સરહદ, ચૂંટણી અને પક્ષોની મથામણ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 05th March 2019 06:08 EST
 
 

માર્ચ મહિનાની વસંતને જલદીથી ચૂંટણીની રંગબેરંગી છત્રી મળી જશે!

એ પહેલાં ગુજરાતમાં ચૂંટણી જંગની તૈયારી તો શરૂ થઈ ગઈ. નાનકડો પક્ષ પણ બાકી નથી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાને સાથે લીધા એટલે કોંગ્રેસ-ભાજપની વચ્ચે આ એક પરિબળ ઊભું કરવાના પ્રયાસો દેખાય છે. મુસીબત એ છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસના ગુજરાતમાં ક્યારેય મૂળિયાં મજબૂત નથી રહ્યાં. થોડાક સમય માટે શરદ પવાર સનત મહેતાને સમજાવી ગયા કે આપણે ગુજરાતમાં કાંઈક કરી બતાવીએ. કોંગ્રેસથી દાઝેલા સનતભાઈ તે પક્ષમાં ગયા પણ ખરા, પરંતુ ત્યાં એક બીજા સમાજવાદી નેતાએ પોતાની વગ જમાવવાની શરૂઆત કરી હતી, તે પૂર્વ મુખ્ય પ્રધાન છબીલદાસ મહેતા! પરંતુ એનસીપીને ગુજરાતમાં ફળદ્રુપ જમીન મળે એ વાતમાં માલ નથી. એવું બને કે સમજૂતી વિનાની ગેરસમજૂતીઓ સર્જાય અને બે-પાંચ બેઠકો પર કોંગ્રેસ – ભાજપ – એનસીપી ત્રણેના ઉમેદવાર ઉભા હોય તો ભાજપને ફાયદો થાય. કોંગ્રેસ આને લીધે ભારે દુઃખી છે અને પોતાના ધારાસભ્યોની વાડ બાંધી રહ્યાં છે.

ગુજરાતની વાત અનોખી

ગુજરાતમાં કોંગ્રેસને કોઈ મહા-ગઠબંધનના પ્રયોગની ઇચ્છા નથી. આમેય ચૂંટણી દરમિયાન સીપીઆઈ, સીપીઆઇ-એમ, બીજુ જનતા દળ (બીજેડી), ‘આપ’, બહુજન સમાજ પાર્ટી (બસપા) વગેરે પક્ષોના ઉમેદવારો તો હોય જ છે પણ તેનાથી ફરક પડતો નથી. અગાઉ લોકસમિતિના પ્રયોગો - એકાદ બે બેઠકો પર – થયા હતા ખરા પણ હવે તેઓ વાસ્તવિકતા સમજી ગયા છે અને ભાજપ-વિરોધ પૂરતી આત્મતુષ્ટી દાખવે છે. ગાંધી-વિચારના ચંદરવા હેઠળ આવા ચર્ચા-સત્રો પણ થયા કરે છે.

હમણાં ગૂજરાત વિદ્યાપીઠ સાથે કીમ (સુરત)ની એક સંસ્થાએ ‘ગાંધી વિચાર’ના મહોરાં હેઠળ કીમમાં પરિસંવાદ ગોઠવ્યો હતો. તેના તમામ વક્તાઓ નરેન્દ્ર મોદી - ભાજપ – આરએસએસના વિરોધ માટે જાણીતા છે. એટલું જ નહીં, પણ જેએનયુના પ્રોફેસરનેય નોતરું અપાયું હતું! પછી કોઈકે માહિતી આપી કે આયોજન કરનારા ‘શિક્ષણકાર’ના પુત્રી જ કોંગ્રેસમાં છે! રાજકોટમાં કોંગ્રેસથી છંછેડાયેલા એક જૂથે જેએનયુના કન્હૈયાને ય બોલાવ્યો પણ રાજકોટની પ્રજાએ તેને દાદ આપી નહીં.

હવે કોંગ્રેસને માટે મહામુશ્કેલી છે કે અગાઉ જેને ટેકો આપ્યો હતો તે જિગ્નેશ મેવાણીને ઉમેદવાર બનાવવો કે નહીં? ઠાકોર સેના સાથે જોડાયેલા અલ્પેશ ઠાકોરને તો કોંગ્રેસી બનાવીને ઉમેદવાર બનાવ્યા હતા. હવે કોંગ્રેસનો આરોપ એવો છે કે તે વધુ બેઠકો મેળવવા માટેનું ‘બાર્ગેનિંગ’ કરી રહ્યો છે! હવા એવી ઊભી કરવામાં આવી છે કે રાહુલ ગાંધીના તે ‘ખાસ’ છે અને તેના કહેવા પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી કરવામાં આવશે. આવું થાય તો હાર્દિક એન્ડ કંપનીનું શું કરવું એ પ્રશ્ન છે. શું તેમને સ્વતંત્રપણે ચૂંટણીમાં ઊભા રહેવા દેવા અને માત્ર ટેકો આપવો તેનું મંથન ઉપર-નીચે ચાલી રહ્યું છે.

દરમિયાન કોંગ્રેસમાંથી કેટલીક વિકેટો ખેરવાઈ જાય તેવા સંકેતો મહેસાણા જિલ્લાથી શરૂ થઈ ગયા. ધારાસભ્ય આશાબહેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા. જામનગરમાં કરણી સેનાના મહિલા પ્રમુખ રિવાબા ભાજપમાં જોડાયાં, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં તે પત્ની છે. રાજ્યમાં બીજે પણ આવું ચાલતું રહે તેનાં મૂળમાં કુંવરજી બાવળિયા પણ છે. કોળી-રાજપૂત સમાજને ભાજપમાં વધુ સક્રિય બનાવવા સાથે બાવળિયા કોંગ્રેસમાંથી છૂટા પડ્યા, રાજ્ય-પ્રધાન બન્યા અને પેટા-ચૂંટણીમાં જીતી ગયા તેનો સૌથી વધુ આઘાત કોંગ્રેસને છે. અગાઉ તો તેમની પાસે સી. ડી. પટેલ જેવા કોળી નેતાઓ પણ હતા, હવે કોઈ શોધ્યો જડતો નથી.

આથી પક્ષમાં પણ ‘કોણ કેટલું નબળું અને કોણ કેટલું જબરૂં’ તેની મેરેથોન ચાલે છે તેમાં ધાક ઊભી કરવા માટે ગુજરાતમાં મહાસમિતિની બેઠક બોલાવી. સોનિયા ગાંધી - રાહુલ ગાંધીને બોલાવવા તેવી યોજના હતી. પણ તેમાં પુલવામા નડ્યું. ‘સર્જિકલ સ્ટ્રાઇક’ના નામે જાણીતું ‘મિલિટરી ઓપરેશન’ થયું એટલે ગુજરાતમાં આવીને ભાજપની શેના માટે ટીકા કરવી એ સવાલ હતો. પરિણામે આ સિમિતિનું આયોજન હાલ પૂરતું મોકુફ રાખવામાં આવ્યું છે. હા, આદિવાસી મુલકમાં રાહુલ ગાંધીની એક સભા જરૂર કરવામાં આવી. એ સિવાય કોંગ્રેસના નેતાઓ માત્ર બંધબારણે બેઠકો જ યોજે છે, સભા ભરતા નથી. નહીંતર પાકિસ્તાની ગતિવિધિ પર તેઓ જાહેર સભા કરી શક્યા હોત. ભાજપે તેવું આયોજન ચાલું રાખ્યું છે.

સરહદનો યે પ્રભાવ

ગુજરાતની સરહદો પાકિસ્તાનને સાથે છે એટલું જ નહીં પણ બબ્બે યુદ્ધોનો ગુજરાતે અનુભવ લીધો છે. ૧૯૬૫ના હુમલા સમયે કચ્છ-બનાસકાંઠા પર પાકિસ્તાની સેનાનો ડોળો હતો. પંજાબ સહિતની સરહદો સળગી ઊઠી હતી અને પાકિસ્તાની શાસકોએ જેમને ‘ધોતીધારી વડા પ્રધાન’ કહીને મશ્કરી કરી હતી, તે લાલ બહાદુર શાસ્ત્રીએ ‘લાલ’ આંખ કરી તો ભારતીય સૈનિકો લાહોરના પાદર સુધી પહોંચી ગયેલા.

પાકિસ્તાને બીજા સરહદી મોરચા ખોલ્યા તેમાં કચ્છ સામેલ હતું. છાડબેટ, બોરિયા બેટ, ધર્મશાળા, વીગાકોટ, કંજર કોટ, ખાવડા આ નામો બીબીસીના સમાચારો સુધી પરિચિત થઈ ગયા. ભારતીય સૈનિકોએ બહાદુરી બતાવી, પ્રજાએ પણ! ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતા, તેમનાં પત્ની સરોજબહેન, પત્રકાર કે. પી. શાહ, અંગત સચિવ અને પાયલોટ – બધાંને લઈ જતું ડાકોટા વિમાન કચ્છમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. પાકિસ્તાને તેને તોડી પાડ્યના અહેવાલો પછીથી બહાર આવ્યા, કોઈ બચ્યું નહીં!

કચ્છમાં અનેક જગ્યાએ કેન્દ્ર સરકારોએ આ યુદ્ધ થતાં સુધી અહીં સરહદી વ્યવસ્થા માટેના રસ્તા, વાહન વ્યવહાર, સગવડો માટે કંઈ વિચાર્યું જ નહોતું! ૧૯૬૫ પછી ૧૯૭૧નું યુદ્ધ થયું પાંસઠના યુદ્ધ પછી રચાયેલી ટ્રિબ્યુનલે ૩૫૦ વર્ગ માઈલ જમીન ભારતે પાકિસ્તાને સોંપી દેવી એવું ઠેરવ્યું તેમાં લીલુંછમ્મ છાડ બેટ (જ્યાં પહેલાં ભૂજથી એસ.ટી. બસો પણ જતી!) ભોગ બન્યું. છાડબેટ પાકિસ્તાનને સોંપી દેવા સામે વિપક્ષોનો ઐતિહાસિક ‘કચ્છ સત્યાગ્રહ’ એક મહિના સુધી ચાલ્યો હતો.

ખાવડાથી પહેલી ટુકડીની નેતાગીરી ગુજરાત જનસંઘના પ્રમુખ હરીસિંહજી ગોહિલે લીધી હતી. લગાતાર ચાલેલા સત્યાગ્રહમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓ – અટલ બિહારી વાજપેયી, બેરિસ્ટર નાથપાઈ, મધુ દંડવતે, જ્યોર્જ ફર્નાન્ડિઝ, એન. જી. રંગા, મધુ લિમયે, રાજમાતા વિજયારાજે, જગન્નાથરાવ જોશી વગેરે હતા. ગુજરાતમાંથી સનત મહેતા, ચીમનભાઈ શુકલ, મ. કુ. હિંમતસિંહજી, વસંત પરીખ, વસંતરાવ ગજેન્દ્રગડકર, સૂર્યકાંત આચાર્ય, હેમાબહેન આચાર્ય, નારસિંહ પઢિયાર, ઇન્દ્રભાઈ જાની, થાવરદાસ વગેરે પણ હતા. આ સત્યાગ્રહે વિરોધ પક્ષોને ભવિષ્યે એક મંચ પર આવવાની ભૂમિકા કરી આપી.

સાક્ષી નગરપારકર

૧૯૬૫ના યુદ્ધ સમયે લાલબહાદુર શાસ્ત્રી વડા પ્રધાન હતા. યુદ્ધ પછીની મંત્રણામાં તાશ્કંદ કરાર તો થયા પણ ત્યાં જ તેમનું હૃદયરોગથી અવસાન થયું. એ મૃત્યુ વિશેના પ્રશ્નાર્થ ખુદ શાસ્ત્રી-પરિવાર ઉઠાવતો રહ્યો છે પણ કોઈ સંતોષકારક જવાબ નથી મળતો.

૧૯૭૧માં ઇન્દિરાજીએ પૂર્વ પાકિસ્તાનને ‘મુક્તિવાહિની’ના સહયોગ દ્વારા ‘બાંગલા દેશ’માં બદલાવી નાખ્યું. જોકે તે પછી પણ આસામમાં ઘૂસણખોરી અટકી નહીં. ૧૯૭૧નાં યુદ્ધ દરમિયાન પણ ભારતીય લશ્કરે રાજસ્થાન, પંજાબ, કચ્છમાં ભારે જીત મેળવી હતી. તે પછી ‘સીમલા કરાર’ થયો અને ભારતીય સૈનિકોએ લોહી રેડીને મેળવેલો વિસ્તાર પાછો આપી દેવો પડ્યો.

ગુજરાતમાં તેવો હિસ્સો બનાસકાંઠા સરહદેથી નગરપારકર-થરપારકરનો હતો. સૈનિકોએ તેના પર કબજો જમવ્યો હતો. ત્યાં મોટા ભાગે સોઢા રાજપૂતો અને હિન્દુ દલિતોની વસતી રહે છે. આ વિજિત વિસ્તાર પાકિસ્તાનને પાછો આપવામાં ન આવે તેને માટે પણ સત્યાગ્રહ થયો હતો. ડો. ભાઈ મહાવીરના નેતૃત્વમાં એક ટુકડી બનાસકાંઠાના સૂઈ ગામથી જલોયા થઈને રણમાં પ્રવેશી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ પણ તે ટુકડીમાં હતા. ‘સાધના’ના તંત્રી-પત્રકાર તરીકે આ સત્યાગ્રહના સાક્ષી બનવા હું પણ સામેલ હતો.

તે સમયે કોઈ ભોમિયા નહીં, નકશો નહીં એટલે આ રણમાં - નડા બેટ થઈને - નગરપારકર સુધી પહોંચવાનું હતું. સવારે તો વાંધો ન આવ્યો પણ જેમ સૂરજ તપતો ગયો તેમ તેમ ખબર પડી કે અરે, આમાં આગળ વધી શકાય તેમ નથી. નીચે મીઠાની સપાટી સાથેની જમીન, તેમાં પગ મૂકો એટલે સપાટી તૂટે અને અંદરનું બળબળતું પાણી દઝાડે! નમકની સપાટી ધારદાર હોય એટલે પગને લોહીલુહાણ બનાવે ઉપર સૂર્ય, પીવાનું પાણી નહીં, બધા સત્યાગ્રહી વેરવિખેર, કોણ કોને મદદ કરે?

મારી સાથે રમેશ બાગડી નામે કાર્યકર્તા હતો, પહેલાં તેણે કહ્યું કે હું આગળ ચાલું અને જે પગલાં પડે તેમાં જ પગ મુકીને ચાલજો. પણ તે પ્રયોગ કામિયાબ નીવડે તેવો નહોતો. છેવટે શરીર પરનું બનિયન કાઢીને પગમાં વીંટાળીને ચાલ્યાં. બે-ત્રણ માઈલના આ પ્રવાસ સમયે એવું જ લાગ્યું કે આમાં પાછા ફરી શકાશે નહીં, આગળ વધી નહીં શકાય. ‘હાથવેંત છેટાં મોત’નો શબ્દપ્રયોગ ત્યારે સમજાયો. પણ છેવટે દૂ...ર ઝાડીઝાંખરાં દેખાયાં, માંડ માથું ટેકવી શકાય એટલો જ છાંયડો એવો મીઠો લાગ્યો હતો! એ ગામ થરપારકર જિલ્લાનું બડતલૈયા! સૈનિકોની જીપ આવી, પણ પીવાના પાણીથી ચેતવ્યા, થોડું જ પીતા રહો. નહીંતર...

વડતલૈયાથી નગરપારકર. ભારતીય સૈનિકોની ત્યાં છાવણી હતી. ગામમાંથી હિજરત થઈ ગયેલી એટલે વિરાન – કેટલાક સૈનિકોની સાથે તેમનો પરિવાર પણ હતો, લાંબા સમયનો નિવાસ હતો ને! ત્યાં કૂચ થઇ. ડો. ભાઈ મહાવીર સાથે જનસંઘના સત્યાગ્રહીઓએ ત્રિરંગાને ધ્વજવંદન કર્યાં, ‘જનગણમન’ રાષ્ટ્રગીત ગાયું અને ‘નમસ્તે સદા વત્સલે...’ સંઘ – ગીત – પ્રાર્થનાથી આકાશને ગજવ્યું. એક સૈનિક વડાનાં પત્ની પણ ત્યાં હતાં, તેનો સાત-આઠ વર્ષનો પુત્ર પણ કાર્યકર્તાઓ પાસે આવીને નારો લગાવતો રહ્યોઃ ‘ભારત માતા કી જય!’


comments powered by Disqus