તેવી વાત નરેન્દ્ર મોદીએ ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે મારા માટે ભોજન, સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા, સુખ-સગવડ મહત્વના નથી, દેશ સૌથી મહત્વનો છે એટલે પહેલા અકિંચન પ્રચારક હતો ત્યારે અને વડા પ્રધાન છું ત્યારે... કોઈ ફરક પડતો નથી. નિર્મોહ જેવો શબ્દ તેમના વર્તમાન જીવનનો પરિચાયક હોય તો તેમને માટેની તમામ નિંદા-આંધી નિરર્થક બની રહેશે.

ચૂંટણીનો છેલ્લો તબક્કો રવિવારે પૂરો થશે એટલે સહુની નજર પરિણામો પર હશે, વાવાઝોડા જેવી ચૂંટણીની આંધીમાં છેલ્લે તો સ્થિરતા, નેતૃત્વ, રાષ્ટ્રીય સુરક્ષા આ ત્રણ મુદ્દા જ સર્વોપરી રહેવાના. આ દરમિયાન પ્રતિમાઓના ખંડનની પ્રવૃત્તિ તેની ચરમસીમા પર છે. રાહુલે તો કહ્યું જ છે કે મોદીની ઈમેજ મારે નષ્ટ કરવી છે. તેમના પ્રેમનો આ પણ એક પ્રકાર છે!


comments powered by Disqus