રાજ્યાભિષેકનો લોકોત્સવ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 27th May 2019 07:38 EDT
 
 

(ચૂંટણી ડાયરી-૧૦)

ઘટનાચક્ર જાણે કે બેવડી ગતિથી ફરી રહ્યું છે.

ગયા સપ્તાહે આપણે એક્ઝિટ પોલથી પરિણામ વચ્ચેના દિવસોની હલચલ જાણી હતીઃ રાજકીય પંડિતોને એવું જ લાગતું હતું કે સત્તામાં પરિવર્તન આવશે. ગઠબંધન વત્તા કોંગ્રેસ ભેગા મળીને સરકાર રચશે. કેટલાકને ત્રિશંકુ સ્થિતિની આશંકા હતી. ૩૦૦ બેઠકો ભાજપ-એનડીએને મળે એવું કહેનારાઓની મશ્કરી થવા લાગી હતી.

અને, ૨૩મીએ પરિણામનો દોર સવારથી શરૂ થયો, બપોરના બાર-એક સુધીમાં તો પ્રજાકીય મિજાજનો અણસાર આવી ગયો. અરે, આ તો મધ્ય પ્રદેશ – રાજસ્થાન – છત્તીસગઢ – ઉત્તર પ્રદેશ – ઓડિશા - દિલ્હી - મહારાષ્ટ્ર – આસામમાં વિરોધના ગઢમાં બાકોરાં પડવા લાગ્યા!

ગુજરાત પણ તેમાં બાકાત કેમ રહે? શરૂઆત રાજકોટથી થઈ. હજુ એક્ઝિટ પોલની રાત્રે ટીવી ચેનલ પરની ચર્ચામાં - વરિષ્ઠ પત્રકારોએ અનુમાન તારવ્યાં હતાં, ત્રણ, પાંચ, છ, દસ અને બાર બેઠકો કોંગ્રેસને મળશે એવું ભાખવામાં આવ્યું. એક જ પત્રકારે કહ્યું કે છવીસેછવીસ બેઠક મળશે. (તેમ કહેનાર શિરીષ કાશીકર સંઘ-વિચાર સાથે જોડાયેલી એનઆઇએમસીજે પત્રકારત્વની તાલીમ-સંસ્થાના નિયામક છે.) મને પૂછવામાં આવ્યું તો મારે કહેવાનું બન્યું કે ગુજરાતની પ્રજા ઉદારવાદી છે એટલે એક બેઠક કોંગ્રેસને મળે તેવું ધારી શકાય! બીજા દિવસની ચર્ચામાં મેં કહ્યું કે હું તેમાં ખોટો પડ્યો છું!

અફસોસના તમામ દરવાજા કોંગ્રેસ-હાઉસમાં ખૂલી ગયા, અમદાવાદથી દિલ્હી. કુલ સાત પૂર્વ મુખ્ય પ્રધાન હાર્યા, લોકસભામાં નેતા મલ્લિકાર્જુન ખડગે હાર્યા, દિગ્વિજય સિંહને એક સા-વ નવી ઉમેદવાર સાધ્વીએ ત્રણ લાખ મતે હરાવી દીધા. અમેઠી નેહરુ-ગાંધી કૂળનો ગઢ ગણાય છે. સ્મૃતિ ઇરાનીએ રાહુલને ‘રણ-છોડ’ સાબિત કર્યા. શરદ પવારની દીકરી જીતી, દીકરો હારી ગયો. ઉત્તર પ્રદેશમાં સપા-બસપાનું ચાલ્યું નહીં. દિલ્હીમાં અણ્ણા-આંદોલનના ‘ભટકી ગયેલા શિષ્યો’ (આ શબ્દપ્રયોગ ખુદ અણ્ણાનો છે) અને તેના નેતા અરવિંદ કેજરીવાલની સાતે નાવ જન-વિરોધમાં ડૂબી ગઈ. મધ્ય પ્રદેશ – રાજસ્થાન - છત્તીસગઢ તો હજુ હમણાં જ વિધાનસભાને સર કરી હતી કોંગ્રેસે, પણ લોકસભામાં માંડ એકાદ બેઠક મળી.

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ તો ‘ન ઇધર કે રહે, ન ઉધર કે રહે!’ જેવી સ્થિતિમાં સપડાયા. કેન્દ્રમાં ગઠબંધન – કોંગ્રેસની સરકાર આવે તે માટે સ્તાલિન, મમતા, માયાવતી, અખિલેશ, શરદ પવાર, રાહુલ ગાંધી વગેરેને મળી આવ્યા. પણ ત્યાં તો ‘હોઉં તો હોઉં પણ ખરો’ના ઇરાદાથી વડા પ્રધાન બનાવવા ઇરાદો રાખનારા બેઠા હતા, તે કેમ માને? પ્રિ-પોલ નહીં તો આફટર-પોલ એલાયન્સનો વિચાર પણ કરવામાં આવ્યો. ચંદ્રાબાબુ તેમના જ પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ સામે બધી બેઠકો હારી ગયા, અને દિલ્હી દૂર રહ્યું!

નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે પસંદ કરાયા તે, ૨૫ મેની સેન્ટ્રલ હોલમાં મળેલી સભા ઐતિહાસિક હતી.

સંસદીય લોકતંત્રના ઇતિહાસમાં કેટલાંક મહત્વના ઉદ્દબોધન થયાં છે તેમાં ૨૫મીનું આગામી પાંચ વર્ષ માટે રાષ્ટ્રીય લોકતંત્રીય જોડાણના ભાજપ સહિતના પક્ષોએ ચૂંટી કાઢેલા પાંચ વર્ષ માટેના વડા પ્રધાનનું ભાષણ પણ અચૂક સ્થાન મેળવે તેવું છે. હું આવા બે પ્રસંગોનો સાક્ષી છું.

એક, ૧૯૭૭માં જનતા પક્ષની સરકાર રચાઈ ત્યારે મોરારજીભાઈ દેસાઈએ નેતા તરીકે ચૂંટાયા પછી આ સંસદ ખંડમાં પોતાનું ભાષણ કર્યું હતું. એવી બીજી ઘટના અટલ બિહારી વાજપેયી ભાજપના સંસદીય દળના નેતા થયા ત્યારે તેમનું ઉદ્દબોધન થયું. ભારતીય રાજનીતિમાં એ બન્ને ઐતિહાસિક ઘટના હતી, ત્રીજી પણ એટલી જ મહત્ત્વની છે જેમાં આટલી પ્રચંડ બહુમતી સાથે સત્તારોહણ થયું હોય.

પાછલા દિવસોનું ઘમાસાણ આપણે અનુભવ્યું છે. સમાચાર કેન્દ્રમાંથી એવાં છે કે આગામી ત્રીજી જુને અને નવમી જુલાઈએ સુર્ય મધ્યાહને નેવું અંશના ખૂણે લમ્બ સ્થિતિમાં આવશે ત્યારે થોડીક પળ માટે મનુષ્યનો પડછાયો ગાયબ થઇ જશે. પડછાયો પડછાયામાં ભળી જવાની આ ઘટના અલગ અલગ શહેરોમાં બનશે, પણ એ પહેલાં નરેન્દ્ર મોદીના ૮૦ મિનિટના પ્રવચનમાં તેમણે ચુંટણી દરમિયાનના પડછાયા નષ્ટ કરી નાખવાની વાત કરી તે ભારે મહત્ત્વની છે.

કેવા કેવા આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થયાં હતા બે - ત્રણ મહિનાઓ દરમિયાન. વડા પ્રધાને એક શિક્ષકની શૈલીથી બધા સાંસદોને કહ્યું કે હવે તેઓ પણ આપણા છે, અને સમગ્ર મતવિસ્તાર તેમ જ દેશઆખાનો વિચાર કરવાનો છે. તેમનો પોતાનો અનુભવ તેમણે કહ્યો કે આ વખતે પહેલી વાર ચુંટણીથી દીવાલો ઉભી ના થઇ, તેનાથી વિપરીત નષ્ટ થઇ. પ્રજા પોતે જ જાણે ચુંટણી લડી રહી હતી અને તેને સમર્થન કરવા મેં આટલી સભાઓ કરી હતી. આમાંથી બોધપાઠ લઈને આગામી પાંચ વર્ષ તમામ ક્ષેત્રે કામ કરવાનું છે તેની સજ્જતા પણ વ્યક્ત કરી.

