મા અંબાની આરતી

પર્વવિશેષ - નવરાત્રિ (26 સપ્ટેમ્બર - 5 ઓક્ટોબર)

Sunday 25th September 2022 04:21 EDT
 
 

મા અંબાની આરતી

જય આદ્યશક્તિ મા, જય આદ્યશક્તિ,
અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં (૨) પડવે પંડિત મા,
જય ઓમ જય ઓમ મા જગદંબે...
દ્વિતીયા બે સ્વરૂપ શિવશક્તિ જાણું, મા શિવશક્તિ જાણું,
બ્રહ્મા ગણપતિ ગાએ (૨) હર ગાએ હર મા.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં બેઠાં,
દયા થકી તરવેણી (૨) તું તરવેણી મા.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યાં (૨)
ચાર ભુજા ચૌદિશા (૨) પ્રગટ્યાં દક્ષિણમાં.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણપદ્મા, મા પંચમી ગુણપદ્મા,
પંચ તત્ત્વ ત્યાં સોહીએ (૨) પંચે તત્ત્વો મા.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, મા મહિષાસુર માર્યો,
નર નારીના રૂપે (૨) વ્યાપ્યાં સઘળે મા.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી સંધ્યા, મા સાવિત્રી સંધ્યા,
ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા મા,
જય ઓમ જય ઓમ મા જગદંબે...
અષ્ટમી અષ્ટ ભુજા, મા આઈ આનંદા, મા આઈ આનંદા,
સુરનર મુનિવર જન્મ્યા (૨) દેવ દૈત્યો મા.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
નવમી નવ કુળ નાર સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા,
નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિનાં અર્ચન કીધાં હરબ્રહ્મા.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય વિજયા દશમી,
રામે રામ રમાડ્યા (૨) રાવણ રોળ્યો મા.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
એકાદશી અગિયારશ કાત્યાયનિકા મા, મા કાત્યાયનિકા મા,
કામ દુર્ગા કાલિકા (૨) શ્યામાને રામા.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
બારસે બાળા રૂપ બહુચરી અંબા મા, મા બહુચરી અંબા મા,
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
તેરસે તુળજા રૂપ તમે તારુણી માતા, મૈયા તમે તારુણી માતા,
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતાં.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા,
ભાવ ભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા,
જય ઓમ જય ઓમ મા જગદંબે...
પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા,
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કન્ડદેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા,
જય ઓમ જય ઓમ મા જગદંબે...
સંવત સોળ સત્તાવન સોળસે બાવીસમાં, મા સોળસે બાવીસમાં,
સંવત સોળે પ્રગટ્યાં, રેવાને તીરે, મા ગંગાને તીરે,
જય ઓમ જય ઓમ મા જગદંબે...
ત્રંબાવટી નગરી, મા રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (૨) ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી,
જય ઓમ જય ઓમ મા જગદંબે...
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે, હર કૈલાશે જાશે,
મા અંબા દુઃખ હરશે.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો.
ભોળા અંબામાને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો.
જય ઓમ જય ઓમ મા જગદંબે...
ભાવ ન જાણું ભક્તિ ન જાણું, નવ જાણું સેવા... મા (૨)
વલ્લભ ભટ્ટને આપી, એવી અમને આપો ચરણોની સેવા.
જય ઓમ જય ઓમ મા જગદંબે...


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter