જય ભોલે બાબા બર્ફાની.... અમરનાથ યાત્રાનો પ્રારંભ

પર્વવિશેષ

Thursday 29th June 2017 06:16 EDT
 
 

જમ્મુઃ ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. શિવભક્તોની પ્રથમ બેચમાં ૨૨૮૦ યાત્રિકોનો સમાવેશ થાય છે. આ યાત્રાળુઓ બાલતાલ કેમ્પ અને પહેલગામ બેઝ કેમ્પના માર્ગે અમરનાથ પહોંચશે.

ભારત-પાકિસ્તાન સરહદે તનાવપૂર્ણ માહોલ છે તો કાશ્મીરમાં લાંબા સમયથી અશાંતિ પ્રવર્તે છે. આ ઉપરાંત યાત્રાળુઓ પર આતંકવાદી હુમલાની આશંકાના પગલે સમગ્ર યાત્રા માર્ગ પર ૪૦ હજાર જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. ગુપ્તચર અહેવાલો અનુસાર કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓને ૧૦૦થી ૧૫૦ યાત્રાળુઓને અને ૧૦૦ પોલીસ જવાનોને ઠાર મારવાના સરહદપારથી આદેશ અપાયા છે. જોકે આતંકી હુમલાના ખતરા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં જરા પણ ઓટ આવી નથી.

અમરનાથ દર્શન: ૪૦ દિવસ, ૨.૩૦ લાખ યાત્રાળુ

• આતંકી હુમલાની આશંકા વચ્ચે ‘ચલો અમરનાથ’ના જયઘોષ વચ્ચે ભક્તો રવાના

• ૨૯ જૂનથી ૭ ઓગસ્ટ (રક્ષાબંધન) - ૪૦ દિવસ ચાલશે અમરનાથ યાત્રા

• ગુફા જમ્મુથી ૨૦૦ કિમી દૂર આવેલી છે

• ૧૨,૭૫૬ ફૂટની ઊંચાઈએ આવેલી છે ગુફા

• ગુફાની લંબાઈ ૧૬૦ ફૂટ અને પહોળાઈ ૧૦૦ ફૂટ

• ૨.૩૦ લાખ યાત્રાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

• સુરક્ષા માટે જમ્મુ-કાશ્મીર પોલીસ, બીએસએફ, સીઆરપીએફ, લશ્કરના ૪૦,૦૦૦ જવાનો તૈનાત

દરરોજ ૧૫ હજાર શ્રદ્ધાળુ દર્શન કરશે

કૈલાસ માનસરોવર પછી આ તીર્થ યાત્રા સૌથી મુશ્કેલ અને રોમાંચક મનાય છે. આ વખતે અમરનાથ યાત્રા ૮ ઓગસ્ટ એટલે કે પૂરા ૪૦ દિવસ ચાલશે. આ દરમિયાન ૨.૩૦ લાખ યાત્રાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરશે તેવો અંદાજ છે. આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખી આ વખતે યાત્રીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બાલતાલ અને પહેલગામ - આ બંને માર્ગો પર લોકલ પોલીસ સાથે જ સેના, બીએસએફ અને સીઆરપીએફના ૪૦,૦૦૦ જવાન તૈનાત કરાયા છે.

અમરનાથ ગુફા ક્યાં છે?

• અમરનાથ ગુફા દક્ષિણ કાશ્મીરના હિમાલયવર્તી ક્ષેત્રમાં શ્રીનગરથી ૧૪૧ કિમી. દૂર આવેલી છે.

• આ ગુફા ૩,૮૮૮ મીટર (૧૨,૭૫૬ કિમી)ની ઊંચાઈએ આવેલી છે.

• આ ગુફા ૧૬૦ ફૂટ લાંબી અને ૧૦૦ ફૂટ પહોળી છે.

• અહીં સુધી પહોંચવા માટે અનેક દુર્ગમ રસ્તાઓમાંથી પસાર થવું પડતું હોઈ યાત્રીની સુરક્ષા માટે ઘણી કડક સુરક્ષા ગોઠવવી પડે છે.

કોણ આયોજિત કરે છે યાત્રા?

તીર્થયાત્રા જમ્મુ-કાશ્મીર શ્રી અમરનાથજી તીર્થસ્થળ ધારા ૨૦૦૦ હેઠળ ગઠન કરાયેલ અમરનાથ તીર્થસ્થળ બોર્ડ (એસએએસબી) આયોજિત કરે છે. બોર્ડના અધ્યક્ષ જમ્મુ-કાશ્મીરના ગવર્નર હોય છે. યાત્રાની સિઝન દરમિયાન બાલતાલ અને પહેલગામમાં બે બેઝ કેમ્પ લગાવવામાં આવે છે. જ્યાં હજારો ટેન્ટમાં યાત્રીઓની સુવા-રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવે છે. બાલતાલથી પવિત્ર ગુફાનો રસ્તો ૧૪ કિલોમીટર છે, જ્યારે કે પહેલગામથી આ અંતર ૫૧ કિલોમીટર છે.

કેટલા શ્રદ્ધાળુ દર્શન કરશે?

સામાન્ય રીતે આ યાત્રા ૨ મહિનાની હોય છે, પરંતુ આ વખતે તેનો સમય ઘટાડીને ૪૦ દિવસ કરાયો છે.

• ગત વર્ષે (૨૦૧૬માં) આ યાત્રા ૪૮ દિવસની રાખવામાં આવી હતી.

• આ વર્ષે આ યાત્રા માટે ૨.૩૦ લાખ યાત્રિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

• ૧૩ વર્ષથી ઓછી વયના તથા ૭૫ વર્ષથી વધુ વયના તેમ જ ૬ માસની ગર્ભવતી મહિલાઓને યાત્રા કરવાની પરવાનગી અપાતી નથી.

• વર્ષ ૨૦૧૫માં અહીં ૩,૫૨,૭૭૧ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા.

• ગત વર્ષે યાત્રા દરમિયાન અલગ-અલગ કારણોસર ૨૭ અમરનાથ યાત્રીઓના મૃત્યુ થયા હતા.

• વર્ષ ૨૦૧૬માં પવિત્ર ગુફાના દર્શન માટે ૨,૨૦,૪૯૦ યાત્રાળુઓ પહોંચ્યા હતા, જ્યારે કે લગભગ ૩.૨૦ લાખ યાત્રાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

• આ યાત્રા માટે નિરોગી હોવું અને રજિસ્ટ્રેશન કરાવવું આ બે મુખ્ય શરતો છે.

શિવલિંગની વિશેષતા

• શિવલિંગનું નિર્માણ ગુફાની છત પરથી પાણીની બુંદોના ટપકવાથી થાય છે.

• આ બુંદો નીચે પડતાં જ બરફનું સ્વરૂપ લઈ લે છે.

• આ બરફની બુંદોથી ૧૨થી ૧૮ ફૂટ તો ક્યારેક ૨૨ ફૂટ જેટલા ઊંચા શિવલિંગનું નિર્માણ થાય છે.

• વૈજ્ઞાનિકોના મતે જે કુદરતી સ્થિતિમાં આ શિવલિંગ નિર્માણ થાય છે, તે વૈજ્ઞાનિક તથ્યોથી અલગ છે. આ જ વાત છે કે આ શિવલિંગ સૌથી મોટું અચરજ છે.

• વાસ્તવમાં વિજ્ઞાનના નિયમ મુજબ બરફ જમાવવા માટે શૂન્ય ડિગ્રી તાપમાન જરૂરી છે, પરંતુ અમરનાથ યાત્રા દર વર્ષે જૂન-જુલાઈમાં શરૂ થાય છે, તે સમયે આટલું નીચું તાપમાન સંભવ નથી.

અમરનાથની ધાર્મિક વાર્તા

૧. ઘણા સમય પહેલાં કાશ્મીર ઘાટી પાણીમાં વિલીન થઈ ગઈ હતી અને કશ્યપ મુનિએ અનેક નદી અને નાળાઓ દ્વારા તેમાંનું પાણી કાઢી નાખ્યું. જ્યારે પાણી ઊતરી ગયું તો ભૃગુ ઋષિએ ભગવાન અમરનાથના દર્શન કર્યા. ત્યાર બાદ તે ભગવાન અમરનાથનું સ્થાન બની ગયું અને તીર્થયાત્રીઓ અહીં દર્શન કરવા આવવા લાગ્યા.

૨. બુટા મલિક નામનો ભરવાડ એક દિવસ ઘેંટા ચરાવતા-ચરાવતા ઘણો દૂર નીકળી ગયો. જંગલમાં તેને એક સાધુ મળ્યા. તે સાધુએ તેને કોલસા ભરેલી એક કાંગરી આપી. ઘરે પહોંચીને જોયું તો તેમાંથી સોનું મળ્યું. તે જ સમયે તે સાધુનો આભાર માનવા ગયો, પરંતુ ત્યાં સાધુની જગ્યાએ ગુફા જોવા મળી હતી.

૩. ગુફાનું મહત્ત્વ એ માટે પણ છે કે અહીં ભગવાન શિવે તેમની પત્ની પાર્વતી દેવીને અમરત્વનો મંત્ર સંભળાવ્યો હતો. એક માન્યતા છે કે ભગવાન શિવ ખુદ આ ગુફામાં પ્રગટ થાય છે.

અમરનાથ ગુફા સાથે જોડાયેલી માન્યતા

પુરાણોમાં એવું કહેવાય છે કે અમરનાથના દર્શનથી કાશીના દર્શન કરતાં ૧૦ ગણું, પ્રયાગના દર્શનથી ૧૦૦ ગણું અને નૈમિષારણ્યના દર્શનથી ૧,૦૦૦ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.

એવી કિવદંતી છે કે રક્ષાબંધનની પૂર્ણિમાએ ભગવાન શંકર સ્વયં શ્રી અમરનાથની ગુફામાં પધારે છે. આ જ દિવસે છડી મુબારક પણ ગુફામાં બનેલા હિમ શિવલિંગ પાસે સ્થાપિત કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે અમરનાથ ગુફાની અંદર હિમ શિવલિંગના દર્શનથી મનુષ્યને ૨૩ પવિત્ર તીર્થોના પુણ્ય જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter