દાન અને પહેલની પરબઃ ડાહ્યાભાઈ રતનજી

દેશ-વિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Sunday 13th October 2019 04:45 EDT
 
 

બારડોલી નજીકનું બાજીપુરા ગામ. ૧૯૫૧માં અહીંના ૨૮ વર્ષના બી.એસસી. થયેલા ડાહ્યાભાઈ રતનજી. અમેરિકામાં ત્યારની ક્વોટા સિસ્ટમ પ્રમાણે માત્ર ૧૦૦ ભારતીયને મળતા લાભનો ઉપયોગ કરીને સ્ટીમરમાં ન્યૂ યોર્ક આવ્યા અને ત્યાંથી ટ્રેનમાં કેલિફોર્નિયા પહોંચ્યા. દક્ષિણ ગુજરાતમાંથી કેલિફોર્નિયામાં સ્થાયી વસનારામાં પ્રથમ એવા કાનજીભાઈ મંછુભાઈ દેસાઈ. શરૂઆતમાં એમને મદદરૂપ થયા. ખાસ સંબંધ નહીં છતાં માત્ર ગુજરાતી હોવાને નાતે કરેલી આ મદદ ડાહ્યાભાઈને સ્પર્શી ગઈ. ત્યારથી જ મનમાં ગાંઠવાળી ‘હું પણ જાણ્યા-અજાણ્યા સૌ ગુજરાતીઓને મદદ કરીશ.’

રાષ્ટ્રવાદી વિચારોથી ભર્યાભર્યા તેમણે તે જમાનામાં ગુજરાત અને અમેરિકામાં જે દાન કર્યા એ તેમની ગજબની ઉદારતા અને ત્યાગભાવના દર્શાવે છે. જ્યારે પાંચથી આઠ રૂપિયાનો એક ડોલર હતો. વતનના ગામ બાજીપુરામાં પિતાના નામે તેમણે આર. વી. પટેલ હાઈસ્કૂલમાં ૫૧,૦૦૦ રૂપિયા આપેલા. મુંબઈના વિલેપાર્લે (પૂર્વ)માં ગુજરાતભરના પાટીદારો માટે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે થયેલા અતિથિગૃહમાં સૌથી વધારે ફાળો તેમનો હતો અને અન્યોની પાસેથી દાન લાવવામાં પણ તેઓ મોખરે હતા. આમાં સરદાર પટેલનું મોટું મ્યુઝિયમ પણ થયું છે. બાબેનમાં અંગ્રેજી માધ્યમની શાળામાં સગાભાઈ શાંતિલાલના નામે છાત્રાલય કરવા અઢી લાખ રૂપિયા આપ્યા. અસ્થાન કન્યા વિદ્યાલય, બારડોલી હોસ્પિટલ, મઢી હાઈસ્કૂલ, વિહાણ હાઈસ્કૂલ, કામરેજ તાલુકામાં સાબરગામ હાઈસ્કૂલ વગેરેમાં એ મુખ્ય દાતા હતા. ડો. અધ્વર્યુની હોસ્પિટલમાં ૨,૫૧,૦૦૦નું દાન આપેલું. આટલું જ નહીં, પણ ઓળખીતા રસોઈયા દલસુખ ત્રિવેદીના કહેવાથી સાબરકાંઠા જિલ્લાના તેમના ગામ ખડોદીમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ માટે આપેલા દાનથી ડાહ્યાભાઇ રતનજી અંગ્રેજી શાળા બની. વ્યારામાં કોલેજ કરવામાં તેમનું મોટું દાન હતું. આમ ડાહ્યાભાઈની શૈક્ષણિક ક્ષેત્રે સેવાઓ જાણીતી છે.
૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે સંરક્ષણ ફંડમાં કેલિફોર્નિયામાંથી પ્રથમ ચેક આપનારા ડાહ્યાભાઈ હતા.
ડાહ્યાભાઈએ અમેરિકામાં ગુજરાતીઓ માટે જે કર્યું છે તેવું કરનાર તેમના પહેલાં કોઈ ગુજરાતી ન હતા. ૧૯૫૧માં તે કેલિફોર્નિયા આવ્યા ત્યારે ગુજરાતીની સંખ્યા ઓછી. પુરુષો નોકરી કરે. સ્ત્રીઓ ઘરે રહે. એકલતા અનુભવે. બીજા સાથે મળવાનું ના થાય. તહેવારો ના ઊજવાય. ૧૯૭૧માં તેમણે મિત્રોના સાથથી ઈન્ડિયા ક્લબ સ્થાપી. તે છેક તબિયતના કારણોસર રાજીનામું આપ્યું ત્યાં સુધી તેના બિનહરીફ પ્રમુખ રહ્યા. આથી પરસ્પર પરિચય થયો. નજીક આવ્યા અને આથી કેટલાક ભાગીદારીમાં ધંધા શરૂ કર્યા. અહીં જન્મેલાં બાળકો ગુજરાતી બોલતાં અને સમજતાં રહ્યાં.
કાર્યક્રમો માટે હોલ ભાડે રાખવો પડે. દરેક વખતે એ જ હોલ ના મળે. કાયમી નવી ડિરેક્શન થાય. આવનારને મુશ્કેલી પડે. ડાહ્યાભાઈએ ફંડફાળા વિના હોલ કરવા નવી રીત શોધી. સહકારી માલિકીના ધોરણે ૩૦૦૦, ૧૦૦૦ અને ૨૫૦ના શેર કાઢ્યા. આ મૂડીમાંથી હોલ ખરીદ્યો. કાર્યક્રમ માટે જેને જોઈએ તે ભાડું આપીને રાખે. આવક વધતી ગઈ. શેર પેટે આપેલી રકમ વધતી ગઈ. રોકાણના પ્રમાણમાં દરેકને વળતર મળે. છતાં બધાં માટે હોલ સુલભ રહે.
ગુજરાતીઓના ધંધા-રોજગાર વધતા ગયા. તેમને લોન મેળવવામાં અદૃશ્ય ભેદભાવ નડતો. આથી લોન મોડી મળે, ના મળે, અપૂરતી મળે એવું થાય. ધક્કા ખાવા પડે અને ધંધાને અસર પડે. ડાહ્યાભાઈએ આમાંથી છૂટવા કરેલા પ્રયત્નથી ફર્સ્ટ ઈન્ડો-અમેરિકન બેંક સાન ફ્રાન્સિસ્કોમાં ઊભી થઈ. આ માટે ૩૦ લાખ ડોલર ભેગા થયા, જે ધાર્યા કરતાં ઓછા હતા. ડાહ્યાભાઈ બેંકમાં ડિરેક્ટર બન્યા જે આજીવન રહ્યા. બે વિસ્તારના ગુજરાતીઓને આથી ઘણી મદદ મળી.
ડાહ્યાભાઈની બીજી પહેલ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલીમાં ઈન્ડિયા ચેર ઊભી કરવાની. આ માટે મોટી રકમની જરૂર હતી. ફંડમાં સૌ પ્રથમ ચેક ડાહ્યાભાઈનો હતો.
અમેરિકાના પશ્ચિમ કિનારે મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપવા માટે ફાળો ઉઘરાવવામાં અને આપવામાં તે આગેવાન હતા. ત્રણ લાખ ડોલરના ખર્ચે આ કામ પત્યું. પ્રતિમા મૂકવાની જગા સાન ફ્રાન્સિસ્કોમાં મેળવવામાં, નગર તેને સાચવવાની જવાબદારી લે તે સમજાવવામાં તેમની નેતાગીરી હતી.
આવી જ રીતે ૧૯૧૪માં શીખોએ આરંભેલી આઝાદી માટેની ગદરની લડતનાં બે મકાન ભારતીય કોન્સ્યુલેટ પાસે હતાં, શીખોને પાછાં જોઈતાં હતાં. ડાહ્યાભાઈની મધ્યસ્થીથી એ મકાન કોન્સ્યુલેટ પાસે રહે પણ ગદરના સ્મારક તરીકે ઉપયોગ થાય માટે ગદર મેમોરિયલ કમિટી રચાઈ અને તે માટે ફંડ ભેગું કરવામાં તે આગેવાન રહ્યા. અહીં એક પુસ્તકાલય ચાલે છે અને આઝાદીની લડતનું કાયમી પ્રદર્શન છે.
ગુજરાતીઓ અને રાષ્ટ્રની સેવા માટે સમય, બુદ્ધિ અને ધન ખર્ચવામાં અને પહેલ કરનારા બીજા કોઈ ગુજરાતી શોધવા મુશ્કેલ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter