હોળ-ધૂળેટીઃ આસુરી વિચાર-વૃત્તિનો સંહાર કરીને જીવનને કેસૂડાથી મહેકતું કરવાનું મહાપર્વ

Wednesday 16th March 2022 05:23 EDT
 
 

હોળી અને ધૂળેટી પર્વ (આ વર્ષે ૧૭-૧૮ માર્ચ) ખરેખર તો કૃષિપ્રધાન તહેવાર છે. ઋતુપરિવર્તન અને ધનધાન્યની કાપણીનો આ રંગોત્સવ છે. ફાગણમાં પાકેલું નવું અન્ન ખાતાં પહેલાં ઉત્સવ અને નવાન્નયજ્ઞ રૂપે હોળી થાય છે, એવી એક માન્યતા છે. નવા પાકનાં ધાન્યોની આહુતિ આપવાનો આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ હતો, તેથી જ આજે પણ હોળીના યજ્ઞાગ્નિમાં ધાણી, ચણા, ખજૂર વગેરે હોમાય છે. નવાન્ન યજ્ઞની સાથે પાછળથી કેટલીક પૌરાણિક અને જ્યોતિષ પરંપરાઓ સંકળાઇ અને હોલિકાદહન સાથે સંકળાયેલી કેટલીક નવી ભાવનાઓ અને નવાં પ્રતીકો અસ્તિત્વમાં આવ્યાં.
હોળીની સાથે વિષ્ણુભક્ત પ્રહલાદ અને હોલિકાની જાણીતા પૌરાણિક કથા ગૂંથાયેલી છે. રાક્ષસરાજ હિરણ્યકશિપુ બ્રહ્માજીના વરદાનથી છકી ગયો. સૌ દેવોને વશ કરી તે પોતાને જ ઇશ્વર માનવા લાગ્યો, પરંતુ આ રાક્ષસનો પુત્ર પ્રહલાદ મહાન વિષ્ણુભક્ત થયો. તે વિષ્ણુને જ ભગવાન માનતો અને પિતાના અહંકારને નકારતો. તેથી પિતા હિરણ્યકશિપુએ આવા વિષ્ણુભક્ત પુત્રનો સંહાર કરવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ ભગવદ્ભક્તિના પ્રતાપે પ્રહલાદને કોઈ આંચ ન આવી. છેવટે પુત્રને બાળી નાખવાનું ષડયંત્ર રચાયું. હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાને હુકમ કર્યો કે તેણે પ્રહલાદને ખોળામાં રાખી ચિતામાં બેસવું. હોલિકાએ પ્રહલાદને ખોળામાં લઈ ચિતામાં બેસવું બડ્યું. હોલિકાનું દહન થઈ ગયું, પરંતુ વિષ્ણુભક્ત પ્રહલાદ તો ચિતાની આગમાંથી હસતો-રમતો જીવતો બહાર નીકળ્યો!
અસતવૃત્તિની, આસુરી વિચારને સાથ આપનારી રાક્ષસી હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ, પરંતુ સદવૃત્તિ, દૈવિવૃત્તિ ધરાવનાર પ્રહલાદને કશી આંચ ન આવી. અધર્મ ઉપર ધર્મનો વિજય થયો, આસુરીવૃત્તિનો સંહાર થયો, દૈવીવૃત્તિનો વિજય થયો, આ વિજયના આનંદમાં બીજા દિવસે સૌ રંગની હોળી ખેલે છે. ધુળેટીનો ગુલાલ ઉડાડે છે.
ભવિષ્યપુરાણના ઉત્તરપર્વના અધ્યાય 132માં વળી એક બીજી કથા મળે છે. ઢૌંઢા નામની રાક્ષસીએ શિવજીને પ્રસન્ન કરીને અમરત્વનું વરદાન મેળવ્યું, પરંતુ ભગવાન શિવે ઉમેર્યું કે નવી ઋતુના પ્રારંભે તોફાની બાળકોથી તને ભય છે. તેથી રાક્ષસીએ અનેક બાળકોને મારી નાખીને રઘુરાજાની પ્રજામાં કાળો કેર વર્તાવ્યો. વશિષ્ઠ ઋષિએ રાક્ષસીને મારવાનો ઉપાય બતાવ્યોઃ ‘રાજન, આજે ફાગણ સુદ પૂર્ણિમા છે. આજે શિયાળો વિદાય લે છે અને સવારે ગ્રીષ્મનું આગમન થશે. આજે સૌ બાળકો લાકડાં ને છાણાં એકઠાં કરી, તેમાં અગ્નિ નાખી કિલકિલ શબ્દોથી ભારે શોર મચાવી તાળીઓ પાડે. અગ્નિની ત્રણ વાર પ્રદિક્ષણા કરી સૌ ગાન કરે, હાસ્ય કરે અને જેના મનમાં જેમ આવે તેમ બેધડક બોલે.’ ઋષિના આ વચન પ્રમાણે કરાતા પાપિણી ઢોંઢા રાક્ષસીનો સંહાર થયો. વળી, ભવિષ્યપુરાણમાં શ્રીકૃષ્ણ કહે છેઃ ‘હે યુધિષ્ઠિર! સર્વ દુષ્ટતાઓના નાશ માટે અને સર્વ રોગોની શાંતિ માટે આ પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો હોમ કરે છે, તેથી તો હોલિકા કહેવાય છે.’ હોળી તો છે વસંત ઋતુનો, પ્રેમવિલાસનો રંગોત્સવ. ઋતુરાજ વસંત એટલે ફૂલડાંની ફોરમ અને રંગરાગભરી મસ્તી. હોલિકોત્સવના ત્રણ ભાગ છેઃ વસંતપંચમીએ હોળીદંડની સ્થાપના, ફાગણ પૂર્ણિમાની રાત્રે હોળીદહન અને બીજા દિવસે ચૈત્રી વર્ષના પ્રથમ પ્રભાતે વસંતોત્સવ. વસંતોત્સવનાં ધુળેટી, ફાગ, ફગુઆ એમ વિવિધ નામ છે. ધુળેટીનાં ગીતો ખાસ કરીને વસંત, પ્રેમ, રાધાકૃષ્ણ લીલાગાન સંબંધી હોય છે. પ્રાંતીય ભાષાઓમાં તો આવાં અસંખ્ય લોકગીતો, ફાગુકાવ્યો રચાયાં છે. પ્રેમવિલાસના ઉત્સવોમાં ‘વસંતોત્સવ’ કે ‘મદનોત્સવ’નો સર્વપ્રથમ ઉલ્લેખ વાત્સ્યાયને ‘કામસૂત્ર’માં કર્યો છે. જૈમિનીય ‘પર્વમીમાંસા’માં પિચકારીઓથી એકબીજા ઉપર કરાતા જળ-છંટકાવને વસંતોત્સવ કહ્યો છે. ચૈત્ર માસના પહેલા દિવસે નવા વર્ષના સ્વાગત માટે વસંતોત્સવ ઊજવાય છે એમ ભોજરાજા જણાવે છે. ધુળેટીના દિવસે કામદેવની પૂજા કરવાથી અને આંબાનો મોર પીવાથી કામતૃપ્તિ થાય છે, એમ ‘ભવિષ્યપુરાણ’ કહે છે. પ્રાચીન ભારતમાં રાજમહેલોમાં અને જાહેરમાર્ગો ઉપર હોલિકોત્સવ કે વસંતોત્સવ ઉજવાતા. એનું સુંદર વર્ણ સાતમી સદીના કવિ હર્ષે રચેલી નાટિકા ‘રત્નાવલી’માં પ્રાપ્ત થાય છે. તાળીઓના તાલે અને મૃદંગના ધ્વનિએ, મન મૂકીને ગીત ગાતા અને નૃત્ય કરતા નગરજનોનું દૃશ્ય મનભાવન બની રહે છે. મદહોશ બનેલી કૌશામ્બી નગરીની કામિનીઓ અને કામીજનો એકબીજાનો હાથ પકડીને નાચે છે, પિચકારીઓથી જલપ્રહાર કરે છે. મૃદંગ અને ચર્મરી-ગીતધ્વનિથી શેરીઓ ગુંજી ઊઠી છે. ઉડાડેલા ગુલાલ અને સુગંધી દ્રવ્યોથી દિશાઓ ઘેરાઈ ગઈ છે. સ્ત્રીઓની સિંદૂરક્રીડાથી ધરતી રક્તવર્ણી બની છે. સાતમી સદીના કવિ બાણભટ્ટે ‘કાદંબરી’માં નવયુવતીઓની સોનાની પિચકારીઓમાંથી ઊડતી રંગબેરંગી જળધારાઓની ચિત્રવિચિત્ર બની જતા રાજા તારાપીડની રંગહોળીનું વર્ણન કર્યું છે.
વૃક્ષોનાં પર્ણે પર્ણે વસંત સોળે કળાએ ખીલી હોય, કેસૂડો મહોર્યો હોય, ત્યારે સૌ કોઈ મદહોશ બને, અબીલગુલાલનો છંટકાવ કરે એ સ્વાભાવિક છે, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે હોળીની અગ્નિમાંથી તો દૈવીવૃત્તિની શીતળતા પ્રગટાવવાની છે, ધુળેટીની ધૂળમાંથી પણ ગુલાબનાં ફૂલ ખીલવાનાં છે. હોળી-ધુળેટી તો વાસ્તવમાં જીવનને કેસૂડાથી મહેકતું કરવાનું રંગીન પર્વ છે.
(ખાસ નોંધઃ ‘ગુજરાત સમાચાર’ના કેલેન્ડર-2022માં હોળી-ધૂળેટી તહેવારોની તારીખ ભૂલથી ૧૮ - ૧૯ માર્ચ દર્શાવાઇ છે, જે ખરેખર ૧૭ - ૧૮ માર્ચ હોવી જોઇએ. આ ક્ષતિ બદલ દિલગીર છીએ. - વ્યવસ્થાપક)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter