મૌસમ આવી મહોત્સવોની!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 27th November 2018 05:23 EST
 
 

શિયાળો બેસતાં ગુજરાતમાં જ્ઞાન-ઉપાસનાની શરૂઆત થઈ જાય છે. હમણાં બે દિવસ અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ ઊજવાઈ ગયો. ફિલ્મ, હાસ્ય, પત્રકારત્વ, લોકસાહિત્ય એમ ઘણાં વિષયો પર વક્તાઓ બોલ્યા, શ્રોતાઓએ પ્રશ્નો પૂછયા. છેક તમિળનાડુથી આવેલાં - હવે રાજકોટમાં અંગ્રેજીના અધ્યાપક – વિજયાલક્ષ્મીના અંગ્રેજી કાવ્યસંચયનું લોકાર્પણ થયું.

છેલ્લા ત્રણેક વર્ષથી શ્રી ઉમાશંકર, પિંકીબહેન અને ટીમ આ કામ કરી રહ્યાં છે. મેં મારાં વક્તવ્યમાં કહ્યું કે ગુજરાતના બે ગુજરાતી ‘ઉમાશંકરો’ ખ્યાત હતા. એક કવિવર ઉમાશંકર જોશી અને બીજા ભારતીય સંસદની શરૂઆતમાં જ ચૂંટાયેલા સાંસદ ઉમાશંકર ત્રિવેદી. (જનસંઘ-ભાજપની આજની કાર્યકર્તા-નેતા પેઢીએ તેમનો પરિચય મેળવવો જોઈએ. ડો. શ્યામાપ્રસાદ મુખરજીને કાશ્મીર-શ્રીનગરમાં મળેલી જેલ સામે હેબિયસ કોર્પસ કરનારા એ વકીલ હતા. જે દિવસે કાશ્મીર કોર્ટમાં તેનો ફેંસલો થવાનો હતો તેના ૧૮ કલાક પહેલાં જેલમાં ડો. મુખરજીનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું. ઉમાશંકર જોશી અને ઉમાશંકર ત્રિવેદી એકબીજાના સગા પણ થતા હતા!) હવે, ફેસ્ટિવલ-ફેઇમ ત્રીજા ઉમાશંકરનો ઉમેરો થયો છે!

પુસ્તકોની દુનિયા

ઉત્સવ-પ્રાગટ્યના પ્રારંભે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચિંતા વ્યક્ત કરી કે બળાત્કાર, આપઘાત, નશાખોરી અને પર્યાવરણ-સમાપ્તિ જેવી બાબતો પર તમે, બૌદ્ધિકો વિચારો તો સમાજને માર્ગદર્શન મળશે. આ ઉત્સવની સમાંતરે જીએમડીસી મેદાનમાં પુસ્તક મેળો થયો. નામ તો ‘આંતરરાષ્ટ્રીય’ હોય છે, પણ ગુજરાતી ઉપરાંત થોડીક બીજી ભાષા સિવાયનાં પુસ્તકો પ્રાપ્ત નથી થતાં. વિશાળ એસી પરિસરમાં રચાતા મેળામાં સાહિત્યિક કાર્યક્રમો દમ વિનાના થતા હોવાની ફરિયાદ કેટલાકે કરી. કાર્યક્રમોનું સ્તર તો જળવાવું જોઈએ અને તેમાં વિવિધતા પણ જાળવવી જોઈએ. સંચાલકો અને તેમણે નક્કી કરેલા સલાહકારોને લોકસાહિત્ય કે વાર્તા સિવાય બીજું કાંઈ કેમ મળતું નહીં હોય? ‘સાહિત્ય અને હું’ જેવી ચર્ચા તો ખૂબ જીવંત બની શકે. પણ એવું કંઈ ના થયું. તેનું વળતર વિક્રેતાઓના વેચાણ કેન્દ્રોમાં પ્રાપ્ત પુસ્તકોમાંથી મળ્યું તે સારું થયું. ૨૦૦ જેટલા કેન્દ્રોમાં વિવિધ પુસ્તકો લોકોએ એક સપ્તાહ સુધી ખરીદ્યાં.

નવેમ્બરના આ છેલ્લા સપ્તાહમાં અમદાવાદ સાંસ્કૃતિક કાર્યક્રમોથી ધમધમતું રહ્યું તે સારું લાગ્યું. પુસ્તક મેળાનું ઉદઘાટન મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણીએ કર્યું અને તેમનાં પત્ની અંજલિબહેન મળ્યાં તો મને કહે કે મેળામાં મનપસંદ પુસ્તકો ખરીદવા હું નિરાંતે આવવાની છું. આજે તો ઉદઘાટનની ધમાલ રહેવાની! પોતે મંચ પર બેસવાને બદલે સામે શ્રોતાગણ વચ્ચે હતાં, પણ ઉત્સાહી આયોજકોએ તેમનું નામ જાહેર કરીને ધરાર મંચ પર બોલાવીને સન્માન કર્યું!

વાચક સુધી પહોંચે છે પુસ્તક

પુસ્તક મેળામાં સાહિત્ય અકાદમીના વેચાણ કેન્દ્ર પર નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નેટના પોર્ટલ પર દુનિયાના કોઈ પણ ખૂણેથી ગુજરાતી પુસ્તક ઓનલાઈન ખરીદી શકાય તેવી આધુનિક વ્યવસ્થા અકાદમીએ શરૂ કરી છે, તેનું કમ્પ્યુટર પર બટન દાબીને મુખ્ય પ્રધાને ઉદઘાટન પણ કર્યું. હવે લંડન કે ન્યૂ યોર્ક કે અન્યત્ર બેઠેલો ગુજરાતી ઓનલાઇન ગુજરાતી પુસ્તકો ખરીદી શકશે. ગુજરાત સાહિત્ય અકાદમી, સંસ્કૃત અકાદમી, ઉર્દુ અકાદમી, સિંધી અકાદમી, કચ્છી અકાદમી અને હિન્દી અકાદમી દ્વારા પ્રકાશિત કોઈ પણ પુસ્તકની સીધી ખરીદીની વ્યવસ્થા એટલા માટે પણ જરૂરી બની ગઈ હતી કે પાછલાં વર્ષોમાં અકાદમીઓએ પુસ્તકો તો પ્રકટ કર્યાં પણ વેચાણ વ્યવસ્થાના અભાવે વર્ષોથી તે ગોડાઉનમાં પડી રહ્યાં હતાં.

અકાદમી ચીલાચાલુ નિયમાવલિ મુજબ ૧૦ ટકા વળતરથી પુસ્તક આપે અને તેને માટેય અકાદમીની ઓફિસે-ગાંધીનગર ધક્કો - ખાવો પડે! મોટા ભાગે ફોન બંધ હોય યા જવાબ ના મળે એટલે કોણ આવે? વ્યવસ્થાના અભાવમાં, કોઈ ખરીદી માટે આવે તો યે, માંડમાંડ એકલા હાથે કામ કરનાર બહેન તેમને ગોડાઉન બતાવી દે કે આમાંથી જે જોઈતું હોય તો મેળવી લો! ગયા વર્ષથી વ્યવસ્થા તદ્દન બદલાઈ છે ૫૦ ટકા વળતરથી પુસ્તકોની ખરીદી ખૂલ્લી મુકાઈ.

પુસ્તક વેચાણ કેન્દ્ર ગાંધીનગરમાં વ્યવસ્થિત રીતે કામ કરતું થયું છે અને તેમાં સાહિત્યનો જાણકાર સ્ટાફ કામ કરી રહ્યો છે, કામવાળાં બહેનને ય નામ આપો તો તે પુસ્તક લાવી આપે! હવે ઓનલાઇન ખરીદીની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. પુસ્તક લખાય અને છપાય એ પૂરતું નથી, વાચકના હાથ અને ચિત્ત સુધી પહોંચવું જોઈએ એવો દૃઢ નિયમ ગુજરાતી - હિન્દી - ઉર્દુ - સિંધી - સંસ્કૃત – કચ્છી અકાદમીઓએ દાખવ્યો તેનાં પરિણામ પણ દેખાય છે.

હમણાં સિંધી લેખક ઇન્દર ભોજવાણીની જન્મ શતાબ્દિ ગુજરાત સિંધી અકાદમીએ બીજી સિંધી સંસ્થાઓના સહકારથી ઊજવી. અમદાવાદના સિંધી વિસ્તાર સરદારનગરમાં દેશભરમાં પથરાયેલા સિંધી સાહિત્યકારોમાંના કેટલાક આવ્યા, સિંધી સાહિત્ય પર ચર્ચા કરી. એક શ્રોતાએ એવું કહ્યું કે આજ દિવસ સુધી અકાદમીના કોઈ અધ્યક્ષ અહીં - સિંધી નિવાસો સુધી - કોઈ કાર્યક્રમ માટે આવ્યો નથી!

અને ઇતિહાસ સંશોધન

નવેમ્બરની ૨૪–૨૫–૨૬ના રોજ બીજાં પણ મહત્ત્વના કાર્યક્રમો થયા. તેમાંનો એક ભવન્સ કોલેજમાં સાંસ્કૃતિક ઇતિહાસ પરનો પરિસંવાદ હતો. રાષ્ટ્રીયસ્તરના ઇતિહાસકારો તેમાં આવ્યા. ભવન્સના પ્રાચાર્ય ડો. નીરજા પોતે વિદુષી છે, છેક કાશ્મીરમાં સાંસ્કૃતિક કાર્યમાં સક્રીય છે. મોરિશિયસ વિશ્વ હિન્દી સંમેલનમાં પણ ભાગ લીધો હતો. એ જ દિવસે આંબેડકર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય કવિયિત્રી સંમેલન થયું. સ્ત્રી - પોતાના આત્માની ખોજ – વિષય રહ્યો. ૧૭૫ કવિયિત્રી ગુજરાત સિવાયના પ્રદેશોની - છેક ઈશાન ભારતથી પણ ઘણી કવિઓ આવી હતી. યુનિવર્સિટીને એકદમ સક્રિય નેતૃત્વ કુલપતિ ડો. પંકજ જાનીએ પૂરું પાડ્યું છે અને તેમાં ગુણાત્મક પૂર્તિ નિયામક ડો. અમી ઉપાધ્યાય કરે છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોની આ મૌસમ એકલાં અમદાવાદ પૂરતી સીમિત નથી રહી. વડોદરા, નવસારી, વલસાડ, સુરત, રાજકોટ, જૂનાગઢ, લાઠી, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને છેક દ્વારિકા સુધી વિસ્તરેલી આ દિવસોમાં દેખાશે. પતંગોત્સવ અને વાયબ્રન્ટ તેમાં જાન્યુઆરીમાં મોટો ઉમેરો કરશે, તે પૂર્વે કચ્છ રણોત્સવ તો શરૂ થઈ જશે!


comments powered by Disqus