ગાયત્રી માતાઃ વેદો પણ જેનો મહિમા ગાય છે

ગાયત્રી જયંતી (6 જૂન)

Wednesday 28th May 2025 06:36 EDT
 
 

‘સ્તતા મયા વરદા વેદ માતા...’ ચારેય વેદ - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં જેનો મહિમા વિસ્તૃતપણે વર્ણવેલો છે તે વેદમાતા ગાયત્રીને છાંદોગ્યોપનિષદ સર્વવેદોનો સાર, સર્વવેદોની જનની, પરબ્રહ્મા સ્વરૂપા, કામદા, મોક્ષદા અને ત્રિપદા કહેવામાં આવેલાં છે. ગાયત્રી સર્વ પાપોનો નાશ કરે છે. ગાયત્રી ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વરૂપા છે. ઋગ્વેદમાં વર્ણવેલ છે કે ગાયત્રી વૈદિક સપ્તછંદોમાંથી એક પ્રથમ છંદ છે.
શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહેવાયું છે કે સર્વ છંદોમાં ગાયત્રી મંત્રનું રટણ કરનારનું રક્ષણ કરનારી છે. સતપથ બ્રાહ્મણમાં તો એવું કહેવાયું છે કે ધન્ય થયેલી પૃથ્વી ગાવા લાગી તેથી પૃથ્વીને ગાયત્રી કહેવામાં આવે છે.
સાધના માટે સર્વશ્રેષ્ઠ છે ગાયત્રી મંત્રનો જપ
બ્રહ્મર્ષિ ઋષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ યજુર્વેદના છત્રીસમા અધ્યાયમાં જોવા મળે છે. વેદ કહે છે કે ત્રિવર્ણ અર્થાત્ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને યજ્ઞોપવિત સંસ્કારનો અધિકાર છે. આવા ત્રિકોણને મસ્તક પર શિખા અને વાચ સ્કન્ધ પર ઉપવિત્ ધારણ કરવી જોઈએ. ત્રિકાળસંધ્યા વંદન કરવા ઉપરાંત ગાયત્રી મંત્રના જપ કર્યાં પછી તદ્શાંશ હોમ, હોમનું દશાંશ માર્જન, માર્જનનું દશાંશ બ્રાહ્મણ ભોજન કરાવવાને પંચાંગ વિધિ કહેવામાં આવેલ છે.
બુદ્ધ પારાશર સંહિતામાં સ્પષ્ટ આજ્ઞા છે કે મસ્તિષ્ક પર ચોટલી અને વાચ સ્કન્ધ પર જનોઈ વિના જે કંઈ ધર્મ-કર્મ કરવામાં આવે છે તે સઘળાં નિષ્ફળ થઈ જાય છે. શિખા-સૂત્ર વિહીન વ્યક્તિને વેદાંધ્યયન, યજ્ઞયાગ અને અન્યાન્ય ધર્મ-કર્મ કરવાનો અધિકાર નથી. તેનો ગાયત્રી મંત્રના જપ કરવાનો પણ અધિકાર માનવામાં આવ્યો નથી.
બ્રહ્મર્ષિ ઋષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ યજુર્વેદના છત્રીસમા અધ્યાયમાં જોવા મળે છે. ગાયત્રી મંત્રને સાધના માટેનો સર્વશ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે. આ 24 અક્ષરના મહાયંત્રમાં દિવ્ય શક્તિ છુપાયેલી છે. જેને જાણીએ તો જીવન ધન્ય થઈ જાય. ગાયત્રી મંત્રમાં સૂર્યના તેજ જેટલી જ પ્રખરતા છે. તેથી ગાયત્રી મંત્રનો જપ કરવાથી સાધકનું ચરિત્ર પરિષ્કૃત થાય છે. વિશ્વામિત્ર, વશિષ્ઠ વગેરે ઋષિઓએ ગાયત્રી મંત્રની સાધના કરીને આધ્યાત્મિક જગતમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. ગાયત્રી મંત્રના 24 અક્ષરોમાં 24 તત્ત્વોનો સમાવેશ છે જેમાં પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ વગેરે છે. જેનો સવિસ્તર ઉલ્લેખ સાંખ્યમાં છે. ગાયત્રી મહામંત્રમાં અસંખ્ય રહસ્યો છુપાયેલાં છે.
ગાયત્રી મંત્ર એ એક ચમત્કારિક મંત્ર છે. આ મંત્રને સદ્બુદ્ધિનો મંત્ર પણ કહેવામાં આવે છે. ભક્તિના માર્ગમાં આગળ જવા માટે શરીરની બાહ્ય પવિત્રતાની સાથે મનની આંતરિક શુદ્ધિ પણ જરૂરી છે. સાધકનું ચરિત્રનિર્માણ તે ભક્તિનું પહેલું પગથિયું છે. ગાયત્રી મંત્રના જપથી મન પર સવાર થયેલા કુવિચારો, દુર્ભાવનાઓ વગેરે દૂર થાય છે, કારણ કે આ મહામંત્રના ઉચ્ચારમાત્રથી શરીરમાં રહેલી 24 શક્તિ જાગૃત થાય છે.
ગાયત્રી મંત્રના 24 અક્ષરોમાં એવી પ્રેરણા ભરેલી છે કે સાધકના અંત:કરણમાં તે ચેતનાનો સંચાર કરે છે. મંત્રના 24 અક્ષરોમાં છુપાયેલા અમોઘ સ્ત્રોતનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે.
ગાયત્રી મહામંત્ર અનેક ગૂઢ રહસ્યથી ભરેલ છે. એવી માન્યતા છે કે સ્વર્ગમાં એક એવું વૃક્ષ છે જેની નીચે બેસીને જે પણ વસ્તુનો વિચાર કરવામાં આવે તે આપણી સમક્ષ હાજર થઈ જાય છે.
સ્વાભાવિક છે કે આ સાંભળીને એવો વિચાર આવે કે આવું એક કલ્પવૃક્ષ આપણને મળી જાય તો જીવનની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય. વાસ્તવમાં આવું જ એક કલ્પવૃક્ષ પૃથ્વી પર પણ છે. જેમાં દેવલોકના કલ્પવૃક્ષ જેટલી જ શક્તિ છે. આ વૃક્ષ છે ગાયત્રી મંત્ર. જો સાચા અર્થમાં આ મંત્રની સાધના નીતિ-નિયમો સાથે અને શુદ્ધ ચારિત્ર્ય સાથે કરવામાં આવે તો દરેક સાધક માટે ગાયત્રી મંત્ર મનોવાંછિત ફળ આપનાર કલ્પવૃક્ષ સમાન જ બની રહે છે.