લઘુતાગ્રંથિમાં પીડાયા વિના જણાવ્યું કે અમે કેટલુંક નહી, ઘણું કામ પાછલાં વર્ષોમાં કર્યું છે અને તેને આગળ ધપાવવાના છીએ. ગઠબંધન આ ચુંટણીનો સૌથી વિસ્ફોટક મુદ્દો હતો. ભાજપ અને તેના સાથી પક્ષો એક તરફ તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં સપા-બસપાના જોડાણથી ભાજપવિરોધી પક્ષોનું ગઠબંધન આકાર લઇ રહ્યું હતું. પરિણામની સવાર સુધી તેલુગુ દેશમના ચંદ્રબાબુ નાયડુએ કોશિશ કરી કે વિપક્ષોમાં કોઈક સમજૂતી થાય. પણ એવું ન બન્યું.

પ્રાદેશિક પક્ષોએ પોતાના સંભવિત વડા પ્રધાનની દાવેદારી સાથે ચુંટણી લડી. નાયડુનો પક્ષ વિધાનસભામાં ખરાબ રીતે હારી ગયો. બિહારમાં કોંગ્રેસ અને લાલુ પ્રસાદની સંયુક્ત શક્તિ સફળ થઇ નહીં. કાશ્મીરમાં નેશનલ ફ્રન્ટ અને કોંગ્રેસ વચ્ચે જામ્યું નહીં. દિલ્હીમાં ‘આપ’ અને કોંગ્રેસ વચ્ચે સમાધાન થયું નહીં. બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ બહાર ધકેલાઈ ગયા અને સંઘર્ષ તૃણમૂલ-ભાજપની વચ્ચે રહ્યો તેમાં ખાનાખરાબી તેમ જ હિંસાચાર પણ થયો. મહિલા સશક્તિકરણના માહોલમાં બે મહિલા રાજનેતા (મમતા અને માયાવતી) વડા પ્રધાન થવાની મહત્ત્વાકાંક્ષામાં નિષ્ફળ ગયા તેનું કારણ તેઓ પોતે જ રહ્યા!

મહત્ત્વની વાત એ રહી છે કે વડા પ્રધાને પ્રાદેશિક અને રાષ્ટ્રીય બન્ને પરિબળોના સંતુલન માટેનો વિચાર રજુ કર્યો. રિજનલ એસ્પીરેશન અને નેશનલ એમ્બિશન... બન્નેના પ્રથમ શબ્દોને લઈને ચાલીએ તો એક ‘નારા’ બને છે. મોદી સૂત્રોના નિષ્ણાત છે એટલે પોતાના જ સૂત્રમાં ઉમેરો કર્યો કે સબકા સાથ, સબકા વિકાસ, અને... હવે સબકા વિશ્વાસ. આ ત્રીજી બાબત ભારે મહત્ત્વની છે.

‘ટાઈમ’ સામયિકમાં એક લેખનું મથાળું ભારતના વિભાજીત કરનારા નરેન્દ્ર મોદી એવું હતું. આપણે ત્યાં કેટલાક સેક્યુલર વર્ગને મુદ્દો મળી ગયો. એમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારીએ મોકો આપ્યો. પ્રજ્ઞા તો એક પ્રતિક હતી, કોંગ્રેસે જે ભગવા અને હિંદુ આતંકવાદનો પ્રચાર કર્યો હતો તેના જવાબરૂપે માલેગાંવ કેસમાં જામીન પર છૂટેલી સાધ્વી પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહની સામે ઉભી રહી અને ત્રણ લાખ મતે જીતી ગઈ. એક જગ્યાએ તેનાથી કહેવાઈ ગયું કે ગોડસે દેશભક્ત હતો. તેના કહેવાનો અર્થ એવો હતો કે તેણે ગાંધીની હત્યા પોતાના વિચારો મુજબ કરી, તે હત્યારો હોઈ શકે, પણ તેના પોતાના - દેશ વિશેના - વિચારો હતા. આ સંજોગોમાં આવું કહેવાથી કેટલાકને કહેવાનું નિમિત્ત બની ગયું. ભાજપ કોઈ રીતે હિંસામાં માનતો નથી એ વાત દૃઢતાથી કહી. અગાઉ પૂણેમાં ગોડસે પૂજાના બનાવની પ્રતિક્રિયા આપતા અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે હત્યા લીલા કે લાલ કે બીજા રંગ હેઠળ થાય તેના અમે વિરોધી છીએ. તેમણે છેક સૌરાષ્ટ્રના માણાવદર નગરના જનસંઘ કાર્યકર્તાની તે સમયે થયેલી હત્યાનું ઉદાહરણ પણ ટાંક્યું હતું. મોદીએ પ્રજ્ઞાના વિધાનને માફ ન કરવાની દ્રઢતા વ્યક્ત કરી તે આ પરંપરાનું સંધાન હતું.

