દશેરાઃ અધર્મ પર ધર્મના વિજયનો દિવસ

પર્વવિશેષ

Monday 10th October 2016 08:48 EDT
 
 

દશેરા એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આસો માસના સુદ પક્ષની દશમી તિથિએ (આ વર્ષે ૧૧ ઓક્ટોબર) તેની ઉજવણી થશે. ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો, તેથી આ પર્વને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દશમીને દશેરા કે વિજયાદશમીના નામે પણ ઓળખવામાં આવે છે. દશેરા વર્ષની ખૂબ જ શુભ તિથિઓમાંથી એક છે. બાકીની બે ચૈત્ર સુદ અને કારતક સુદની અગિયારસ છે.

દશેરાના દિવસે લોકો નવું કાર્ય શરૂ કરે છે, શસ્ત્રપૂજા કરવામાં આવે છે. વાહનપૂજા કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં રાજાઓ આ દિવસે પ્રાર્થના કરીને વિજયની કામના સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરતા હતા. આ દિવસે ઘણી જગ્યાએ મેળા ભરાય છે. રામલીલાનું આયોજન થાય છે. રાવણનું પૂતળું બનાવીને તેનું દહન કરવામાં આવે છે. દશેરા પર્વને ભગવાન શ્રીરામના વિજય તરીકે અથવા દુર્ગાપૂજા તરીકે મનાવવામાં આવે છે. એક રીતે જોઈએ તો બંને પર્વ શક્તિપૂજાના છે, શસ્ત્રપૂજનની તિથિ છે. હર્ષ અને ઉલ્લાસ તથા વિજયનું પર્વ છે. ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે. વ્યક્તિ અને સમાજમાં વીરતા પ્રગટ થાય તેના માટે દશેરાનો ઉત્સવ મનાવવામાં આવે છે.

આસો માસનાં નવ નોરતાંની સમાપ્તિના બીજા દિવસે ઉજવાતો આ તહેવાર વર્ષાઋતુની સમાપ્તિનો પણ સૂચક છે. આ દિવસે ચોમાસાના પ્રારંભે સ્થગિત કામકાજ ફરીથી શરૂ કરવામાં આવે છે. દશેરા એ ભગવાન શ્રીરામની પૂજાનો દિવસ છે, તેથી આ દિવસે ઘરના દરવાજે ફૂલ-આસોપાલવનાં તોરણ બાંધવામાં આવે છે. ઘરમાં રાખેલાં શસ્ત્ર, વાહન વગેરેની પૂજા પણ કરવામાં આવે છે. લંકાપતિ રાવણ પંડિત, તપસ્વી, બુદ્ધિમાન અને પરાક્રમી પુરુષ હતો, પરંતુ તે અતિશય લોભી અને અભિમાની હતો. તેણે પોતાની શક્તિઓનો હંમેશાં દુરુપયોગ જ કર્યો હતો. બ્રાહ્મણ કુળમાં જન્મેલો અને તપસ્વી ઋષિનો પુત્ર હોવા છતાં તે દાનવરાજ બન્યો, કારણ કે તેની બુદ્ધિ દસ વિકારોમાં ફસાયેલી હતી, તેથી જ સમસ્ત બ્રહ્માંડમાં બ્રહ્મા અને દેવી સરસ્વતી પછી ચારેય વેદ મુખપાઠ ભણનારો રાવણ દસ માથાંવાળા દુરાચારી તરીકે પ્રસિદ્ધ થયો.

રાવણનાં દસ માથાં વાસ્તવમાં તેનામાં રહેલા દસ વિકારોનું પ્રતીક છે. દશેરાનું પર્વ દસ પ્રકારનાં પાપ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, હિંસા અને ચોરીના પરિત્યાગની સદ્પ્રેરણા આપે છે.

નવ દિવસ સુધી શક્તિની આરાધના કર્યા પછી અજેય નામનું બાણ મેળવીને ભગવાન શ્રીરામે દશેરાના દિવસે જ લંકાપતિ રાવણનો વધ કર્યોં હતો. જોકે, રાવણ પરમ જ્ઞાની પંડિત હતો, પરંતુ મનમાં અહંકારના ભાવને કારણે તેણે માતા સીતાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો અને અશોકવાટિકામાં કેદ કરવાનું દુસ્સાહસ કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપ ભગવાન શ્રીરામ હનુમાનજીની મદદથી રાક્ષસરાજ રાવણને પરાસ્ત કરવામાં સફળ થયા હતા. તેમણે રાવણને યુદ્ધમાં પરાસ્ત કરીને, સીતાને મુક્તિ આપવાનું મહાન કાર્ય કરીને દશમીના દિવસને પાવન કરી દીધો. શ્રીરામે રાવણના અહંકારને ચૂરચૂર કરીને સમગ્ર જગતને મૂલ્યવાન શિક્ષા આપી, જેની આપણાં રોજિંદા જીવનમાં જરૂરી છે. શ્રીરામની આ શીખ માનવીય જીવનમાં ખૂબ જ ઉપયોગી સિદ્ધ થશે. આપણે પણ આપણાં જીવનમાં અહંકાર, લોભ, લાલચ અને અત્યાચારી વૃત્તિઓને ત્યાગીને ક્ષમારૂપી બનીને જીવન જીવવું જોઈએ.

દશેરા ઉજવણીની ખાસ બાબતો

• દશેરાના દિવસે લોકો પોતાના ઘરના દરવાજે ફૂલ-આસોપાલવનું તોરણ બાંધીને આ શુભ દિવસનો ઉત્સવ મનાવે છે. • લોકો પોતાની ક્ષમતા પ્રમાણે સોના, ચાંદી, વાસણ વગેરેની ખરીદી કરે છે. • મંદિરમાં જઈને રામ-સીતા અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. • રાવણરચિત શિવતાંડવ સ્તોત્રથી ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. • કેટલીક જગ્યાએ રાવણદહન પછી એકબીજાને ઘરે જઈ દશેરાની શુભકામનાઓ આપી મોં મીઠું કરવામાં આવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter