દેશને બ્રેક્ઝિટ મુદ્દે અંધારામાં રાખી ન શકાય

- સીમા મલ્હોત્રા MP Tuesday 07th November 2017 04:33 EST
 
 

ગત સપ્તાહે હાઉસ ઓફ કોમન્સમાં સરકારનો નોંધપાત્ર પરાજય થયો હતો. કમિટી ઓન એક્ઝિટિંગ યુરોપિયન યુનિયનને બ્રેક્ઝિટની આર્થિક સેક્ટોરલ અસરના મૂલ્યાંકનો પૂરાં પાડવાનો બંધનકારી મત પસાર કરવા ‘એન હમ્બલ એડ્રેસ’ નામે ઓળખાતી પાર્લામેન્ટરી પ્રોસિજરનો ઉપયોગ કરાયો હતો. આ ચર્ચા પારદર્શિતા, ઉત્તરદાયિત્વ અને પાર્લામેન્ટ સરકારની ચકાસણીનું કાર્ય સુપેરે કરી શકે તેની ખાતરી અંગે હતી. આશરે એક વર્ષ અગાઉ બધા અભ્યાસો હાઈલાઈટ કરાયા પછી એનાલિસીસને જાહેરમાં મૂકાય તે માટે વારંવારના સંસદીય પ્રશ્નો, માહિતી વિનંતીનું સ્વાતંત્ર્ય, પિટિશન્સ, આશરે ૨૦૦ સાંસદના ટેકા સાથે અમારા લખેલા પત્ર તેમજ વેસ્ટમિન્સ્ટર ચર્ચાઓને નિષ્ફળતા સાંપડી હતી. ખાતરી આપ્યાના ચાર મહિના પછી ગત સોમવારે સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે સિલેક્ટ કમિટીની સુનાવણીમાં મારાં પ્રશ્નોના પગલે સેક્ટર્સની યાદી પ્રસિદ્ધ કરાઈ હતી.

આ મુદ્દાનું વધુ મહત્ત્વ એ માટે છે કે બ્રેક્ઝિટ દિવસને માત્ર ૧૭ મહિના બાકી છે ત્યારે પરિવર્તન માટે દેશને તૈયાર કરવા સમય રહ્યો નથી. નિશ્ચિતપણે યુકે પેઢીના સૌથી મોટા પરિવર્તનના આરે છે. આપણા અર્થતંત્ર, નોકરીઓ અને જીવનનિર્વાહના મુદ્દે સરકાર પોતાની જાણકારી વિશે પાર્લામેન્ટ અને ૨૯ મિલિયન વર્કર્સને અંધારામાં રાખવાનો નિર્ધાર ધરાવે છે તે ખરેખર નિરાશાજનક છે. આવો અભિગમ ચાલી શકે જ નહિ.

આ વિજય પાર્લામેન્ટરી સંપ્રભુતા અને ઉત્તરદાયિત્વનો છે. આપણા બિઝનેસીસ અને મતક્ષેત્રો માટે તેનું ઘણું મહત્ત્વ છે. બ્રેક્ઝિટની ખરાબ અસરો પણ રહેશે અને તે માટે તેમને તૈયાર કરવા જરૂરી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના અંદાજ મુજબ બ્રેક્ઝિટના લીધે માત્ર ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડસ્ટ્રીમાં જ ૭૫,૦૦૦ જેટલી નોકરી ગુમાવવાની થશે. હેલ્થ ડિપાર્ટમેન્ટના લીક રિપોર્ટ મુજબ હાર્ડ બ્રેક્ઝિટના પરિણામે ૪૦,૦૦૦ નર્સની અછત સર્જાઈ શકે છે. રેફરન્ડમ પછીના વર્ષમાં આપણે G7 ગ્રોથ લીગમાં અગ્રસ્થાનેથી તળિયે પહોંચી ગયા છીએ. વિશ્વના મહત્ત્વના અર્થતંત્રોમાં યુકેનું અર્થતંત્ર સૌથી ધીમી ગતિએ વિકસી રહ્યું છે.

આપણા અર્થતંત્ર, નોકરીઓ અને જીવનધોરણો પર બ્રેક્ઝિટની અસર વિશે ચર્ચા માટે દરેક સેક્ટર પર તેની અસરો જાણવી આવશ્યક છે. આ ઈયુમાં રહેવા કે છોડવા વિશે નહિ પરંતુ, પક્ષ પહેલા દેશને રાખવાની વાત છે. આ કોઈનો પક્ષ લેવાની નહિ પરંતુ, દેશ દ્વારા સંયુક્ત આયોજન, નેતૃત્ત્વ, પારદર્શિતા, સ્પષ્ટતા અને જવાબદારીની વાત છે.

આપણા સૌથી ગાઢ અને મહત્ત્વના માર્કેટ્સ (આપણી ૪૪ ટકા નિકાસ ઈયુમાં છે)ની સાથોસાથ વિકસેલા ૪૦ વર્ષના અર્થતંત્રને પાછલી દિશામાં લઈ જવાનું સરળ નહિ જ રહે. અત્યાર સુધી ‘આપણે ગુમાવવા કરતા લાભ વધુ મેળવવાનો છે, જ્યારે ઈયુ માટે આનાથી વિરુદ્ધ સાચુ છે’ તેમ કહેતા બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે હવે ગત મંગળવારે લોર્ડ્સ ઈયુ કમિટીને કહ્યું છે કે, બ્રિટનની બ્રેક્ઝિટ વીથ્ડ્રોઅલ સમજૂતી સંભવતઃ ઈયુને લાભકારી રહેશે. સરકારમાં આ ગુંચવાડો અને મિનિસ્ટર્સ વચ્ચે મતભેદોના કારણે જ સરકાર નિર્ણય લેવામાં અવારનવાર પાર્લામેન્ટ અને પ્રજાને બાયપાસ કરવા ઈચ્છે છે. આટલું બધું દાવ પર લાગ્યું હોય ત્યારે અર્થતંત્ર સમક્ષના વિશાળ પડકારોના સામનાનું આયોજન દેશ સાથે મળીને કરે તેમાં આ ગુંચવાડાને આવવા દેવો ન જોઈએ. બ્રેક્ઝિટ ઈમ્પેક્ટના દસ્તાવેજો વેળાસર રીલિઝ કરવા જ જોઈએ.

(લેખિકા ફેલ્ધામ અને હેસ્ટન ક્ષેત્રના સાંસદ, સિલેક્ટ કમિટી ફોર એક્ઝિટિંગ ઈયુના સભ્ય તથા ટ્રેઝરીના પૂર્વ શેડો ચીફ સેક્રેટરી છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter