રાહુલ-રણનીતિમાં ‘ગુજરાતી સલાહકાર’?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 01st April 2019 05:53 EDT
 
 

(ચૂંટણી ડાયરી - ૨)

વિવાદો અને વિધાનો

રાહુલ ગાંધીના ગુજરાતી સલાહકાર સામ પિત્રોડાએ પુલવામા આતંકી હુમલા બાદ ભારતે કરેલાં ‘ઓપરેશન’ માટે ‘સબુત’ માગ્યા અને આખું પાકિસ્તાન તેને માટે જવાબદાર ન ગણી શકાય એમ કહ્યું, તેની ગુજરાતના મતદારો પર શી અસર છે?

આ સવાલ નવી દિલ્હીથી એક મીડિયા-મિત્રે ફોન પર કર્યો તેમાં ‘ગુજરાતી સલાહકાર’ શબ્દ પર ભાર મૂકાયો હતો!

મેં કહ્યું કે ગુજરાતમાં આ વિધાનો વિશે કોઈ ખાસ પ્રતિક્રિયા નથી. ગુજરાતની પોતાની સૂઝ અને ગણતરી છે. આ પ્રદેશે બે વાર પાકિસ્તાની હુમલાનો અનુભવ કર્યો છે તેને સામભાઈ ‘પોતે ગાંધીવાદી છે, અહિંસા-કરુણામાં માને છે...’ ‘વૈજ્ઞાનિક છું એટલે સબુત માગું છું...’ ‘નરેન્દ્ર મોદી વિશે શરૂ થયેલાં વખાણ બકવાસ છે...’ વગેરે વિધાનો કરીને કયા હેતુને સિદ્ધ કરવા માગતા હતા, તેના વિશે અહીં તો માત્ર રમુજ જોવા મળી.

હા, ‘ગુજરાતી સલાહકાર’ની ભૂમિકા વિશે જરૂર પ્રશ્નાર્થ થયા. બુદ્ધિવંતા મહાનુભાવો ક્યારેક કેવાં અર્થઘટન કરે છે તેની યે ચર્ચા થતી રહી.

પણ આ ચૂંટણી એટલે વિવાદો, વિધાનો, આક્ષેપો, પ્રલાપોની વચ્ચેની ‘રણભૂમિ’નો કેનવાસ છે! તેને સમજવી કે સમજાવવી મુશ્કેલ છે.

મુશ્કેલ છતાં રસપ્રદ તો ખરી જ!

ચૂંટણીમાં પહેલીવાર ચોકીદારી

એક રસપ્રદ વાત આ ચૂંટણીમાં જોવા મળી તે છેક ૧૯૫૨થી આજ સુધીની તમામ ચૂંટણીમાં સાવ અલગ અને અનોખી છે. પહેલી વાર ‘ચોકીદારો’નો દેશવ્યાપી સંવાદ થયો અને તે પણ વડા પ્રધાન સાથે! અત્યાર સુધીમાં નાત, જાત, વર્ગ, સંપ્રદાય, વર્ણ વગેરેના સંમેલનો તો થતા રહ્યાં છે, પણ ચોકીદાર? આમ તો આ ચૂંટણીમાં ચોકીદાર શબ્દને અધિક પ્રચલિત કરવાનું માન રાહુલ ગાંધીને મળવું જોઈએ.

વડા પ્રધાને ‘દેશના ચોકીદાર તરીકે કામ કરું છું’ એવું કોઈ સભામાં કહ્યું તે જલ્દીથી ભૂલાઈ ગયું હોત. પણ કોંગ્રેસે તે ઉપાડી લીધું અને ચોકીદારની સાથે ચોર શબ્દ ઉમેરી દીધો. આ પૂર્વે ૨૦૧૪માં ‘ચાયવાલા’ શબ્દ મણિશંકર અય્યરે કરેલો ઉપહાસ હતો. બન્ને શબ્દોને વ્યૂહરચનાનું હથિયાર બનાવી દેવાનું કામ વડા પ્રધાને કર્યું. આમે ય તેઓ વારંવાર કહે છે કે આપત્તિને અવસરમાં બદલાવી નાખો. ચા અને ચોકીદાર બન્ને આક્ષેપમાં તેમણે એવું જ કર્યું. ‘મૈં ભી ચોકીદાર’ એ ભાજપનું અભિયાન બની ગયું અને અત્યાર સુધીમાં ૨૯ રાજ્યોમાં ૫૦૦ સ્થાનોએ ચોકીદાર સંમેલનો થયા અને એક લાખથી વધુ લોકો તેમાં જોડાયા. આ ચોકીદારોમાં પ્રદેશોના મુખ્ય પ્રધાનો અને કેન્દ્રના પ્રધાનો તેમ જ સંગઠનોના હોદ્દેદારો આવી જાય છે.

આવું જ ૨૦૧૪માં ‘ચાયવાલા’ માટે બન્યું. ૨૪ રાજ્યોમાં ૪૦૦૦ સ્થળે ૧૦ લાખ લોકોએ ચાય પે ચર્ચા કરી. દુનિયાના કેટલાક સ્થાનોએ પણ આવો કાર્યક્રમ યોજાયો હતો. કોઈ એક શબ્દને, આક્ષેપને ચૂંટણીમાં પ્રજાકીય સમર્થનનું હથિયાર બનાવવાની આ ઘટના આપણી ચૂંટણીમાં બની છે.

૧૯૫૦ની આસપાસ સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઢેબરભાઈએ સૌરાષ્ટ્રના દરેક ગામડાના પોલીસ પટેલોનું સંમેલન બોલાવ્યું હતું ત્યારે ચૂંટણી માટે તેમના ઉપયોગની ટીકા તત્કાલીન વિપક્ષે કરી હતી. આ પોલીસ પટેલ રાજ્ય વ્યવસ્થાનો એક ભાગ હતો, દરેક ગામડામાં એક પોલીસ પટેલની નિયુક્તિ સરકાર કરતી. હવે તો એ નામ અને વ્યવસ્થા ભૂંસાઈ ગયા, પણ ચોકીદાર?

વડા પ્રધાનનો તર્ક માનીએ તો આ શબ્દ નથી, પ્રતિક છે. ગાંધીજીએ ઉદ્યોગો અને બીજી અર્થ વ્યવસ્થામાં ટ્રસ્ટીશિપનો વિચાર મૂક્યો હતો. રાજ્ય વ્યવસ્થામાં જાહેર જીવનના આર્થિક પ્રદુષણ સામે શાસકો ચોકીદાર બનવા જોઈએ તે વાત તેમણે કરી અને જેમ સ્વચ્છતા દરેક નાગરિકની ફરજ છે તે રીતે ચોકીદારની માનસિકતા કેળવવી એ પણ અત્યારના સંજોગોમાં મહત્વનું કાર્ય નાગરિકે કરવાનું છે એમ જણાવીને પક્ષના કાર્યકર્તાથી આ શરૂઆત કરી. ચોર અને ચોકીદાર સાથે હતા તે એકબીજાથી વિખુટા પડી ગયા!

૨૦૧૯ની ચૂંટણી જયારે પૂરી થશે અને એક ઇતિહાસ બનશે ત્યારે આવા અનેક રસપ્રદ મુદ્દા તેમાં ઉમેરાયેલા જોવા મળશે.

આ તો ૨૦૧૯નું સંધાન છે!

બેશક, આ સમયે ચૂંટણી એકદમ નિર્ણાયક બનશે અને તેનું બીજું એક્સટેન્શન ૨૦૨૪ની ચૂંટણી બની રહેશે. તેની વચ્ચેના પાંચ વર્ષનો ગાળો ભારતમાં ભાજપની બહુમતી સાથે સ્થિર સરકારનો હશે કે વિવિધ પક્ષોના સામયિક જોડાણ-તોડાણને લીધે અસ્થિરતાનો હશે તે આ ચૂંટણીના પરિણામો નક્કી કરશે. આથી બે શબ્દો ભારે મહત્વના છેઃ એક ‘રણભૂમિ’ અને બીજો શબ્દ ‘રણનીતિ’. આ પરિસ્થિતિ ભૂતકાળમાં નહોતી જ એવું પણ નથી. સંગઠન, સામયિક સમસ્યાઓ, યુદ્ધો, આર્થિક ઘોષણાઓ, રાજકીય સ્થિરતાનો પ્રશ્ન, ભ્રષ્ટાચાર વગેરે અનેક મુદ્દા અગાઉની ચૂંટણીઓમાં વારંવાર આવ્યા છે.