ગાયત્રી મંત્ર વિશે ઋષિઓ અને મહાત્માઓ શું કહે છે?

• મહર્ષિ વ્યાસઃ કામની સફળતા તથા તપની સિદ્ધિ માટે ગાયત્રી મંત્રથી શ્રેષ્ઠ કોઈ નથી.
• તૃગીઋષિઃ જ્ઞાન-વિજ્ઞાનનો આદિ સ્ત્રોત ગાયત્રી મંત્ર છે.
• રવીન્દ્રનાથ ટાગોરઃ ભારત વર્ષને જગાડનાર જો કોઈ સરળ મંત્ર હોય તો તે ગાયત્રી મંત્ર છે.
• શ્રી અરવિંદઃ ગાયત્રી મંત્રમાં એવી મહાન શક્તિ છે કે જેનાથી મહત્ત્વપૂર્ણ કાર્ય પાર પડી શકે છે.

• સ્વામી રામકૃષ્ણ પરમહંસ: ગાયત્રીનું તપ કરવાથી મોટી-મોટી સિદ્ધિઓ મળે છે. મંત્ર નાનો છે, પણ શક્તિ મહાન છે.
• સ્વામી વિવેકાનંદઃ ગાયત્રી સદબુદ્ધિનો મંત્ર છે તેથી તેને મંત્રનો મુકુટમણિ કહ્યો છે.

• મહાત્મા ગાંધીઃ ગાયત્રી મંત્રનો સ્થિર ચિત્તથી અને શાંત હૃદયે જપ કરવામાં આવે તો સંકટોનું નિવારણ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter