હળવી પણ ગંભીર કહાણીઃ મૂછ, પઘડી અને ટોપી!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 21st November 2018 05:18 EST
 
 

રિઝોલ્યુશન ભલે ઇસવી સનની સાથે જોડાયેલું હોય, આપણે વિક્રમ સંવત ૨૦૭૫ના નવાં વર્ષનો - આખું વર્ષ ટકી રહે તેવો - સંકલ્પ લેવો હોય તો?

સમગ્ર ગુજરાત અને ગુજરાતી તરીકે આટલું કરીએ, જે આપણા ડીએનએમાં પણ છેઃ વ્યવહારુ પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ અને વ્યવહારુ સમજ.

વ્યવહારનું સરળ ગુજરાતી ‘વહેવાર’ થાય છે. રોજિંદો જેનો ખપ પડે છે, જેમાં અતિરેક ના હોય કે નામશેષ પણ ન થઈ જવાય એવું વર્તન! આ ‘વહેવાર’ શબ્દ તો આપણી પ્રજાએ ‘વાટકી વહેવાર’ સાથે ય જોડી દીધો છે! સંબંધોને જાળવવા, એકબીજાના સુખદુઃખમાં સગાવહાલા બનવું એ વાટકી વહેવાર છે!

તેનો અતિરેક વાર્તાઓ, દંતકથાઓ અને કહેવત કથાઓમાં બદલાતો રહે છે. ગીજુભાઈ બધેકા - જેને સૌ હેતપૂર્વક ‘મૂછાળી મા’ કહેતા - એ બાળવાર્તાઓ લખી છે તેમાં એકનું નામ છેઃ ‘વાણિયાની મૂછ નીચી!’ નીચી તો નીચી - એમ ગણીને જિંદગીની પ્રાથમિકતા પસંદ કરનારો વાણિયો બહુ જિદ્ કરતો નથી, મોકો મળ્યે ઘા કાઢી લે છે, એટલે પેલાએ કહ્યું, મૂછોને નીચી કર! વાણિયો ખોટો વટ શાનો રાખે? તે કહે, લે ને ભાઈ, આ મૂછ નીચી તો નીચી!

મૂછ-પુરાણનું અવનવું

મૂછનું હોવું - અનેક રીતના અંદાજોનો કસબ છે. અગાઉ તો લગભગ દરેક રાજા - દિવાન – નગરશેઠ – રાજપૂત – શ્રેષ્ઠીઓ અને સામાન્ય નાગરિકો પણ મૂછો રાખતા. કેટલાક વળી ચાર્લી ચેપ્લિન જેવી ટૂંકી મૂછથી શોભે. અમારા એક સાહિત્યકાર નાક અને હોઠની વચ્ચે પેન્સિલથી કાળી મૂછ દોરીને નીકળતા. રંગભૂમિ પર મૂછ ક્યારેક મજાકનો પ્રસંગ બની જાય. મેકઅપમાં જો બરાબર ચોંટાડી ન હોય તો લબડવા માંડે અને અભિનેતાનો વીરરસ પ્રધાન સંવાદ હાસ્યમાં પળોટાઈ જાય. એક દેશી નાટક મંડળીમાં પગાર ના થયો એટલે રામ વેશ ભજવનારને માલિકે સલાહ આપી, ‘આજે ભગવાન રામનું નહીં, પરશુરામનું નાટક ભજવીશું!’

...અને પગડી-પરાક્રમ!

આને ‘વહેવારુ ગુજરાતી’નો વહેવારુ ઉકેલ કહેવાય. મૂછ-પ્રધાન સમાજની જેમ પઘડી-પ્રધાન સમાજની યે રસપ્રદ દાસ્તાં છે. બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી વકીલાત કરવા ગયા. દક્ષિણ આફ્રિકામાં ‘પઘડીધારી વકીલ’ જોઈને ન્યાયાધીશે મનાઈ ફરમાવી. ગાંધી શાના માને? એ સમાચાર ચારે તરફ છવાઈ ગયા, અને અખબારોમાં આ અ-જાણ્યા ‘ઇન્ડિયન’ને મથાળાં મળી ગયાં! ‘ગાંધી વાંગ્મય’ના ૪૯ ગ્રંથોનાં ૫૦,૦૦૦ પાનાં વાંચીને હમણાં એક સંશોધક-વિવેચક શ્રી ગોયેન્કાએ પુસ્તક લખ્યું છે, ‘ગાંધી ઔર પત્રકારિતા’ તેમાં તેમણે એવો પણ નિષ્કર્ષ તારવ્યો છે કે ગાંધી ‘મહાત્મા’ તરીકે ખ્યાત થયા તેની પાછળ સૌથી મહત્ત્વનું પરિબળ પત્રકારત્વ હતું. તેમણે જુદાં જુદાં છાપાંઓમાં ચર્ચાપત્રો લખ્યાં, નિવેદનો આપ્યાં, જાતે છાપાં બહાર પાડ્યાં, ‘ઇન્ડિયન ઓપિનિયન’, ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ અને ‘હરિજન’ અખબારો. તેમાં થોકબંધ લખ્યું. ભારતમાં લખનૌ, કોલકાતા, દિલ્હી, મદ્રાસ, નાગપુર, લાહોર, ત્રિવેન્દ્રમ્, મુંબઈ – જ્યાં ગયા ત્યાં અખબારોનાં સંવાદકોને મળ્યા. તેમની મુલાકાતો છપાઈ.

ગુજરાતમાં આવ્યા તો ઇન્દુલાલ યાજ્ઞિકનું ‘નવજીવન અને સત્ય’ સામયિક અપનાવ્યું અને ‘નવજીવન’ નામ આપ્યું. નવજીવન પ્રિન્ટિંગ પ્રેસ ઊભું કર્યું, તેની નજીક ગૂજરાત વિદ્યાપીઠ સ્થાપી અને તેનાથી અમુક અંતરે સાબરમતી આશ્રમ! તેમણે પોતે લખ્યું છે કે ‘સંપાદકોને મળવા અને અન્ય પ્રસંગોથી હું જાણીતો થઈ ગયો!’ પિટ્સબર્ગ રેલવે સ્ટેશને ફર્સ્ટ ક્લાસ ટિકિટધારી બેરિસ્ટરને બહાર ધક્કો મારીને ઉતારી મૂક્યા અને તેમનો સામાન પ્લેટફોર્મ પર ફેંકી દીધો ત્યારે તેમણે પાઘડી પહેરી હતી કે કેમ તે હું જાણતો નથી પણ રાબેતા મુજબ મૂછો તો જરૂર હતી.

આ વણિકે ‘વાણિયાની મૂછ’નો એવો ચમત્કાર બતાવ્યો કે બેટાઓ, આજે તમે તો મને એકલાને ધકેલી દીધો, પણ એક દિવસ એવો આવશે કે કે તમે જે લાખ-દસ લાખ અંગ્રેજો (એક ગણતરી પ્રમાણે ૧૮૫૭માં ભારતમાં માત્ર ૪૦,૦૦૦ અંગ્રેજો જ હતા અને આપણા કચ્છી ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ તેમનાં ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબારમાં સૂચવ્યું હતું કે જો ભારતમાં એક અઠવાડિયા માટે અંગ્રેજોના ઘરમાં કોઈ કામ ન કરે, રસોયો રસોઈ ન કરે, ધોબી કપડાં ન ધૂએ, કરિયાણાવાળો અનાજ ન આપે, મોટરચાલક ના પાડી દે, સુરક્ષાકર્મી પણ ન રહે... તો આ અંગ્રેજો ભારત છોડીને ભાગી જશે!) પડ્યાપાથર્યા છો મારા દેશમાં તેમને સાગમટે ભારત છોડાવી દઈશ!

ભગતસિંહની પઘડી

આવું કરવા માટે તવારિખ કહે છે કે ગાંધીએ પઘડી છોડી, કોટ-પાટલુન-ટાઈ છોડ્યાં, ચમચમતા બૂટ નાપસંદ કર્યાં અને ટૂંકી ધોતી અપનાવી. ગાંધી ત્રીજી વાર લંડન આવ્યા, ગોળમેજી પરિષદમાં, ત્યારે એ વેશમાં હતા. રાણી વિક્ટોરિયા (ચર્ચિલના શબ્દોમાં ‘અર્ધનગ્ન ફકીર)’ને મળવામાં તો ડ્રેસકોડ જોઈએ ને? વહેવારુ વાણિયા ગાંધીએ રસ્તો કાઢ્યો કે ‘સારું, મારા ઉઘાડા બદન પર એકાદ શાલ ઓઢીને આવીશ, બસ!’

પણ ‘પઘડી’ની દાસ્તાં અધૂરી રાખવી પાલવે નહીં. પંજાબના ગરીબ ખેડૂ પણ ‘પઘડી’ તો પહેરાતા જ. અંગ્રેજોએ જુલમ શરૂ કર્યો, પઘડી ઉતરાવે, કેશ ખેંચે, લાઠીમાર કરે. (મને ૧૯૮૪નું સ્મરણ છે કે ઓપરેશન બ્લુ સ્ટાર પછી અમૃતસર અને આસપાસના વિસ્તારોમાં બસ-પ્રવાસી શીખોની પોલીસ પઘડી ઉતારવા મજબૂર કરતા. મેં નજરે આ દૃશ્યો જોયાં છે. એક ભિંદરાણવાલેનો આતંકવાદ અને એક વડા પ્રધાનનો ઓપરેશન બ્લુ સ્ટારનો નિર્ણય દેશની બહાદૂર શીખ પ્રજાને આઘાતક બની રહ્યો અને શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હજારો શીખોની હત્યા કરવામાં આવી.) બ્રિટિશ સામ્રાજ્યવાદના સમયે પંજાબમાં એક ગીત પ્રચલિત બની ગયું હતુંઃ ‘પગડી સંભાલ જટ્ટા, પગડી સંભાલ!’

લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં પઘડીધારી લાલા લાજપતારય પર લાઠી પડી અને તેમનું મૃત્યુ થયું. એ પછી જુવાન પગડીધારી સરદાર ભગતસિંહની ત્રિપુટી રણસંગ્રામમાં કૂદી પડી, અને ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારા સાથે દેશ આખો અગ્નિમય બની ગયો.

...અને આવી ટોપી!!

ઇતિહાસ પણ કેવા કેવા ફેરફારો કરતો રહે છે? ૧૯૩૦ના માર્ચમાં દાંડીકૂચ થઈ તેના ૭૫ સત્યાગ્રહીઓના શિર પર ‘પઘડી’ નહીં ‘ટોપી’ હતી. પછીથી એ ‘ગાંધી ટોપી’ના નામે પ્રચલિત થઈ. (જોકે ગાંધીજીએ આ ટોપી પહેરી નહોતી) અને એક વાર એવું કહેવાયું કે લોકો ગાંધીવાદીઓ પર ગુસ્સે થઈને ગાંધી ટોપીને ઉતરાવશે, તેને બાળશે. ૧૯૫૬નાં મહાગુજરાત આંદોલન વખતે એવું જ બન્યું, પણ મજાની વાત એ પણ છે કે મહાગુજરાત આંદોલનના સૂત્રધાર ઇન્દુચાચા અને તેના વિરોધી મોરારજીભાઈ બન્નેના શિર પર ‘ગાંધી ટોપી’ કાયમ રહી.

માસ્ટર વસંતે ગીત પણ ગાયું હતું સ્વાતંત્ર્યજંગના જમાનામાં - ‘મેરે શિર પે યે ટોપી નહીં, સરતાજ હૈ!’ સ્વતંત્ર ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલને ટોપી શોભતી. વડા પ્રધાનોમાં બીજા લાલ બહાદુર શાસ્ત્રી, ગુલઝારીલાલ નંદા અને મોરારજીભાઈ ટોપીધારી હતા બાકીના ખુલ્લું માથું રાખનારા. હા, નરેન્દ્ર મોદી અને પૂર્વે અટલ બિહારી વાજપેયીના આર.એસએસ.ની શાખામાં ‘કાળી ટોપી’ સાથે ધ્વજવંદન કરતા ફોટા કવચિત જોવા મળે ખરા!

પઘડી, ટોપી અને મૂછ તારી પણ કેવી કહાણી છે?


comments powered by Disqus