‘સાધુ’ બેટમાં સરદારઃ થોડુંક પુનરાવલોકન

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 04th December 2018 03:49 EST
 
 

સા-વ યોગાનુયોગ કેવડિયા કોલોની પાસેની સરદારની પ્રતિમા - ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાન્નિધ્યે જવાનું બન્યું. વડા પ્રધાને જ્યારે આ ભવ્ય અવસરનો પ્રારંભ કર્યો ત્યારે શક્ય બન્યું નહોતું, હેલિકોપ્ટરમાં મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણી અને મુખ્ય સચિવ જે. એન. સિંહ હતા એટલે તરેહવારની વાતો પણ થઈ. જતાંવેત આ ‘મુલક’નો પલટો થતો અનુભવાયો. સરદાર સરોવરથી દક્ષિણે ૩.૫ કિલોમીટરે કેવડિયા છે, વિન્ધ્યાચલ અને સાપુતારાની પર્વતમાળા વચ્ચે નર્મદા સમગ્રપણે આ પહાડોની સખી છે, હજારો વર્ષોથી. દક્ષિણે કાલડીથી નીકળેલા મહાન ફિલસૂફ આદિ શંકરે નમામિ દેવીના તટ પર જ દીક્ષા લીધી અને દિગ્વિજય કર્યો...

કેવડિયાની ધન્યતા

આ કેવડિયાથી થોડે દૂર ઊભી છે સરદારની પ્રતિમા! માત્ર પ્રતિમા? ના, રાષ્ટ્રને સંજીવની શક્તિ આપી શકે તેવું રાષ્ટ્રીય તીર્થ. લોકો સોમનાથ, દ્વારિકા કે આશાપુરા જાય છે તેમ ગુજરાતમાં આવતાં યાદ કરીને કહેશેઃ હા, આપણા લોકનાયક સરદારની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’એ દર્શન કરવા જશું, દર્શન જ નહીં પ્રેરણા પ્રાપ્ત કરીશું. ખેડાનાં નાનકડાં કરમસદથી નડિયાદ થઈને ગોધરા-બોરસદમાં વકીલાત અને લંડનની ‘બેરિસ્ટર’ બનવા માટેની સફર પછી આ બે ભાઈઓએ – વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ – ભારતભક્તિમાં જીવન અર્પિત કરી દીધું. પાછું વાળીને ક્યારેય જોયું નહીં. વિઠ્ઠલભાઈ ‘વીર’ કહેવાયા, વલ્લભભાઈને બારડોલી સત્યાગ્રહે ‘સરદાર’ બનાવ્યા.

ખેડા - બોરસદ – બારડોલી અને છેવટનો ૧૯૪૨નો ‘ભારત છોડો’ જંગ. પછી આઝાદી, બ્રિટિશ શાસકો ટોપલીમાં અલગતાના ઝેરી સાપ પણ આપી ગયા હતા એટલે ૫૬૫ રાજ્યોનું વિલીનીકરણ કરવાનો પુરુષાર્થ વલ્લભભાઈને માટે આવ્યો. ગૃહ પ્રધાન હતા, ઉપ વડા પ્રધાન હતા પણ તેથી યે વધુ ‘મહાનાયક’ હતા. રજવાડાંઓને મનાવ્યા, મોટાભાગના માની ગયા. કેટલાકને પાકિસ્તાનની સાથે ભળવું હતું પણ તે શક્ય નહોતું. હૈદરાબાદ અને જૂનાગઢમાં પાકિસ્તાન રાજ કરે તે કેવો કઢંગો નકશો? એક જગ્યાએ ‘ઓપરેશન પોલો’ અને બીજે ‘આરઝી હકુમત’ના પ્રયોગોથી ભારતનો ભાગ બન્યા.

આ લોહપુરુષને પ્રત્યક્ષ નિહાળવાનું તો ક્યાંથી શક્ય બને? બે પેઢી વચ્ચેનો ફરક હતો. પણ જ્યારે જૂનાગઢ-ગિરનારની છાંયડીએ બહાઉદ્દીન કોલેજનું પ્રાંગણ જોઉં છું અને સમુદ્ર તટે ભગવાન સોમનાથના દેવાલય પર ધ્વજા ફરકેલી જોઉં છું ને સરદાર કોણ - કેવા હતા તે સમજી શકું છું.

પ્રવાસ અને પ્રેરણા

એકતાની પ્રતિમા (દુનિયાના દેશો માટે તે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ છે) ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ કરતાં યે ઊંચેરી એટલે હવે વિદેશી પ્રવાસીઓ લાલ કિલ્લો કે તાજમહેલની જેમ અહીં પણ નિહાળવા આવશે અને કેમ ન આવે?

દૂ...રથી, પર્વતમાળા વચ્ચે આ ‘સંપૂર્ણ ભારતીય’ નાયક શોભે છે. વિશાળ કપાળ, થોડાક સફેદ વાળ, દૃઢ બાવડાં અને હાથ, ઝભ્ભા પર બંડી, ધોતી અને પગમાં ચંપલ. તમે તેમનો ચહેરો જોયો? મને લાગે છે કે ૧૯૪૭-૪૮ની વિભાજનની યાતનાઓ અને વિલીનીકરણે સરદારનો આ ચહેરો સર્જ્યો હશે. અગાઉના બીજા ફોટોમાં તો તેઓ ક્યાંક હસે છે, ક્યાં પ્રસન્ન છે તો ક્યાંક શાંત છે. અહીં છે સમગ્ર દેશની પ્રજાની પીડા અને મહત્ત્વાકાંક્ષા. આંખોમાં દેશ, હોઠ પર દેશ, હડપચી પર દેશ. ચહેરા પરની રેખામાં ભવ્ય ભારતની એષણા માટેનો પુરુષાર્થ. એ જમીન પર ઊભેલા નેતા હતા અને હવે આકાશની સાથે વાત કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં એક વધુ સપનાનું આ ઉત્કૃષ્ટ અને ઐતિહાસિક સર્જન છે. એમની દૃષ્ટિમાં ઘણું બધું પડ્યું હોય છે. થોડાંક વર્ષો પહેલાં કચ્છમાં રણોત્સવ શરૂ કરાયો ત્યારે કેટલાકે મશ્કરી કરી હતી, ‘રણમાં તે ઉત્સવ હોય!’ રણોત્સવનો પ્રારંભ કર્યા પછી તે સાંજે ભૂજના સરકીટ હાઉસ ‘ઉમેદ ભવન’માં તેમને નિવાસ હતો (ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે). એ સાંજે તેમણે મને કહ્યુંઃ ‘જલદીથી કચ્છ રણોત્સવ દેશ-પરદેશના પ્રવાસીઓનું પ્રવાસન મથક બની જશે.’

પહેલાં રણોત્સવ, પછી આવ્યા સરદાર

આ વાત સાચી પડી. પછી સરદાર-પ્રતિમાની ઘોષણા થઈ, પણ માત્ર એક પ્રતિમા? ના. લોહપુરુષની પ્રતિમા! ૬૫,૦૦૦ ગામડાંના ખેડૂતોએ – કારીગરોએ. પોતાનાં લોખંડને મોકલ્યું, આ સરદાર પ્રત્યેનો આત્મ-ભાવ હતો. બીજા કોઈ નેતા-પ્રતિમામાં આવું બન્યું નથી. પ્રતિમા સુધી પહોંચવા માટે પુલ બનાવાયા છે. આસપાસ વનરાજી અને પહાડ. પ્રતિમાની પાસે જાઓ ત્યારે ‘યુનિટી વોલ’ (એકતા-દિવાલ) અને શાનદાર મ્યુઝિયમ આવે. મ્યુઝિયમમાં પ્રવેશ પૂર્વે સરદારની એક વધુ પ્રતિમા, તેને પુષ્પાંજલિ કરી શકાય. પછી સરદારનાં જીવન અને દર્શનનું દૃશ્ય–શ્રાવ્ય સંગ્રહાલય. સરદારની પ્રતિમા ખરા અર્થમાં ‘અદભુત’ છે, અહીં સરદાર સાહેબના હૃદય સુધી પહોંચવા - પ્રતિમાની અંદર – લિફ્ટ છે અને હૃદયદ્વારે પહોંચો એટલે સરદાર સરોવર બંધ અને નમામિ નર્મદેનાં છલોછલ જળ ૫૦૦ ફૂટ ઊંચાઈ પર આ દર્શન!

આસપાસ જ એક ‘શ્રેષ્ઠ ભારત ભવન’ છે. બાવન રૂમની થ્રી-સ્ટાર હોટેલ, ભોજનાલય, પરિષદ-ખંડ. મ્યુઝિયમમાં થ્રી-ડી પ્રોજેકશનથી આપણી સમક્ષ સરદારનો યુગ જીવંત થાય છે. એક સંશોધન કેન્દ્રમાં કુશળ પ્રશાસન, કૃષિવિકાસ, જળ-વ્યવસ્થાપન વગેરે પર દેશ-દુનિયાના અભ્યાસીઓ આવીને અભ્યાસ કરશે. એક ‘ટેન્ટ સિટી’નો સરસ પ્રયોગ પણ થયો છે અને હા, ફૂલોની ઘાટી - વેલી ઓફ ફ્લાવર્સ! ૨૩૦ હેક્ટરમાં પણ ઉદ્યાન બની રહ્યો છે.

આસપાસ પણ આટલું બધું

સરદાર-પ્રતિમાની આસપાસ પણ કેટલાં બધાં દર્શનીય સ્થાનો છે. દેડિયાપાડા (૬૪ કિ.મી.), ચાંપાનેર (૮૪ કિ.મી.), કબીરવડ (૮૯ કિ.મી.), રતનમાળ રીંછ અભ્યારણ્ય (૧૩૦ કિ.મી.), શૂલપાણેશ્વર વન્ય વિસ્તાર (૧૦૫ કિ.મી.), જાંબુઘોડા અરણ્ય (૮૦ કિ.મી.), પાવાગઢ (૧૦૩ કિ.મી.), સરદાર સરોવર ડેમ (૧૫ કિ.મી.), વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ (૯૦ કિ.મી.)...

સરદારના ચરણોમાં ઊભો હતો ત્યારે મને તેના શિલ્પકાર શ્રીરામ સુથારનું સ્મરણ થઈ આવ્યું. નોઇડામાં તેમના સ્ટુડિયોમાં કેટલા બધાંની પ્રતિમાઓ ગોષ્ઠિ કરે છે. શ્રીરામની જૈફ વય તેમને આ ઝીણવટભર્યું કલાત્મક કામ માટે રોકી શકી નથી, તેમની સાથે તેમના પુત્ર પણ એટલા જ સક્રિય છે.

તમે જજો, આ સમયે ગુજરાત આવો ત્યારે. મનોરંજન જ નહીં પણ પ્રેરણા યે મળશે!


comments powered by Disqus