દિવાળી પછીના દિવસો

- રુચિ ઘનશ્યામ Wednesday 17th November 2021 03:01 EST
 
 

દિલ્હીમાં આ વર્ષે ઓક્ટોબરમાં વરસાદ થયો. ઓક્ટોબરમાં પર્યાવરણ શુદ્ધ હતું. વાતાવરણ ચોખ્ખું હતું. નવેમ્બરની શરૂઆતમાં દિવાળી આવતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો હતો. ઘણાં લોકો આ પ્રતિબંધને ઓક્ટોબરમાં પ્રદૂષણનું જ પ્રમાણ નીચું રહ્યું હતું તેને આગામી દિવસોમાં અને દિવાળી પછી અઠવાડિયાઓમાં જાળવી રાખવાના પ્રયાસ તરીકે જોતા હતા. બીજી બાજુ વિરોધના સૂર પણ ઉઠ્યા હતા. કેટલાંક લોકો ફટાકડાને દિવાળી ઉજવણીના આવશ્યક હિસ્સા તરીકે જોતા હોવાથી તે રોષે ભરાયા. તેમને લાગ્યું કે જે લોકો દિવાળી ઉજવે છે અને તેમાં પણ ખાસ કરીને બાળકોને ફટાકડા ફોડવાથી આવતો આનંદ મળવો જોઈએ. અન્યોએ દલીલ કરી કે ફટાકડાને લીધે પ્રદૂષણના પ્રમાણને કોઈ અસર થતી નથી. કેટલાંકે દલીલ કરી કે દિલ્હીમાં પ્રદૂષણના કારણો જટિલ છે. માત્ર ફટાકડા અને પરાળી સળગાવવાને જ દોષ આપી ન શકાય કારણ કે વાહનોનું પ્રદૂષણ, બાંધકામ પ્રવૃત્તિઓ, ફેક્ટરીઓનું પ્રદૂષણ અને ધૂળ દિલ્હીમાં પ્રદૂષણ થવાના ઘણાં કારણોમાં સામેલ છે.

