દર્દીનારાયણ અને દરિદ્રનારાયણનાં સેવકઃ ડો. ભદ્રા શાહ

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Friday 17th March 2017 05:05 EDT
 
 

ઇન્ટર સાયન્સમાં સારા માર્કસને લીધે ભદ્રાબહેનને અમદાવાદની મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. મેડિકલ સ્ટુડન્ટ તરીકે આસપાસની ચાલીઓમાં સર્વે માટે જતાં દારૂણ ગરીબી, અજ્ઞાન, વહેમ, સ્ત્રીઓ પર થતા જુલમ જોતાં હૃદય દ્રવે. વિચારે કે શું કરવાથી દુઃખ ઘટે, સુખ વધે. આવાં તે. ૧૯૬૯માં એમ.ડી. થઈને અમેરિકા આવ્યાં. ન્યૂ યોર્કના બ્રોન્કસ વિસ્તારની હોસ્પિટલમાં જોડાયા જ્યાં મોટા ભાગની વસ્તી શ્યામવર્ણી. ગરીબી, ડ્રગ્ઝ, દારૂ, સ્ત્રીઓ તરફની દાદાગીરી અને બળાત્કારની બોલબાલા. હોસ્પિટલમાં અપરણિત કિશોરીઓ ગર્ભપાત કરાવવા આવતી. ક્યારેક ડોક્ટરની ભૂલથી આવી કિશોરીઓ મરતી અને ભદ્રાબહેન આ જોઈને દુઃખી થઈને એકાંતમાં રડી લેતાં. પોતે આવી કિશોરીઓને બચાવી ના શકે તો અહીં કામ કરવાનો શો અર્થ? માની એમણે પોતાના ઘરની દશા વિચાર્યા વિના નોકરી છોડી.

હકીકતમાં ૧૯૭૪માં ભદ્રાબહેન એન્જિનિયર, પ્રેમાળ, સરળ સ્વભાવના અને મહેનતુ એવા એન્જિનિયર યુવક ભરત શાહને પરણ્યાં હતાં. લગ્ન પછીના એક વર્ષે પતિને કેન્સર થતાં એમની સારવાર ચાલતી તેમાં રોકાવાથી પોતે માત્ર બે કલાકની નોકરી કરતાં તે છોડી. કેન્સર હોસ્પિટલમાં પતિ સાથે જ્યાં પાટાપિંડીવાળા, વિકલાંગ બનેલા, પીડાતા, કણસતા દર્દીઓનાં દર્શને મનોમન આવા દુઃખી-દર્દીઓ માટે કંઈક કરી છૂટવાનો મનમાં સંકલ્પ કર્યો.

લગ્ન પછી સવા ત્રણ વર્ષે પતિનું અવસાન થયું. ૩૪ વર્ષની વયે ડોક્ટર ભદ્રાબહેનને વૈધવ્ય આવ્યું. સેવાનો અને ભગવાન પરની શ્રદ્ધાનો એમનો કૌટુંબિક વારસો પણ જબરો. તેથી જ અમેરિકામાં જાત જાળવીને, સેવા કરતાં રહ્યાં.

કુટુંબની વાત કરીએ તો ત્રણ વર્ષની વય પહેલાં માતાવિહોણાં બનેલા ભદ્રાબહેનને પિતા કાન્તિલાલે મા બનીને ઉછેર્યાં. એસ.એસ.સી.ની પરીક્ષામાં તેમને ૮૭ ટકા આવ્યા. મોઢ વણિક જ્ઞાતિના વિદ્યાર્થીઓમાં તે પ્રથમ નંબરે હોવાથી જ્ઞાતિ તરફથી ૧૦૦ રૂપિયાનું ઇનામ મળ્યું. ટૂંકી અને બાંધી આવકવાળા પિતા કાન્તિલાલ શાહ કહે, ‘સમાજમાં વધારે જરૂરવાળા ઘણા છે તેથી બધી રકમ આપણાથી ના રખાય.’ ૯૦ રૂપિયા અનાથ આશ્રમમાં આપ્યા અને પાંચ રૂપિયા મંદિરમાં મૂક્યા. માત્ર પાંચ દીકરીને વાપરવા આપ્યા. શાળામાં મેરિટસ પ્રમાણે જરૂરિયાતવાળા વિદ્યાર્થીને સ્કોલરશીપ મળે. દીકરી હોંશિયાર પણ પિતા કહે, ‘આપણે તો જેમતેમ કરકસરથી ચલાવી લઈશું. આપણા કરતાં વધારે જરૂરવાળાને ભલે સ્કોલરશિપ મળે. આપણે અરજી કરવાની નથી.’

આવો સંસ્કારવારસો ધરાવતાં ભદ્રાબહેને સમગ્ર જીવન દર્દી અને દરિદ્રને નારાયણ માનીને સેવામાં કાઢ્યું. સેવાને જ વર્યાં તેથી એકલતા ના લાગી. ૧૯૮૦માં અમેરિકામાં શેર એન્ડ કેર ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા સ્થપાયું. ૧૯૮૧માં ભદ્રાબહેન તેમાં જોડાયાં. દર વર્ષે આ ફાઉન્ડેશન ૨૦થી ૩૦ લાખ ડોલરની રકમ, શિક્ષણ, આરોગ્ય અને જનકલ્યાણનાં કામોમાં ખર્ચે છે. ભદ્રાબહેન ૧૯૯૨થી ૨૦૧૧ સુધી ૧૯ વર્ષ સતત તેનાં પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ રહ્યાં.

શેર એન્ડ કેરના કામે તેઓ ૨૫ વાર ભારત ગયાં. જવા-આવવાનું ખર્ચ કે બીજું કોઈ પણ ખર્ચ તેમણે ક્યારેય સંસ્થા પાસેથી લીધું નથી. વધારામાં ડોક્ટર તરીકેની પોતાની પ્રેક્ટિસ ગુમાવવાની. તેમના પારદર્શક વહીવટ અને સેવાની સુવાસે શેર એન્ડ કેરને દાન મળતાં ગયાં અને કામ ચાલતું રહ્યું.

૨૦૦૫માં તેમણે સાથી ફાઉન્ડેશનની સ્થાપના કરી. પોતાની કમાણીમાંથી દર વર્ષે પોતે કરકસરથી જીવીને સારી એવી રકમ તે તેમાં આપે છે. સુરત નજીકના માંડવીમાં સાથી ફાઉન્ડેશને તેજસ હોસ્પિટલનો પ્રોજેક્ટ હાથમાં લઈને તે મારફતે આદિવાસી વિસ્તારમાં આંખની તમામ પ્રકારની સારવાર આપતા નેત્રયજ્ઞો યોજે છે.

વ્યવસાયે ગાયનેકોલોજિસ્ટ એવાં ભદ્રાબહેનને રામકૃષ્ણ પરમહંસ અને મા શારદામણિ દેવીમાં અતૂટ શ્રદ્ધા છે. પોતાની જાતને તે ઇશ્વરનું સાધન માનીને, ઇશ્વર કરાવે તે કરે છે. તેઓ વિશ્વ ધર્મ સંસદ એટલે પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિયજનમાં તાજેતરમાં ટ્રસ્ટી તરીકે નિમાયાં છે. વિશ્વના બધા ધર્મોના મોટા ગાદીપતિઓ અને વિદ્વાનોની સાથે રહીને સર્વધર્મ સમભાવ વધે, સર્વધર્મ મમભાવ પેદા થાય અને વિશ્વશાંતિમાં વધારો થાય તેવી પ્રવૃત્તિ કરશે. યુનો અને યુનેસ્કોમાં વિશ્વ ધર્મ સંસદનું આગવું સ્થાન છે.

દર્દીનારાયણ અને દરિદ્રનારાયણનાં સેવક ભદ્રાબહેનની સાદગી, સેવા અને નિષ્ઠા પ્રેરક છે. ભદ્રાબહેન નિજાનંદ માટે લોકસેવામાં ગળાડૂબ રહે છે. પોતાનાં કાર્યોની મોટી મોટી વાતો કરવાથી આઘાં રહે છે. ભગવાન કરાવે તે કરવામાં માને છે. પ્રતિષ્ઠા ભૂખથી વેગળાં છે છતાં એમનાં કાર્યોને અનુપમ મિશને શાલિન માનવરત્ન આપીને તેમને બિરદાવ્યાં છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી