સાતમી જૂનઃ એક ઐતિહાસિક ચર્ચાનો પ્રારંભ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Friday 08th June 2018 06:26 EDT
 
 

એટલું તો થાય જ છે કે હવે રાષ્ટ્રીય સ્તરની કોઈ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડે છે! સાતમી જૂન આમ તો કાળઝાળ ગરમીનો સામાન્ય દિવસ હતો પણ મોટી સંખ્યામાં લોકો ટીવી સામે બેસી ગયા. તેમાં ભાજપ, જૂનો જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા-જૂના કાર્યકર્તા તેમજ શુભેચ્છકો તો હતા જ, કોંગ્રેસી નેતાઓ પણ હતા, અને જેમને ટીવી પર રાજકીય વિશ્લેષણ કરવાનું આવે તે પણ ખરા. સમગ્ર દૃશ્ય – જે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય કાર્યાલયનાં મેદાનમાં - સર્જાઈ રહ્યું હતું તેની ઉત્સુકતા હતી.

સંઘ માટે કંઈ આ પહેલવેલો કાર્યક્રમ તો હતો નહીં. ૧૯૨૫થી ક્રમશઃ સંઘ-કાર્યકર્તા પ્રશિક્ષણની વ્યવસ્થા થઈ તે મુજબ ઓટીસી ટ્રેનિંગ કેમ્પ થતા આવ્યા છે. કોઈ સ્વયંસેવકને મળો તો તે પોતાની ઓળખાણ આ શબ્દોમાં આપે છેઃ

‘હું પ્રથમ વર્ષ શિક્ષિત છું.’

‘હું દ્વિતિય વર્ગ શિક્ષિત છું.’

‘હું તૃતીય વર્ગ દીક્ષિત છું.’

ત્રણ તાલીમ-કાર્યક્રમો સંઘમાં વર્ષોથી ચાલે છે અને તેમાં એલ. કે. અડવાણી, નરેન્દ્ર મોદી, ફડનવીસ, ગોવિંદચાર્ય, ભૈરો સિંહ શેખાવત, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, કૈલાસ સિંહથી માંડીને અમિત શાહ, શંકરસિંહ વાઘેલા, વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે એક યા વધુ વર્ષના શિબિરમાં અગાઉ સામેલ થઇ ચૂક્યા છે.

સંઘને સમજવા માટે

સંઘને સમજવા માટે શાખા, ગટનાયક, પ્રચારક, ગીત, પ્રાર્થના, પ્રાતઃસ્મરણ અને શિબિરો - આટલું તો જાણવું જ જોઈએ. સાતમી જૂને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તૃતીય વર્ષ શિક્ષિતો (સાતસોથી વધુ... દેશના બધા જ પ્રદેશોમાંથી આવેલા હતા.)ના સમાપન કાર્યક્રમમાં બોલવાના હતા એટલે આ સાંજ મહત્ત્વની હતી.

પ્રણવદા તો પાક્કા કોંગ્રેસી, નાણાં પ્રધાનથી રાષ્ટ્રપતિ સુધીની તેમની સફર. કોંગ્રેસમાં તેમની સલાહ લેવાતી. બંગાળથી બિધાનચંદ્ર રાય પછી કોંગ્રેસના સિનિયર નેતા. તે સંઘમાં વ્યાખ્યાન આપશે? આ સવાલ બેવડી રીતે ચર્ચાતો રહ્યો. કોંગ્રેસમાં ખળભળાટ હતો. શ્રીમતી સોનિયા ગાંધીને યાદ આવ્યું હશે કે શ્રીમતી ઇન્દિરા ગાંધીનાં અવસાન પછી કોંગ્રેસમાં સૌથી વરિષ્ઠ નેતા તરીકે પ્રણવ મુખરજી વડા પ્રધાન પદના યોગ્ય દાવેદાર હતા. કોલકતાના વિમાનમથકેથી રાજીવ ગાંધી - પ્રણવ મુખરજી શ્રીમતી ઇન્દિરાજીની અંતિમ વિદાયમાં ઉપસ્થિત રહેવા માટે દિલ્હી આવવા નીકળ્યા ત્યારે પત્રકારોએ પ્રણવદાને સવાલ પૂછયોઃ

‘કોંગ્રેસમાં તમે સૌથી સિનિયર નેતા છો ને?’

‘હા...’

આ બે વાક્યો રાજીવ ગાંધીએ સાંભળ્યાં અને નવી દિલ્હીમાં આવતાં તખતો ફેરવાઈ ગયો અને જ્ઞાની ઝૈલ સિંહની મદદથી નવા વડા પ્રધાન રાજીવ ગાંધી જ બન્યા! જય હો!!

પ્રણવદાનું સાહસ

પ્રણવ મુખરજીએ તેમની આત્મકથામાં બધી વાતોનો ફોડ પાડ્યો નથી પણ નેહરુ-ગાંધી પરિવારને ખૂંચે તેવા કેટલાક વિધાનો જરૂર કર્યાં. જોકે તેમની પુત્રી કોંગ્રેસની ‘વફાદાર’ પ્રતિનિધિ છે, પિતા સંઘ-શિબિરને સંબોધવા જાય તેમાં ભારે દુઃખી હતાં. ‘આ શિબિરમાં જવાય જ નહીં’થી માંડીને ‘જાઓ તો આવું કહેજો’ સુધીની સુફિયાણી સલાહોને પ્રણવ મુખરજી અવગણી શક્યા તે એક મોટું ઉદાહરણ છે.

આજ સુધી કોઈ કોંગ્રેસીએ ગાંધી-પરિવારની વિરુદ્ધ જઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તેવું બન્યું નથી. આ બંગાળી બાબુએ (યોગાનુયોગ તેમની અટક ‘મુખરજી’ છે અને ભારતીય જનસંઘના સ્થાપક બંગ-નેતા શ્યામાપ્રસાદ પણ ‘મુખરજી’ હતા!) મોટું સાહસ કર્યું તેનાં પરિણામો શું આવી શકે?

ગણતરીના પાટલા મંડાઈ ગયા છે.

કેટલાંક કોંગ્રેસજનો કહે છે કે પક્ષ હવે તેમનાથી છેડો ફાડશે.

કેટલાક કોંગ્રેસજનો હરખાયા કે જોયું ને, અમારા નેતા સંઘની વચ્ચે જઈને સંઘને અરીસો દેખાડી આવ્યા!

કેટલાકને એવી આશંકા છે કે ૨૦૧૯ પૂર્વનાં ધ્રૂવીકરણનો આ પ્રારંભ છે.

રાજકીય આલોચકોના એક વર્ગે એવું શોધી કાઢ્યું કે ૨૦૧૯માં કોંગ્રેસ સિવાયના કે કોંગ્રેસ સહિતના રાષ્ટ્રીય મોરચાનું નેતૃત્વ પ્રણવ મુખરજી લઈ શકે અને વડા પ્રધાન પણ બની શકે.

એક વર્ગ તેનાથી યે આગળ વધીને એવું કહે છે કે પ્રણવને આગળ ધરીને સંઘ નરેન્દ્ર મોદીની પૂર્તિ થાય તેવાં નેતૃત્વની રણનીતિ કરી રહ્યો છે!

ચર્ચા તો થઈ, પણ...

ખરી વાત આ બધાંથી અધિક રસપ્રદ છે. સાતમી જૂને અંગ્રેજી - હિન્દી - ગુજરાતી ચેનલો પર આ ઘટના વિશેની ચર્ચા સાંભળી. મોટા ભાગે તેમાં જે ગંભીર મુદ્દો ઊઠાવવો જોઈએ એ બાજુ પર રહી ગયો અને બીજું જ અગડમ્-બગડમ્ ચાલ્યું. ‘પ્રણવ મુખરજીને બોલાવવાથી સંઘને ફાયદો થયો છે.’ ‘સેક્યુલરિઝમ નબળું પડ્યું છે.’ ‘સંઘ-કોંગ્રેસમાં કોઈ ભેદ નથી, એક મગની બે ફાડ છે.’ ‘કોંગ્રેસને કોઈ મજબૂત આશરો - પીઠબળ જોઈએ છે.’ ‘મુખરજી મોટા મહત્ત્વાકાંક્ષી છે.’ ‘સંઘને તેમણે તેમના ગઢમાં જઈને શિખામણ આપી.’ ‘નેહરુ-ટાગોરને યાદ કર્યા.’ ‘ડો. હેડગેવારને મહાન દેશભક્ત સંતાન કહી તેમણે કોંગ્રેસની અને બંધારણની મૂળભૂત નીતિ પર પ્રહાર કર્યો છે.’ અને ‘આ કાર્યક્રમમાં ત્રિરંગો ફરકાવાયો નહોતો, જનગણમન ગાવામાં આવ્યું નહીં.’ આ વાતો ગુજરાતથી દિલ્હી સુધીની ચેનલોમાં સાંભળવા મળી.

સંઘ અને પ્રણવ મુખરજી ક્યાં સંમત રહ્યા અને કયા અભિપ્રાય–ભેદ રહ્યો તેની ચિંતા - ચર્ચા કરીને ભવિષ્યનાં ભારતનાં નિર્માણમાં આ પ્રસંગ કેટલો મહત્ત્વનો બની રહે તે વિશે તો કોઈ બોલ્યું જ નહીં. હા, આખાબોલા અર્ણવ ગોસ્વામીએ ચર્ચામાં કોંગ્રેસ – કમ્યુનિસ્ટ – ડાબોરીઓને પૂછયુંઃ પ્રણવ મુખરજીએ વ્યાખ્યાનના અંતે ‘વંદે માતરમ્’ સૂત્ર કહ્યું, તેને તમે સ્વીકારશો?

બે પંક્તિ વચ્ચેનો મર્મ

મુખરજી-વિધાનોમાં ‘બિટવિન્સ ધ લાઈન’ ઘણું બધું હતું. તેમણે સરદાર સાહેબને યાદ કર્યાં. રાજ્યોનાં એકીકરણની વાત કરી. સેક્યુલરિઝમ શબ્દ એક જ વાર બોલ્યા! વંદે માતરમ્ અને જય હિન્દ (બન્ને બંગાળી મહાપુરુષોએ આપેલાં સૂત્રો - બંકિમચંદ્રનું ‘વંદે માતરમ્’ અને નેતાજી સુભાષચંદ્રનું ‘જય હિન્દ’) બોલ્યા. વિવિધતામાં એકતાની વાત કરીને ભાર મૂક્યો કે અસહિષ્ણુતા છૂટવી જોઈએ. આ તો સીધું નિશાન રાહુલ ગાંધી પર હતું જેમણે ‘આરએસએસ. અને ભાજપ વિભાજનવાદી પરિબળો છે’ એમ વારંવાર કહ્યું છે!

મુખરજી સંઘ-તવારિખનો પૂરો અભ્યાસ કરીને આવ્યા હતા એમ લાગ્યું. જનરલ માણેકશા, રાજાજી, જયપ્રકાશ નારાયણ, ગાંધીજી, આંબેડકર, ડો. રાધાકૃષ્ણન્ જેવા મહાનુભાવો સંઘ-કાર્યથી પ્રભાવિત રહ્યા હતા. તેમાં આ પૂર્વે રાષ્ટ્રપ્રમુખે પોતાનું ઉમેરણ કર્યું. સીતારામ યેચુરી તો સીપીએમના નેતા એટલે તેમણે ટિપ્પણી કરી કે પ્રણવ મુખરજીએ ગાંધી અને ગાંધી-હત્યાનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કેમ ના કર્યો? આનો બીજા છેડે વિચાર કરીએ તો અદાલતમાં આરએસએસ ગાંધી-હત્યામાં સામેલ નહોતો એવો ચુકાદો છે, તે પ્રણવ મુખરજીએ કહ્યું હોત તો?

સરસંઘ-ચાલક મોહનરાવ ભાગવતે પોતાના પ્રવચનમાં ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની વાત કરી, પ્રણવ મુખરજીએ પણ ‘સર્વે સુખિનઃ સન્તુ...’ શ્લોક (બંગાળી ઉચ્ચારણમાં) કહ્યો. ભારતના ભવ્ય ભૂતકાળની તો વિગતે વાત કરી ત્યારે જાણે ઇતિહાસના અધ્યાપક બોલી રહ્યા હોય એવું લાગતું હતું. મોહનરાવ ભાગવતે શક્તિ - સંગઠન – સંવેદના પર જ સંઘ-કાર્ય આધારિત છે એમ સુસ્પષ્ટ કર્યું, અને તે અધૂરું છે, આપણે તો ‘પરમ વૈભવી’ રાષ્ટ્ર બનાવવાનું છે એમ જણાવ્યું ત્યારે ૧૯૭૦માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલીન સંરસંઘચાલક શ્રી ગુરુજીનાં વ્યાખ્યાનનું એક વિધાન યાદ આવી ગયું. તેમણે કહ્યું હતુંઃ ‘આપણે એવા દિવસ સુધી પરિશ્રમપૂર્વક રાષ્ટ્રદેવતાની ઉપાસના સાથેની સંગઠનશક્તિ નિર્માણ કરવાની છે જે સમગ્ર દેશ અને સમાજમાં સ્થાપિત થઈ જાય. ત્યારે સંઘ નામે અલગ સંગઠનની યે આવશ્યકતા નહીં રહે.’