સમાજવાદી સમાજરચના, વર્ગવિહીન રાજ્ય, કલ્યાણકારી રાજ્ય, કોટા પરમીટ વિનાનું રાજ્ય, ભારતીયકરણ અને બીજા મુદ્દાઓ ભારતીય ચૂંટણીમાં ચર્ચાયા છે. રાજકીય ઢંઢેરા અને સંકલ્પ પત્રો પ્રસ્તુત થયાં છે. હવે તેનો આકાર બદલાયો છે અને વધુ લોકો સુધી પહોંચવાના તરીકાઓમાં મીડિયાનો ભાગ મહત્વનો બની ગયો. અગાઉ રાજકીય નેતાઓ પરિશ્રમપૂર્વક પ્રવાસો કરીને જાહેર સભાઓમાં જતા.

મને બરાબર યાદ છે કે ૧૯૭૭માં અટલ બિહારી વાજપેયીએ ગુજરાતમાં બે દિવસમાં ૧૮ સભા ભરી હતી. જયપ્રકાશ ચોકમાં વાજપેયી, જેપી, જ્યોર્જ ફર્નાન્ડીઝ - ત્રણેને એક સાથે સાંભળ્યાનો ૧૯૭૪નો દિવસ ઘણાને યાદ હશે. પટણાનું ગાંધી મેદાન અને દિલ્હીના કેટલાક મેદાનો તેને માટે જાણીતા છે.

હવે દેશવ્યાપી સંબોધન માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થવા માંડ્યો છે. આથી શબ્દ વધુ વ્યાપક બન્યો, વર્તમાન ચૂંટણીમાં જેટલું મહત્વ રણભૂમિનું છે એટલું જ રણનીતિનું પણ છે. જે કામ થયું છે તે, અને જે ભવિષ્યે કરવાનું છે તે સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને માટે ભારે મહત્વના ઈરાદા વ્યક્ત કરે છે. તેની સાથે સંગઠન, કાર્યકર્તા અને મતદાર સુધી તેની માનસિકતા પોતાની તરફેણમાં લાવવા માટેના ઉપયુક્ત હથિયારોનો કુશળતાથી ઉપયોગ એ બધું જરૂરી છે. આ બધું રણનીતિનો એક ભાગ છે તેને સપાટી પરની બાબતો સાથે પણ સંતુલન કરવું પડે છે.

રાહુલ બે બેઠકો પર લડશે... શા માટે?

રાહુલ ગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડશે તે નક્કી છે. અમેઠીમાં તેમની ઉમેદવારી હજુ સુધી તો નિશ્ચિત છે, પણ કોંગ્રેસે જાહેર કર્યા પ્રમાણે કેરળમાં વાયનાડ બેઠક પર ઉભા રહેશે. આના કારણો એકથી વધુ છે. સમાજવાદી નેતા આર. સી. ત્યાગીએ શબ્દ વાપર્યો કે રાહુલ રણછોડ સાબિત થયા છે. ‘રણછોડ’ શબ્દ શ્રી કૃષ્ણ માટે વહાલપૂર્વક પ્રયોજવામાં આવે છે. મથુરાથી દ્વારિકા રાજકીય તખ્તો બદલાવવાના કૃષ્ણ-કૃત્ય પાછળ તો વૈશ્વિક રણનીતિ હતી, અહીં સ્થાનિક રાજકારણ છે, રાજકીય અસ્તિત્વનો પડછાયો છે. દક્ષિણમાં પ્રભાવ વધે તેવો ઈરાદો છે. પણ જે મુદ્દો ઉવેખી શકાય તેવો નથી તે રાહુલ આ ઉમેદવારી કરીને ડાબેરી - મુખ્યત્વે સીપીઆઈ સામે એમની દુશ્મનાવટ ઉભી કરશે.

કેરળમાં કોંગ્રેસે છેક શરૂઆતમાં મુસ્લિમ લીગની સાથે સમજૂતી કરી હતી, અને આ રાજ્યે નામ્બુદ્રિપાદ જેવાં સામ્યવાદી નેતાની સરકાર બનાવી ત્યારે એક સુત્ર પ્રચલિત થયું હતું: ‘નેહરુ કે બાદ નામ્બુદ્રિપાદ!’ બહુ જલ્દીથી ભારતમાં આ દિવાસ્વપ્ન સાબિત થયું અને આજે તો પશ્ચિમ બંગાળમાં પણ સામ્યવાદી પ્રભાવ નામશેષ થયો છે,

રાહુલ ગાંધી કેરળમાં જાણે-અજાણે ડાબેરીઓને તક આપવામાં નિમિત્ત બનશે કે ત્રણ રાજ્યોમાં પ્રભાવ વિનાની થઇ ગયેલી કોંગ્રેસને અમુક બેઠકો જીતાડવામાં મદદરૂપ થશે કે પછી આમાંનું કશું જ નહીં થાય? આ પ્રશ્નનો જવાબ રણભૂમિ અને રણનીતિ બન્નેમાં છે.

નરેન્દ્ર-નેતૃત્વનો વિકલ્પ છે ખરો?

ત્રીજો મહત્વનો સવાલ એક યા બીજી રીતે રાજકીય આકાશમાં ચગી રહ્યો છે. કેટલાક ‘બૌદ્ધિકો’ તેમાં એકાધિકાર અને સરમુખત્યારીનું જોખમ માની રહ્યાં છે. રાષ્ટ્રવાદના નારાથી તેઓ ફફડી રહ્યા છે. અને પોથીમાં પુરાયેલા સિદ્ધાંત, પરિણામ અને ઈતિહાસને દર્શાવી રહ્યા છે. નાઝી અને ફાસી - એ બે શબ્દો તેના કેન્દ્રમાં છે. છુટાછવાયા બનાવોને આધારરૂપ ગણીને ‘ઉદારવાદી લોકશાહીનો છેદ ઉડી રહ્યો છે...’, ‘ભવિષ્યે બંધારણ પણ બદલી નાખવામાં આવશે...’ તેવી ચેતવણી લેખો અને ચર્ચામાં આપે છે.

ક્રમશ: તેમનો વન પોઈન્ટ એજન્ડા પ્રસ્તુત થવા લાગ્યો છે કે દેશનું નેતૃત્વ નરેન્દ્ર મોદી પાસે હોવું ના જોઈએ અને આરએસએસનો પ્રભાવ સમાપ્ત થવો જોઈએ. આમાં કોંગ્રેસ, ડાબેરીઓ, પ્રાદેશિક પક્ષો અને ‘સેક્યુલર’ પરિબળો પ્રત્યક્ષ કે પરોક્ષ એકબીજા સાથે હાથ મેળવી ચૂક્યા છે. એક વિરુદ્ધ બાકીના.. એવો તખ્તો તૈયાર થયો છે.

મોદીએ તો એક ટીવી મુલાકાતમાં કહી દીધું કે નેતૃત્વનો વિકલ્પ દેખાતો નથી. પાંચ વર્ષ પછી કદાચ દેખાય... વિપક્ષી રણનીતિની વાસ્તવિક સ્થિતિ શું છે? તેને માટે જે બે છેડા છે તેમાંનો આ એક છે અને તેમાં આજની પળે વાસ્તવિકતા પડી છે તેમ ઘણાને લાગશે. રાહુલ-રટણ તો એચએમવીની રેકોર્ડ જેવું છેઃ ‘આ લડાઈ કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ-આરએસએસની છે.’ એવું તેઓ કહે છે. થોડાંક વર્ષ પહેલાં લંડનમાં તેમણે ‘આરએસએસને ‘મુસ્લિમ બ્રધરહૂડ’ સાથે સરખાવી હતી.’ આ બેઠક તેમના ‘ગુજરાતી સલાહકારે’ યોજી આપી હતી એવું કહેવાય છે.


comments powered by Disqus