દિવાળીની રાત્રે પૂજા પછી આપણે ઘણી વખત આપણા વડીલો પાસેથી દિવાળીની કથા સાંભળતા હતા. ભગવાન રામ ૧૪ વર્ષના વનવાસથી દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા તેથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે તે વાત ભારતમાં ભાગ્યેજ કોઈ વ્યક્તિ જાણતી નહીં હોય. અયોધ્યાના લોકોએ તેમના પ્રિય રાજા અયોધ્યા પાછા ફર્યા તેની ઉજવણી માટે પોતાના ઘરોમાં માટીના કોડિયા એટલે કે દીવા પ્રગટાવ્યા હતા. તેઓ તેમના નિવાસસ્થાને પાછા ફરતા હતા ત્યારે આ દીવડાઓ અમાસની અંધારી રાત્રે તેમના માર્ગમાં અજવાળું પાથરતા હતા. દિવાળીની કથા અનિષ્ટ પર ઈષ્ટના, અંધકાર પર પ્રકાશના અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનો સામાજિક સંદેશ આપે છે.
દિવાળી ખરેખર ભવ્ય ભારતીય ઉત્સવ છે. વર્ષોથી માટીના નાના કોડીયાનું સ્થાન રંગબેરંગી ઈલેક્ટ્રિકલ લાઈટ્સે લઈ લીધું છે. મકાનો અને દુકાન - ઓફિસ, માર્કેટ્સ તથા રેસિડેન્શિયલ કોલોનીઓને આ લાઈટ્સની રોશની કરાય છે. લોકો નવા વસ્ત્રો પહેરે છે અને ખૂબ સ્વાદિષ્ટ મીઠાઈઓનો સ્વાદ માણે છે. ભારતમાં દિલ્હી અને આસપાસમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ મળે છે. દિવાળીની ઉજવણીમાં ડ્રાયફ્રૂટ પણ સામેલ છે અને હવે તો ચોકલેટ્સ, કેક્સ અને કૂકીઝ પણ દિવાળીની માગમાં સામેલ થવા પ્રયાસ કરે છે.
દિવાળીની ખૂબ ઉત્સાહપૂર્વક વ્યાપકપણે ઉજવણી કરવામાં આવે છે કારણ કે તે વ્યાપાર માટે નવું વર્ષ છે અને અન્ય ધર્મો સાથે સંકળાયેલું છે. શીખ, બૌદ્ધ અને જૈન લોકો દિવાળીની ઉજવણી કરે છે.
દિવાળીએ આકાશ ભવ્ય આતશબાજીથી ઝળહળી ઉઠે છે. જોકે, દિવાળી સાથે ફટાકડા કેમ જોડાયેલા છે તે સ્પષ્ટ નથી. દિવાળી પ્રકાશના પર્વ તરીકે જાણીતું છે. વર્ષોથી ભારતીય લોકો દિવાળી પર ફટાકડા ફોડે છે. ભારતીય લોકોની વધતી આવક અને દેશની વધતી વસતિ, ગીચ શહેરોના ભરચક વિસ્તારોમાં રહેતા લોકો આ બધાને લીધે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે દિવાળીની રાત્રે ફોડવામાં આવતા ફટાકડાને લીધે પ્રદૂષણ થવાની ચિંતા રહે છે.
ભગવાન રામના આગમન સમયે અયોધ્યાવાસીઓએ ફટાકડા ફોડ્યા હોવાના ક્યાંય પૂરાવા નથી. રામાયણ અથવા પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ નથી. ધર્મગ્રંથોમાં જે પૂરાવા છે તે અયોધ્યાના લોકો દીવા પ્રગટાવ્યા હતા તેના પૂરતા જ છે. તે તાર્કિક પણ છે કારણ કે ફટાકડાના પુરોગામી તરીકે એક પ્રકારના વાંસ હતા તેને વધુ ગરમ કરાય તો તેમાં ધડાકો થતો. તેનો પણ ચીનમાં ૨૦૦ બીસીઈ આસપાસ ઉપયોગ થતો હતો. ચીની લોકો ફટાકડાને ‘વિસ્ફોટક બામ્બુ’ કહેતા અને શત્રુઓ અથવા દુષ્ટ આત્માઓેને ડરાવવા માટે તેનો ઉપયોગ કરતા હતા. તે પછી ગનપાઉડરની શોધ થઈ હતી. જોકે ફટાકડામાં તેનો ઉપયોગ ખૂબ મોડેથી એટલે કે લગભગ ૭મી સદીમાં થયો હતો. ચીનની ટેંગ ડાયનેસ્ટીએ ૭૦૦ સીઈમાં પ્રથમ વખત ફટાકડાનું પ્રદર્શન યોજ્યું હતું. સૌ ફટાકડાની શોધ ચીને કરી હતી અને સૌ પ્રથમ ચીનમાં ફટાકડા બનાવાયા હતા. આરબો ગનપાઉડરને ચીનથી ભારત અને યુરોપ લઈ ગયા હોવાનું મનાય છે. ભારતમાં ફટાકડાનો ઉલ્લેખ છેક ૧૦૦૦ સીઈ પછી થયો હતો. ભારતમાં લડાઈમાં ગનપાઉડરનો ઉપયોગ શરૂ કરાયો ત્યારથી એટલે કે લગભગ ૧૪૦૦ સીઈ પછી દિવાળીની ઉજવણીમાં ફટાકડાનો ઉપયોગ અસ્તિત્વમાં આવ્યો હોવાનો ઈતિહાસકારોનો અંદાજ છે.
ઈન્ડિયન કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) એ ૧૬૦ ડેસીબલથી વધુ માત્રાના પરંપરાગત ફટાકડાને બદલે શુધ્ધ રો મટિરિયલમાંથી ૩૦ ટકા ઓછાં ઉત્સર્જન અને ૧૧૦-૧૨૫ ડેસીબલના ફટાકડા - ગ્રીન ક્રેકર્સ – બનાવ્યા. જોકે, ગ્રીન ક્રેકર્સમાં હજુ પણ એલ્યુમિનિયમ, બેરિયમ, પોટેશિયમ નાઈટ્રેટ અને કાર્બન જેવા નુક્સાનકારક પ્રદૂષકો છે. ફટાકડા નાઈટ્રસ ઓક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા નુક્સાનકારક કેમીકલ્સ પણ છોડે છે જેની બાળકો અને ખાસ કરીને વડીલોના શ્વસનતંત્ર પર વિપરિત અસર થાય છે.
દિવાળી દરેકને માટે આનંદ કરવાનો અને ઉજવણી કરવાનો સમય હોવો જોઈએ. ફટાકડાના વધુ પડતા ઉપયોગને લીધે ઉત્પન્ન થતાં હાનિકારક વાયુથી આપણી જાતનું રક્ષણ કરવા માટે ઘરોની અંદર છૂપાઈ ન રહેવું પડે તેવા દિવસો આવે તે જોવું રહ્યું.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter