સાત પડાવ, સત્તર મુદ્દા!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 07th May 2019 06:09 EDT
 
 

(ચૂંટણી ડાયરી-૭)

પાંચ પત્યા, બીજા બે - ૧૨ અને ૧૯ મેના રોજ પૂરા થશે, અને ભારતના ભાગ્યવિધાતાનો ફેંસલો પ્રજાજનો નક્કી કરશે.

આ સાત તબક્કે થયેલાં મતદાનમાં મુખ્ય મુદ્દા કેવા હતા, જાણી લઈએ.

(૧) વડા પ્રધાન પદે ભાજપે નિશ્ચિત કરી રાખ્યું એક જ નામઃ નરેન્દ્ર મોદી. ભલે સંસદીય દળ તેની પ્રક્રિયા પ્રમાણે નેતાની પસંદગી કરે, પણ ભાજપના બીજા કોઈ નેતા સ્પર્ધામાં નહીં રહે. સ્વૈચ્છિકતાનું આ અનોખું પ્રમાણ ગણાશે.

(૨) વિપક્ષે બે મોરચા છે, છાવણી છે. એક કોંગ્રેસની અને બીજી જુદા જુદા પક્ષોનાં ગઠબંધનની. આ બે સિવાય બીજા ૭૦ જેટલા પક્ષો પોતાની રીતે ચૂંટણીને અજમાવી રહ્યા છે.

(૩) કોંગ્રેસ – કપિલ સિબ્બલે સ્વીકાર્યું છે તેમ – સ્પષ્ટ સત્તાજોગી બહુમતી મેળવી શકે તેમ નથી એટલે જોડાણનો, સમજૂતીનો આશરો લેશે.

(૪) એમ થાય – અને બીજા પક્ષો કરતાં વધુ ઉમેદવારો જીત્યા હોય તો - રાહુલ ગાંધી વડા પ્રધાન પદના દાવેદાર બનશે.

(૫) કેટલાક સિનિયર કોંગ્રેસજનોમાં ગણગણાટ છે કે ભલે ચૂંટણી લડ્યાં ન હોય તો પણ પ્રિયંકાને વડા પ્રધાન બનાવવા જોઈએ.

(૬) એક લોબી સામ પિત્રોડાનું નામ ગણાવી રહી છે. રાજીવ-મિત્ર રાહુલના સલાહકાર છે. પુલવામા સહિતના પ્રશ્નોને ઊઠાવી રહ્યા છે. રાહુલ શક્તિશાળી નેતા છે એવું પ્રમાણપત્ર આપી રહ્યા છે. દેશને ચલાવવા ટેક્નોક્રેટ વધુ કામ કરી શકે એવું માનતા આવ્યા છે. રાહુલનાં ભાષણ-મુદ્દાઓ તૈયાર કરી આપે છે.

(૭) દક્ષિણના કોંગ્રેસજનો પી. ચિદંબરમનું નામ આગળ ધરે છે. દક્ષિણમાં ભૂલથી યે કોંગ્રેસને વધુ બેઠકો મળે તો આવું શક્ય છે જેનાથી તેના પુત્ર પરના ભ્રષ્ટાચારના આક્ષેપો અને મુકદમા નબળા પડી શકે.

(૮) વિપક્ષે - માયાવતીએ તો અખિલેશને કહી દીધું કે તું ઉત્તર પ્રદેશમાં, હું દિલ્હીમાં. અર્થાત્ વડા પ્રધાનપદની દાવેદારી કરી નાખી!

(૯) મમતા બેનરજી ગાંજ્યા જાય તેવાં નથી. ગઠબંધન માટેની સૌથી વધુ જહેમત ઉઠાવી રહ્યાં છે. ડાબેરીઓની સામે જેવી કટ્ટર લડાઈ કરી તેવું જ મોદી સામે લડવા માગે છે. પણ તેમની સાથે રહેનારાઓની સંખ્યા મોટી નથી.

(૧૦) ચંદ્રાબાબુ નાયડુ, ડીએમકેના સ્તાલિન, એનસીપીના શરદ પવાર, ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુને ય હોંશ છે. જીવરામ જોશીની બાળકથા ‘શેખચલ્લી’ વાંચી હોય તેમને યાદ આવી જશે. ઝાડના છાંયે શેખચલ્લી સૂતા છે, ડાળી પર કાગડાના મોંમાં પૂરી છે. શેખ સાહેબ વિચારે છે - કાગનું મોં ખૂલે, પુરી નીચે પડે અને બંદા ઘીમેં ઝબોલ ઝબોલ કે ખાયેગા!

(૧૧) એક બીજા ‘શેખચલ્લી’ સાહેબ પણ થનગને છે. તે ફારુક અબ્દુલ્લા. આમ તો વાજપેયીજીના જમાનામાં જ તેમને રાષ્ટ્રપ્રમુખ (અને એમ ન થાય તો ઉપ-રાષ્ટ્રપ્રમુખ!) બનવું હતું. ઓરતા અધૂરા છે ને ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ થઈ રહ્યા છે. કાશ, ગઠબંધન વત્તા કોંગ્રેસ તેને બનાવે. પણ કાશ્મીરમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ જ મદદ નથી કરતી એવો અફસોસ ઓમર અબ્દુલ્લા કરી રહ્યા છે એટલે કાંઈ વળે તેવું નથી. હા, વિપક્ષ કે કોંગ્રેસ જીતે તો કેન્દ્રનાં પ્રધાનમંડળમાં એકાદ મિનિસ્ટ્રી મળી શકે. પણ તેને માટે ચૂંટણી જીતવી પડે!

(૧૨) અમેઠી, રાયબરેલી, વારાણસી - ત્રણ તો યુદ્ધક્ષેત્રો બની ગયાં! રાહુલને લાગ્યું કે ન કરે નારાયણ (ચૂંટણી દરમિયાન તે શિવભક્ત બની રહ્યા છે) ને અમેઠીમાં સોગઠી ન લાગી તો...? શ્રીમતી ઇન્દિરા પણ ચિકમંગલુરમાં જીતવા પહોંચ્યા હતાં ને? તો, ચલો વાયનાડ! હવે ડાબેરીઓને તો એમ જ લાગતું હતું કે કોંગ્રેસને ડાયજેસ્ટ કરીને આપણે ભારતમાં ‘ક્રાંતિ’ કરીશું! પણ આ તો આપણા જ ઉમેદવારની સામે, આપણા જ ગઢમાં! હવે? અહેવાલો એવાં છે કે મને-કમને રાહુલને ડાબેરીઓ ટેકો આપી રહ્યા છે એટલે તેનો પોતાનો ઉમેદવાર ખફા છે.

(૧૩) અમેઠીમાં સ્મૃતિ ઇરાનીએ મજબૂત અડ્ડો જમાવ્યો છે. આકરાં વાણી બાણ છોડે છે, ઝૂંપડપટ્ટીમાં જાય છે, અમિત શાહનો રોડ શો કર્યો, યોગી આદિત્યનાથ પણ આવી ગયા. ‘ભાગી છૂટનાર ઉમેદવાર’ માટે અહીં પ્રચારમાં માત્ર પ્રિયંકાએ મહેનત લીધી.

(૧૪) આ પ્રિયંકા-રાહુલની ગરબડ શી છે? જાણવા જેવી છે. ભાઈ ઇચ્છે છે કે ‘બહેન’ ઉત્તર પ્રદેશમાં મારા સહિત બધાં માટે મહેનત ભલે કરે, તેણે ક્યાંયથી લડવું નહીં! પ્રિયંકાને નરેન્દ્ર મોદીની સામે ઊભા રાખવાનો પ્રસ્તાવ હતો. પણ ન કરે નારાયણ, ને પ્રિયંકા ત્યાં નામ કાઢે તો... રાહુલભાઈની નેતા તરીકેની કારકિર્દીનું શું? સોનિયા તો પહેલેથી જ પ્રિયંકા રાજકારણમાં વધુ ન આવે તેમ ઇચ્છી રહ્યાં છે. (દીકરાની ક્ષમતા બરાબર જાણે છે!) એટલે રાહુલની ના આવી. પ્રિયંકાએ પતિ રોબર્ટ વાડરાના આગ્રહ છતાં, માન્યું તો મોમ અને ભઈયાનું જ.) મુઘલ વંશમાં સત્તા માટેની ખેંચતાણનો યે વારસો તો જાળવવો જોઈએ ને?

(૧૫) વારાણસીમાં નરેન્દ્ર મોદી મોટી બહુમતીથી જીતે છે. ગઠબંધને એક સસ્પેન્ડ થયેલા સૈનિકને ઊભો રાખવા મહેનત કરી પણ પેલા બિચારાની માહિતી જ અધૂરી-ખોટી હતી એટલે ચૂંટણી અધિકારીએ ઉમેદવારીપત્રક માન્ય ના રાખ્યું એટલે વિપક્ષી પ્રચારનો તુક્કો ઊડ્યો - જુઓ, જુઓ, દેશના સાચા ચોકીદારથી નકલી ચોકીદાર ડરી ગયા!

(૧૬) એક નંગ છે કનૈયા કુમાર. અહોહો, જેએનયુની ટૂકડે ટૂકડે ગેંગના આ સરદાર પર લિબરલ્સ, સેક્યુલર્સ, નકસલી, બધા વરસવા માંડ્યા છે ને જનતાનો યુવા નેતા છે તેમ પ્રચાર કરી રહ્યા છે. ફિલ્મી અદાકારોમાં આમે ય ઝાઝી રાજકીય અક્કલ હોય નહીં (અપવાદો સિવાય) તેઓ પણ કનૈયાની પ્રચારક ગોપી બન્યા. અરે, આપણો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચ્યો છે તો એવું કહે છે કે તમને ઓક્સફર્ડ ભણવા મોકલે તેવાને મત આપો! સામ્યવાદી પક્ષની ટિકિટ પર કનૈયા કુમાર ઊભો છે. કેટલીક ટીવી ચેનલો તેને વધુ દેખાડી રહી છે. તેના કારણો પણ છે.

(૧૭) એકંદરે, ગાળાગાળી, અફરાતફરી, આરોપબાજી અને ‘ફેક’ ન્યૂઝ સહિતની ભરમારથી ૨૦૧૯ની ચૂંટણીનો કોલાહલ ચાલુ છે.

સબુરી રાખો! બીજા બે તબક્કા પછી પરિણામ આવશે.


comments powered by Disqus