છેલ્લો મુદ્દો તેમણે રાજકીય પૂર્વજોને યોગ્ય પરિપ્રેક્ષમાં યાદ કર્યા તેનો છે. ૧૮૫૭ ના વિપ્લવમાં દેશનો સંગઠિત પ્રયાસ, અટલ બિહારી વાજપેયીના આદર્શ લોકતંત્રનું સ્મરણ, રામકૃષ્ણ પરમહંસની આધ્યામિક વાસ્તવિક વ્યાખ્યા અને... ગાંધી-લોહિયા-દીનદયાળના વિચારો સાથે રાજનીતિમાં સક્રિય સમુદાયો... એક સાથે આ સ્મરણ માત્ર નહોતું, સંકલ્પની ઇચ્છાશક્તિનો ટંકાર હતો. આ ‘જુદા મોદી’ને પચાવવા કેટલાકને અઘરા પડશે પણ ‘સકારાત્મક શક્તિની સંયુક્ત સ્થાપના’નું તેમનું સપનું એકવીસમી સદીના આગામી પાંચ વર્ષની પ્રયોગશાળા સર્જશે. એવું નિઃશંક કહી શકાય.

હવે ‘પદનામિત’ વડા પ્રધાન ૩૦મીની સાંજે ભારતના વડા પ્રધાન બની રહેશે. પૂરાં પાંચ વર્ષ તેમને શાસનનો મોકો મળશે. એ પહેલાં તેમણે અમદાવાદમાં અભિવાદન સભામાં હાજરી આપી. પક્ષ પ્રમુખ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં વિદેશોમાં ગુજરાતીઓના ઉત્સાહની જિકર કરવામાં આવી. સભા જ્યાં થઈ તે ‘જય પ્રકાશ ચોક’ પણ ઇતિહાસનું પાનું છે. અગાઉ તેને ‘ગુજરાત સમાચાર ચોક’ કહેવાતો કેમ કે અહીં આ ગુજરાતી અખબારનું કાર્યાલય આવેલું છે. પણ ૧૯૭૪ પછી તેનું નામકરણ ‘જે.પી. ચોક’ થયુંઃ અહીં ભ્રષ્ટાચાર – કટોકટી - સેન્સરશિપ સામે અને જનતા મોરચાની જીત માટે ભવ્ય સભાઓ થતી.

જે.પી., વાજપેયીજી, જ્યોર્જ ફર્નાન્ડિઝ, મોરારજીભાઈ દેસાઈ... અહીં ગરજતા સાંભળ્યા છે પ્રજાએ અને અહીં જ ભાજપનું જૂનું કાર્યાલય! નરેન્દ્ર મોદીની ઘડતર શાળા! એ પહેલાં જનસંઘનું ગોલવાડ ખાડિયામાં અને તે પહેલાં માણેકચોકમાં તેનું કાર્યાલય હતું. કાર્યાલય તો શું, અંધારિયા ઓરડાઓ! પક્ષ પ્રમુખ હરીસિંહજી ગોહિલ અને નાથાલાલ ઝઘડા રાતદિવસ અહીં જ રહેતા! વસંતરાવ ગજેન્દ્ર ગડકર, મકરંદ દેસાઈ, હરિપ્રસાદ પંડ્યા, કેદારનાથ દીક્ષિત, કાશીરામ રાણા, દેવદત્ત પટેલ, શંકરસિંહ વાઘેલા, અશોક ભટ્ટ, પ્રહલાદભાઈ પટેલ... આ બધા જનસંઘ-નેતાઓ પરિશ્રમ કરતા. આ બધું નરેન્દ્રભાઈને આટલાં વર્ષે જૂના કાર્યાલયમાં પ્રવેશતાં યાદ આવી ગયું હશે!


comments powered by Disqus