ગંભીર ચર્ચા - ચિંતન બાકી છે

આવું બધું તો સાતમીની મીડિયા ચર્ચામાં ક્યાંથી આવે? તે દિવસે હું શ્રી ગુરુજી સમગ્રના પાંચ ખંડ, કે. આર. મલકાણીનું ‘આર.એસ.એસ.’ પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું ‘એકાત્મ માનવદર્શન’, પ્રા. રાકેશ શર્માનું ‘ડો. હેડગેવાર’ મારું પોતાનું પુસ્તક (જેને તત્કાલીન સરસંઘચાલક બાળાસાહેબ દેવરસજીએ ગુજરાતના પ્રચારકોની બેઠકમાં લોકાર્પિત કર્યું હતું તે) ‘રાષ્ટ્રયજ્ઞના ઋત્વિજ’ વગેરે વાંચી રહ્યો હતો. સમગ્રપણે અને સર્વસ્પર્શી અભિગમ અપનાવવાનો યુગ તેમાં વ્યક્ત થાય છે તે સાતમીની ચર્ચાની સરહદની પાર રહ્યો. મીડિયાને તેની ૨૦-૩૦ મિનિટોમાં તેવું બધું ક્યાંથી પાલવે? હા, હિન્દી મીડિયામાં પહેલી વાર સંઘ વિષેનાં વિગતે વૃત્તચિત્રો જરૂર જોવા મળ્યાં, ને એવી રાહત અનુભવી કે ચા-લો, ચર્ચાઓમાં મોટા ભાગે સૌએ સંઘ-સ્થાપકનાં નામનો સાચો ઉચ્ચાર (ડો. કેશવ બલિરામ હેડગેવાર) કર્યો, નહીં તો ભાવનગરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું ત્યારે પ્રકાશિત સ્મરણિકામાં તો એવું લખવામાં આવ્યું કે સંઘના આ સ્થાપક છેક જર્મની જઈને નાઝીવાદીઓની પાસે હથિયારોની સશસ્ત્ર તાલીમ લઈ આવ્યા હતા! બિચારા લેખકને ‘હેડગેવાર’ શબ્દ જર્મન ભાષામાં કોઈ નામનો લાગ્યો હશે? (પછીથી સ્મરણિકાના સંપાદક ડો. રામલાલ પરીખ કટોકટી દરમિયાન મારી સાથે વડોદરા જેલમાં ‘મીસા’ હેઠળ હતા ત્યારે મેં તેમનું ધ્યાન દોર્યું તો નિખાલસતાથી તેમણે ભૂલ સ્વીકારી હતી.)

ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી અહીં પણ ૧૯૨૫ પછી (પહેલાં વડોદરા અને પછી બીજે) સંઘ કાર્ય શરૂ થયું હતું ત્યારથી તેમાં હાલના સરસંઘચાલક મોહનરાવ ભાગવતના પિતાશ્રી ભાગવતજી, રાજપાલજી, રાજાભાઈ નેને, બાપુરાવ લેલે, લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલ સાહેબ) કેશવરાવ દેશમુખ, અનંતરાવ કાણે, નટવરસિંહ વાઘેલા, કાશીનાથજી અને એક આખી પંક્તિ પ્રચારકો તરીકે રહી, નરેન્દ્રભાઈ મોદી પણ સંઘ-પ્રચારક છે... ગુજરાતમાં વેદમૂર્તિ પંડિત સાતવળેકર અને મહામહોપાધ્યાય કેશવરામ કા. શાસ્ત્રી પણ ‘સ્વયંસેવક’ હતા!

યુનિવર્સિટીઓના રાજ્યશાસ્ત્ર ભવનોએ સંઘ કાર્યની સમીક્ષા કરતા પરિસંવાદો - ગોષ્ઠિ - વ્યાખ્યાનો - ચર્ચાસત્રો યોજવાં જોઈએ... ૧૯૨૫થી સળંગ ભારત (અને ભારતની બહાર) સમાજ – સંગઠનના રાષ્ટ્રવાદી સિદ્ધાંતોનાં આચરણ માટે પ્રતિબદ્ધ સંગઠન વીરલ છે. તેને સમજવાની કોશિશ માટે શાહમૃગી વૃત્તિ છોડવી જ પડે. ‘હિન્દુ’, હિન્દુ ‘ધર્મ’, હિન્દુ ‘રાષ્ટ્ર’, બિનસાંપ્રદાયિકતા, સહિષ્ણુતા, સમાજનું પુનરુત્થાન અને તેમાં અવરોધો, શિક્ષણ અને વ્યાપક સંવાદ તેમજ ચર્ચાઃ આ મુદ્દા આગામી દિવસો માટે ભારે મહત્ત્વના બની રહે તેવા છે. શા માટે તેની ચર્ચાના દરવાજા બંધ રાખવા પડે?


comments powered by Disqus